તમે શરીરને અંદરથી સાફ રાખવા કરવામાં આવતા ડિટૉક્સ વિશે શું જાણો છો?

લોકો ઘણા અલગ-અલગ પ્રકારની ડાયટ કરતા હોય છે, જેમાં એક કૉમન ડાયટ છે ડિટૉક્સ. આજે એવા લોકો ઘણા છે જે નેચરોપેથી અપનાવશે અને ૧૫ દિવસના ડિટૉક્સ પ્લાન પર જતા રહે છે. જ્યાંથી પાછા આવે ત્યારે તેમનું શરીર અને મન બધું જ જાણે કે શુદ્ધ થઈ જતું હોય એવો અનુભવ તેમને થાય છે. હળવું લાગે છે, પેટ ખાસ કરીને લાઇટ રહેવાથી વધુ એનર્જેટિક લાગે છે. એક એવો વર્ગ છે કે આખું વર્ષ બેફામ જીવીને આ ૧૫ દિવસનું ડિટૉક્સ કરીને ખુશ રહેતો હોય છે, જ્યારે એક એવો વર્ગ પણ જે માને છે કે ડિટૉક્સ કરવાથી વજન સારુંએવું ઘટી જાય છે તો એ લોકો જ્યારે વજન ઘટાડવું હોય ત્યારે આ ડાયટ કરતા હોય છે. પરંતુ શું એ બરાબર છે? ડિટૉક્સ એક ડાયટ છે કે એક પ્રોસેસ? એની શું જરૂર? એ ક્યારે કરાય અને કોણે કરાય? આ બધા જ પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવીશું.

ડિટૉક્સિફિકેશન એક પ્રોસેસ

આપણું શરીર એક એવું મશીન છે જેમાં અંદરનો કચરો અને ઝેરી ટૉક્સિન્સ શરીર પોતે જ બહાર ફેંકી દે છે. આ પ્રોસેસ છે જે દરરોજ એના સમયે શરીર કરે જ છે, પરંતુ આજની તકલીફ એ છે કે કચરો વધતો જ જાય છે. ઇન્સ્ટા સ્કલ્પ્ટના વેઇટલૉસ એક્સપર્ટ મંજીરી પુરાણિક કહે છે, ‘આપણા શરીરમાં અમુક નિãત અંગો છે જે આ ડિટૉક્સિફિકેશનનું કામ કરે છે જેમ કે ત્વચા, ફેફસાં, કિડની, આંતરડાં અને લિવર. આ પાંચેય અંગો શરીરમાં રહેલા કચરાને દૂર કરવાનું કામ કરે છે. પરંતુ આજની તકલીફ એ છે કે વાતાવરણમાંનું પોલ્યુશન, પાણીની મલિનતા, ખોરાકમાં ભળી ગયેલું પ્રદૂષણ, ઝેરી કેમિકલ્સયુક્ત ખાતર અને કીટનાશકોવાળો ખોરાક આ બધામાંથી શરીરમાં પ્રવેશતાં ટૉક્સિન્સનો અતિરેક થઈ રહ્યો છે. આ સિવાય ઘણા લોકોને આલ્કોહૉલ અને સ્મોકિંગ જેવી કુટેવો હોય છે, જે આ ટૉક્સિનની માત્રામાં વધારો કરે છે. શરીર એની રીતે આ રીતે ટૉક્સિનને દૂર કરવાની કોશિશ કરે, પરંતુ જેટલી વધુ માત્રામાં એ હોય એવું બને કે આપણાં અંગો એને પૂરી રીતે દૂર ન કરી શકે. તો પછી એ ઝેરી તkવો શરીરને નુકસાન કરવાનું કામ ચાલુ કરે અને રોગની શરૂઆત થાય.’

ડાયટ

ડિટૉક્સ ડાયટ શું છે અને એમાં કઈ બાબતો મહત્વની છે એ વિશે વાત કરતાં અધર સૉન્ગ હોમિયોપથી ક્લિનિકના હોમિયોપૅથ અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘આ ડાયટમાં મોટા ભાગે ફ્રેશ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ મોટા ભાગે પકવેલી ન હોય એવી કાચી શાકભાજીનું વધુ મહત્વ છે. જોકે એવો કોઈ નિયમ નથી કે એ જ ખાવી. પરંતુ કાચી શાકભાજી અને ફળોમાંથી જે ઍન્ટિઑક્સિડન્ટ્સ મળી રહે છે એ ડિટૉક્સિફિકેશનમાં મદદરૂપ થાય છે. આ ડાયટનો મૂળ હેતુ શરીરને ક્લીન કરવાનો હોય છે, ન કે વેઇટલૉસનો. જોકે આ ડાયટને કારણે મોટા ભાગે ઘણા લોકોનું વજન ઊતરતું હોય છે, જે લોકો આખો દિવસ ફક્ત શાકભાજી કે ફળો પર નથી રહી શકતા તે થોડા પ્રમાણમાં પ્રોટીન કે કાર્બ્સ લેતા હોય છે. પરંતુ એ લેવાથી ડિટૉક્સમાં કોઈ મદદ મળી રહેતી નથી. પૂરતા પ્રમાણમાં પાણી અને અઢળક માત્રામાં શાકભાજી અને ફળો એ આ ડાયટનો બેઝ છે. દર બે કલાકે જૂસ, સૅલડ, સૂપના ફૉર્મમાં એ લેવામાં આવે છે. આપણા દેશી મસાલાઓ જેમ કે આદું, હળદર, લીલી ચા, ફુદીનો, લસણ, તુલસી જેવા પદાર્થોનો પણ ઉપયોગ સારું રિઝલ્ટ આપે છે. ફક્ત એના પર ન રહેવાય ત્યારે લોકો પોતાની રીતે એમાં ફેરબદલ કરતા રહે છે.’

કોણે કરવું?

કોઈના શરીરમાં આ પ્રોસેસ સારી હોય તો કોઈના શરીરમાં આ પ્રોસેસ નબળી પડી ગઈ હોય છે. જેમના શરીરમાં આ પ્રોસેસ નબળી પડી છે તેમને ચોક્કસ જરૂર છે ડિટૉક્સ કરવાની. આ બાબતે બહાર આપતાં મંજીરી પુરાણિક કહે છે, ‘જે લોકો બહારનો ખોરાક ખૂબ ખાતા હોય, પ્રોસેસ્ડ ફૂડ, પ્રિઝર્વેટિવ્સ કે રેડી ટુ ઈટ ફૂડ ખાતા હોય, આલ્કોહૉલ, સ્મોકિંગની કુટેવો ધરાવતા હોય, સતત ખૂબ દવાઓ લેતા હોય એવા લોકોના શરીરમાં ટૉક્સિન્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આવા લોકોએ ડિટૉક્સ ડાયટ કરીને પોતાના શરીરની ડિટૉક્સિફિકેશનની નૅચરલ પ્રોસેસને બળ આપવું જોઈએ.’

કોણે ન કરવું?

જે લોકોની ડિટૉક્સ પ્રોસેસ ઘણી જ ઍક્ટિવ છે, પેટ વ્યવસ્થિત સાફ આવે છે, દિવસમાં અઢી લીટર પાણી પીવે જ છે, બહારનો ખોરાક ખાતા નથી કે ઓછો ખાય છે, દરરોજ એક કલાક એક્સરસાઇઝ કરે છે અને કોઈ કુટેવ ધરાવતા નથી તેમને આ ડાયટની ખાસ જરૂર નથી. આમ તેઓ જો ન કરે અથવા ૬ મહિને એકાદ દિવસ કરે તો પણ ઘણું થઈ જાય એમ સમજાવતાં ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘ઘણા લોકો એવા છે જેમને કાચો ખોરાક સદતો જ નથી. તેઓ કાચો ખોરાક ખાય તો તેમને ગૅસ કે ઍસિડિટી થઈ જાય છે. આવા લોકોએ ડિટૉક્સ ન કરવું અથવા પકવેલી શાકભાજી જ ખાવી. આ સિવાય જેમને ડાયાબિટીઝ છે તેઓ પણ આ ડાયટ ન કરી શકે, કારણ કે તેમની શુગરને કન્ટ્રોલમાં રાખવા તેમણે ખોરાક લેવો જરૂરી છે. આ સિવાય જે લોકો ફક્ત શાકભાજી અને ફળો ખાઈને ન રહી શકે, જેમને અતિશય ભૂખ લાગતી હોય, કાર્બ્સ કે પ્રોટીન જેવી સૉલિડ વસ્તુઓ ખાધા વગર જેમને ચાલતું જ ન હોય એવા લોકોએ આ ન કરવું. કોઈ પણ ડાયટ વ્યક્તિને માફક આવવી અત્યંત જરૂરી છે. જો માફક ન આવે તો એ ન જ કરવું.

ક્યારે અને કેટલું કરવું?

ઘણા લોકો ડિટૉક્સનો અતિરેક કરી મૂકે છે. મહિનો-મહિનો ફક્ત ડિટૉક્સ જ ચાલતું હોય એવાં પણ ઉદાહરણ જોવા મળે છે. હકીકતમાં કેટલું ડિટૉક્સ કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ આપતાં મંજીરી પુરાણિક કહે છે, ‘આમ તો એનો જવાબ દરેક વ્યક્તિએ જુદો હોવાનો. પરંતુ સામાન્ય રીતે જો તમને બીજી કોઈ તકલીફ ન હોય તો ૩ દિવસ સતત ડિટૉક્સ કરીને પછી દર મહિને એક દિવસ એમ ડિટૉક્સ કરી શકાય છે. સામાન્ય રીતે આટલું બસ છે. એનો અતિરેક કરવાનો અર્થ નથી. ઘણા લોકો જે ત્રણ દિવસ એકધારું ન કરી શકે તે એક જ દિવસ પણ કરી શકે છે. એ કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવું કે તમે એનર્જી‍ સાથે પોતાનું કામ કરી શકવા સમર્થ હોવા જોઈએ. જો એવું ન થતું હોય તો ત્યાં જ અટકી જવું’.

રોજિંદા જીવનમાં કરો ફેરફાર

જે લોકો સ્પેશ્યલ ડાયટ નથી કરી શકતા અને પોતાની ડિટૉક્સિફિકેશનની સિસ્ટમ સુધારવા માગતા હોય તેમણે આટલી બાબતોનું ધ્યાન રાખવું.

૧. સવારે ઊઠતાની સાથે ગરમ પાણી પીવું.

૨. આખા દિવસ દરમ્યાન ધ્યાન દઈને બેથી અઢી લીટર પાણી ચોક્કસ પીવું, કારણ કે પાણી ડિટૉક્સિફિકેશનને બળ આપે છે.

૩. આ સિવાય આખા દિવસમાં પાંચ સર્વિંગ્સ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સનાં જવાં જ જોઈએ. જો એને નૉર્મલ ડાયટમાં વિભાજિત કરીએ તો સવાર-બપોર-રાતના જમવામાં શાક અને બાકીના વચ્ચેના બે સમય એટલે સવારે ૧૧ વાગ્યે અને સાંજે પાંચ વાગ્યે એક-એક ફ્રૂટ લેવાનું શરૂ કરવું. જો આટલી શાકભાજી અને ફ્રૂટ્સ ખાતા હશો તો અલગથી ડિટૉક્સ ડાયટ કરવાની જરૂર નહીં પડે.

૪. આ સિવાય બહારનું ખાવાનું ઓછું કરો, ઑર્ગેનિક ખોરાક પસંદ કરો, પ્રિઝર્વેટિવ્સવાળો ખોરાક ન ખાઓ.

૫. કુટેવોથી દૂર રહો.

સાભાર – જીગીષા જૈન

ટીપ્પણી