ખુશી – પતિની ખુશીમાં પોતાની ખુશી શોધતી એક પત્ની…

ખુશી”

રાજ ટીવી જોઈ રહ્યો હતો. તેની પત્ની મીરા તેની તરફ આવી. મીરાને બાજુમાં ઉભેલી જોઈને પણ રાજે તેની તરફ ના જોયું.

એટલે મીરાએ ગુસ્સે થઇને કહ્યું, “મારે સિરિયલ જોવી છે. ચલો લાવો ટીવીનું રિમોટ મને આપી દો.”

“અરે! ઘડીક ખમ મેચ ચાલે છે. રસાકસી આઈ છે મેચમાં, અત્યારે રિમોટ નહીં મળે.” રાજે તેની પત્ની મીરાને કહ્યું.

“રિમોટ આપો નહીંતર ટીવીની સ્વીચ બંધ કરી દઈશ.” દુનિયાની કોઈ પણ પત્નીની જેમ મીરાએ પણ તેનો બ્રહ્માસ્ત્ર ઉપાય જાહેર કર્યો.

“ના હો. સારું ચાલ બસ પાંચ મિનિટ આપ. છેલ્લા બોલમાં ચાર રન કરવાના છે. થોડુંક સાઈડમાં આવી જા જલ્દી.” રાજે કહ્યું.

આ સાંભળીને મીરા વધુ ગુસ્સે થઇને સોફા પર આવીને બેસી અને બોલી ઉઠી, “પત્નીની તો કોઈ કદર જ નહીં.”
રાજ ટીવી તરફ જોઈ રહ્યો હતો અને અચાનક જ મીરાએ રાજ સામે જોયું.

એક બાજુ ટીવીમાં વિરાટ કોહલીએ છેલ્લા બોલમાં ચોકો મારી ઇન્ડિયાને જીતાડ્યુ અને કોઈક પણ ક્રિકેટના ચાહકની જેમ રાજના ચહેરા પર પણ અપાર ખુશી છવાઈ ગઈ.

તે એક એવો સમય હતો કે દરેક ક્રિકેટનો પ્રેમીના ચહેરા પર કોહલીના કારણે સ્મીત હતું પણ ગુસ્સે ભરાયેલી મીરાને તો ખબર પણ ના પડી કે ક્યારે તે રાજના ચહેરા પર સ્મીત જોઈને પોતે ખુશ-ખુશાલ થઇ ઉઠી હતી.
એવી ખુશી તેણે ભાગ્યે જ પહેલા મહેસુસ કરી હતી.

વાયદા પ્રમાણે રાજે ચેનલ બદલીને મીરાને રિમોટ આપ્યું અને પૂછ્યું, “લે બસ હવે તો ખુશ ને.”
નાદાન મીરા કંઈ બોલી નહીં પણ તેના પતિના મૂખ પર રહેલી ખુશી જોઈને હરખાતાં-હરખાતાં બસ માથું હલાવી દીધું.
આવી જ ઘણી કહી-અનકહી વાતો એટલે પ્રેમ

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ  ” જલ્સા કરોને જેંતીલાલ”  

ટીપ્પણી