ઢળતી સંધ્યાએ – રૂપેશ ગોકાણીની કલમે લખાયેલ એક અદ્ભૂત વાર્તા

- Advertisement -

હાથમાં શુ રહ્યુ હવે? કાંઇ જ નહી….

જીવનની ઢળતી સંધ્યાએ અને સાથે સાથે આજના દિવસની ઢળતી સંધ્યાએ બે માળના તેના બંગલાની બાલ્કનીમાં હિંડોળે બેઠા બેઠા માલતીબહેન વિચારમગ્ન હતા. છટાદાર આભા, કપાળમાં ગોળ મોટો ચાલ્લો, બનારસી સાડી, સોનાની જ્વેલરીથી સજ્જ માલતીબેનને જોઇને કોઇને પણ એક વાર તો મનમાં ઇર્ષ્યાના ભાવ જાગી જ ઉઠે.
લીલી વાડી હતી તેની. બે દીકરાની વહુ હળી મળીને સંપીને રસોડામાં કામ કરી રહી હતી. બંન્ને દીકરાના સંતાનો સાથે મળીને રમી રહ્યા હતા. પહેલી નજરથી જોતા કોઇ એમ જ વિચારે કે માલતીબેન જેવુ સુખી સંપન્ન આ દુનિયામાં કોઇ છે જ નહી, શું અઢળક સંપતિ અને જીવનની મોજશોખ એ જ સુખ કહેવાય? તો શેનુ દુ:ખ હતુ? બહારથી દેખાતા આ સુખી પરિવારને શેની તકલીફ હતી?
માલતી બહેનના પતિ સુભાષભાઇ હોલસેલ કાપડના મોટા વેપારી હતા. સુરત જેવા શહેરમાં તેની ખુબ જ નામના હતી. પોશ વિસ્તારમાં સુંદર બંગલો સાથે કાર હતી. પાણી માંગો ત્યારે દુધ હાજર થઇ જાય તેટલુ સુખ હતુ તો તકલીફ કયાં હતી?
બધુ જ હતુ છતાંય હાથમાં કાંઇ પણ ન રહ્યુ હતુ. રેતીની જેમ જીંદગી આખી સરી ગઇ હતી. ઢળતી સંધ્યાએ આજે બધુ ગુમાવી દીધુ હતુ. કેવી વિચિત્ર હતી તેની જીંદગી? ઇશ્વર કેવુ નસીબ લખ્યુ હતુ તેનુ???
જીવનમાં માત્ર પૈસા કરતા પ્રેમ અને હુંફને વધુ મહતા આપનારા માલતીબહેનથી ઊંડો નિઃશાસો નખાઇ ગયો ત્યાં રૂટિન મુજબ તે બેઠા હતા ત્યાં નોકર ઉકાળો લઇ આવી પહોંચ્યો અને તે ગહન વિચારયાત્રામાંથી બહાર આવી ગયા. “મેડમજી સાહેબ આવી ગયા છે અને આપને યાદ કરે છે.”
માલતીબહેનને બેડરૂમમાં જવાની ઇચ્છા તો રત્તીભાર ન હતી પણ બન્ને વચ્ચેના પતિ-પત્નીના કહેવાતા સબંધનું માન રાખવા માટે તે ઘુંટણે હાથ દેતા ઉભા થતા ચાલતા થયા.
“તમે ક્યારે આવ્યા, કાંઇ ખબર જ ન રહી મને.”
“ખબર ક્યાંથી હોય? પરિવારમાં ધ્યાન આપો તો ખબર પડે, આ તો બન્યુ બનાવ્યુ તૈયાર ભાણે મળી જાય છે તો……”

રોજના કટુ વચનો સાંભળવાના આદી બની ચુકેલા માલતીબહેન જ્શુભાઇનુ વાક્ય પુરુ થાય તે પહેલા જ ત્યાંથી નીકળી ગયા. અને બારણું જોરથી પટકવાનો અવાજ આવતા જશુભાઇ સ્ટોપ થઇ ગયા.માલતીબહેન એક ઉંડો નિ:સાસો નાખીને એક અલાયદા પોતાના રૂમમાં ગયા અને બારણુ બંધ કરીને રડવા લાગ્યા. બહારથી ગળાશ જેવો દેખાતો તેનો પરિવાર ખરેખર કડવાશથી સભર હતો. આખા પરિવારમાંથી કોઇ એવુ ન હતુ જે તેના આંસુ લુછી જાણે!

“માલતી રડવાનુ બંધ કરે છે કે ચુલાનો દેવતા લઇને આવું?” નાની ઉંમરે અનાથ બની બેઠેલી માલતીને તેની કઠોર મામીએ ઉધડી લેતા કર્કશ સ્વરે છણકો કર્યો ત્યાં નાની છ વર્ષની માલતી ચુપચાપ મકાનની સફાઇ કરવા વળગી ગઇ.
“મેડમ….. બધા નીચે હોલમાં તમારી રાહ જોવે છે.” નોકરે માલતીબેનના રૂમનો ડોર નોક કરતા કહ્યુ ત્યાં માલતીબેન ભૂતકાળમાંથી બહાર નીકળી ગયા અને સ્વસ્થ થવાનો પ્રયાસ કરતા તેમના પગ નીચેની તરફ ઉપડ્યા.
“જ્યારે જુવો ત્યારે ચહેરો વકાસેલો જ જોવા મળે, કાંઇ કહ્યુ નથી અને રડવાનુ તો સાથે જ હોય.” માલતીબેનનો રડમશ ચહેરો જોતા જ જશુભાઇ તાડુકી ઉઠ્યા.
“પાપા, ઇટ્સ ઓ.કે. પ્લીઝ તમે તમારા મુડને ખરાબ ન કરો. તમે ડિનર સ્ટાર્ટ કરો. આપણી જેમ જ મમ્મીનુ પણ આ ઘર છે અને આપણા જ ઘરમાં કાંઇ જમવા માટે આગ્રહ ન હોય.” પેટના જણેલા દિકરાના કટાક્ષભર્યા વચન સંભળી અન્નનો એક દાણો પણ માલતીબેનના ગળેથી ઉતરી શકે તેમ ન હતો. તે અન્નની થાળીને માથે ચડાવી ઉપર રૂમ તરફ જવા લાગ્યા. “નાની નાની વાતમાં મોઢુ વકાસતા તો માલતી કોઇ તારી પાસેથી શીખે.” શબ્દોના પ્રહારને સહન કરતા માલતીબેન ડગમગતા પગલે પગથીયા ચડવા લાગ્યા અને હંમેશાની જેમ જ આંસુઓ જ તેની સાથે હતા.
પોતાના રૂમમાં ભરાઇ આંસુઓના સથવારે તેઓ એક એક પળને વિતાવવા લાગ્યા. આંસુઓના ઝળઝળીયા વચ્ચે પચીસ વર્ષ જુની અને અત્યારની પરિસ્થિતિને સરખાવતા યાદોમાં ખોવાઇ ગયા.

“આ સરપના ભારાને કોઇની સાથે વરાવો, નહી તો આ આખી જીંદગી મારી માથે પડી પડી ખાતી રહેશે.” મામીનો છણકો સણસણતા દેવતા કરતા વધુ દર્દનાક લાગ્યો માલતીને.
“શોધુ જ છું પણ કોઇ યોગ્ય પાત્ર મળે તો થાય ને? જેમ તેમ ગમે તેના હાથે થોડુ માલતીને કોઇ સાથે પરણાવી દઉ?”
“તમારી લાડકવાયી શું મહારાણી છે કે તમે એનો સ્વ્યંવર કરશો? નીકળો ગામમાં અને નાતમાં જે હા પાડે તેના ખીલે આ ડોબુ બાંધી દ્યો એટલે મારા જીવને ટાઢક થાય. વીસ વરહથી મારા માથે મરી છે, હવે તો……” માલતીનુ ડુસકુ સંભળાતા તેના મામી બંધ થઇ ગયા.
“જો આવી મયરી માંગણાવારી, રડવાની કાશ કરતી બંધ થા અને જા મંડ રાંધવા તો ટાણાભેર ખાવા મળે.”
“હું હાથ જોડુ તને મે’રબાની કર અને તારી જીભને છાની રાખ. હું માલતી માટે ઠેકાણા જોઉ જ છું પણ ત્યાં સુધી આ જીભડીને લગામ દે તો સારૂ.”
“હા…. હા.. બહુ આવ્યા ઠેકાણા જોવાવારા.” માલતીના મામી બડબડ કરે ગ્યા અને તેના મામા મોઢુ વકાસી નીકળતા થયા.
“માલતીની મામી, લે અઇ તો આયવ જરાક. સારા સમાચાર લઇને આયવો છું. મારા ભાઇબંધના છોરાનુ ઠેકાણું લઇને આયવો છું માલતી સારૂ.” સાંજે આવતાની સાથે સાર સમાચાર લાવતા માલતીના મામા બોલ્યા.
“હે ભગવાન, મારા’ય ઘણા ઓરતા છે પણ હવે એટલુ કઇશ કે ગમે તેવો કાણો કુબળો લંગડો હોય મને હાલશે, એકવાર પયણી જાંઉ તો મામા-મામીને ટાઢક અને મનેખનેય શાંતિ વળે.” એકબાજુ ચુલા ઉપર રોટલો પાકતો હતો અને બીજી બાજુ માલતીનું મન ઉકળતુ હતુ ત્યાં આવા સમાચાર માલતીના કાને પડતા જાણે કોઇએ ગમતુ ભાણુ પીરસી ના દીધુ હોય એવુ માલતીને ગમ્યુ. પોતે દોડતી મામા-મામીની વાતો છાનામુની સાંભળવા દોડી ગઇ.
“બહુ સારૂ ઠેકાણુ છે માલતીની મામી, છોકરો લાઇટ સમી કરવાનુ કામ કરે છે અને ઘરમાંય કોઇ આડુઉભુ નથી, છોરો અને એના મા-બાપ છે અને તેનો બાપ તો મારો લંગોટીયો ભેરૂ છે ભેરૂ, મારી માલતી રાજ કરશે રાજ.”
“મંદ મંદ મુસકાતી માલતી આટલુ સાંભળી સપ્ત ગગનમાં ઉડવા લાગી અને કાંઇક અવનવાઅ સપ્નાને સજાવતી ચુલે બેસી ગઇ રોટલા શેકવા. આનંદમાં એ પણ ભૂલી ગઇ કે રોટલા ગોળ થાય છે કે તેના ગામના નક્શા જેવા.”
“લ્યો જોઇ લ્યો આ નઘરોળને, લગન સાટુ માંગા આવે છે અને આ વાલામુઇને રોટલા ઘડતાય નહી આવડતુ. મરી ગઇ રોટલા કોણ તારી મુઇ મા શીખાડશે?” છમ કરતો દેવતા ચાંપી દીધો માલતીના પગે.
“ઓઇ મા, નઇ ભુલુ મામી, હમણા જ નવા રાંધી નાખુ રોટલા. મને જાવા દયો.”
“અન્ન શું તારો બાપ ઉપરથી એમ ને એમ મોકલે છે તી ફાટે છે નવા રોટલા રાંધી નાખુ એમ ફાટે છે? મર મુઇ, હવે થોડાક દી આવા ભાણા ખાઇ લેશું, બીજુ શું?”
બધાએ જમી લીધુ અને માલતી માટે વધેલા બે રોટલા મામીએ ગાયને ખવડાવી દીધા.
“લે મુઇ, આખી રાત ભુખી મરીશ એટલે શાન ઠેકાણે આવી જાશે.”
આખી રાત માલતી ગાયની ગમાણની બાજુમાં બનેલી ઝુંપડીમાં ઠુઠવાતી બેઠી રહી અને આગલા ભવના કરેલા પાપને વિચારતી રહી………..
નક્કી થયા મુજબ જ બીજે દિવસે રાજેશ અને તેનો પરિવાર માલતીને જોવા આવ્યા, માલતીના નસીબ પણ જાણે તેની સાથે જ હતા તે રાજેશને માલતી ગમી જતા, બન્ને ભાઇબંધોએ ગોળ-ધાણા ખાઇ લીધા અને જોષીને તેડાવી બે માસ બાદનું લગ્નનું મુહર્ત જોવડાવી લીધુ.

લગ્નવાળા ઘરમાં બે માસ તો કેમ નીકળી જાય છે તેની કોઇને ખબર પણ રહેતી નથી તેમ માલતીના મામા પણ બે માસ કેમ નીકળી ગયા તે વિચારતા જ રહ્યા જ્યારે સોળે સણગાર સજેલી માલતીને તેણે જોઇ. પોતાની બહેન અને બનેવીને યાદ કરતા માલતીના મામાની આંખમાં પણ ઝળઝળીયા આવી ગયા. માલતીના મામી જો કે આ લગ્ન અને ખર્ચાથી બહુ રાજી તો ન હતા પણ તેને એક વાતની ખુશી હતી જે માલતી નામની બલા હવે તેના જીવનમાંથી હંમેશાને માટે જતી રહેશે.
આ બાજુ માલતી પણ ખુબ ખુશ હતી કે આજથી હવે હંમેશાને માટે તેને આ નર્કમાંથી મુકિત મળી જશે અને રાજેશ સાથે તે મીઠુ ને રોટલો ખાઇને પણ ખુશ રહેશે પણ કુદરતની લીલાને આજ દિન સુધી કોઇ જાણી શક્યુ છે? માલતીના મામા અને બીજા નજીકના સગા વ્હાલાઓ આંગણે ઉભા જાન આવવાની રાહ જોઇ રહ્યા હતા ત્યાં વેવાઇ પક્ષમાંથી રાજેશના કાકા સામેથી આવતા દેખાયા.
આ રીતે રાજેશના કાકાને એકલા આવતા જોઇ બધા થોડી વાર ચકિત થઇ ગયા, તે પરસેવે રેબઝેબ દેખાતા હતા અને કપડાના હાલ હવાલ ફરેલા દેખાતા હતા, તે આંગણે આવતા જ બધા તેની સામે વેધક નજરે જોઇ રહ્યા. માલતીના મામાના ચહેરા પર અનેક પ્રશ્નો તરી આવેલા તે જોઇ રહ્યા. માલતીના મામા અને નજીકના સબંધીઓને બોલાવી તે ઉપરના માળે રૂમમાં જતા રહ્યા. બધા નીચે અનેક તર્ક વિતર્ક લગાવવા લાગ્યા કે એવુ તે શું થઇ ગયુ કે વરરાજો માંડવે ન આવ્યો અને તેના કાકા આવી આ રીતે બંધ બારણે ચર્ચા કરવા આવી ગયા?
માલતીના મામીનો મગજ ચકરાવો લઇ ગયો. તેને તો બસ એક જ ફાળ પડી હતી કે આ લોકો નક્કી દહેજની વાત કરવા જ આવ્યા છે. માંડવે બેઠા જ પોતે માલતીને ભલી બુરી કહેવા લાગ્યા અને હંમેશાની જેમ માલતી મુક પશુની જેમ આંસુ સારતી સાંભળતી રહી.
થોડી વારે બધા પુરૂષો ઉપર રૂમમાંથી નીચે આવતા જોઇ માલતીના મામી અને બીજી સ્ત્રીઓ ત્યાં દોડી ગઇ. અહી માંડવે બેઠેલી માલતીનો જીવ પણ કચવાઇ રહ્યો હતો કે શું બન્યુ હશે તે જાન માંડવે ન આવી. તેનુ શરીર માંડવે બેઠુ હતુ પણ મન અને કાન બસ તેના મામી સાથે ઘર તરફ જ હતા જ્યાંથી તેને રડવાનો અવાજ આવતો સંભળાઇ રહ્યો હતો. થોડી વારમાં જ માલતીના મામા અને રાજેશના કાકા બધા માંડવે આવ્યા અને માલતી સામે જોઇ રહ્યા.માલતી તેના મામાની સામે જોતા જ તેનો રડમશ ચહેરો જોઇ સમજી જ ગઇ કે કાંઇક અશુભ બન્યુ છે. તે માંડવેથી ઉભી થવા જતી જ હતી ત્યાં તેના મામા તેને ભેટી પડ્યા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. માલતી સમજી ન શકી કે શું થવા જઇ રહ્યુ છે.
“મામા, શું થ્યુ, એ તો ક્યો? આવા સારા દિવસે આમ રડો કાં?”
“દિકરી, મને ઇમ હતુ કે તારા લગન પછે તારા જીવનમાં સારા દી આવહે, પણ તારુ ભાય્ગ તો હંમેશની જય્મ એક ડગલુ પાછળ જ રયુ.”
“શું થ્યુ મામા, એ તો કો મને?
“એ મરી ગઇ, તુ છો જ ડાકણી, પેલા જનમતાની સાથે તારા મા ને અને બાપને ખાઇ ગઇ અને હજી તો સાસરે કંકુના પગલા ય નથ થ્યા ને આવા કારા સમાચાર આયવા. મરી ગઇ આના કરતા તો જનમતાની સાથે જ તને મારી નાયખી હોત ને તો આ દી જોવા ન પડત.”
“બસ કર માલતીની મામી, બસ કર. એમા આ બચારીનો શું ગનો તે તુ ભર સમાજે માલતીને માથે દોષનો ટોપલો ઢોરે છે?”
“મને ક્યો ને મામા, શ્હું થ્યુ?” માલતી પણ રડી પડી ત્યાં માલતીની મામીએ આવી માલતીના હાથમાં સજેલી રંગબેરંગી કાચની બંગડીઓને બન્ને હાથ અથડાવી તોડવા લાગ્યા ત્યાં માલતીએ પોતાના હાથ ખેંચી લીધા.”
“મામી, આમ ન કરો. ઇ તો સકનનો ચુડલો છે, મારા સાસરાના ઘરનો.”
“મરી ગઇ, બુધ્ધી વિનાની, આ તારો કાકોજી સસરો એ જ સમાચાર લઇને આયવા છે કે તુ પયણા પહેલા જ વિધ્વા થઇ ગઇ. રસ્તે આવતી જાનમાં વચ્ચે વરરાજાની મોટરનુ એક્સિડન્ટ થયુ જેમા રાજેશનું પ્રાણ પંખેરૂ ઉડી ગ્યુ. હવે આ ચુડલો તારે કાંઇ કામનો નથી, સમજી?” બોલતા માલતીના મામીએ તેના હાથના ચુડલાને તોડતા રહ્યા અને માલતી તો બેશુધ્ધ જેવી આંખો ફાળતી ભર માંડવે બસ તેના મામી સામે જોતી જ રહી. સગા વ્હાલા બધાની આંખો ફાટી ગઇ આ સાંભળીને. બધા બસ માલતીને અપશુકની, છપ્પરપગી જેવા અનેક ઉપનામ આપી તેને કોષવા લાગ્યા.

વધુ આવતા અંકે……………………………ભાગ-૨ માં આવતીકાલે સાંજે ૪ઃ૪૪ વાગે!

રૂપેશભાઈ એ લખેલી સરસ મજાની નવલકથા કોફીહાઊસ વાંચી કે નહીં? – ના વાંચી હોય તો અત્યારે જ http://www.dealdil.com/coffee-house-ek-anokhi-pranaykatha પર જઈ ઓર્ડર આપો! અને, એ પણ ૧૫% ડિસ્કાઊન્ટ સાથે!

લેખક – રૂપેશ ગોકાણી

ટીપ્પણી