ધર્મ અને સમાજની મુર્ખતા – આજના દિવસે અચૂક વાંચો !

ખૂબ જ આધ્યાત્મિક ઘણાતો સમાજ હવે અધ્યાત્મ છોડી ને ધીરે ધીરે માનસિક વિકારો તરફ આગળ વધી રહ્યો છે. જે ધર્મ અને સમાજ વ્યવસ્થાઓને આજથી સદીઓ પૂર્વ માણસને એક જૂથમાં જકડી રાખવા માટે બનાવવામાં આવ્યા હતા. આજે એજ સમાજ અને ધર્મના લોકો એક બીજાના હાથ પણ પકડીને ઉભા ન રહી શકે એવા સમયનું આપણે અજાણ પણે નિર્માણ કરી ચુક્યા છીએ.

કારણ કે જે સ્થિતિ આજે આપણી પાસે છે એ વિચારોનું મૂળ તો પ્રાચીન સમાજ પાસે ક્યારેય હતું જ નહીં. જે આપણે રામરાજ્ય સ્વીકારીને અપનાવ્યું હતું એને આપણે જાતે જ બદલાવ લાવીને ખૂબ જ ધીમી ગતિએ રાવણરાજ્યમાં ફેરવ્યું છે. દેશની જે સ્થિતિ છે એના જવાબદાર આપણે છીએ પણ, આ સ્થિતિને સ્વીકારે એવા ધર્મ કે સમાજ અત્યારે હયાત છે કેટલા…???

એનો જવાબ છે એક પણ નહીં..

આપણે વિકાસના નામે દેશની અને ધર્મ સમાજ બધાયની સમાધીઓ ખોદી નાખી છે. જેને આપણે સનાતન ધર્મ કહીને કોલર પકડીએ છીએ એ ધર્મને પણ આપણે જ નેસ્ત નાબૂદ કરી નાખ્યો છે. જે ધર્મની પ્રાચીનતા સાબિત કરવાની કોશિશો થઈ રહી છે એ ધર્મ પણ ક્યારેય આટલો સંકુચિત માર્ગ તો ન જ હતો. પણ એ વીશાળ લાંબા માર્ગને આપણે જ આપણી જરૂરિયાતો મુજબ બદલતા રહીને સંકુચીત કરી દીધો છે. જેમ શહેરોમાં બનાવેલા રસ્તા ગેરકાયદેસર અધિકાર કરીને બનતા મકાનોના પાયા નીચે પૂરાતા જાય છે. એજ પરિસ્થિતિઓ નું નિર્માણ આજે આપણા સમાજે ધર્મ અને સમાજના રસ્તે કર્યું છે. જેમ જેમ માણસોના વિચાર અને ગીચતા વધતી રહી એમ એમ એના માર્ગો પર ગેરકાયદેસર બાધકામ વધતું ગયું અને નવાઈ તો એ છે કે ખૂબ જ ધીમી ગતિએ ક્યારે એ કાયદેસર બાંધકામ કહેવાઈ જવા લાગ્યું એની આપણને જાણ જ નથી રહી.

જેમ સમય સાથે સતત બોલાતું જુઠ્ઠાણું પણ નિયત સમય બાદ સત્ય લાગવા લાગે એમ ધર્મની વિભાવનાઓમાં સતત ખૂબ જ ધીમો બદલાવ આવતો ગયો. પણ આજે ધર્મ અને સમાજ એ એટલો બદલાવ પામી ચુક્યો છે કે એમાં પ્રાચીન અને પૌરાણિક ધર્મ કે સમાજની કોઈ જ વાસ્તવિકતા અસ્તિત્વ ધરાવતી નથી. ધર્મના ધર્મ ગુરુઓ અને દરેક સમાજના અગેવાનોએ સમય સાથે પોતાના માન મરતબા અને વિચારો થોપી શકાય એ મુજબ બદલી બદલીને એને સંપૂર્ણ પણે બદલી નાખ્યો છે. આજના યુગના માનવોની વિકારાત્મક વૃત્તિને જોતા કોણ માની શકવાનું કે વાતસ્યાયન કામસૂત્ર લખી શક્યા હતા. અથવા વાતસ્યયનને સન્યાસીની કક્ષામાં મૂકી શકાય છે. કોઈ કાળે શક્ય નથી જે સેક્સ નામ માત્રથી ખળભળી ઉઠે છે એ સમાજ પોતે સેક્સની દેન છે, એ વાત સર્વસ્વીકૃત હોવા છતાં એ આ આખી વ્યવસ્થાના વિરોધમાં ઉભો થઇ ગયો છે. જે સ્થિતિનું પરિણામ આખું સૃષ્ટિ ચક્ર છે એ સ્થિતિને જ આ ધર્મ અને સમાજે પાપ જાહેર કરી દીધુ છે.

પણ એમની આ પાપ જાહેર કર્યાની સ્થિતિઓ એ જ તો સમાજ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાની કુંડળીમાં શનિ બનીને પગપેસારો કરી નાખ્યો છે. એનાથી એના ઠેકેદારો પોતે પણ આજ સુધી અજાણ છે. આ એજ લોકો છે જેમણે પથ્થરને ઈશ્વર બનાવ્યો છે અને ઈશ્વર ને પથ્થર કદાચ એટલે જ આપણે પણ હવે પથ્થરમાં ઈશ્વર શોધવા અને ઈશ્વરમાં પથ્થર શોધવા માટે ટેવાઈ ગયા છીએ. આપણને મંદિરમાં શુકુન તો મળે છે પણ ઘરમાં બેઠેલી ઘરડી મા આપણને માથાનો દુખાવો લાગવા લાગી છે. કારણ છે આપણને જીવતા માણસમાં ઈશ્વર શોધતા કોઈએ શીખવ્યા જ નથી. આપણે તો બસ પથ્થર અને ફોટાઓમાં જ એનો સાક્ષાત્કાર કરતા આવ્યા છીએ. અને એ પ્રક્રિયા સરળ હોવાથી સ્વીકૃત થવામાં પણ ખાસ મુશ્કેલીઓ પડી નથી. જીવંત માણસોને સાચવવા કરતા પથ્થરની મૂર્તિ અને ફોટા સાચવવા આપણને વધુ સરળ લાગવા લાગ્યા છે. અને ગોળમાં ઘી જેવું એ પણ કે સમાજ અને ધર્મે પણ આ સ્થિતિને સહર્ષ સ્વીકારી છે.

આજના ધર્મે માણસોને વહેંચી નાખ્યા છે અને સમાજે ધર્મના ચોખટામાં બંધાયેલા માણસોના વ્યવહાર વિચારોને પણ બદલી નાખ્યા છે. પરિણામ એ આવ્યું કે માણસ સામાજિક અને ધાર્મિક બનવાના ચક્કરમાં માણસ પોતે એક માણસ ન બની શક્યો. ધર્મે આપણા જીવનની મંઝિલ અને પ્રવાહ નક્કી કરી નાખ્યો અને સમાજે એને કઇ રીતે વહેવું, ક્યાંથી વહેવું, ક્યાં ન વહેવું, કેમ ન વહેવું, જેવા મૂલ્યહીન ધારાધોરણો ઘડી કાઢ્યા. પાછા એટલી હદે આ બધા નિતિ-નિયમોને આપણે સ્વીકૃત થવા ઉપર ભાર મુક્યા કર્યું કે એના બહાર જનારને આપણે ધર્મ અને સમાજ માંથી બરખાસ્ત કરી નાખવા સુધીના શાસ્ત્રો પણ ઘડી કાઢ્યા.

આ શાસ્ત્રોના ચક્કરમાં માણસ માણસથી દૂર થઈ ગયો. માણસ જ્ઞાનથી દૂર થઈ ગયો અથવા એમ કહો કે ધર્મ અને સમાજના આંધળા રસ્તા પર જ્ઞાનનો પ્રકાશ પણ એમને અંધકાર જનક અને ભ્રામક લાગવા લાગ્યો. માણસ એટલી હદે ધર્મ અને સમાજને વળગી ગયો કે એ એના ચોખટામાં ફિટ થવા માટે શાસ્ત્રોને પણ ભૂલી ગયો અને વાસ્તવિક તથ્યમાંથી નીકળીને આભાસી તથ્યોમાં અટવાઈ ગયો.

ગીતા ભૂલીને ગીતાના નામે મળતા બિનજરૂરી મૂલ્યોને સ્વીકારવા લાગ્યો. જે જ્ઞાન પ્રાથમિક જરૂર હતું એનું સ્થાન ધર્મ લઇ લીધું અને ત્યારબાદ સમાજ વ્યવસ્થાએ પોતાનું સ્થાન મઝબૂત કર્યું. આમ જ્ઞાન ધીરે ધીરે પાછળ ધકેલાતું ગયું અને ધર્મની આંધળી દોટ એ વાસ્તવિક અને સનાતન હોવાનું સ્વીકૃત થતું ગયું. આમાને આમા માણસ એક ધર્મ અને સમાજનું પ્યાદુ બનતો ગયો અને ધર્મ અને સમાજ શક્તિશાળી રાજા સ્વરૂપે બેસી ગયો. પછી તો અંધેર નગરી અને ગંડું રાજાની કહાની જાણે આજે પણ સમાજમાં વાસ્તવીક પણે જીવાતી થઈ ગઈ છે.

આ સમાજે માણસ જીવનના દરેક પડાવ માટે એટલા ચુસ્ત ધારા-ધોરણો ઘડેલા છે કે એની લાગણીઓનું કોઈ સ્થાન નથી રહ્યું. પરિણામ સ્વરૂપે આજની અસભ્ય 21મી સદીનું નિર્માણ થયું. ઓછામાં પૂરું આપણે આ બધો દોષ લાવીને માણસ પર જ થોપી દીધો. આજનો જે ધર્મ અને સમાજ આ આખી પરિસ્થિતિના નિર્માણનું કારણ છે એને જ દુનિયા પાછી રોકાવાનું કારણ પણ ઘણી દેવામાં આવે છે.

એક પરિસ્થિતિ આધારિત આખી વાતને સમજવાની કોશિશ કરીએ, કે આખર કઇ રીતે આ સમાજ એક માણસને માણસમાંથી સમાજ અને ધર્મનું પ્યાદુ બનાવી દે છે. લાગણીઓ હંમેશા ધર્મ અને સમાજના વિરોધમાં માણસના દિલમાં ઉદ્ભવી અને શાંત થતી હોય છે. આ લાગણીઓ જ માણસને સમાજ અને ધર્મ સામે બળવો કરાવે છે. કારણ કે આ લાગણીઓ આજના સમાજના કોઈ પણ નીતિ નિયમો અને ધારા-ધોરણોને નથી સ્વીકારતી. એ તો નિરંતર વહેતા સમય જેવી છે જે માત્ર પોતાની ગતિએ નિરંતર વહેંતી જ રહે છે.

લાગણીઓ પાણી જેવી છે અને જીવન નદી જેવું એમાં જ્યારે સામાજિક બંધ બાંધવામાં આવે ત્યારે જીવનની નદી બંધના નિયત ચોકઠામાં બંધાઈ જાય છે પણ ક્યાં સુધી…? જ્યારે લાગણીઓનો વહાવ વધે ત્યારે…? જેમ અતિવૃષ્ટિના સંજોગોમાં પણ પાણીનો પ્રવાહ બંધોમાં સતત વધતા જવાથી બંધના દરવાજા ખોલીને એને અમુક માત્રામાં વહાવવો ફરજિયાત બની જાય છે, પણ… આપણો સમાજ તો કોઈ જ પરિસ્થિતિમાં એકેય દરવાજો ખોલવાની મંજૂરી આપણને કે આપણા પરિવારને નથી આપતો. અને પરિણામ એટલું જ ભયંકર આવે જેટલું નદી પર બાંધેલો બંધ તૂટવાથી આવે છે.

જ્યારે શરીરના ચોખટામાં ઉંમર સાથે સંવેદનો અને લાગણીઓનું પ્રમાણ અતિવૃષ્ટિ જેવી સ્થિતિના કારણે જીવનરૂપી નદીમાં સતત વધતું જાય, ત્યારે અમુક હદ સુધી જ સમાજ અને ધર્મરૂપી બંધનોના બંધમાં એ સમાય છે અને અમુક સમય પૂરતું જ છલકાય છે. પણ, જ્યારે લાગણીઓનો ધોધ હદ વટાવે ત્યારે બંધનોના બધા જ બંધ તૂટી જાય અને આ સ્થિતિને પછી આપણે વ્યક્તિની નીચતા અને બદચલનતા ઘણી લેતા હોય છે. પણ આ સ્થતી સામાન્ય છે… પાણીના પ્રવાહને બાંધી ભવિષ્ય નો વિચાર સારો છે. જીવનમાં મર્યાદાઓ પણ જરૂરી છે. પણ જ્યારે પ્રવાહ પોતાની સીમાઓ ઓળંગવા લાગે ત્યારે સમાજ અને ધર્મે પણ જેમ બંધના દરવાજા ખોલી અંદરના પાણીને મુક્તતા આપવામાં આવે એટલી મુક્તતા જરૂર માણસોને પણ આપવી જોઈએ.. અને જો એ આપણા દ્વારા ના અપાય તો પછી બંધ તૂટવાનું કારણ નદીને ઘણી લેવું એ પણ સાવ મુર્ખતા થઈ વધુ કાંઈ જ નથી…??

આ સત્ય સમજાવવા કૃષ્ણ આવ્યા હતા પણ એમને આપણે માત્ર પથ્થરોમાં કેદ કરી ને પૂજા અર્ચના દ્વારા ફોસલાવી દીધા છે. કદાચ નસીબદાર હતા એટલે સતયુગમાં જન્મ્યા આજના યુગમાં હોત તો પૃથ્વીના કોઈ ખૂણે નાલેશી ભરી સાવ ચારીત્રહીન જિંદગી જીવતા હોત. પણ એ ચરિત્રહીનતા આપણા આપેલા શબ્દોમાં જ હોત.

ક્લીન શોટ – પ્રેમ એ અનુભૂતિ છે કોઈ સંબંધ નથી, તેમ છતાં આપણા સભ્ય સમાજ અને આધ્યાત્મિક કહેવાતા ધર્મે એને સંબંધ સાથે જોડીને એની સાર્થકતાને નષ્ટ કરી નાખી છે.

લેખક ~ સુલતાન સિંહ ‘જીવન’

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી