એક દીકરો આવો પણ… – આ દિકરો રોજ ઘરે આવીને તેની માતાને આપે છે અનોખી સરપ્રાઈઝ…

એક દીકરો આવો પણ….

બોખા મોં એ અને ઊંડી ઊતરી ગયેલી આંખો એ દરવાજા તરફ તાકી રહેલ ગંગા માં ને એમના ડોક્ટર દીકરા ની વહુ પલ્લવીએ કહ્યું , ” બા, તમે જમી લો . એ આવી જશે હમણાં !! ”

કરચલી પડી ગયેલા મોં અને ધ્રુજતા હાથે ઉંમર કરતા વધારે વૃદ્ધ દેખાતા માજી કહે ,” હા હા લાઈવ હું ખાઈ લવ … ઇ આવે ઇ પેલા … પસી..” પલ્લવીએ હસી ને માજી ને થાળી પીરસી . અને ગંગા માં જમવા લાગ્યા. પલ્લવી હસતી હસતી એમને જોતી રહી. માજી જમી ને તરત જ પોતાના રૂમ માં બેસી ગયા. જાણે કે… કોઈ નાનું છોકરું ચોકલેટ મળવાની લાલચે પોતાનું લેસન કરીને ડાયુડમરું થઈ જાય એમ !!!

શરૂઆત માં તો પલ્લવી ને ન ગમતું આ બધું , સાવ બલીશતા ! બા તો ઠીક, સમીર પણ….એવા !!! પરંતુ આખો દિવસ ઘરની બહાર પણ નીકળી ન શકતા સાસુ કેવી ઇંતેઝાર કરતા હોય પોતાના દીકરા ની ?? અને કેમ ન હોય ?? દીકરો પણ કેવો ?

જાણે ….પેલી પોપટ ની વાર્તા માં હોય ને… કમાઈ ને આવેલા પોપટ જેવો … કે …. ” માં !!, કઈ પાંખ ખોલું ડાબી કે જમણી ? અને વારાફરતી બન્ને પાંખો ખોલી ને માઁ સામે રૂપિયા નો ઢગલો કરી દે !!! હા.. ..

એવી જ રીતે ડોક્ટર સમીર , ટાઉન જેવા શહેર ના પ્રખ્યાત ફિઝિસ્યન હતા. તેમની પ્રેક્ટિસ ધમધોકાર ચાલતી હતી . સાંજે ઘરે આવે ને ત્યારે જેટલી કમાણી થઈ હોય એ બધી જ એમના ખિસ્સા માં હોય .ઘરે આવી ને સીધા જ પોતાની બા પાસે જાય , અને બા … રાહ જોઈ ને જ બેઠા હોય !!! પેલું છોકરું જેમ ચોકલેટ … ખાધા પહેલા જ જોઈને હરખાય તેમ !! ડોક્ટર સમીર પેન્ટના ખિસ્સા માંથી ને શર્ટ ના ખિસ્સા માંથી ને … વોલેટ માંથી બધા જ રૂપિયા ગંગા બા પલંગ માં બેઠા હોય ત્યાં જઈ એમની સામે બેસી ને કાઢી કાઢી ને રૂપિયા મૂકે !!

……અને ગંગા માં !!! એમાંથી નોટો જુદી જુદી કરે, ને થપ્પી કરે …5 , 10, 20 , 50, 100, 500 …..અને ભણેલા ન્હોતા પણ ગણેલા ભારે …કેમ ? એ પછી કહું .કે શું ગણેલા !! .. પણ જો ગંગા માં !!! કેવા દેખાય ખુશમખુશ !!

ઘણીવાર પલ્લવીને અણગમો હતો એ કહેતી ” આ શું તમે સાવ આમ રૂપિયા નો પથારો કરો છો ?? ક્લિનિકે થી જ વ્યવસ્થિત થપ્પી કરી ને લાવતા હોય તો ??

ત્યારે એક દીકરા એ જે જવાબ આપ્યો ,” આ તો જો બા ના મોં પરની ચમક તો જો !! આ રૂપિયા માંથી એકપણ રૂપિયો એ વાપરવાના નથી . પણ પોતાના દીકરાની કમાણી … આ રૂપિયા ગણતી વખતે જાણે કે કોઈ રાજમાતા હોય એવી પરિતૃપ્તિ દેખાતી એમના ચહેરા પર !! જો તો ખરી .. આ એ જ મારી બા છે જેણે મને ભણાવવા માટે કેટલી મહેનત મજૂરી કરી છે ? ગામ ના છાણ વાસીદા કર્યા છે , અને પોદરા વીણીને છાણા થાપી ને વેચ્યા છે . એટલે તો ભણ્યા નથી તો ય રૂપિયા ગણતા આવડે છે . મારા ઉજ્જવળ ભવિષ્ય માટે જેના કપડાં ને હાથ છાણ થી ખરડાયેલા રહ્યા અને છાણા ગણીગણી ને વેંચતા રહ્યા… એ જો ..!!! આજે છાણા ને બદલે રૂપિયા ગણી ને કેવા રાજી થાય છે !!! અને વાતો કરતા કરતાં જમી રહેલા દંપતિ કિલ્લોલ કરે છે ,… ત્યાં જ બા બૂમ પાડે છે, “દીકરા , આ લે મૂકી દે , …” અને ડોક્ટર સમીર કે પલ્લવી બંને માંથી જે કોઈ જાય એમને એ ગણેલો આંકડો કહે અને હાથ માં આપતા આપતાં રૂપિયા થી મોટા અમૂલ્ય આશીર્વાદ વરસાવે… એક અસીમ પરિતૃપ્તિ સાથે. ત્યારે સમીર કહે છે ,…

સાચું કહું, પલ્લવી !!! મને પણ ઘરે આવી ને એમને આ રીતે રાજી થતા જોઉં છું ને… મારો બધો જ થાક ઉતરી જાય છે . હું પણ જાણી જોઈ ને જુદા જુદા ખિસ્સા માંથી થોડા થોડા રૂપિયા એમની સામે કાઢી ને મુક્તો જાવ છું ને એમની આંખો માં જોઉ છુ ને !!! મને પણ મારી કમાણી નો એક સંતોષ નો ઓડકાર આવે છે !!

બસ , મને એમ જ થયા કરે કે મારી માઁ ને ભગવાન એટલું આયુષ્ય આપે કે રોજ આવી ને હું એમની પાસે મારા ખિસ્સા ખંખેરું ને… એ પોતાના દિલ ના ઊંડાણ માંથી વરસાવતા આશિષ…. !! આથી જ ખરેખર હું મારી જાત ને નસીબદાર સમજુ છું!!!.

લેખક : દક્ષા રમેશ

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી