ઢળતી સંધ્યાએ (ભાગ ૨) – રૂપેશ ગોકાણીની કલમે લખાયેલ એક અદ્ભૂત વાર્તા

- Advertisement -

ભાગ ૧ વાંચવા અહીં ક્લિક કરો


ભગવાને નાનપણમાં જ મા-બાપ છીનવી લીધા, રમવાની ઉંમરે મામીએ તેને હાથમાં ઢીંગલીના સ્થાને સાવરણો ઝલાવી દીધો. ભણવાની પાટીની જગ્યાએ ચુલા પર બેસી રોટલા વણતા શીખવાનુ આવ્યુ. શિયાળામાં મા ની હુંફમાં સુવાને બદલે ગાયના નિરણની હુંફ મેળવી ઠંડી દૂર કરવાનુ થયુ એ બધુ માલતીએ કઠણ થઇને સ્વિકાર્યુ પણ ભરમાંડવે ભગવાને તેના જીવનનો ભરથાર છીનવી લીધો એ માલતી માટે અસહ્ય હતુ. ઉપરથી તેને દિલાસો આપવાને બદલે તેની મામી અને બીજા લગ્નમાં આવેલા લોકો તેને અનેક ઉપનામોથી નવાઝવા લાગ્યા હતા. આ બધાની વચ્ચે તેના મામા એક ભગવાનના માણસ હતા જે સાચા હૈયે માલતી માટે દુઃખ વ્યક્ત કરતા હતા. બધાના મ્હેણા માલતીથી સહન ન થતા તે માંડવેથી દોડતી ઉપર રૂમમાં પુરાઇ ગઇ અને પોતાની ઓઢણીનો છેડો પંખે બાંધી આત્મહત્યા કરવાનુ આજે વિચારી જ લીધુ, છેલ્લી વખત તેના મા બાપુના ફોટાને હૈયા સરસા ચાંપી જાણે કહી રહી હોય , “મા બાપુ, મુને લેવા આવજો સામે, જીવતા તો એકલી છોડીને વઇ ગયા હતા હવે મુઇ થાઉ ત્યારે મને એકલી ન રેવા દેજો. મારે તમ સંગાથે રેવુ છે.” ભલે તેના મોઢેથી એક શબ્દ નીકળ્યા ન હોય પણ તેનુ હૈયુ આક્રંદ કરતુ તેની વેદના ઠાલવી રહ્યુ હતુ. ભગવાનનું નામ લઇ તે ટેબલ પર ચડી ઓઢણીના છેડાને પોતાના ગળે વીટાળી ઉભી રહી ગઇ, રાજેશના નામના મંગલસુત્રના બદલે પોતે ઓઢણી ગળે બાંધી લીધી. હવે માત્ર પગનો એક ધક્કો લાગે એટલી જ વાર હતી ત્યાં રૂમની ખુલ્લી બારીમાંથી કોઇ માલતીને જોઇ ગયુ અને તેણે બુમાબુમ કરી મુકી અને થોડી જ વારમાં તેના મામા મામી અને બધા ઉપર રૂમમાં આવી ચડ્યા.રાજેશના કાકા અને માલતીના મામા અને બીજા બે-ત્રણ લોકોએ સાથે મળી બારણુ તોડી નાખ્યુ અને જોયુ તો સામે માલતી બેશુધ્ધ જેવી હાલતમાં લટકી રહી હતી. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવી પડી હોય કે આપણને જીવન જીવવામાંથી રસ ઉડી ગયો હોય પણ મોતને વરવુ એ ખુબ જ કપરુ કામ છે. આત્માને આ શરીરનું ખોળીયુ એટલુ તે ગમી ગયુ હોય છે કે તે એકબીજાનો સાથ એમ કાંઇ થોડીક જ વારમાં છોડતા નથી તે જ રીતે માલતીના શરીરમાંથી પ્રાણ નીકળ્યા ન હતા અને તે અધમરી હાલતમાં જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહી હતી. માલતીના મામાએ દોડીને માલતીને પોતાના ખભે ઉંચકી લીધી અને બીજા લોકોએ મળી ઓઢણીને કાપી નાખી. રાજેશના કાકા દોડીને ગામના ડોક્ટરને તેડી લાવ્યા પણ તેણે તો એક જ મીનીટમાં કહી નાખ્યુ કે છોરીએ આપઘાત કર્યો છે, અહી નહી, તમે તેને શહેરમાં સરકારી દવાખાને જલ્દી તેડી જાઓ. રાજેશના કાકા અને બધાએ સાથે મળી સરપંચની ગાડીમાં માલતીને શહેરના સરકારી દવાખાને લઇ ગયા. આત્મહત્યા કેસ હોવાથી પોલીસને બોલાવી ડોક્ટરે સારવાર ચાલુ કરી દીધી. પોલીસે આવીને બધી પુછપરછ કરી લીધી. અન્ય કોઇ કારણ ન હોવાથી તે પુછપરછ કરી નીકળી ગયા અને માલતી હોંશમાં આવે તેની માહિતી આપવાનુ કહી નીકળી ગયા. આ બાજુ પોલીસ ગયા અને માલતીની મામીની જીભડી ચાલુ થઇ ગઇ. થોડી વારમાં જ દવાખાનુ માથે લઇ લીધુ. “મુંગી મર ને, હવે તો મુંગી મર. બીચારીએ આજ દિ સુધી તો તારા ટોકા સહન કયરા અને આજે જીંદગી સામે લડે છે એ ટાણે’ય તને ટોકા મારવાનુ મન થય આવે છે? કાંઇક તો સમય ને ટાણુ જો? વેવાઇ ઉભા છે ને તુ મન ફાવે એમ ફાટવા માંડી? ધ્યાન રાખજે માલતી ભાનમાં આયવી અને પોલીસ સમે તારુ નામ દીધુ ને તો બાકીનુ આયખુ જેલમાં સળવાની તુ.” માલતીના મામાના છેલ્લા વાક્યથી માલતીની મામી ડરી ગઇ અને ખુણાના બાકડે છાનામુની બેસી ભગવાનના નામની માળા ઝપવા લાગી. આ બાજુ માલતીના મામા અને રાજેશના કાકા બન્ને ખરા હ્રદયે ભગવાનને વિનવવા લાગ્યા કે જલ્દીથી માલતી હોંશમાં આવી જાય. સાંજે માલતીને હોંશ આવતા પોલીસે તેની જુબાની લેવાની પ્રક્રિયા શરૂ કરી તેમા માલતીએ રાજેશના મોતનુ કારણ મુખ્ય બતાવ્યુ. પોલીસ બધી પુછતાછ કરી કાગળકામ પતાવી ત્યાંથી નીકળી ગયા ત્યાર બાદ માલતીના મામા મામી અને રાજેશના કાકા તેને મળવા આવ્યા. “બેટા જે થયુ તેમા તારો શું દોષ, તે તારો પણ જીવ ટુંકાવા બેઠી હતી? જવાવાળૉ તો જતો રહ્યો, હવે પાછો ક્યારેય નહી આવે, તો શું આપણો જીવ દેવો એ શાણપણનું કામ કહેવાય?” રાજેશના કાકાએ માલતીને માથે હાથ ફેરવતા કહ્યુ. “હા મારી માવડી, બીચારાના અન્નજળ અટલા જ લયખા હશે તે અવું બની ગ્યુ. ઇમા તારો શું ગનો?” માલતીના મામા બોલી પડ્યા. “મામા, મુનેય ખબર છે કે મારો કાંઇ ગનો નથ, પણ આ સમાજના આખી જીંદગી મેણાટોણા ખાવા ઇના કરતા તો મરી જવુ સારૂ કે નઇ? આમેય હવે આખુ જીવન ઢસેરડા જ કરવાના ને?” બોલતા જ માલતી રડી પડી. “ઇમ તો અમ તને ઢસેરડા કરાવીએ છી? ઇમ કેતા તારી જીભે ડામ કેમ ન પડ્યા? અરે, ઘરના બે કામ કરી લીધા તે આને મન તો ઢસેરડા થી ગ્યા, લ્યો સાંભળો વાત?” માલતીની મામીની જીભમાંથી અગનવાણી સરવા લાગી. “બસ કર હવે, આ કાંઇ ટાણુ નથ કે તુ મન પડે એમ બકે. છાનુ રેવાતુ હોય તો આય રે નઇ તો મંડ હેંડવા ઘરભેગી.” માલતીના મામાએ આંખ કાઢતા કહ્યુ. “હા હવે બહુ મને ના કો, આ તમારી રાજદુલારીને સમજાવો, બહુ આયવી ઢસેરડા વાળી.” મોઢુ વકાસતી મામી બહાર નીકળી ગઇ. “દિકરી, ભલે આજ તે આવુ કયરુ પણ મેરબાની કરીને હવે આવુ ન કરતી, તારા મા-બાપ મારા આશરે તને મુકી ગ્યા છે અને હવે તુ આમ કમોતે જા તો મારુ તો જીવન દુભાય.” “હા બેટા, એવુ નથી કે એક વખત આવુ બની ગયુ તો એવુ નથી કે બીજી વાર તારો સંસાર નહી મંડાય. હું તને ખાત્રી આપુ છું કે આપણા સમાજમાં તારા માટે હું છોકરો શોધીશ અને તારુ કન્યાદાન મારા હાથે કરીશ.” રાજેશના કાકાએ માલતીને આશ્વાસન આપતા કહ્યુ. એક દિવસ બાદ માલતીની તબિયત સારી જણાતા ડોક્ટર સાહેબે રજા આપતા માલતીના મામા તેને ઘરે લઇ ગયા. “લે બેટા, પાણી પી લે અને આરામ કર. હવે તારુ હૈયુ કકળાવજે નહી હો મારા વા’લા.” પાણી આપતા મામાએ કહ્યુ. “પાણી રેડો આની માથે, આખા ગામમાં ડંકો મારીને આયવી છે જાણે, મરવા ગઇ તી મોટે ઉપાડે, મરી ગઇ મરવુ જ હતુ તો કુવો કેમ ન પુયરો? અધવચારે લટકતી મયરી.” માલતીની મામીએ પાણીના ગ્લાસને ધક્કો મારતા કકરાટ ચાલુ કરી દીધો. “બસ કર તને પગે લાગુ. બીચારીને બે દિ’ તો સખેથી રે’વા દે. આમેય મનેખનેય ખબર છે કે બે દિ પછીથી તો ઇને ગાયની ગમાણે જ રેવાનુ છ.” “બે દિ તો શું, બે મિનીટ આને સહન ના કરું મારે માથે. અભાગણીના પેટની, જનમતાની સાથે મા ને ખાઇ ગઇ ને લગન પેલા જ માંગણાવારી જુવાનજોધ રાજેશને ભરખી ગઇ. આના કરતા તો તુ જ જનમતા પેલા મરી ગઇ હોત તો બહુ સારૂ થાત. નીકળ હાલ આય થી અને મર ગાયની ગમાણે. બવ આયવી તી ઢસેરડા વારી, હવે જો કેવા ઢસેરડા કરાવુ છું. ધોરે દિ’ એ તારા ના દેખાડુ તો મારુ નામ શાંતા નહી.” મનફાવે એમ બફાટ કરતી મામી માલતીને ફીંગડી જાલી ગાયની ગમાણે મુકી આવી. માલતી પણ મુંગી ગાયની જેમ ત્યાં પડી રહી અને આંસુ સારતી રહી. ઉપર આસમાન સામે તાકતી બસ ભગવાનને એક જ સવાલ પુછતી હતી કે હવે આ ઢળતી સંધ્યાને સ્થાને સુખનો સોનેરી સુરજ ક્યારે ઉગશે???? “હાયલ, હવે આ ગાયુની ગમાણમાં વાસેંદા કોણ તારો બાપ કરવા આવશે ઉપરથી?” સવારમાં ઉઠતાવેંત જ મામીએ છણકો કર્યો. માલતી કાંઇપણ બોલ્યા વિના સાવરણો લઇ વાળવા માંડી, ત્યાં થૉડીવારમાં ખડકી ખુલી, માલતી તો એ બાજુ જોયા વિના જ પોતાના કામે વળગી ગઇ. મેલાઘેલા કપડા, દુપટ્ટાનુ તો કાંઇ ઠેકાણું નહી અને વીખરાયેલા ખુલ્લા વાળ, પગમાં ચપ્પલ નહી અને રડમશ ચહેરે માલતી સુનમુન બની ગાયોની ગમાણ સાફ કરી રહી હતી ત્યાં પાછળથી ટહુંકો સંભળાયો. “માલતી, બહુ કામ કરી લીધુ, જરાક અંદર તો આવ, જો તો ખરી, કોણ આયવુ છે?” માલતીની મામીના આવા વેણ સાંભળી માલતી તો દંગ રહી ગઇ. પોતાના કપડા સરખા કરતી માલતી અંદર આવી ત્યાં ઉંબરે જ મામીએ તેને દુપટ્ટો આપ્યો અને વાળૅ પોતાના હાથેથી સરખા કરી દીધા. માલતીએ અંદર આવી જોયુ તો રાજેશના માતા-પિતા અને તેના કાકા બેઠા હતા. તેમને જોતા જ માલતીએ દુપટ્ટો માથે ઓઢી લીધો અને બધાને પગે લાગી. માલતીની આવી હાલત જોઇ રાજેશના માતા-પિતાની આંખમાં આંસુ આવી ગયા. માલતી પણ રાજેશની માતાને ભેટીને રડે પડી. “દિકરી, આંસુ લુછી નાખ તારા, તારી અને અમારી લેણાદેવી કુદરતને મંજુર નહી હોય એટલે જ કાળ વચ્ચે આવી ગયો અને આ ગોજારો કાંડ બની ગયો. જે થયુ એ બધુ ભૂલી જા અને જો આજે અમે તારા માટે સારા સમાચાર લઇને આયવા છી.” સારા સમાચારનું માલતીએ એકદમ નાહી જ નાખ્યુ હતુ ત્યાં રાજેશના પિતાજીના મોઢે આવી વાત આવતા જ માલતીની આંખો ચમકી ઉઠી. તે પ્રશ્નસુચક નજરે રાજેશના પિતાજી સામે જોઇ રહી. “સાંભળો વેવાઇ, ભલે આપણી વચ્ચે વેવાઇનો સબંધ અપુરો બંધાઇ ન શક્યો પણ મારે આ માસુમ દિકરીની હાઇ લેવી નથ, એના માટે અમે સારા ઘરનું ઠેકાણું લઇને આવ્યા છી, છોકરો કોલેજ સુધી ભણેલો છે અને બાપના કાપડના ધંધામાં બેસે છે. શહેરમાં રે છે. માલતીનો ફોતો અમે તેને બતાવી પણ દીધો છે અને એના ઘરના બધાનો તો આ સગપણમાં રાજીપો જ છે, ઇ સારુ જ આજે અમે તમને મળવા આયવા છી. તમારી માલતી રાજ કરશે એ ઘરમાં, પણ………….” “પણ શું વેવાઇ?” છોકરાની ઉંમર માલતી કરતા પાંચેક વર્ષ વધારે છે, તેનો તો તમને કાંઇ વાંધો નથ ને?” “ના રે ના, ઇમા શું વાંધા લેવાના? ગોઠણ સુધી રોટલો અને ખાનદાની સારી હોય એટલે બસ. મારી માલતી ખાધેપીધે દુઃખી ન થાય ઇ જ મારે તો જોવાનું. કેમ માલતી સાચુ કીધુ ને?” માલતી કાંઇ બોલ્યા વિના દોડીને ત્યાંથી નીકળી ગઇ. “તો વેવાઇ પાકુ, તમે દિ,વાર નક્કી કરીને મને કે’જો. એટલે આપણે ઘર જોવાનુ ને છોકરાને જોવાનુ નક્કી કરી નાખીએ.”
“સારૂ વેવાઇ, તમારો ઘણો ઘણો આભાર કે તમે આ છોકરીની સામુ જોયુ નહી તો આજે કોને પયડી છે?” “આવુ ના કો વેવાઇ, મારો દિકરો તો જુવાનીમાં વયો ગ્યો, પણ મારે આ દિકરીની હાઇ લઇને નર્કમાં પડવુ નથ, એટલે જ ઇના સારૂ એના જેવુ ગોતવા માંડ્યો તો. આજે તમને એ પણ કઉ કે માલતીનુ કન્યાદાન પણ અમે જ કરવાના છીએ, ઇમા તમારે કાંઇ કેવાનુ નથ. મારી ઘરની લક્ષ્મી તો એ ન બની પણ હવે ઇ લક્ષ્મીનુ દાન કરવાનો મોકો મનેખથી ના છીનવતા.” બોલતા જ રાજેશના પિતાજીને રૂંગા આવી ગયા અને તે અને માલતીના મામા ભેટી પડ્યા.
વધુ આવતા અંકે………………………………ભાગ-૩ માં આવતીકાલે સાંજે ૪ઃ૪૪ વાગે!
રૂપેશભાઈ એ લખેલી સરસ મજાની નવલકથા કોફીહાઊસ વાંચી કે નહીં? – ના વાંચી હોય તો અત્યારે જ http://www.dealdil.com/coffee-house-ek-anokhi-pranaykatha પર જઈ ઓર્ડર આપો! અને, એ પણ ૧૫% ડિસ્કાઊન્ટ સાથે!
લેખક – રૂપેશ ગોકાણી

ટીપ્પણી