ગુલાબી સાડી – એક પતિએ યાદ અપાવી એક પત્નીને તેની માતા…

“ગુલાબી સાડી”

મીરાના પિતાનો જન્મદિવસનો પ્રસંગ હતો.
એક રેસ્ટોરન્ટમાં ડીનર પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતું.

રાતના સાત વાગી ગયા હતા. પરંતુ રાજ અને મીરા હજુ પણ તેમના ઘરે હતા.
દુનિયાની કોઈ પણ સ્ત્રીની જેમ મીરા પણ ઢગલો સાડીઓ અને કપડાં હોવા છતાં આદત મુજબ ગૂંચવાયી ગઈ હતી કે કઇ સાડી પહેરે.

નવા શર્ટ-પેન્ટ પહેરી પાંચ મીનીટમાં રાજ તૈયાર થઇ ગયો અને તેણે મીરાને પૂછ્યું, “તૈયાર?”
“હેં? ક્યાંથી તૈયાર? હજુ તો કંઈ સાડી પહેરવી તે વિચારું છું. જોને કોઈ સારી સાડી છે જ નથી મારી પાસે.” મીરાએ કહ્યું.
રાજે આશ્ચ્રર્ય સાથે કહ્યું, “આપણા કપબોર્ડમાં મારા ગણીને માંડ દસ જોડ કપડાં છે. આખું કબાટ તારી સાડીઓથી ભરેલું છે. સાડીઓની દુકાન ખુલી જાય તેટલી સાડીઓ છે અને તું કહે છે કે કપડાં નથી?”

“તમે એક કામ કરો, બહાર જાઓ. તમને ખબર ના પડે.” આમ કહીને મીરાએ રાજને બહાર મોકલવાનો પ્રયાશ કર્યો.
આખરે મીરાને વધારે પડતી ગૂંચવાયી જોઈને રાજ કપબોર્ડ તરફ ગયો અને કપબોર્ડમાંથી ગુલાબી રંગની સાડી કાઢી અને મીરાને આપતા કહ્યું, “એક કામ કર. આ પહેર.”
ગુલાબી રંગની તે સાડી હાથમાં લઈને મીરાએ કહ્યું, “પણ રાજ આ તો…”

ત્યાંજ રાજે કહ્યું, “હા, ખબર છે. આજ પહેર. ખૂબ જ સરસ લાગીશ.”
આખરે મીરાએ રાજની વાત માની અને ગુલાબી રંગની સાડી પહેરી અને બંને રેસ્ટોરન્ટ પર પહોંચ્યા.
ત્યાંજ મીરાની ભાભીએ તેમને આવકાર્યા અને ત્યાં જ તેમણે મીરાને એકલામાં પૂછ્યું, “અરે! ઢગલો સાડીઓ છે તમારી પાસે, પણ તે પાછી આ ગુલાબી રંગની સાડી કેમ પહેરી?”
તે જ સમયે મીરાના પિતા તેની પાસે આવ્યા અને કહ્યું, “દીકરી, તે હજુ સુધી આ સાડી સાચવીને રાખી છે. વાહ, સરસ-સરસ. ખુબ જ ખુબસુરત લાગે છે દીકરી, તું તારી મમ્મીની આ સાડીમાં.”

મીરાએ તેની સ્વ. માઁની સાડી પહેરી હતી જે જોઈને મીરાના પિતા ખુશ-ખુશ થઇ ગયા હતા. તેમના માટે તો એ તે સાંજનું સૌથી ખુબસુરત ભેટ હતી.

તે જાણીને મીરાએ તેનાથી અમુક પગલાં દૂર ઉભેલ રાજ સામે જોઈને વગર અવાજે હોઠ હલાવતા કહ્યું, “થેન્ક યુ.”
અને રાજે તેના હોઠને મુસ્કુરાહટમાં બદલી, પોતાની આંખની પાંપણો ક્ષણ માટે બંધ કરીને મીરાના પ્રેમને આવકાર્યો.
ખરેખર, દુનિયાની કોઈ પણ દીકરી માટે તેના માતાની સાડી સમાન ખુબસુરત કોઈ કપડું નથી.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી