પ્રેમ ક્યારેય મરતો નથી એ વાત સ્પષ્ટ કરતી અદભૂત વાર્તા “વેલેન્ટાઈન વગર”, આજે જ વાંચો

“વેલેન્ટાઈન વગર..”

“ધબ ..ધબ.. કરતા પગ પછાડતી રુહી એ પોતાના હાથમાં રહેલી કાર ની ચાવી નો ઘા કર્યો… ને પોતાના રૂમમાં પહોંચીને …ધડામ..કરતું બારણું બંધ કરી દીધું…” પરેશભાઈ એ એને જોઈ રહ્યા અને ..એમણે તરત પાછું વાળીને જોયું… ” હમ્મ..રુહી ની પાછળ રુદ્ર.!!.”.. આવ્યો જ હોય !!! પરેશભાઈ સામે છોભીલી નજરે રુદ્ર તાકી રહ્યો…પરેશભાઈ હસતાં હસતાં કહે… “અરે !! આવ આવ દીકરા ! શુ થયું આ વખતે ?? તમારા બન્ને નું આ જબરું છે હો !! પહેલા ઝગડો કરો ને પછી એકબીજા વગર રહી પણ ન શકો…એના કરતાં શાંતિ થી રહેતા શીખો ને ! બેટા ,એ તો નાદાન છે તું તો સમજ જરા !!! “.

“મને ખબર જ હતી , અંકલ ! તમે રુહી ની જ સાઈડ લેશો.. .એ સાચી હોય કે ખોટી હોય તો પણ…” કહી ને , રુદ્ર મોં ફુલાવી ને સોફા માં બેસી ગયો ….

પરેશભાઈ તેને જોઈ રહયા ..પોતાના જીગરજાન દોસ્ત નો દીકરો હતો રુદ્ર , પણ એના માં તેને પોતાની જ પ્રતિકૃતિ દેખાતી હતી..તેઓ યુવાની ના ઉંબરે આવી પહોંચેલા રુદ્ર ને બાલીશતાની બારશાખ છોડાવી ને પીઢતા ના પ્રાંગણ માં લઇ આવવા મથી રહ્યા…રુદ્ર ! દીકરા ! હવે તો તમે મોટા થઈ ગયા છો ….આવુ શોભે હવે ?શુ થયું ? મને નહિ કહે ?? ”

રુદ્ર એ ચિડાઈ ને કહ્યું , ” હા તમારા સિવાય કોને કહું ?? આ તમારી લાડકી આખી કોલેજ વચ્ચે મારો હાથ પકડી ને મને ખેંચી ને બહાર લઈ જતી હતી આ જોઈ ને મારા ફ્રેન્ડ મારી મજાક ઉડાવતા હતા કે..”હા ,હા ,જા રુદ્ર …તને તો રુહી સિવાય ક્યાં કોઈ દેખાય જ છે ?? ” મને ગુસ્સો આવ્યો એટલે મારો હાથ છોડાવી ને હું એ લોકો પાસે ગયો એમનું મોં બંધ કરાવવા ….ને હું કઈ બોલું તે પહેલાં તો ….આ રિસામણી…. ત્યાંથી મોં ચડાવી ને ભાગી.!!. અંકલ ! , રુહી ને ખબર જ છે કે હું એના વગર રહી ન શકું તો ય એ મને મૂકી ને ઘરે આવવા નીકળી ગઈ..આ વખતે તો હું એને મનાવવા નો જ નથી …વાંક એનો જ છે ..આ તો મારાથી રહેવાયું નહિ એટલે જોવા આવ્યોતો કે તે સલામત રીતે ઘરે તો પહોંચી ગઈ છે ને.!!…” આટલું બોલી ને રુદ્ર ઉભો થઇ જવા લાગ્યો…

પરેશ ભાઈ એ એને હાથ પકડી ને ઉભો રાખ્યો ..ને એની સામે પ્રેમ થી જોઈ રહ્યા…. ” જાણે કે અરીસા માં પોતાનું જ પ્રતિબિંબ નિહાળી રહ્યા…રુદ્ર એ એમની આંખો માં અવિરત વરસતો પ્રેમ જ જોયો ..જેમાં એ નાનપણ થી જ ભીંજાતો.. પલળતો રહ્યો છે !!! અંકલ ! ખરા છો તમે !! તમારું આ બાપ દીકરી નું પણ જોર છે હો !! મારા પર… બહુ જુલમ કરો છો…કોઈ વખત તો તમારી એ લાડકી ને સમજાવો , દર વખતે મને જ…” કહી ને લાડ થી રીસ ચડાવીને રુદ્ર એ પરેશ ભાઈ ની આંખો માં જોયું…

“અરે , અરે , અંકલ આ શું ?? તમે રડો છો ??? સોરી !!સોરી!! અંકલ!! ” એ પરેશભાઈ નું મો પોતાના હાથ માં લઇ ને કહેવા લાગ્યો..” અંકલ, દુઃખી ન થાવ, તમે જેમ કહેશો તેમ કરીશ બસ ?? એક નહિ બે વખત માફી માંગી લઈશ ..અંકલ પણ તમે રડો નહિ…તમે સ્વસ્થ થઇ જાવ તો …પછી પેલી ચિબાવલી ને ય શાંત કરી આવું ..”

રુદ્ર એ જવા માટે પગ ઉપાડ્યા ,ત્યાં પરેશભાઈ એ તેને પકડી ને સોફા પર બેસાડ્યો અને ગળું ખંખેરી ને કહેવા લાગ્યા , ” તું હરવખતે પૂછે છે કે હું રુહી નો જ પક્ષ કેમ લવ છું ? પણ આજે તને એક રહસ્ય બતાવું છું..સાંભળ , ….

વર્ષો પહેલાની આ વાત છે ,જ્યારે હું ને રુહી ની મમ્મી …બાળપણ થીસાથે જ ભણતા ને સાથે જ મોટા થયા …તમને જોવ છું ને મને પળેપળ અમારી તાજી થાય છે…

ત્યારે હું તારા જેવડો જ હતો ને……રુહી ની મમ્મી ને હું મારા જીવ થીયે વધારે પ્રેમ કરતો હતો …અમેય તમારી જેમ ઝગડો કરતાં…અને દીકરા .મારી નાદાનીયતથી ..મારે મોડું થયું એમ તું હવે સમય ગુમાવ્યા વગર તારા પ્રેમ નો એકરાર કરી તું ને રુહી લગ્ન કરી એક બની જાવ…નહિતર મારી જેમ ક્યાંક અફસોસ કરતો ન રહી જાય…અમે બંને બાળપણના સાથી …સાથે રમ્યા ,જમ્યા, ને ભણ્યા …પણ , મેં ક્યારેય મારા પ્રેમ ને રુહી ની મમ્મી હિના ને કહ્યું નહોતું કે…તું મારો પ્રેમ છો ..તારા વગર નહિ રહી શકું …અને જો…હું એકલો અધૂરો જ રહી ગયો …આ તો કુદરતની મહેરબાની થી હિના ની પ્રતિકૃતિ …એવી આ રુહી …મારા કાળજા નો કટકો …મને જીવવાનો સહારો બની મારી જિંદગી માં આવી ….”

રુદ્ર તો અવાચક બની સાંભળી રહ્યો અને જેવા પરેશ ભાઈ બોલતા અટક્યા કે પૂછ્યા વગર ન રહી શકયો….” અરે , અંકલ !! એવું તે શું થયું ??? ને આ …આ…રુહી..??? તમારી પોતાની દિકરી નથી ??? મને તો માન્યા માં નથી આવતું અરે..અંકલ આ શું કહો છો તમે ??? મને જરા સરખાયે વાત તો કરો…

ત્યારે પરેશ ભાઇ , રુદ્ર નો હાથ પોતાના હાથ માં લઇ ને કહે છે , તું હવે આ ઘર નો જમાઈ બનવાનો છે …મારે તને બધી વાત સાચી હકીકત ની જાણ કરવી મારી ફરજ છે ..ત્યાં રુદ્ર ને બોલાવવા આવેલા રુદ્ર ના મમ્મી પપ્પા ડ્રોઈંગરૂમ માં પ્રવેશે છે …ને પરેશભાઈ ને રુદ્ર ના મમ્મી કહે છે , “રહેવા દો ને ભાઈસાહેબ.!! ..આ વાત આપણા ત્રણ સિવાય કોઈ નથી જાણતું ને હવે કોઈ ને જણાવવાની જરૂર પણ નથી..શું કામ ભૂતકાળ ને ફરીથી તાજો કરવો ??? ત્યારે રુદ્ર ના પપ્પા , પરેશ ભાઈ ના બાળપણ ના મિત્ર છે …એ કહે છે , ” હવે આજે આ વાત નીકળી જ છે તો ભલે કહે રુદ્ર ને પણ આ જાણવા નો હક છે ..”

ત્યારે રુદ્ર અકળાઈ ને પૂછે છે કે શું છે આ બધું ??? મને કાઈ કહેશો તમે ?? ત્યારે ..પરેશભાઈ ફરીથી વાત નો દોર પોતાના હાથ માં લઇ ને રુદ્ર ના વાંસા માં હાથ ફેરવતા ..બોલ્યા.., ઘણા વર્ષો વીતી ગયા પણ , પણ ,…જાણે કે હમણાં ની જ વાત હોય એવું લાગે છે …

બે મીંડલા વાળી હિના , ….દોડતી આવે ને મારો હાથ પકડી ને કહે …”ચાલ પરિયા.!!.. નિશાળ નો સમય થઇ ગયો.!..હું મોઢું ચડાવી ને કહું મારે નથી આવવું …તું જા.!!! …એ હિના વગર કહ્યે સમજી જાય કે …’ પરિયા એ લેસન નથી કર્યું આજે.!!..એ તરત જ કહે , ‘ લાવ !! કેટલું બાકી છે ?? મેં કાઢેલી નોટબુક જોઈ ને તરત બોલી ઉઠે….” અરે પરીયા !!! તે તો કાઈ નથી લખ્યું ?? આવું કરાય ?? તને ખબર છે ને કે નવા સાહેબ કેવા ખીજાય છે ??..તો તું નિશાળેથી આવી ને જ લખવા બેસી જતો હોય તો ?? “” હું ખીજાય ને એના હાથ માંથી બુક લેવા જાવ ને કહું કે …”રેવા દે …હું માર ખાઈ લઈશ સાહેબ ના હાથે !!!…તું ચિંતા ન કર !!.. લાવ મારી નોટબુક !! અને…. ” એય !!!..ચાગલો ન થા !! …લાવ જોઉં !!..કરી દઉં તારું લેસન .!!..”એમ કહી હિના મારુ લેસન લખવા બેસી જતી , ને… હું ખીજાવા નો ડોળ કરી મનમાં રાજી થાવ …હવે એય ને…. બીજા દોસ્તારો ની સામે રોફ જમાવીશ કે ” હું તો કાઈ ન લખું જુઓ જુઓ …મને તો હિના જ લેસન કરી દે.. !!! .છોકરાઓ જોતા જ રહી જાય ને..મારો તો કાઈ .વટ…!! અને થોડીવાર માં જ સરસ મરોડદાર અક્ષરો કરતી હિના મારી નોટબુકમાં થોડા નબળા અક્ષરો કરે ..જેથી મેં જ લખ્યું હોય એવું અમારા સાહેબ ને લાગે …અને ઝડપથી મારી બુક મારા દફ્તર માં મૂકે બધું બરાબર છે ને એમ જોઈ ને..અને …હું પણ જાણી જોઈ ને કઈ ને કઈ તો.. બાકી રાખી જ દેતો….એ મને ગુસ્સો કરે અને …હું એના પર ઉપકાર કરતો હોઉં એમ…એ બુક કે જે કંઈ બાકી હોય એ માંગે હું લઈ આવું… હિના મારા હાથ માંથી લઈ.. આંચકી ને બબડતી બબડતી બધું વ્યવસ્થિત કરે…

એ જ તો મને મારા બાપુજી ના માર થી બચાવતી અને હું યે મનમાં મલકાતો …એ મને સમજાવતી ને ખૂબ પ્રેમ થી મારુ રક્ષણ કરવા તૈયાર રહેતી… અરે !!..નિશાળ માં ય કેટલી વાર તો…શિક્ષકો ના માર થી બચાવવા પોતે સહન કરી લેતી..ઘણી વાર કોઈ સૂફીયાણા શિક્ષિકા બેન તો હિના ને મારાથી દૂર રહેવા સમજાવતા ને કહેતા ” તું ખૂબ હોશિયાર છે , આ પરિયા ની પાછળ તારી જિંદગી બગાડતી નહિ …!!પણ ખબર નહિ એ છોકરી કઈ જન્મની મારી સાથીદાર હતી કે કોઈ ની કાઈ દરકાર કર્યા વગર મારી પડખે ઉભી રહેતી ….જાતજાત ના બહાના કરી ને મને બચાવતી રહેતી અને હું પણ જાણી જોઈ ને વાંક માં આવતો..અને જાહેર માં જ… એનો મારા પ્રત્યે નો પ્રેમ હું આ રૂપે માણતો રહેતો..અને આ જ બાબતથી હું મારા મિત્રો સાથે રુઆબ મારતો…કેમકે એ અમારી શાળાનું ગૌરવ હતી સૌ કોઈ એને માન ની નજરે જોતા ને છોકરાઓ તો ઠીક છોકરીઓ પણ એની સાથે દોસ્તી કરવા ઉત્સુક રહેતી… અમારા ગામ ની જાણે કે એક સેલિબ્રિટી હતી….અને એ મારી હતી… મારી પોતાની જ છે એવું હું માનતો હતો…ગામ માં બધા જ તહેવાર અમે સાથે જ ઉજ્વતા ….છોકરીઓને વ્રત હોય તો હું પણ હિના સાથે જ હોવ…એ રમે એ હું રમું ..એ નાચે તો હું નાચું…નવરાત્રી માં તો અમારી જોડી જ ….એની સાથે રહેલી બીજી છોકરીઓ મજાક કરે મારી અને મને તેમની પાસેથી દૂર ભગાવવા ગમે એમ કરે …હું હિના ને એકલી મુકું જ નહીં…જાણે ખોળિયા જુદા પણ અમારો પ્રાણ એક જ ….આખું ગામ જાણતું હતું અમારો સાથ અમારી દોસ્તી …..એ ઘણીવાર મને ખિજાતી પણ પ્રેમ થી અને સમજાવતી કે તું હવે સમજે તો સારું …!! પછી હું જતી રહીશ તો તારું કોણ ધ્યાન રાખશે ?? ત્યારે મનમાં હું એને જવાબ દેતો કે …ક્યાંય તને જવા દઉં તો ને ??? એના વગર જીવન હોય એ મને કલ્પના ય ન આવે !!

પણ…ક્યાં ખબર હતી કે હું જેની સાથે જીવતો હતો એ ..મારી પ્રાણ સખી …હિના મારો પડછાયો ,….મારાથી દૂર થશે ને હું કાળ.ના ઘોર અંધારા માં ફસાઈ જઈશ …!! રુદ્ર બોલી ઉઠ્યો અરે….એવું તો શું બન્યું અંકલ ??

અમે બાળપણ વિતાવી ને યુવાની ને ઉંબરે આવ્યા ને ભણવામાં …એ ખૂબ હોશિયાર હતી..એ 12માં ધોરણ માં પાસ થઈ ને હું નાપાસ !! તોય હું સાવ…બિન્દાસ્ત…એ પાસ થઈ ને ખુશ હું થાવ !!..આખા ગામ ને મોઢું મીઠું કરાવ્યું મેં !!…એ નારાજ હતી મારા પર…હિના ખૂબ જ ગુસ્સો કરી ને કહેતી…. ” મેં કેટલી મહેનત કરાવી…. તને કેમ ન આવડ્યું ??? અને જ્યારે પણ હું પૂછતી કે સમજાય છે ને ?? આવડે છે ને ?? તો …તે કેમ …ક્યારેય મને કહ્યું નહિ કે , હિના મને આ નથી આવડતું …હવે …જો …આ….આવું પરિણામ ???? ” અને એમ કહી મને મારવા લાગી …હું એનો માર ખાઈ ને પણ હસતો હતો…અને એ જોઈ એ રડી પડી ….” તું કઈ માટી નો બનેલો છે ??? હવે શું થશે ?? તારું ??? ”

મેં સાવ સરળતાથી જવાબ આપ્યો…. “થાય શુ ?? તું આગળ ભણવા જાજે..” “અને તું ??? ” હીનાની મોટી મોટી આંખો માં આંસુ આવી ગયા …તું શું કરીશ ??? અરે મારી ચિંતા શુ કામ કરે છે …મારે તો આમેય ભણી ને ક્યાં નોકરી કરવી ?? બાપા નો આ કારોબાર કોણ સંભાળશે ?? “પણ તો હું ય નથી જવાની …ક્યાંય ભણવા ?? હું એકલી નહિ જાવ …” હિના એ કહ્યું.. મેં ખૂબ સમજાવી ને એને આગળ ભણવા માટે રાજી કરી …અને એણે પણ મારી પાસે વચન લીધું …કે હવે હું પણ ડાહ્યો ડમરો બની …કઈ વ્યવસ્થિત કામ કરૂં…સારો માણસ બનું .

ઘણો વખત લાગ્યો ….મને આ સમય નો તાલમેલ કરતા …એ દૂર શહેર માં ભણવા ગઈ ને હું અમારા બાપદાદા ની જમીન કારોબાર …બધું વ્યવસ્થિત સંભાળવા માટે કમર કસી…પણ ઉફ્ફ !! આ દિલ !! કેમેય કરી ને મને હિના વગર ગોઠતું જ નોતું…આમતેમ આંટા મારતા સમય પસાર થતો ગયો.મારો જીવ એકેય કામમાં નહોતો લાગતો ……થોડો વખત પછી એના પિતાજી પણ કુટુંબ સહિત શહેર માં જ સીફ્ટ થઈ ગયા …હું એમને ત્યાં અવારનવાર જતો પણ , ….ખબર નહિ કેમ એમ લાગતું કે….મારી હિના …એ તો એવી જ હતી મારા પ્રત્યે એની લાગણી જરાપણ બદલાઈ નહોતી , પણ …હું એની રહનસહન, બોલચાલ , એનું ભણતર…બધું જોઈ ને મારી જાત ને હીન માનવા લાગ્યો…અને એને ન ખબર પડે એ રીતે હું મારી હિના ને દિલ માં અકબંધ કેદ કરી એની નજરો થી મારી જાત ને દૂર રાખવા લાગ્યો.. ..

તારા પપ્પા મારા બાળપણના મિત્ર, એને બે ત્રણ વખત હિના એ મારા વિશે પૂછ્યું કે …આગળ હવે શું વિચાર છે મારો ?? પણ મેં ….” એ તો બાળપણ ની નાદાનીયત સિવાય બીજું કાંઈ જ નહોતું કઈ ને ” એ આડકતરો લગ્ન પ્રસ્તાવ ને સીધી રીતે જ ઠુકરાવી દીધો ‘…અને દીકરા !! દિમાગ થી કરેલો ફેંસલો આ દિલે ન સ્વીકાર્યો.. તે ન જ સ્વીકાર્યો અને પાછળથી એની બહેનપણીઓ પાસેથી સાંભળ્યું કે હીનાના માતાપિતાએ હિના માટે એક સારો છોકરો શોધી એને પરણાવી દીધી…અને હું હિના ની યાદ ભૂલવા નશા ને રવાડે ચડી ગયો …અને આ દુનિયા એ પહેલેથી જ ‘બડે બાપ કી બિગડી ઓલાદ ‘ નું બિરુદ તો આપ્યું જ હતું …પણ હવે તો મારા માથા પર , ” વંઠેલ ” મતલબ કે હવે હું કાયદેસર નો નકામો ને બગડેલો જાહેર થયો અને ‘પરીયો.. પીધેલો ‘.એમ બોલાવતા….અને હવે મને બચાવવા વાળી મારી હિના મારી સાથે નહોતી ને ?? “”

રુદ્ર એ આશ્ચર્ય સાથે પૂછ્યું ..”.તો પછી આ રુહી ..????..” હા એ જ કહું છું હવે તને …હું તો હિના વગર દેવદાસ બની ગયો હતો મારા પિતા નું એકમાત્ર સંતાન હોવા છતાં એ પણ મારાથી કંટાળ્યા …હું કામકાજ કરું નહિ ને નશો કરવા રૂપિયા લીધા કરું ને એકદમ જાત પ્રત્યે બેદરકાર બની ને નર્ક જેવી જિંદગી ગુજારતો ….નશો કરી ને ગામ ની બહાર જ્યાં નદી નો પટ હતો ત્યાં પુલ ની નીચે મારો અડ્ડો રહેતો …ને આમ ને આમ મોત થીયે બદતર બાકી રહેલી જિંદગી ના દિવસો ને વિરહ ની કપરી કટારી થી ધીરેધીરે કાપતો જતો ને દર્દ ન સહન થતા વધુ નશો કરતો…” ..કહેતા કહેતા ….. પરેશભાઈ અટક્યા રુદ્રની મમ્મી એ લાવેલ પાણી પી ને આગળ વાત ચલાવી…” આમ ને આમ અચાનક ….”

એક દિવસ શહેરમાંથી આવતી એક મસ્ત એવી મોટર ને પુલ પર જ સામેથી પુરપાટ વેગે આવતા માતેલાં સાંઢ જેવા ટ્રકે હડફેટે લીધી અને મોત નો પંજો એ મોટર માં બેઠેલા બધા જીવ પર પડ્યો….કારમી કીકીયારી સાંભળતા જ હું દોડ્યો એમની મદદ માટે ….અને ત્યાં જઈ ને જોઉં ત્યાંતો….મારી રાડ ફાટી ગઈ ….હિના …મારી હિના ….સાથે એનો પતિ અને એક નાનકડી ઢીંગલી હતા ….હિના ના પતિ નું પ્રાણપંખેરું તો હું પહોંચ્યો એ પહેલાં જ ….પણ હિના ….મારી હિના …એ પણ…મોત ના મુખ માં જઈ રહી હતી એ પણ મારી નજર સમક્ષ ….એ મને ઓળખી ગઈ !!એ પ્રેમ ભરી નજરે મને જોઈ રહી ….નાજુક ફૂલ ની કળી જેવી એની ઢીંગલી ને મેં ઊંચકી એને જરા સરખો ઘસરકોય નહોતો થયો મેં એ ફુલને છાતી સરસી ચાંપી….એ જોઈ હિના એ હાથ જોડી મને કહ્યું , ” આ મારી ભેટ છે તને હું મારી જાત ..મારુ કાળજું તારા હવાલે કરું છું ..તું એનું જતન કરજે .””…અને ..હીના…..મારી ચીસો થી ને મારા રુદન થી ભેંકાર વગડો પણ આક્રંદ કરતો હતો…થોડીવાર પછી મને અહેસાસ થયો….કે ….હિના…હિના …જેને મેં રુદિયા માં રાખીતી…એ હવે કાયમ ને માટે આ જગત ને અલવિદા કરતા કરતા મને જીવવા માટે ની જડીબુટ્ટી આપતી ગઈ હતી…આ રુહી .ના રૂપ માં ..ઘણાએ સલાહ આપી કે એને એના સગા ને હવાલે કરી દેવી ..
કેમકે કોઈ ને મારા પર જરા પણ ભરોસો નહોતો….પણ હિના ને હતો …બાળપણથી જ …અને મેં પણ એ મારી હિના એ મુકેલો મારા પર ના ભરોસા ને સાર્થક કરવાનું નક્કી કરી લીધું…

માબાપ મારા હવે જીવતા હતા નહિ ત્યાં ગામ માં મારી જે કાંઈ મિલકત હતી તે વેચીસાટીને આ શહેર માં જ્યાં તારા મમ્મી પપ્પા રહેતા હતા ત્યાં આવી ને ….નાનો કારોબાર શરૂ કર્યો …અને આ રુહી ને ..મારા કાળજા ના કટકા ને ઉછેરી ને મોટી કરવાં મેં મારી જાત ને… જેવી હિના ને ગમે તેવી બનાવી..હિના મારી સાથે જીવી ત્યાં સુધી મારા જીવન ની આડેધડ ચાલતી નાવ ની કુશળ નાવિક હતી ને મને જીવન ની મઝધારે થી સફળતા પૂર્વક કાંઠે લઈ આવવા માંગતી હતી …મેં જ મારી નાવિક ને હડસેલી ને મારી જીવન નૌકા ને સંસાર ના અફાટ સાગર માં અથડાતી કુટાતી રાખી હતી …ને ફરીથી હિના મારા જીવન માં આવી રુહી ના રૂપમાં …મને એક સારો માણસ બનાવવા અને હું એવો બન્યો ને સફળ બિઝનેસમેન પણ બન્યો સાથે …રુહી નો પિતા….મારી હિના ની પ્રતિકૃતિ ….હું એને જોઉં ને પળેપળ વધુ ને વધુ પ્રેમ કરવાનું મન થાય …પણ આ પ્રેમ એક પિતા નો તેની દીકરી માટે છે….મારી હિના ની નહિ પણ મારી જ રુહી …મારો પ્રાણ મારો જીવ બની ગઈ .. મારા કાળજા નો કટકો…તું જ કહે રુદ્ર …હું એને કેમ ઠપકો આપી શકું…??? ” ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા પરેશભાઈ…

અને કોઈનેય ખબર ન રહી ને ક્યારે ત્યાં આવી ને ઊભી ઊભી વાતો સાંભળતી રુહી…હીબકાં ભરતી … “ડેડી..ડેડી …”કરતી પરેશ ભાઈ ને ગળે વળગી ને છુટ્ટા મોં એ રડી પડી …ને રુદ્ર ના મમ્મી પપ્પા… ને રુદ્ર પણ…પોતાના આંસુ રોકી ન શક્યો…પણ , ગળું ખંખેરી …ઉભો થઇ ને બાજુ ના ફલાવર વાઝ માંથી સરસ નું એક ફૂલ લઈ ને બાપદીકરી જ્યાં ઊભા હતા ત્યાં પોતે ગોઠણીયા ભેર બેસી ને રુહી તરફ ફૂલ લંબાવતા બોલ્યો …. ” રુહી !! હું તને વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ કરવાનો જ હતો પણ …આજ તારા ડેડી ની વાતો સાંભળી ને નક્કી કરી લીધું કે …હું ફક્ત તારો જ છું ને તારા વગર હું જીવી જ ન શકું ..તો પલભર ના વિલંબ વગર આજે જ બધાની હાજરી માં પૂછું છું ….

“”WILL YOU BE MY VELENTINE ????””

અને રુહી એ શરમાઈ ને બધા સામે જોયું …બધાની આંખમાં આ શુભ ઘડી ને વધાવતા સાચા મોતી જેવા આંસુ છલકાઈ રહ્યા હતા ને હોઠ હસી ને હેત વરસાવતા હતા…

પરેશભાઈ એ રુહી ની નજર માં સંમતિસૂચક હામી ભરી ને…રુહી એ રુદ્ર નું ફૂલ સ્વીકાર્યું …. ને બન્ને એ વડીલો ના આશીર્વાદ લીધા ને …વગર વેલેન્ટાઈન ડે એ..આજે પ્રેમ ની જીત થઈ…..
ક્યાંય દૂર થી એક ગીત સંભળાઈ રહ્યું હતું….
…”મુહબ્બત ઝીંદા રહેતી હે..મુહબ્બત મર નહિ શકતી….”

લેખિકા : દક્ષા રમેશ 

રસપ્રદ અને નવી વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી