દેરાણી-જેઠાણી : સંબંધોની આંટીધુંટી – Must Read for Ladies – હમણા જ વાંચો

“એ આવતાં સોમવારે આપણા ગામનાં શંકર મંદિરે હું ચોરાશી જમાડું છું, અને તમારે બધાએ આવવાનું છે!! આપણા ગામનાં સાધુ અને બ્રાહ્મણની સાથે સાથે સાથે આજુબાજુના ચાર ગામનાં બ્રાહ્મણો અને સાધુઓ પણ જમાડવાના છે!! આપણા બધાં સગા સંબંધી પણ આવવાના છે!! તમને રૂબરૂ આમંત્રણ દેવા હું આવી છું અને ઠેઠ સુરત સુધી ધક્કો ખાધો છે એટલે બધાએ આવવાનું છે હો!! હંસાએ પોતાના સગા દિયર અને દેરાણીને ચીકુવાડીમાં એના ઘરે જ કીધું. હંસા હજુ આજ સવારે ગામડેથી દેશમાં આવી હતી. પોતાના ભાઈના ઘરે ઉતરી હતી. બપોરે જમીને એ પોતાના દિયરને ઘર આવી હતી. દિયર અને દેરાણીને સવારે ફોન કરી દીધો હતો કે બપોર પછી હું આવું છું એટલે એ લોકો ક્યાંય બહાર ના જાય એટલે એ લોકો ઘરે જ હતાં.

“ ચોરાશી જમાડવાનું ખાસ કાઈ કારણ?? અને અમને તેડાવવાનું પણ ખાસ કોઈ કારણ છે જેઠાણીબા”?? શીતલે વ્યંગમાં પૂછ્યું. શીતલનો ઘરવાળો રાજેશ કશું બોલ્યો નહિ. બસ નીચું જોઈ રહ્યો.

“એક માનતા માની હતી એટલે જમાડું છું ,બીજુ કોઈ ખાસ કારણ નથી!! અને બધાં સગા સંબંધીને જમાડવા એવું નક્કી કર્યું છે, બીજું તો શું હોય?? તમે તો સગા દેરાણી છો ભલેને આપણી વચ્ચે બોલવાનો વ્યવહાર ના હોય પણ આ વખતે તમે આવી જ જાવ,પછી ભલે આપણી વચ્ચે જેમ હાલતું હોય ઈમ હાલે મને કોઈ વાંધો નથી.પછી હું કોઈ દિવસ તાણ કરવા નહિ આવું બસ!! પણ આ વખતે તમારે આવવું પડશે એટલે આવવું પડશે”!!! બોલતાં બોલતાં હંસાએ હાથ જોડ્યાં!! રાજેશ ભાભીની સામે જોઈ રહ્યો. પણ શીતલના ધારદાર નજર હજુ પણ હંસા તરફ જ હતી.

“અને ધારો કે અમે ના આવીએ તો શું કરી લેશો તમે”?? શીતલે કહ્યું અને રાજેશે એની તરફ જોયું.

“એવું ના બને મને મારા દિયર પર ભરોસો છે, હું કહું એટલે એ આવે જ” હંસાએ રાજેશ તરફ જોઇને કહ્યું.

“ એ તો હવે અમે નક્કી કરશું કે અમારે આવવું કે નહિ, આમેય અમને એકલાં જ મૂકી દીધાં હતાને, આ તો ભગવાને અમારી સામે જોયું અને અમારે સારું થયું એટલે તમે આવ્યાં,બાકી તો અમને નીચા દેખાડવામાં તમે કાઈ બાકી નથી રાખ્યું!! આ તો અમારા ઈ સાવ ભોળા ને મોઢાના મોળા એટલે ઠોલી ખાધાં ખુબ!! પણ હવે અમે નક્કી કરશું કે અમારે આવવું કે નહિ”!! શીતલ હવે બરાબરની ખીલી હતી. ઘણાં વરસે એનાં જેઠાણી બા હાથમાં આવ્યા હતાં અને તે આ મોકો ચૂકવા માંગતી નહોતી.

“ બનવાકાળે બધું બન્યું હતું. બાકી અમે કોઈને વગોવ્યા નથી. લોકોએ ખોટી કાન ભંભેરણી કરી હતી અને બે સગા ભાઈ વચ્ચે મનદુઃખ થયું. જે થયું એ થયું. અને તમે પૈસાવાળા થયાં છો એમાં અમારી આંખ્યું ટાઢી હું કાઈ પૈસા માંગવા નથી કે ક્યારેય માંગવા પણ નહિ આવું. અને આમાં મારો કોઈ સ્વાર્થ પણ નથી. તમારે આવવાનું છે રાજેશભાઈ અને સાથે બધાને લાવવાના પણ છે,યાદ કરો રાજેશ ભાઈ તમે મને એક વખત વચન આપ્યું હતું કે ભાભી તમે માંગો એ આપું અને ત્યારે મેં કીધું હતું કે મારે કાઈ જોતું નથી.

પણ તોય તમે કીધું હતું કે ભાભી જયારે જરૂર પડે ત્યારે માંગી લેજો એ તો તમને યાદ જ હશે અને એટલે જ હું આજે એ વચન માંગુ છું કે તમારે આવતા સોમવારે આવવાનું છે સહ કુટુંબ” એકી શ્વાસે હંસા બોલી ગઈ!! શીતલ તો જોતી જ રહી ગઈ. રાજેશે પણ પોતાની ભાભી સામું જોયું અને એને પેલો પ્રસંગ યાદ આવી ગયો. એના લગ્ન હજુ થયાં નહોતાં. ઉમર હશે સોળ વરસની એ એની ભાભી સાથે કપાસનાં ખેતરમાં હતો. ભાભી કપાસ વીણતાં હતાં ભાઈ કુવા પાસે અને એને એક સાપ કરડી ગયો.રાજેશે રાડ પાડી અને જમીન પર પડી ગયો હતો. હંસાભાભીએ રાડ પાડી અને ભાઈને બોલાવ્યાં પછી ભાભીએ રાજેશનો પગ હાથમાં લીધો અને જ્યાં સાપે દંશ દીધો હતો ત્યાં મોઢેથી ઝેર ચૂસી લીધું હતું.

રાજેશને કશું ના થયું પણ ભાભી થોડીવાર માં બેહોશ થયાં. ભાઈ ભાભીને ગાડામાં નાંખીને દવાખાને લઇ ગયા. રાજેશ રોવા જેવો થઇ ગયો હતો. પોતાને બચાવવા માટે ભાભીએ પોતાના પ્રાણની પણ પરવા ના કરી. બે કલાકની મહેનત પછી ભાભીએ આંખ ખોલી અને ત્યારે રાજેશે કીધેલું કે ભાભી જે જોઈએ એ માંગી લો.

“અમે બધાં આવીશું ભાભી જાવ તમ તમારે, કરો તૈયારી હું શીતલ અને અંશ રવિવારે સાંજે જ આવી જઈશું “ રાજેશે કીધું અને હંસા ભાભીનો ચહેરો મલકી ઉઠ્યો. એટલામાં રાજેશનો છોકરો અંશ શાળાએથી આવ્યો!! એકદમ રૂપકડો એવો અંશ!! હંસાની સામે જોઈ રહ્યો. હંસાએ એને બાથમાં લીધો.

“વાહ મારો દીકરો મોટો થઇ ગયો છે ને કાઈ , વાહ હવે તો ભણવા પણ જવા લાગ્યો નહિ, તારી મોટી બા શું મોટી બા!! જો આવતા સોમવારે તારે મારા ઘરે આવવાનું છે હો, આવીશને” હંસાએ અંશને વહાલથી નવરાવી નાંખ્યો. અને પોતાના પર્સમાંથી ૧૦૦ ની નોટ કાઢીને અંશને આપી ને શીતલની સામે જોઈ ને ઘરની બહાર નીકળી ગઈ. શીતલ હજુ કતરાતી હતી. જેવા હંસાબેન હજુ બહાર આઘેરાક ગયાં અને તરત જ રાજેશ અને શીતલ વચ્ચે ભડકો થયો.

“કોને પૂછીને તમે કહી દીધું કે આપણે જવાનું છે, આપણે નથી જવાનું હું કહી દઉં છું” રાબેતા મુજબ શીતલે ધમકી આપી.

“મારે કોઈને પૂછવાની જરૂર નથી, તારે ના આવવું હોય તો કઈ નહિ હું અને અંશ જઈ આવીશું, અને આમેય તું અને તારી મા એકલા જ રહેતાં હતાં ને આમેય એકલપેટી હોય ઈ કોઈની સાથે ભળે તો નહિ જ ને” આ અણધાર્યો ઘા હતો શીતલ માટે નહીતર રાજેશ એની સામે બોલતો જ નહિ!! પણ આજ વાત કઈ જુદી જ હતી.આજ તો રાજેશે દરેક વાતનો જડબાતોડ જવાબ આપ્યો અને છેલ્લે એમ પણ કહી દીધુંકે જો તું નહિ આવે તો આ ઘરમાં પણ તું ક્યારેય નહિ આવે!! ઘણી ધમાલ થઇ પણ પછી અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું અને નક્કી થયું કે છેલ્લી વાર ચોરાશીમાં જઈ આવવું પછી કોઈ દિવસ નહિ, બીજી શરતો એ પણ હતી કે મોટો ભાઈ પૈસા કે કોઈ મદદ માંગે એ ના આપવી.!! અંતે જાવાનું નક્કી થયું!!

જેવો ભડકો રાજેશનાં ઘરે થયો એવો ભડકો એનાં મોટાભાઈ સવજીના ઘરે થયો હતો જયારે હંસાએ એના ધણી સવજીને વાત કરી કે…

“શ્રાવણ માસમાં સોમવારે મારે ગામનાં અને આજુબાજુનાં ગામનાં સાધુ અને બ્રાહ્મણોને શંકર મંદિરે ચોરાશી કરીને જમાડવાના છે,સગા સંબંધીને તેડાવવા છે!! સુરતથી દેર અને દેરાણીને બોલાવવાના છે,ભલેને બોલવા વેવાર નથી પણ છે તો તમારાં સગા ભાઈને!!! અને નાના છે એટલે એની હારે વટ ના રખાય”

“ચોરાશી જમાડો એમાં વાંધો નહિ, સગા સંબંધી ને તેડાવો એમાં પણ વાંધો નહિ!! પણ મારાં પૈસાએ મારા ઘરે મને લાફા મારવાવાળાને જમાડવાનું હું તો નહિ થવા દઉં!! એને જમાડવા કરતાં તો હું ગામનાં કુતરાને લાડવા ખવરાવું!! કુતરુંય કોક દિવસ ગણ કરે હો!! આ તો મને જ કરડવા દોડ્યો!! મારો જ પાળેલો મને કરડવા દોડ્યો!! મારા પૈસાએ એ આ ઘરમાં નહિ જમે”!! સવજીએ કડવાશથી કહ્યું.

“આ તમે મારું ઘર મારું ઘર કર છો તે આ ઘર તમારા એકલાનું જ છે,??મારું પણ ખરું કે નહિ” હંસાએ સવજીને પૂછ્યું.

“હા છે ને તમારુંય ઘર છે જ ને!! ઘર જ નહિ હું પણ તમારો જ છું ને, પણ દર વખતે અમારા પૈસાએ જ ધરમ કરો છો તો ક્યારેક તમારાં પૈસાએ પણ આવું કાંક કરોને!! તમારાં પૈસાએ ચોરાશી કરો તો તમે ગમે તેને બોલાવી શકો મને શું વાંધો હોય!! તમ તમારે ચોરાશી કરો, તમારે પૈસે કરો!! અમે જમવા આવીશું,કેમ બોલ્યો નહિ બેટા સાચું કે ખોટું” સવજીએ એના દીકરા પ્રદીપ સામે જોઇને કહ્યું. પ્રદીપ દસ વરસનો હતો.એ મમ્મી અને પાપાનો મીઠો ઝગડો જોઈ રહ્યો હતો.એને ખબર જ હતી કે પાપા ભલેને ગમે એટલો વળ કરે પણ ધાર્યું તો મમ્મી નું જ થવાનું છે!!

પણ હંસાએ જે જવાબ આપ્યો એનાંથી તો સવજીની આંખો ચાર થઇ ગઈ!!

“બધું જ મારા પૈસાએ થશે. તમારી પાસે એક રૂપિયોય લેવા નહિ આવું અને બીજું કે આખી ચોરાશીનું કામકાજ અમે બૈરાઓ ઉપાડી લઈશું!!ગામના પુરુષોએ તો ખાલી સીધું જમવા બેસી જવાનું છે, એક સળીના બે કટકા પણ નથી કરવાનાં!! અને આમેય તમનેય ખબર પડવી જોઈએને કે પુરુષો વગર પ્રસંગ થઇ શકે!! અમારું બાયુંનું મંડળ બધું જ કરી નાંખશે,અને રહી વાત પૈસાની તો એ હું મારા પૈસા વાપરીશ, મારા ભાઈએ મારા પૈસા બેંકમાં મુક્યા છે એ તો તમને ખબર જ છે ને!!?? ભાઈઓ એ જમીન વેચી ત્યારે એના મારા ભાગનાં પૈસા લેવાની મેં ના પાડી તોય પરાણે એ બધાંજ પૈસા બેંકમાં મારા નામે છે અને એના વ્યાજમાંથી આ ચોરાશી થઇ જવાની છે!! હવે બોલો તમે તો આવશોને બાપ દીકરો ચોરાશીમાં?? કે તમે પણ છેલ્લી ઘડીએ રોન કાઢવાના છો!!??

“બધું જ તમારું હોય તો અમે બાપ દીકરો તો આવીએ જ ને પણ દેવીજી એ તો કહો કે તમે માનતા શેની માની છે?? કઈ ખુશાલીમાં તમે આ ચોરાશી જમાડો છો એ તો કહો???” સવજીએ હળવાશથી કહ્યું.

“માનતા જાહેર ના કરવાની હોય!! એ પૂરી કરવાની હોય!! એની જાહેરાત કરીને ધજાગરો ના કરવાનો હોય!! તમને તો ખબર જ છેને કે હું નહિ કહું પણ તોય કેમ પૂછો છો??” હંસાએ કહ્યું.

અને બીજે દિવસે ગામની સ્ત્રીઓ હંસાના ઘરે થઇ ભેગી અને થઇ ગયું આયોજન!! સ્ત્રીઓને પણ મજા આવી!! ગામમાં આવું પેલી વાર થઇ રહ્યું હતું!! ફક્ત સ્ત્રીઓ દ્વારા જ થતું આવું ધાર્મિક કાર્ય પહેલી વાર થઇ રહ્યું હતું. જટાશંકર ગોર પાસે હંસા બધું જ એસ્ટીમેંટ કઢાવી લાવી હતી.પૂજા વિધિ પણ જટાશંકર જ કરાવવાના હતાં અને રસોઈયા પણ એ જ હતાં!! આખાં ગામમાં એ એક માત્ર રસોઈયા હતાં!! અને પછી હંસાએ બધાં સગા સંબંધીને જાણ કરી દીધી અને આજે એ સુરત પોતાના દિયર પાસે પણ આવી ગઈ. અને હવે એના ભાઈ પાસેથી જરૂરી પૈસા લઈને એ ગામડે આવતી રાત્રીની બસમાં બેઠી હતી!! બસમાં જ એને વિચાર આવી રહ્યા હતાં કે આઠ વરસ પહેલા કેવા દિવસો હતાં એ!! પોતાના ધણી અને રાજેશ વચ્ચે ખુબજ ગાઢ સબંધો હતાં!! પછી તો રાજેશ પરણ્યો!! શીતલ ઘરે આવી અને!!!!! હંસાનું મન ભૂતકાળમાં ખોવાઈ ગયું!!!!

સવજી અને રાજેશ એટલે રામ લખમણની જોડી!! બેય ભાઈ વચ્ચે ઉમરમાં દસ વરસનું અંતર હતું. સવજી જયારે ૧૮ વરસનો હતો ત્યારેજ જ બા બાપુજી ગુજરી ગયેલાં પણ ત્રીસ ત્રીસ વીઘાના બે સારા એવા જમીનના કટકા હતાં અને સવજી હતો મહેનતું. ઘરે સવજી રાંધી નાંખે અને ભાઈ ને ખવડાવે ત્યારે રાજેશ હજુ ત્રીજામાં ભણતો!! બાવીસ વરસે સવજીએ લગ્ન કરેલાં. હંસા પણ કામમાં ધણીને આંટી મારી દે એવી!! રાજેશ પણ આખો દિવસ ભાભી ની સાથે જ હોય!!! મા વગરના રાજેશને એ વખતે ભાભીમાં મા દેખાયેલી પછી તો રાજેશ મોટો થયો. સવજીએ એનું વેવિશાળ દુરના એક ગામમાં તુલસી પટેલની શીતલ સાથે કર્યું. એકાદ વરસ પછી શીતલ પરણીને સાસરે આવી. શીતલ આમ તો ખુબ રૂપાળી પણ થોડી જડ મગજ ની એક વાત એનાં મનમાં ઘુસી જાય પછી એ લોઢે અને લાકડેય ના મુકે એવી જીદ્દી!!

શરૂઆતમાં તો ઠીક ચાલ્યું!! રાજેશ પણ ખેતીકામ કરે અને હીરા ઘસવા જાય ગામમાં!!! હંસા અને શીતલ બેય દેરાણી જેઠાણી ગામમાં ચા પીવાં જાય અને ગામ આખું હંસાના બે મોઢે વખાણ કરે અને શીતલને ત્યાંથી જ પેલો વાંધો પડ્યો!! જેઠાણી ના વખાણ એ સહન ના કરી શકી. ગામ હોય ત્યાં જેમ સાત આઠ કોડા હોય એમ સાત આઠ કોડીઓ પણ હોય જ!! આ કોડીઓનો ધંધો કોઈના ઘરમાં કેમ આગ લગાડવી એ જ હોય!! આમેય હંસા શીતલને કહેતી કે તારાથી ખેતીનું કામ નહિ થાય!!

હું અને તારા જેઠ ખેતીનું કરીશું અને તારે ઘર સાચવવાનું અને મારા પ્રદીપને રમાડવાનો!! શીતલ પરણીને આવી ત્યારે હંસાનો દીકરો પ્રદીપ ત્રણ વરસનો હતો.હંસા અને સવજી વહેલી સવારે જતાં રહે ખેતરમાં તે છેક સાંજે આવે, ક્યારેક વળી રોંઢે પણ આવી જાય અને આ બાજુ શીતલ પ્રદીપને નવરાવે રસોઈ કરે!! બપોરે રાજેશ આવે જમે અને વાડીયે ભાત દેવા જાય મોટરસાયકલ લઈને વળી પાછો હીરા ઘસવાના કામે ચોંટી જાય તે છેક રાતે આવે. અને શીતલ બપોર પછી ગામની બે ત્રણ કોડીઓ સાથે સખીપણા થઇ ગયાં. એમાં બે તો સાસરેથી પાછી આવેલ હતી. તે શીતલને ચડાવ્યે રાખે!!

“આમને આમ તો તું કામ કરીને તૂટી જાશ ,પણ તારી કદર નહિ થાય!! ગામ તો હંસાને અને સવજીને જ જશ આપશે,અને મારા ભાઈ તો પહેલેથી જ હંસા ભાભી કહે એટલું જ પાણી પીવે છે!! આ બધાના ગોલાપા કરવા એના કરતાં સુરત જતાં રહોને વળી રાજેશભાઈને કામ પણ સારું થાય છે!! સુરતમાં તો કેવા જલસા હોય કશું જ નહિ કરવાનું!! એય ફિલ્મ જોવા જવાય!! ખમણ ખવાય !! ડુમસ જવાય !! ઉભરાટ જવાય અને કાઈ કામ ના હોય તો બરોડાની માર્કેટમાં જવાય!!

આખા દિવસમાં બે વાર નાવ એટલે શરીર થઇ જાય ધોળું બાસ્તા જેવું અને આ ગામડામાં તો તમે સુકાઈને સાંઠીકુ થઇ જાશો!! મને તો દયા આવે છે શીતલ ભાભી કે તમે આટલું ભણેલા ગણેલાં ને અહી ગામડામાં ફાવે,?? કાલ સવારે છોકરા થશે તો એયને શહેરમાં ભણાવી ગણાવીને છોકરાનું ભવિષ્ય તો સુધારાયને!!, લગ્નના છ માસ માં સાસરીયા રીટર્ન એક શીતલની ખાસ ગોઠણે શીતલની ને ચાવી ભરાવી!! આવી તો અનેક ચાવીઓ રોજ શીતલને મળવા લાગી. અને એ ચાવીઓ રાતે શીતલ એના ધણી રાજેશને ભરાવે!! શરૂઆતમાં તો એકેય ચાવી ના લાગી પણ એક રાતે અચાનક એક ચાવી લાગી ગઈ અને રાજેશે ગાડી ગિયરમાં પાડી.

“હુય સમજુ છું કે શહેરમાં ખુબ સારું હોય પણ ભાઈ ભાભીને હું ના કહી શકું. એ બિચારાએ મને મોટો કર્યો,પરણાવ્યો પછી આપડેય એમ થોડું ભાગી જવાય?? એનું કોણ આપણે જઈએ તો??” રાજેશે કહ્યું અને તરત જ શીતલે લીવર હાથમાં લઈને ઉપરા ઉપરી બધાં ગીયર નાંખીને બળતરાની ગાડી ટોપમાં નાંખી દીધી.

“ભાઈઓ તો નોંખા જ હોય, સહુ સહુ ની ફરજ સહુ નિભાવે!! તમેય એની ભેગું કામ કર્યું છે બેઠાં બેઠાં ખાધું નથી!! આપણે આપણા છોકરાં થાશે એનું વિચારવું જોઈએ કે નહિ કે પછી એને પણ તમારી જેમ પથરા ઘસાવા છે કે ખેતા માં નાંખવા છે!! આપણે એક વખત સુરત જઈએ પછી એયને મકાન લઈશું ને જલસા કરીશું ,અને તમારાથી જીભ ના ઉપડતી હોય તો હું કહી દઉં, બસ પછી તમે છેલ્લી ઘડીએ ફસકી ના જાતા ખાવ મારા સમ” આટલું કહીને એ રાતે જ શીતલે રાજેશ ને બાંધી લીધો અને રાજેશ ભોળવાઈ ગયો!! જેમ બકરી રજકા સાથે ભોળવાઈ જાય એમ જ!!

“જેઠાણીબા અમારે સુરત જાવું છે, અહી મને નથી ગમતું અને ખાસ કરીને તમારા દિયરને સુરતમાં જઈને હીરાનું કારખાનું કરવું છે પણ કાઈ કહી નથી શકતા એટલે હું જ તમને કહું છું!! ક્યાં સુધી આમ ગદ્ધા મજુરી કરીશું આપણે અહી કરતાં સુરતમાં કામ પણ સારું થાયને અને એકાદ વરસમાં હીરાની ઘરની ઘંટીઓ પણ કરવી છે” હંસા કશું જ ના બોલી સાંજે સવજીને વાત કરી. સવજીએ ઘણી ના પાડી પણ શીતલે ચાવી જ એવી ટાઈટ કરેલ કે વાત જ ના પૂછો!! મોટાભાઈ સામે જીંદગીમાં ઊંચા અવાજે ક્યારેય ના બોલેલ રાજેશ ભાઈની સામે દલીલો કરતો હતો અને એ પણ કેવી!!

“અમારું સારું થાય ઈ તમે જોઈ શકતા નથી, અમે બે પાંદડે થાય એ જોઇને તમને બળ પડે છે,ગામ આખામાં સવજીભાઈ – સવજીભાઈ થાય એ જ તમને ગમે!! આ તો મારું કોઈ નહિ આતા જીવતા હોત તો મને આમ દુખી ના થાવા દેત!! અમારે શું જીવનભર તમારા જ ગોલાપા કરવાના!!” અને સવજીનો મગજ ગયો!! આ શબ્દો સાંભળીને એનું લોહી ધગી ગયું અને એણે રાજેશને એક લાફો ચડાવી દીધો!! પણ સવજી એ ભૂલી ગયો કે રાજેશ પરણી ચુક્યો હતો. હવે એ પહેલાનો રાજેશ નહોતો. રાજેશે પણ ત્રણ ચાર લાફા મોટા ભાઈને જીકી જ દીધાં આવું જોઇને હંસાનો તો જીવ જ તાળવે ચોંટી ગયો. એ પોક મુકીને રોઈ આજુ બાજુના ભેગા થયાં.બેય ભાઈને સમજાવ્યા પણ રીંસ ના ઘોયા બેય ભાઈ સમજ્યા નહિ!! બે દિવસ ઘરમાં અબોલા રહ્યા અને ત્રીજે દિવસે હંસાએ કીધું.

“રાજેશભાઈ તમે છુટા!! , તમારે મનફાવે ત્યાં જાવ!! ,તમારા મોટાભાઈ વતી હું માફી માંગું છું”

“એમ શેના છુટ્ટા થઈએ અમે હવે તો ભાગ પાડીને જ જાવું છે!! શીતલ બોલી. જમીનના ભાગ પાડી લીધાં. રાજેશે જમીન વેચી પણ નાંખી હવે ઘરનાં ભાગ પાડવાનાં હતાં.

“ઘરનાં ભાગ ના પાડો તો સારું આમેય તમારે હવે ક્યાં આવવું છે,?? ભાગ પાડીને તમારે બીજાને જ ઘર વેચવું છે ને!! એના કરતાં અમને જ આપી દ્યોને અમે દિવાળીએ જે થાય એ પૈસા આપી દઈશું.” હંસાએ કીધું. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા જતાં હતાં.

“દિવાળી સુધી કોઈ ભોજિયો ભાઈ પણ રાહ ના જોવે ,તમારે લેવું હોય તો અત્યારે જ વહીવટ કરો એટલે અમે થઈએ રવાના, પૈસા ના હોય તો આ ગળામાં ચાર તોલાનો સોનાનો હાર કેમ રાખ્યો છે!!?? દીકરાના લગ્ન વખતે છાબમાં મુકવા રાખ્યો છે ???” શીતલે છેલ્લું બાણ ફેંક્યું.

“હવે બાકી હોય તો ઈ પણ લઇ લ્યો “એમ કહીને સવજીએ હંસાના ગળામાંથી હાર ખેંચીને કર્યો ઘા!! સવજી આખો ધ્રુજી રહ્યો હતો!! અને બીજે દિવસે સવારે રાજેશ અને શીતલ ટેમ્પો ભરીને સુરત રવાના!! એક કલ્લોલ કરતુ કુટુંબ વીંખાઈ ગયું!! સવજી અને હંસા અને નાનકડો પ્રદીપ ત્રણ જણા વધ્યા!!

એકાદ વરસ તો રાજેશ અને શીતલે સુરતમાં જલસા કર્યા!! જમીનના આવેલા પૈસા વપરાતા હતાં.!! કારખાનું કર્યું પણ બે વરસ કાઈ વધ્યું નહિ !! ખોટ ઉપર ખોટ!! એમાં શીતલે એક બાળકનો જન્મ આપ્યો!! એક મહિનો મા દીકરો દવાખાને રહ્યા!! દીકરાનું નામ પાડ્યું અંશ!! સવજીની મનાઈ હોવા છતાં હંસાએ છાનામાના કોઈની ભેગું સુરત છોકરા માટે ઝબલું મોકલ્યું!! પણ ઝબલું પાછું આવ્યું અને શીતલે કેવરાવ્યું કે જેઠ ને કેજો કે અમે દુખી થાઈ એમાં તમને રસ છે અને તમે કોઈની પાસે દાણા મંત્રાવ્યા છે એટલે જ અમે બધાં બીમાર રહીએ છીએ પણ અમેય તમને જોઈ લેશું!! એક બીજા સગા સબંધી આડા અવળી વાતો કરીને એક બીજાની કાન ભંભેરણી કરવા લાગ્યાં!!

રાજેશે લગભગ છ માસ બીમાર રહ્યો. હંસા એ વારંવાર કીધુ કે ભાઈની ખબર કાઢી આવો એને થોડા દિવસ અહી લઇ આવો,તમારે ના જાવું હોય તો હું જાવ પણ વળ એવો ચડી ગયેલો કે બે ભાઈ વચ્ચેની આંટી ઉકલી નહિ!! પછી તો રાજેશ બીમારીમાંથી સાજો થયો. કામ કશું કરતો નહિ!! શીતલે સિલાઈ કામ શરુ કર્યું અને રાજેશે કોઈને મકાન લેવું હોય તો સાટા દોઢાનો ધંધો શરુ કર્યો અને સરથાણા જકાત નાકાએ બેસીને બેય બાજુથી કમીશન લેવાનું શરુ કર્યું!! ધીમે ધીમે ફાવટ આવી ગઈ અને ગાડી પાછી ટોપમાં પડી ગઈ ને અત્યારે તો ઘરનાં મકાન અને ચાર જગ્યાએ મહીને ભાડું પણ આવે!! છોકરો અંશ પણ હવે છ વરસનો થઈને નિશાળે જવા લાગ્યો!! હંસાને બધું જ યાદ આવતું હતું!! પણ એને એક વાતની શાંતિ હતી રાજેશભાઈ હવે છે તો સુખી!!

રવિવારે સાંજે જ બધાં સગા સબંધી આવી ગયાં હતાં!! રાજેશ અને શીતલ પોતાની ફોર વ્હીલ લઈને આવ્યા હતાં!! હંસા ભાભીએ દેરાણીને આવકારી. રાજેશ પણ મોટાભાઈને મળ્યો. સવજી એ એની સામે જોયું. કોઈ કશું બોલ્યું નહિ!! જાણે સાવ અજાણ્યાં!! શીતલ બરાબરનો મેકઅપ કરીને આવી હતી.એની ટાપટીપ ઉડીને આંખે વળગે એવી હતી!! મેચિંગ બ્લાઉઝ સાથે ક્રીમ પિંક સાડી અને ઊંચી એડીના ચંપલ સાથે એ અલગ જ તરી આવતી હતી.!! આવીને એણે ખુરશીમાં જમાવ્યું!! ગળામાં સોળ તોલા સોનાનો હાર ચમકારા મારતો હતો.એની પાસે ફોન પણ હતો.પણ કવરેજ નહોતું આવતું એટલે થોડું મોઢું બગડી ગયેલું!! સગા સબંધીઓ રાજેશને ઘેરી વળ્યા હતાં!!

ક્યાં એરિયામાં કેટલાં મકાન છે અને ભાવ શું ચાલે છે એની તમામ વિગતો રાજેશ પાસે હતી. ભવિષ્યમાં ભાવ કેટલાં વધશે એની પણ જાણકારી હતી. પોતાને કેટલાં મકાન છે અને કયા ક્યાં છે એ બધું એ સબંધીઓને જણાવતો હતો!! બીજે દિવસે સવારે સહુ વહેલા શંકર મંદિરે ગયાં!! શીતલ સાથે એની જૂની ગોઠણો પણ આવી ગઈ હતી!! એ એમની વાતોમાં વ્યસ્ત હતી!! અંશને હંસાએ તેડી લીધો હતો. પ્રદીપને પણ અંશ સાથે સારું ફાવી ગયું હતું!! આજુબાજુના ગામના બ્રાહ્મણો અને સાધુઓ આવી ગયેલાં!! બપોરે એમને જમાડીને સહુએ દક્ષિણા આપી દીધી!! દક્ષિણામાં પણ શીતલે જમાવટ કરી!! હંસાએ બધાં જ સાધુ બ્રાહ્મણોને ૧૦૦ ની દક્ષિણા આપી તો શીતલે બધાને ૨૫૧ આપ્યાં!! પછી બધાં મહેમાનો અને ગામના માણસો પણ જમ્યા!!

બધાં સગા સબંધીઓએ સવજીને પૂછી પૂછી ને થાકી ગયા કે આ માનતા શેની હતી પણ કોઈ જવાબ જ ના મળ્યો કોઈને ખબર જ નહોતી!! શીતલે એની ગોઠણોને પણ પૂછ્યું પણ એ કોઈને ખબર જ નહોતી!! સાંજે ૧૦૮ દીવાની દીપમાળા શંકર મંદિરે પ્રકટી!! સવજી અને રાજેશ બને એ દીપમાળા પ્રકટાવી અને હંસાના ચહેરા પર ખુશી છલકાણી બધાંજ ભોળાનાથના દર્શન કરીને બીલી ના ઝાડ નીચે બેઠા હતાં!! અંશ હંસાના ખોળામાં માં હતો અને સહુ આડા અવળી વાતો કરતાં હતાં!! અમુક મેહમાનો રાતે જવાના હતાં અને અમુક કાલે!! રાજેશે તો કહી દીધું કે એ આજ રાતે જ નીકળી જશે!! સવજી કશું ના બોલ્યો!! એવામાં શીતલ ત્યાં આવી અને હંસાની પડખે બેસી ગઈ!! એણે રાજેશની સામે જોયું અને રાજેશને થયું હવે આ કાઈ ના બોલે તો સારું!! પાથીએ પાથીયે તેલ નાંખીને એને લાવ્યો હતો અને કીધું હતું કે તું ભલી થઈને ત્યાં મૂંગી રેજે!!

“તે જેઠાણી બા હવે તો તમારો આ પ્રોગ્રામ પૂરો થયો એટલે હવે તો કયો કે ચોરાશી કઈ ખુશીમાં હતી?? કોઈને ખબર જ નથી!! “શીતલે કહ્યું.

“ એ તારી જાણીને શું કામ છે?? મેં તને ના પાડી હતીને કે તારે કોઈને કશું કેવાનું નથી પણ તારી આ જીભ એટલે જાણે કુતરાની પૂંછડી હલ્યા વગરની તો ના જ રહે ને?? રાજેશે ધારદાર નજરે કહ્યું.

“દેરાણી બા રોકાઈ જાવને બે ત્રણ દિવસ!! જો આ મારા દીકરાને પણ કેવી મજા પડે છે અહી” હંસાએ અંશ ના ગાલ પર હળવો ચીમટો ભરતાં કહ્યું.

“બે દિવસ શું કામ અમે તો અઠવાડિયું રોકાઈ જઈશું, પણ પેલા મારે તમને એક વસ્તુ આપવાની છે!! એ લેશો તમે જેઠાણી બા!!?? બોલો વચન આપો આ બધાં સગા સબંધી બેઠા છે એની રૂબરૂમાં વચન આપો” શીતલે કહ્યું અને બધાં સ્તબ્ધ થઇ ગયા!! કોઈને કશું સમજાયું નહિ!! રાજેશ થોડો ઉંચો નીચો થયો પણ સવજીએ નો હાથ ઉંચો થયો, રાજેશ કશું ના બોલ્યો!!

“તું જે આપીશ એ લઇ લઈશ દેરાણી બા!!મને ખુબ જ આનંદ થયો છે કે તું કશુક આપતાં પણ શીખી ગઈ છો હવે” હંસાએ શીતલ સામે જોયું!! હંસાની આંખોમાં કોઈ જ વ્યંગ ના હતો!! કેવળ નિર્મળ સ્નેહ નીતરતો હતો…

“ આ સોળ તોલા સોનાનો હાર હવે કાયમ તમારા ગળામાં શોભશે જેઠાણી બા “ શીતલે આટલું કહીને પોતાનો હાર ગળામાંથી કાઢીને હંસાને પહેરાવી દીધો!! સહુ સ્તબ્ધ થઇ ગયાં!! રાજેશ અને સવજી એક બીજાની સામે જોઈ રહ્યા!! શીતલ બોલી.

‘વાત જાણે એમ છે કે મને ક્યારનીય ચટપટી થતી હતી કે આજે ચોરાશી શા માટે રાખી છે?? કોઈને ખબર નથી પછી હું હમણાં જટા દાદા ને મળીને આવી. જટા દાદાને તો મારી જેઠાણી એ બધી જ વાત કરી જ હોય કે ચોરાશી શું કામ કરવાની છે, શરૂઆત માં એણે પણ ના જ પાડી!! પણ મારો સ્વભાવ એવોને કે લીધી વાત હું જલ્દીથી મુકું તો નહિ જ એટલે મેં જટાદાદા ને મહાદેવના સોગંદ આપ્યાં ને જટા દાદા એ બધું જ કહી દીધું!! હું પરણીને આવીને ત્યારે આ પ્રદીપ ત્રણ વરસનો એટલે સવારમાં ઉઠે એટલે હું એને નવડાવું અને ખોળામાં બેસારતી અને રમાડતી!!

અને વહાલ કરતી!! અને આમેય નવપરણિત સ્ત્રીને નાના છોકરા ખુબ જ ગમે ને!! એ વખતે હંસાભાભી એ માનતા રાખેલી કે મારી દેરાણી સામું પણ શંકર ભગવાન જોવે અને એને કોઈ બાળક થાય અને એ બાળક જ્યારે નિશાળે ભણવા જાયને ત્યારે સાધુ બ્રાહ્મણને જમાડવા અને બધા સગા સબંધીને પણ બોલાવવા!!આજુ બાજુના ગામમાંથી પણ સાધુ બ્રાહ્મણ બોલાવવા અને ચોરાશી કરવી!! ભલેને અમારે બોલવાનો સંબંધ નહોતો તોય મારી જેઠાણીએ એનું વચન પાળી બતાવ્યું અને એ પણ એના ધણીને કીધા વગર!! વાહ આવી જેઠાણી બા સહુને મળે” આટલું બોલીને શીતલ રોઈ પડી અને હંસાને ભેટી પડી!!

બધાની આંખો ભીની હતી!! સહુ સગા સબંધીઓ વિખરાયા!! શીતલ અને રાજેશ એક અઠવાડિયું રોકાયા!! અને પછી તો અંશને તો જલસા જ પડી ગયાં એ હંસાની સાથે જ હોય!! વરસોથી સુકાયેલું એક સ્નેહનું વ્હેણ સજીવન થયું!! ગામ આખામાં વાતો ચાલી કે જેઠાણી તો જેઠાણી હતી પણ દેરાણી ય કાઈ કમ નથી હો!!!

લેખક:-મુકેશ સોજીત્રા

૪૨ શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ મુ.પો. ઢસાગામ તા .ગઢડા જિ.બોટાદ પીન ૩૬૪૭૩૦

આપ સૌને આ વાર્તા કેવી લાગી અચૂક કોમેન્ટ માં જણાવો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block