અવઢવની રાત – વાત નથી કરતી પણ એની ડીપી એનું સ્ટેટસ અને એની સ્ટોરી જોઇને દુઃખી થતી હતી…

અવઢવની રાત

“આમ તો ખબર નહી કેટલો સમય થયા કોઈ જ વાતચીત નો વહેવાર નથી. સંવાદ અને સંબંધ નો પણ પ્રેમ અનોખો હોય, એક છુટે એટલે બીજાને તૂટવું જ પડે. એટલે ના તો સંવાદ રહ્યો ના કોઈ સંબંધ. એકબીજા ના વોટ્સેપ ના ડીપી અને એકબીજાની સ્ટેટ્સ સ્ટોરીઝ વાંચી શકીએ બસ એટલુ જ.

પણ આજે એની વોટ્સએપ ની સ્ટોરી એ આંખો થી ઊંઘ જ છીનવી લીધી.

તેની સગાઈ ના ફોટો તેણે આજે મુક્યા હતા. રેડ કલર ના કુર્તા માં તે એટલો તો ખીલતો હતો કે મને એકવખત ફરીથી કદાચ પ્રેમ થઈ ગયો તેનાથી. પણ તેની બાજુમાં ઉભેલી તેની વાગ્દત્તા ને જોઈ આજે મારા તૂટી ગયેલા સપનાઓ ની કરચ હ્રદય માં શુલ બની ને ખૂંચી ગઈ.
ફોટા કંઈ કેટલીય વાર સુધી જોઈ મેં સુવાની કોશિશ કરી પણ કદાચ આજે એના સપનાઓ ને પણ મારી પાસે આવવું મંજુર નહોતું. અને હું ભૂતકાળ માં સરકતી ચાલી ગઈ. કંઈ કેટલાય વિચારો નો સમન્વય મારા મસ્તિષ્ક ને ક્યાંય સુધી છન્છેડતો રહ્યો. કેટલી પાગલ હતી હું પણ, તેને પહેલી વાર જોઇને જ તેના વિષે કંઈ પણ જાણ્યા વગર તેને પ્રેમ કરી બેઠી, તેના એકરાર પછી મારું સર્વસ્વ તેને સોંપી બેઠી,અરે કંઈ જ વિચાર્યા વગર હું સપના સજાવતી રહી, મારા લગ્ન નું પાનેતર, મહેંદી ની ડીઝાઇન, રોમ નું હનીમુન અને તેની સાથે પૂરી ઝીંદગી વિતાવવાના કંઈ કેટલાય વિચારો કરતી રહી હું.

પણ આજે એ બધા જ સપના કોઈ બીજા ના સાકાર થવા જઈ રહ્યા છે. આટલા વર્ષો માં મેં ક્યારેય કોઇપણ વ્યક્તિ ની ઇર્ષ્યા નથી કરી પણ આજે તેની બાજુમાં ઉભેલી સ્ત્રી નું સૌભાગ્ય મને ધીમે રહીને સળગાવે છે.

હું તેની ઝીંદગી ની સૌથી પહેલી સ્ત્રી બની પણ છેલ્લી ના બની શકી તેનો રંજ તો હમેશાં રહેવાનો જ ને. મને હજી યાદ છે કે તે કેટલો અધીરો હતો મારો હાથ પકડવા માટે, હવે એ જ હાથ તે કોઈ બીજા નો પકડશે. યુ આર વેરી પ્રીટી એવું કહેતો તેનો સ્વર મારે બદલે કોઈ બીજીને જ નસીબ થશે. તેની આંખો માં છલકતો મારા માટે નો પ્રેમ , કોઈ બીજી ને જ નખશીખ ભીંજવશે. આવા તો કેટલાય વિચારો આવીને મને છંછેડતા રહ્યા.
થોડી વાર તો ગુસ્સો પણ એટલો આવી ગયો કે શું હક હતો તેને મને પ્રેમ માં પાડવાનો અને પછી એકએક મૂકી દેવાનો. પણ નિયતી સામે કોણ જીતી શક્યું છે?

મારો અસ્વીકાર તેની જરૂરિયાત હતી અને તેનો પ્રેમ મારો પ્રાણ.

હા, તેના વગર પણ હું જીવતી તો હતી પણ તેની સાથે જીવ્યા પછી તેના વગર ઝીંદગી ની કલ્પના કેટલી ભયાવહ છે તે તો હું જ જાણું છું.

તેના અસ્વીકાર પછી પણ મારી અંદર હિમત હતી તેની રાહ જોવાની પણ હવે, હવે તો થોડા જ સમયમાં તેના નામ ની આગળ કોઈ બીજી સ્ત્રી નું નામ લખાઈ જશે. તેની રગેરગ પર કોઈ બીજી સ્ત્રી હક જ્તાવશે. હવે કઈ ઉમ્મીદ પર હું રાહ જોઈ શકું તેની?
બધા કહે છે કોઈને દિલ થી ચાહો તો પૂરી કાયનાત તમને તેનાથી મળવવાની કોશિશ કરે છે. મેં તો તેના સિવાય ભગવાન પાસે કંઈ જ નથી માંગ્યું, કંઈ જ નથી યાચ્યું, તો મારા પ્રેમ માં કઈ અધુરપ રહી ગઈ હશે? કોઈને પૂરી ઝીંદગી ચાહવા છતાં ના પામવું તકલીફ આપે છે પણ મેં તો તેને પામીને ખોઈ દીધો છે. કદાચ દર્દ ની પરાકાષ્ઠા આને જ કહેવાતી હશે.હજી તો આ શરુઆત છે, હજી તો તેના લગ્ન ના ફોટા, હનીમુન ના ફોટા, એવું બીજું કેટલુય બધું તે અપલોડ કરશે. તેના ડીપી માં પણ હવે તેનો એકલા નો નહી પણ બન્ને નો સાથે ફોટો રહેશે. મોબાઈલ નંબર તો અમે બન્ને બદલીશું નહી. તેની દરેક સ્ટોરી એક એવી અસહ્ય પીડા લઈને આવશે જે ફરી ફરી ને મારા તૂટેલા સપનાઓ ની કરચ મારી સામે લઇ આવશે. જેમ પોતાના જખ્મો ને ખોતરીને એક અસહ્ય પણ મીઠી વેદના થાય તેવી જ દર વખતે થશે.

તે મને ભૂલી જાય તે તો અશક્ય છે પણ ક્યારેય યાદ ના કરે કદાચ એ તો શક્ય છે જ. ખબર નહી ભવિષ્ય શું લઈને આવશે પણ એટલું તો નિશ્ચિત જ છે કે આવી અનેક અવઢવ ની રાતો લાવશે.”

લેખક : દર્શિતા જાની

દરરોજ આવી અનેક અલગ અલગ અને નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી