હેપી રક્ષાબંધન ગાંડી – વાંચો અને યાદ કરો તમારાથી દુર હોય તેવા ભાઈ અને બહેનને…

“હેપી રક્ષાબંધન ગાંડી”

રક્ષાબંધનનો દિવસ હતો. રાજ સવારનો ચિંતાતુર હતો. હજુ સુધી તેની રાખડી નતી આવી.

તેણે કુરિયર કંપનીમાં ફોન કર્યો હતો જેમણે આશ્વાશન આપ્યું હતું કે રાખડી જલ્દી આવી જશે.

ડોર બેલ વાગતા જ રાજ દરવાજા તરફ દોડ્યો પણ દરવાજાની બીજી બાજુ ઘરની સફાઈ કરવાવાળા બહેન આવ્યા હતા.

આખરે નિરાશ થઇને રાજ દરવાજો બંધ કરવા જઈ રહ્યો હતો ત્યાંજ તેણે  કુરિયરવાળા ભાઈને જોયા.

કુરિયરવાળા ભાઈ પાસેથી કુરિયર લઈને રાજ દરવાજો બંધ કરવા ગયો અને  ત્યાંજ કુરિયરવાળા ભાઈએ કહ્યું, “સાહેબ, કુરિયરના રૂપિયા તો આપો.”

“શું? કુરિયર પેઈડ નથી? તેના રૂપિયા બાકી છે?” રાજે પૂછ્યું.

“હા સાહેબ, કેશ ઓન ડીલીવરીમાં આવેલું છે આ કુરિયર.” કુરિયરવાળા ભાઈએ જણાવ્યું.

રાજ ઘરમાંથી પાકીટ લઈને આવ્યો અને કુરિયરના રૂપિયા આપ્યા. ઘરનો દરવાજો બંધ કરી રાજ ઘરની અંદર આવ્યો. તેણે રાખડી બાંધી અને તેની બહેન પ્રિયંકાને ફોન કર્યો.

ફોન ઉપાડતા જ  પ્રિયંકા બોલી, “હા ભાઈ, રાખડી મળી ગઈ?”

“હા મળી ગઈ. પણ તું નહીં સુધરે નહીં કંજુસ. રાખડીના રૂપિયા પણ મારી પાસે અપાવડાવ્યા. આટલું બધું કમાય છે પણ ભાઈને તે કેશ ઓન ડીલીવરીમાં રાખડી મોકલે છે. એક નંબરની નમૂની છે તું.” રાજે તેની બહેનને દિલ ખોલીને કહ્યું.

ફોનની બીજી બાજુ પ્રિયંકા પોતાની શેતાની પર દિલ ખોલીને હસી અને પછી કહ્યું, “ભાઈ, તને ખબર તો છે કે તને હેરાન કરીને જ હું તને રાખડી બાંધતી અને તારું નાક ખેંચતી. આ વર્ષે તારાથી દૂર હતી એટલે મેં વિચાર્યું તને આ રીતે હેરાન કરીને તારું નાક ખેંચી લઉં. હેપી રક્ષાબંધન ભાઈલા.”

પ્રિયંકાની આ માસુમિયતભરી શેતાની સાંભળીને રાજનું દિલ પણ ખુશ થઇ ગયું અને તેણે કહ્યું, “હેપી રક્ષાબંધન ગાંડી.”

…અને પછી પ્રિયંકાને વધારે હેરાન કરી તેને ચીડાવવા માટે રાજે કહ્યું કે સારું તો તને ગીફ્ટમાં મોકલેલ ફોન મેં કેન્સલ કરી દીધો છે અને તેને કેશ ઓન ડીલીવરી કરાવીને ફરી ઓર્ડર કરું છું.

પછી શું થાય? બંન્ને હંમેશાની જેમ એકબીજા સાથે ભાઈ બહેનના માસુમિયતવાળા ઝગડાંમાં મશગુલ થઇ ગયા. ભાઈ-બહેનના પ્રેમની ખાસ વાત કંઈક આજ છે. એકબીજાનું નાક ખેંચશે તો પણ પ્રેમથી.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી નાની નાની ખુશીઓની વાર્તાઓ વાંચો ફકત અમારા પેજ પર.

ટીપ્પણી