દેર છે..અંધેર નથી – તમે ધાર્યું હોય એના કરતા કઈક અલગ થાય તમારી સાથે તો માનજો કે જે થયું છે એ સારા માટે જ થયું છે…

દેર છે..અંધેર નથી

ઉગીને પરિપક્વ થઇ ગયેલા ત્રણ વૃક્ષ એક વખત વાતે વળગ્યાં. એક કહે : “મારે તો એવું કબાટ બનવું છે, જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી હોય.” બીજું કહે હું ઈચ્છું છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને કે જેમાં રાજા-રાણી દરિયાઈ સફર ખેડે.” ત્રીજું બોલ્યું : “હું તો એવું ઈચ્છું છું કે મારી ઉંચાઈ એટલી વધે કે લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક આકાશને, ઈશ્વરને આંબે છે,”

થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. પેહલું વૃક્ષ જોઇને કઠિયારો બોલ્યો : “આ મજબુત છે એમાંથી હું ઘાસ રાખવાની ગમાણ બનાવીશ.” બીજા વૃક્ષને કાપવા આવેલો કઠિયારો બોલ્યો : “આમાંથી હું નાની હોળી બનાવીશ.” ત્રીજા વૃક્ષને જોઈ કઠિયારો બોલ્યો : “આ કઈ ખાસ કામનું નથી છતાં હું તેને રાખી મુકીશ.” ત્રણેય વૃક્ષ કપાયા. ત્રણેય દુખી થયાં. એમના ધર્યા પ્રમાણે કશું ન થયું.

ઘાસ રાખવાની ગમાણ બનેલા વૃક્ષ પાસે એક દિવસ એક સ્ત્રી-પુરુષ આવ્યા. એમની પાસે તાજું જન્મેલું બાળક હતું. બાળકને ગમાણમાં ઘાસ પર રાખવામાં આવ્યું. તરત વૃક્ષને સમજાયું : “ઓહ ! મારા ખોળામાં સુતેલું આ બાળક તો આખી સૃષ્ટિની સૌથી મુલ્યવાન વ્યક્તિ છે.” કબાટ બનીને મુલ્યવાન વસ્તુ સંઘરવા કરતા મુલ્યવાન વ્યક્તિને પોતાના ખોળામાં જોઇને એ વૃક્ષ ધન્ય થયું.

થોડા વર્ષો બાદ, બીજા વૃક્ષમાંથી બનેલી હોળી મઝધાર દરિયામાં હતી ત્યારે ભયંકર તુફાન આવ્યું. હોળી ઉંધી વડી જાય તેવી સ્થિતિ હતી. તે વખતે હોળીમાં સુતેલા યુવાને ઉભા થઈને કહ્યું : “શાંતિ….શાંતિ….” અને વાવાઝોડું શાંત થઇ ગયું. હોળી બનેલા વૃક્ષ સમજી ગયું કે એ પ્રવાસી બહુ મહાન આત્મા છે. રાજા અને રાણી કરતા પણ મોટા….વૃક્ષને પોતાનું જીવન ધન્ય થતું લાગ્યું. ત્રીજા વૃક્ષના ટુકડામાંથી એક દિવસ ક્રોસ બનાવામાં આવ્યો. એક યુવાન તે ક્રોસ ઉચકીને ટેકરી પર ગયો અને ત્યાં સરસ રીતે સ્થાપના કરી. ત્રીજા વૃક્ષને સમજાયું કે ટેકરી પર, ઈશ્વરની નજીક પોહચવાની તેની ઈચ્છા પૂરી થઇ હતી.

બોધ : તમારું ધાર્યું ન થાય ત્યારે ધીરજ રાખજો અને સમજી લેજો કે ઈશ્વરે તમારા માટે ઘડી રાખેલી યોજના પ્રમાણે જ બધું થઇ રહ્યું છે.

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ આવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી