દેશપ્રેમ

૨૬ જાન્યુઆરીનો દિવસ હતો. વાતાવરણમાં ગુલાબી ઠંડી હતી પણ સાથે દેશપ્રેમની ઉષ્મા પણ હતી. સૂરજદેવ પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વહેલા ઊગીને કિરણો દ્વારા ચેતના પ્રસરાવી રહ્યા હતા. ગુલાબી ઠંડીમાં ઉષ્મા ભળતા તાજગી વર્તાતી હતી. અચાનક ૬.૦૦ વાગ્યાનો એલાર્મ વાગ્યો ને રીવા ઉઠી. રાકેશ હજુ સુતો હતો. રીવાને કોલેજમાં પહોંચવું હતું. તેણી ઝડપથી તૈયાર થઈને નીકળી પડી.

કોલેજમાં હજુ ધ્વજ વંદનની બધી તૈયારી બાકી હતી. એ ઝડપથી ચાલવા લાગી કારણ કે આજે કોઈ વાહન મળતું ન હતું. કોલેજ બહુ દૂર હોવાથી તેણે પગલાં ઝડપથી ઉપાડ્યા. જેવી તે એસ.વી.રોડ પર આવી ત્યાં અચાનક એક મીઠો સ્વર સંભળાયો. ”ગુડ મોર્નિંગ મેડમ.” તેણે ચમકીને જમણી બાજુ જોયું તો જાણીતી મ્યુનીસીપલ સ્કુલની બાજુમાં એક ૧૫-૧૬ વર્ષની છોકરી ટોપલામાં ઝંડા લઈને બેઠી હતી તે નજીક ગઈ. “મને ન ઓળખી? હું સરસ્વતી! આપના વર્ગમાં જ છું.” એને આછો પાતળો અણસાર આવ્યો.

“અરે! કેમ તું અહી બેઠી છે? આજે તો રાજા છે ને?” “મેડમ! હું આ ઝંડા વેચવા બેસી છું!” તે ઉત્સાહથી બોલી… “ને સામે પેલી સ્કુલ છે ને? ત્યાં મારો ભાઈ પણ ઝંડા વેચવા બેઠો છે. લો મેડમ! આ આપના માટે!” એણે એક ઝંડો રીવાને આપ્યો. રીવાએ સહર્ષ ઝંડો સ્વીકાર્યો અને થોડા ઝંડા કોલેજ માટે પણ ખરીદ્યા. વાતવાતમાં તેને પૂછ્યું, “બેટા! તારા માતા-પિતા?” સરસ્વતી તુરંત બોલી ઉઠી, “અરે મેડમ! એ તો સરકારી દવાખાનામાં સફાઈ કર્મચારી છે.

અમને ખુબ ભણવું છે મેડમ! એટલે અમને હોંશથી ભણાવે છે પછી હું ભણું ને નોકરી કરું તો મારી માને રાહત મળે.” તે આત્મવિશ્વાસથી બોલી. “પણ મેમ! તમે આશીર્વાદ આપો કે અમારા આ બધા જ ઝંડા વેચાય, તો અમે બધા બે ટાઇમ જમી શકીએ.” તેના આ વિધાને રીવા ચોંકી ગઈ. આગળ કંઈક પૂછવા જાય એટલામાં રીક્ષા દેખાઈ તે કોલેજ પહોંચવા તુરંત રીક્ષામાં બેસી ગઈ. આઝાદ ભારતના આ ગરીબીના ગુલામ લોકો વિષે વિચારતા તે વ્યથિત થયી ગઈ. સરસ્વતી ખરેખર ખુબ ઈમાનદાર, હોંશિયાર છોકરી હતી અને ખુમારીથી જીવતી હતી.

જમાનાનો વા તેને વળગ્યો નહતો. સાવ સદી પણ ખુબ કલ્પનાશીલ ને મહેનતુ. અચાનક રીક્ષા અટકી, તે કોલેજે પહોંચી ગઈ પણ કોલેજે પહોંચ્યા પછી પણ તેને નજર સમક્ષ સરસ્વતીનો ચહેરો ફરતો રહ્યો. ધ્વજ વંદન શરૂ થયું. તેણે સરસ્વતી પાસેથી ખરીદેલા ઝંડા વિદ્યાર્થીઓને લગાવવા આપ્યા. મુખ્ય મહેમાને ખુબ સુંદર ભાષણ આપ્યું. સહુ દેશપ્રેમની ભાવનાને મનમાં સંગોપી છુટા પડ્યા. તે ઘરે જવા નીકળી ત્યાં જ રાકેશનો ફોને આવ્યો, ”ક્યારે આવે છે તું?” ”બસ, હમણાં પહોંચી” તેણે ઉત્તર આપ્યો.

પણ રીવાના મનમાં હજુ સરસ્વતી માટેની વેદના મિશ્રિત લાગણી જોર કરી રહી હતી. અચાનક એનું ધ્યાન રસ્તા પર ગયું. હજુ સરસ્વતી ત્યાં જ ઉભી હતી. ટોપલો ભરેલો જ હતો. માંડ થોડાક ઝંડા વેચાયા હતા. ધીમે ધીમે જાણે આ રાષ્ટ્રીય તહેવારનો ઉત્સાહ શમતો જતો હતો. સરસ્વતીના ઉદાસ ચહેરાને જોઈ મનમાં ગ્લાનિ ઉભરાઈ આવી. રીવા બોલી ઉઠી, ”અરે! સરસ્વતી તારે ઘરે નથી જવું? હજુ અહીં જ છે?” તેણે ઉત્તર આપ્યો, ”જુઓને મેડમ! કંઈ વેચાણ ન થયું. મને તો એમ કે લોકો ઝંડા ખરીદવા પડાપડી કરશે, પણ કોઈ નજરસુદ્ધા નાખતું નથી, જાણે ઝંડા સાથે લેવા દેવા જ નથી કે દેશ સાથે પણ નથી.” સરસ્વતીના અવાજમાં રંજ સાથે દેશદાઝ પણ હાથી. તેણે અચાનક એક નિર્ણય લીધો અને સો-સો રૂપિયાની બે નોટ કાઢીને પૂછ્યું, “બેટા! આ બધા ઝંડાનું શું?” સરસ્વતી ચમકી, “પણ મેડમ! તમે આ બધાનું શું કરશો?”

“અરે! હજુ સોસાયટીમાં ધ્વજ વંદન બાકી છે ને! એને માટે.” રીવાએ ઉત્તર આપ્યો અને ઝડપથી બધા ઝંડા લઈ તેણી આગળ વધી. સોસાયટીના કમ્પાઉન્ડમાં બધા ભેગા થયી ગયા હતા. તેણે દરેકને એક એક ઝંડો આપ્યો. વડીલોને તો તેણે લગાવી પણ દીધો. તે હમણાં આવું કહી ઉપર જઈ ઝડપથી રાકેશ માટે ચા-નાસ્તો તૈયાર કરવા લાગી. “અરે વાહ! આજ તો તારા ચહેરા પર મધુરું સ્મિત! શું વાત છે? દર વખતે તો તું થાકી જતી હોય છે.” રાકેશે પૂછ્યું. એટલામાં નીચેથી બૂમ પડી અને કશુંએ ઉત્તર આપ્યા વગર તેણી રાકેશને નીચે આવવાનું કહી પોતે ઝડપથી ઉતરી પડી નીચે, “વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા” ના સ્વર લહેરાતા હતા.

સોસાયટીના દરેક વ્યક્તિએ લગાવેલા ઝંડામાં તેને દેશભક્તિનિ છબી દેખાયી રહી હતી પણ લહેરાતા ઝંડામાં તેને સરસ્વતીનો હસતો ચહેરો દેખાતો હતો જેમાં એક સંતોષનું સ્મિત હતું. કદાચ એક દિવસ માટે સરસ્વતીને પણ ભૂખની ચિંતાથી આઝાદી મળી હતી. આજે રીવને એક નવી વ્યાખ્યા મળી કે દેશવાસીઓ માટે કંઇક કરવું એ પણ દેશપ્રેમ જ છે. આજે લહેરાતા ઝંડામાં તે આઝાદી જોઈ રહી હતી. તેણે સંતોષનો એક શ્વાસ લીધો અને મુક્તિનો અહેસાસ અનુભવ્યો. સોસાયટીના નોટીસ બોર્ડ પર રીવા નિયમિત સુવાક્યો લખતી. આજે ચોક લઈ તે આગળ વધી અને તેના માનસ પટ પર શબ્દો ઉપસી આવ્યા કે…

“માટીનો રંગ એમ જ લાલ નથી હોતો,
એમાં શહીદોનું રક્ત સિંચાયું હોય છે!”

લેખક – લી. દીપ્તિ અજય બુચ

ટીપ્પણી