વાહ રે… – દક્ષા રમેશની આજની વાત તમને પેટ પકડીને હસાવશે…

🤶 .વાહ રે..!!🤶

વાહ રે !! ફ્રેન્ડઝ, આજે હું તમને આપણી આજુબાજુ ના લોકોની ઓળખાણ કરાવું, જરા જુદી રીતે!!! ચાલો ગાયનેક હોસ્પીટલ માં …

એક ખાનગી નર્સિંગ હોમમાં એક બાળક જન્મયું કે તરત જ…એને જોઈ ને..
“અસલ એનો પપ્પો જ જોઈ લો !! નાક તો જો એના દાદા જેવું જ છે !! ”

અરે, અરે મને તો આપો જોવા દો મને હું બાકી છું, … ” હા એલા આંખો તો અસલ માસી જેવી જ છે ” એ,,એ… જોવો તો ખરા !! આંખોના ડોળા નો કલર તો મામા પર જ હો ! વાહ રે !!!

અલ્યા ભૈ!! શ્વાસ તો લેવા દો એને જરા ..!!
હવે !! આ જીવ જઈન્મો સે જી કુટુંબમાં તો , એના જીન્સ તો હોય જ ને !! કોઈ આજુ બાજુ વાળા જેવો કે કોઈ બીજા ગ્રહ ના એલિયન જેવો થોડો હોય ?? પણ ના, આ ચર્ચા તો આપણે ત્યાં ગમે ઇ બાળક જન્મે એટલે કમ્પલસરી એને સંભળાવવી જ પડે , નહિ તો … ??? એને આ દુનિયા માં આઇવે હજુ અડધો કલાકે ય નથી થઈ… ત્યાં તો …

એ મને આપો, મારો ફોટો પાડો, મારો પાડો, કરતાં કરતાં ન્યૂબોર્ન બેબી ના પેરેન્ટ્સ તો ઠીક ! પણ, દાદા – દાદી, નાના – નાની, મામા, માસી, કાકા, કાકી, ફોઈ બધાય ને હરખ હોય ઇ તો સમજ્યા પણ, ..આડોશીપાડોશી, સગા, સંબંધી બધાય … હાલી નીકળે…!! વાહ રે !!
…….અને ડોક્ટર સૂચના આપી ને જાય કે, હોસ્પિટલે લોકોની અવરજવર ઓછી રાખવી, નાના બેબી ને બીજા થી દૂર રાખવું, પણ, ઇ તો ડોક્ટર સાયેબ તો બોઇલે રાખે , અમારે કેવડો વેવાર સે !! અમે ધોળી ધોળી ને ગ્યાતા … તી હવે બધાય આવશે જ ને !! એમાં કેને ના પાડવી ?? લ્યો બોલો !!! ન ગ્યા હોત તો ?? શું ખાટુમોળું થઈ જાત?? આજે આ બાપડું જૈન્મુ સે એને તો શાંતિ મળત !!

પણ ના , શું કામે સખ લેવા દે !! એ જીવ ને !! કાં આઇવો આ જગત માં ?? હવે તો પાછો રિટર્ન ન થા ત્યાં સુધી આ સગાવ્હાલા નામના પ્રાણી ઓ લોહી પી જાહે.. કાયદેસર ના હક્કદાર બધાય !! વાહ રે !! 

હવે ખાલી વાતો આટલેથી અટકે નહિ હો !! હજુ તો સ્ટારટિંગ .. આ તો ટાઇટલ રિવ્યુ !! ખેલ તો હવે જુઓ, આહા એય, બગાસું ખાધું !! જુઓ તો જાણે કેવું મોટું માણહ!! ઓહો આરહ તો જો મયડે !! જો તો કેવો જોવે સે !! પેલા ના સોકરા તો… કેટલા દિ આઇખું ન્હોતા ખોલતાં .. હવે જો બાપા આ બધો કળજગ નો પ્રતાપ !! લે બોલો , હવે એણે આંખ ખોલી સે, આંખ મારી નથી..!!!. તી’ આમ એને કળજગ ની દુહાઈ દ્યો છો !!ત્યાર નો જમાનો જુદો હતો હવે સમય બદલાયો છે, પણ ના, ગરહુલી કોણ પાહે?? મારા જેવી કોઈ ડહાપણ કરે કે ડોક્ટર સાહેબે ના પાડી છે કે જ્યાં સુધી માં નું ધાવણ ન આવે ત્યાં સુધી એમણે લખી આપેલ લિકવિડડ્રોપર થી આપવાનું છે બીજું કાંઈ જ નહીં. ઇ તો ના પાડે , એનો તો ધંધો સે !! તો પસી ઈના દવાખાને આઈવા હુકામે??
હજુ આગળ તો જોવો, નાઈડો ખરવાની બાબત થી લઇ ને છઠ્ઠી મુકવાની ને નામ પાડવાની ને મીઠા મોં કરાવવાની એટલી બધી ચર્ચા થાય કે નવજાત શિશુની કે એની માંની કાળજી લેવામાં કચાશ રહી જાય !!! અને પાછા બોલે ય ખરા, કે, આ સુવાવડ નો ખાટલો હોય એટલે નવરા જ ન થાય !! પણ ક્યાંથી થાય શરૂઆતથી જ આખો જગન માઈન્ડો હોય !! વાહ વાહ !!

હવે, આવનાર બાળકને છીંક આવે તો , એને ..આ સુંઘાડો ને પેલું લગાડો ને.. અરે વાહ ! આપણે તો વગર ભઈણે બધાય ડોક્ટર ને ઇ યે વળી દોઢ !! વાહ રે !!

હવે આ બચ્ચું મોટું થાય … પણ અત્યાચાર તો અટકે જ નહીં… માલીશ કરાવવું કે નહીં, કોની પાસે ને કયું તેલ ને કેટલી વાર ને કેવું… ને આમતેમ કરી ને બિચાળા ને જંપ નો લેવા દયે !! હવે જે હોસ્પિટલે આવી ગયા ઇ બધાય ઘરે … ફરી વખત અને પછી બીજા બધા ય જુદા ઉપરિયામણ !!! હા ભૈ હા !! લાગણી ને પ્રેમ છે તો આવે !! હરખ કરવા …પણ, એમને એમ હરખ કરી ને જતાં થોડા ર્યે?? ઝબલા નું જે કાંઈ આપ્યું હોય તે કાઈ ખાઈ પી ને વસુલ નથી કરવું, હવે ક્યાં કોઈને ખાવા પીવા ની ત્રેવડ રહી છે ?? વસૂલ કરશે … સલાહ નું પોટલું ભરીને લઈ આઈવા સે ઇ ઠાલવશે…!! વાહ રે !!
તમે માનશો ?? એ છીછી કે પી પી કરે ને તો એનું ય ડિસકસન કરે !! ઓછું કરે છે તો આ નો ઘસારો પાવ !! વધારે કરે છે , તો ફ્લાણું પાવ, કેવા કલર ના કરે !!! હા સાચ્ચે !! કલર પર પણ આ સારું ને આ નહિ સારું … એવું કાઈકેટલુંય હાલે!! હું કહીશ તો તમને જમવાનું ય નહિ ભાવે !!

હવે, આ બાળક હજી તો જરા મોટું થાય એટલે કઈ સ્કૂલ માં બેસાડવું, કઈ લાઈનમાં વધુ પૈસા મળશે, કોના કોચિંગ કલાસ કરશે ??? અરે વાહ !! એને હજુ ડાયપર માંથી બહાર તો આવવા દ્યો !! પ્લે હાઉસમાં તો જાવા દ્યો..

પછી તો , કોઈ આવે એટલે, દિકા !! આન્ટી ને ફ્લાઈંગકિસ આપો તો !! એમ કહી કહી ને દાદો પોતે કેટલી વાર ફ્લાઈગકિસ આપશે બધાય ને !! વાહ રે !! આખું ઘર ફ્લાઈંગકિસ આપતાં શીખી જાય !! ( અને મોટો થઈ ને ભૂલેચૂકે ય પોતાના gf કે bf ને આપશે ફ્લાઈંગકિસ તો એવો કાન આમળશે ને કહેશે … આવા સંસ્કાર હોય આપણા ??)

પછી તો એને પ્રદર્શન ની ચીજ બનાવશે !! સ્વીટુ, જીંગલ બેલ..

બોલો તો બેટા , અંકલ ને ટ્વિન્કલ, …. ટ્વિન્કલ… સંભળાવ તો !! બા બા બ્લેક સીપ… કર …!! મશીન નથી તમારું !! કે નથી ચાવી ભરેલું રમકડું કે તમે બોલો એમ બોલે, ચાલે… એ બાળક છે , પોતાની દુનિયા માં મસ્ત રેવાદો !! પણ ના , શું કામે સખ લેવા દયે??

આ દુનિયા માં આપણે બધી ઉપાધિ લઈ ને ફરીએ છીએ એને તો બિનદાસ્ત જીવવા દ્યો !! પણ ના, પોતાના સપના પણ એના માં જ પુરા કરવા !!

બેટા, શું બનીશ ?? ડોક્ટર કે એન્જીનીયર? પાયલોટ કે સાયન્ટિસ્ટ ? એને એક સારો માણસ તો સરખી રીતે બનવા દ્યો !!! અને અત્યારે એને યોગ્ય રીતે ઉછરવા તો દ્યો !! નકર અટાણે તમે એને સખ નથી લેવા દીધું ને ?? તો એ પણ મોટો થઈ ને જો જો તમારું ય માથું ભાંગે એવું લોહી પીવાનો !! પછી બોલે, આ તો ક્યાં જનમ નો બદલો સે ?? વાહ રે !! આજ જનમ નો છે !! જે વ્યાજ સહિત પાછું મળે છે !!

લેખક : દક્ષા રમેશ

ફ્રેન્ડઝ,

નાના બાળકો ને બોલતા આવડતું હોત તો કે’ત , ” જે બનવું હશે એ બનીશ પણ અત્યારે મને ઉલ્લુ ન બનાવો !!!

અભિપ્રાય જરૂર આપજો કોમેન્ટમાં અને દરરોજ આવી અનેક માહિતી અને વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર...

ટીપ્પણી