ધારી: પ્રમુખસ્વામીનાં ગુરૂનાં જન્મસ્થળે આકાર પામ્યુ વિશાળ મંદિર, બાપાએ લીધો હતો નિર્ણય…

‘ભગવાન સૌનું ભલું કરો’ આ વાક્યને દેશ-દુનિયામાં ગુંજતુ કરનાર અને બીએપીએસનાં વડા પ્રમુખસ્વામી મહારાજનાં ગુરૂનો યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે ભવ્ય શિખરબધ્ધ મંદિરનુ નિર્માણ પામ્યું છે. વૈશાખ વદ બારશ, 1948માં અમરેલીનાં ધારી ગામમાં દેવચંદભાઈ અને પુરીબાનાં ઘરે જીણાભાઈ(યોગીજી મહારાજ)નો જન્મ થયો હતો. નાનપણથી જ ભગવાનની ભક્તિમાં અપાર રસ ધરાવતા જીણાભાઈ એટલે કે યોગીજી મહારાજ 1908માં તેમણે પાર્ષદ દીક્ષા લીધી. અને ત્યાર બાદ 1909માં તેમની મુલાકાત શાસ્ત્રીજી મહારાજ સાથે થઈ અને ભક્તિમાં વધુ રસ લાગ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રથમ મંદિરની રચના અમદાવાદમાં થઈ ત્યારે અહીં જ પ્રમુખસ્વામીની મુલાકાત યોગીજી મહારાજ સાથે થઈ હતી.

બીએપીએસનાં વડા પ્રમુખ સ્વામી મહારાજે દેશ દુનિયામાં સંપ્રદાયનો પ્રચાર કર્યો છે, વિદેશોમાં સ્વામિનારાયણનાં વિશાળ મંદિરોની સ્થાપના કરી છે. ઇ.સ.1971માં જાન્યુઆરીમાં યોગીજી મહારાજે દેહત્યાગ કર્યો. ત્યાર બાદ ગાદી પર આવનાર હાલના સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજે યોગીજી મહારાજના જન્મસ્થાન એવા ધારીમાં ભવ્ય મંદિર બંધાવવાનો નિર્ણય લીધો હતો. તેમની નિશ્રામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ધારી ખાતેનાં મંદિરની વિશેષતા

– ભારતીય શિલ્પ સ્થાપત્ય અને કલાકારીગીરીથી સભર આ મંદિરની લંબાઇ 135 ફુટ,પહોળાઇ 90 ફુટ તથા ઉંચાઇ 61 ફુટ છે
– બારીક કોતરણી વાળા અત્યંત વિશાળ મુખ્ય ઘુમ્મટની સાથે 220થી પણ વધુ સ્તંભો અને 15 કલાત્મક ઘુમ્મટ ખંડો છે.
– આ મંદિરના બાંધકામમાં સ્ટીલ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
– આ મંદિરમાં ભગાવાન સ્વામિનારાયણ,અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી,ઘનશ્યામ મહારાજ,યોગીજી મહારાજ,ગુરૂપરંપરા તેમજ સીતા-રામ-હનુમાનજી,શીવ-પાર્વતી-ગણેશજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા વૈદિક વિધિથી શાસ્ત્રોક્ત રીતે થશે.

ધારીનાં વિશાળ મંદિરમાં પ્રતિષ્ઠા થનારી મૂર્તિની પૂજા અર્ચના પ્રમુખસ્વામી મહારાજ હસ્તે સાળંગપુર ખાતે થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. અત્યારે ધારી જાણે યોગી રંગમાં રંગાયેલી જોવા મળે છે. ધારીનાં રહેવાસીઓ પણ આ મહોત્સવને હર્ષથી ઉજવવામાં લાગી ગયા છે, શેરીઓ, મકાનોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. વિદેશીઓ સહિત સંતોનાં આગમનથી ‘યોગી નગરી’ ધારીમાં અદભૂત ભક્તિનું વાતાવરણ ફેલાયું છે. યોગીજી મહારાજે અહીં રહીને ભગવાનની ભક્તિ કરી હતી તેની પ્રતિતી રૂપે અહીં યોગી ઘાટ પણ આવેલો છે.

પ્રમુખસ્વામી વિશે યોગીજી મહારાજે કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મારું સર્વસ્વ છે. તે છે, તે હું છું. પ્રમુખસ્વામી મારા કરતાં સવાયું સુખ આપશે. આજે પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરતાં આ વચનોની પ્રતીતિ થાય છે અને એ બે મૂર્તિઓ હૃદયમાં એક થઇ જાય છે.

યોગીજી મહારાજનો જન્મ સૌરાષ્ટ્રનાં ધારી ગામે મે ૨૩રોજ થયો હતો. 1911માં યોગીજી મહારાજને ભગવતી દીક્ષા મળી, એજ વર્ષે અક્ષર પુરુષોત્તમના સિધ્ધાંતોને સમગ્ર જગતમાં ફેલાવવા તેઓ શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાઈ ગયા. માત્ર સાત ચોપડી ભણેલા આ મહાપુરૂષે સ્વામિનારાયણનાં સંદેશને દેશનાં સિમાડા વટાવીને વિશ્વકક્ષાએ ફેલાવ્યો છે. બીએપીએસ સંસ્થા આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે તેમની પાછળ યોગીજી મહારાજનો સિંહ ફાળો રહેલો છે.

બોચાસણવાસી અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના(BAPS) સ્થાપક એવા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસજી(શાસ્ત્રીજી મહારાજ)ના સ્વધામ ગમન પછી ગાદી પર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ બિરાજ્યા હતા. કિશોરવયમાં માતા-પિતાની રજા લઇ સાધુ થઇને તેઓ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરતા. તેમનુ નામ હતું સાધુ જ્ઞાનજીવનદાસજી પરંતુ તેમની અલમસ્ત યોગી જેવી છટા નિહાળી તેઓ જોગી કહેવાતા.જૂનાગઢ ત્યાગી શાસ્ત્રીજી મહારાજના મંડળમાં જોડાઇને તેઓ સત્સંગ અને સેવાથી સંપ્રદાયના હરિભક્તોના લાડિયા બની ગયા હતા.શાસ્ત્રીજી મહારાજે તેમને ગોંડલ મંદિરના મહંત બનાવ્યા હતા.

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનાં સત્સંગ પ્રવૃતિ દેશના સિમાડા વટાવી આફ્રિકા,ઇંગ્લેન્ડ અને અમેરિકા સુધી વિસ્તાર પામી હતી. આધ્યાત્મિક ક્ષેત્ર માત્ર વડીલો માટે નથી,સત્સંગ માત્ર વડીલો માટે જરૂરી નથી.બાળકો અને યુવાનોને તો તેની વિશેષ જરૂર છે એમ કહિને તેમણે ગામોગામ, શહેરોમાં અને વિદેશમાં જ્યાં જ્યાં સત્સંગ મંડળો ચાલતા ત્યાં ત્યાં બાળમંડળો અને યુવક મંડળો સ્થાપ્યા. આધ્યાત્મિક ક્ષેત્રે આ વાત ક્રાંતિ સમાન હતી. તેઓ હંમેશા કહેતા કે,”યુવકો મારૂં હ્રદય છે”તેમની આ ભાવના સાથે જે બીજ તેમણે રોપ્યો. આજે પ્રમુખસ્વામીના ઉછેરતી BAPS સંસ્થાના 5000 કેન્દ્રોમાં લાખો યુવાનો અને કાર્યકરો ફોજ બનીને વટવૃક્ષ સમાન કાર્ય કરે છે. બાળ પ્રવૃતિ પણ આજે સાગર સમાન વિસ્તરી ચૂકી છે. પરિણામે 5000 થી અધિક કેન્દ્રોમાં 1 લાખથી વઘુ બાળકો આધ્યાત્મિક કેળવણી પામી રહ્યા છે.

ગાંધીનગરનું નિર્માણ થયું ત્યારે ત્યાં જવા કોઇ તૈયાર નહોતું તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ પૂ.યોગીજી મહારાજનાં હસ્તે સમગ્ર ગાંધીનગરમાં પુષ્પોની વૃષ્ટિ કરાવી હતી. સાથે જ આજે જે સ્થળે અક્ષરધામ છે ત્યાં પણ તેઓએ પુષ્પવૃષ્ટિ કરાવી હતી. ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે ગાંધીજીને દાંડીયાત્રા સફળ બને તે માટે આશીર્વાદ આપ્યા હતા. આઝાદીનાં કાર્યમાં સફળતા મળે તે માટે યોગીજી મહારાજે ૧૮ વર્ષ સુધી જાપ કરીને સાધના કરી હતી. ઇ.સ.1971માં જાન્યુઆરીમાં યોગીજી મહારાજે દેહત્યાગ કર્યો.

બાપાનાં આર્શિવાદથી નિમાર્ણ પામ્યું 61 ફૂટ ઊંચું ભવ્ય મંદિર

ભારત દેશને ભક્તિમય માહોલનો દેશ ગણવામાં આવે છે, એમાંય ગુજરાજ અનેક મહાન સંતો, મહંતો અને મહાપુરૂષોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. ગુજરાતમાં અગ્રીમ સ્થાને આવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડા પ્રમુખસ્વામી મહારાજ ધર્મનો પ્રચાર કરી દેશ-દુનિયામાં બીએપીએસ સંસ્થાનું નામ ગુંજતુ કર્યું છે. ત્યારે તેમના ગુરૂ યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે પણ તેમનાં જ આર્શિવાદથી ભવ્ય શિખરબધ્ધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

1971માં યોગીજી મહારાજે દેહત્યાગ કર્યો ત્યાર બાદ ગાદી પર આવનાર હાલનાં બીએપીએસ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજે ગુરૂનાં જન્મસ્થળ સૌરાષ્ટ્રનાં ધારી ખાતે ભવ્ય મંદિર નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે આ મંદિર નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યોગી નગરી ગણાતા ધારી ગામમાં યોગીજી મહારાજનું જૂનુ મકાન, યોગી ઘાટ(જ્યાં તેઓ ધ્યાન કરતા) આવેલા છે. મંદિરનાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સમાં આખું ગામ જાણે ભક્તિમાં રંગાયું હોય તેવો ઉત્સાહ જોવા મળે છે. શેરીઓ, બિલ્ડીગ વિગેરેને લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યા છે. નવનિર્માણ પામેલા મંદિરને પણ ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

શેર કરો આ માહિતી સર્વે હરિભક્તો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી