ગુલાબજાંબુ – આ યુવાને ખૂબ સરળતાથી માનવી લીધી પોતાની માતાને…

“ગુલાબજાંબુ”

લગ્નમાં આવેલ ઘણી છોકરીઓના માંગામાંથી રાજે એક છોકરી પસઁદ કરી અને તેનો બાયોડેટા તેની માતાને બતાવ્યો. બાયોડેટા તો ઘણો સરસ હતો પણ છોકરીના ફોટા જોઈ રાજની માતા અચકાઈ. આખરે તેમણે છોકરીનો ફોટો હાથમાં પકડીને દિલ ખોલીને રાજને પૂછ્યું,”પણ તને આ છોકરી કેમ ગમે છે? જો તો ખરા શ્યામ લાગે છે.”

રાજ સમજદાર હતો. તે તેની માતા અને સમાજ દ્વારા પુછાતા આવા પ્રશ્નોથી વાકેફ હતો. છતાંય તેને તેની માતાના સૂરમાં સૂર પુરાવતા કહ્યું કે વાત તો ખરી છે તારી, ચાલ મને એમ કહે કે તને શું વધારે ભાવે છે તે હું આજે તારી માટે લેતો આવું, “ગુલાબજાંબુ કે ઈડલી?”

“લે તને ખબર તો છે દીકરા કે તારી મમ્મી ગુલાબજાંબુની શોખીન છે. ઈડલી કોણ ખાય વળી, હું તો નહીં જ.” રાજની માતાએ કહ્યું. “અચ્છા, લે કેમ મમ્મી? ગુલાબજાંબુ તો કાળું કટ હોય છે, જયારે ઈડલી તો ધોળામાં ધોળી. પાછું તને તો સફેદ રંગ ગમે છે ને.” રાજે કહ્યું.

“પણ…”, ફક્ત આ શબ્દ બોલીને રાજની માતા અચકાયા અને રાજે ઉમેર્યું, “હા મમ્મી, જેમ સ્વાદ તે ખોરાકની ઓળખાણ છે, તેવી જ રીતે ભણતર અને સઁસ્કાર માણસની, રંગ નહીં.”

આ સાંભળીને રાજની માતાએ મુસ્કુરાઈને કહ્યું, “તું ખરેખર મોટો થઇ ગયો છું દીકરા. તારી વાત સાચી છે. સારું ચાલ હું આ દીકરીના પરિવાર સાથે વાત આગળ વધારું પણ એક શરત પર?”
“શું શરત મમ્મી?” રાજે પુચ્છું.

“મારા માટે આજે ગુલાબજાંબુ જ લાવું પડશે. હું ગુલાબજાંબુ જ ખાઈશ, ઈડલી-બીડલી નહીં.” રાજની માતાએ કીધું.
“વાંધો નહીં, હું સુગર-ફ્રી લાઇશ.” રાજે ત્વરિત ઉત્તર આપ્યો અને બંને માં-દીકરો સાથે હસી પડ્યા.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની અવનવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી