સાસુ – વહુ – સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ હતી એ યુવાનની… વાંચો અને સમજો…

🌻સાસુ- વહુ🌻

” ચાલ કૃપા ! આવે છે ને ?? ” એક સ્ત્રી બોલી.
બીજી એ જવાબ આપતા કહ્યું, “હા ! હા ! ચાલો, આવું જ છું ને ! ”
અને એણે પોતાની સાથે રહેલ યુવાનને પૂછ્યું , ” એય તમારે કેમ નથી આવવું ??? શું તમે ય તે ?, જવા દો ને !! વળી પાછા કહેશો કે તમે બેય એક થઇ ને મને એકલો કરી મુક્યો !!”

…..અને બન્ને સ્ત્રીઓ, એક પચીસેક વર્ષની અને બીજી અંદાજે પચાસની ઉંમર હોય તેવું લાગતું હતું, તેમની જોડે ત્રીસેક વર્ષનો યુવાન હતો અને બન્ને એ એ યુવાનને મજાકનો ટાર્ગેટ બનાવ્યો હતો !! એને ચીડવીને બન્ને ખીલખીલાટ હસતી હતી.. કેવું નિર્દોષ હાસ્ય !!

એક લગ્ન પ્રસંગે જોયેલી આ સત્ય ઘટના છે. બન્ને લેડીઝ એટલી ખુશમિજાજ દેખાતી હતી .!!.. હું તેમને જોઈ જ રહી. બન્ને એ રીતે વાતો કરતી હતી જાણે કે બહેનપણીઓ હોય !! પણ, ઉંમરનો ખાસ્સો એવો ફરક નજરે દેખાતો હતો.
…. પછી દાંડીયા રાસ શરૂ થયા અને પેલો રાઉન્ડ સ્પેશિયલ પ્રોગ્રામ હતો જેમાં કોઈ પતિ-પત્ની, કોઈ બહેનો અને કોઈ… ગ્રુપમાં .. લગ્નની આગલી સાંજે આ પ્રોગ્રામ ચાલુ હતો. એવી રીતે હવે આ ત્રણેયનું એક નાટ્યાત્મક ડાન્સ આવ્યો જેના શબ્દો કંઈક એવા હતાં..

….” મારી સાસુથી ન સચવાતો જ્યારે પોયરો…,
…” મેં બનાવ્યો મારા દિલનો એને સાંવરો…”

અને એટલું મસ્ત એ ત્રણેય નું ટ્યુનિંગ હતું કે જોનારા બધાયે એમને તાળીઓના ગડગડાટથી વધાવ્યા ને ” once more… Once more ” … કહીને બિરદાવ્યા.

ખરેખર ખૂબ સરસ ડાન્સ કર્યા પછી એ ત્રણેય હું જ્યાં બેઠી હતી ત્યાં ગોઠવાયા. હું તો એમને જોઈ જ રહી એ બન્ને સ્ત્રીઓ એવી હળીમળીને એકબીજામાં ઓતપ્રોત હતી અને એટલી પ્રસન્ન દેખાતી હતી કે … કોઈનું પણ સહજ ધ્યાન ખેંચાય. થોડી વારમાં એ ઉપરનો સંવાદ કરીને… નાસ્તો કરવા જવા ઊભા થયા અને યુવાને ના પાડતાં બન્ને જણીઓ એકબીજાનો હાથ પકડી નાસ્તા માટે ચાલતી થઈ.

એ યુવાન બેસી રહ્યો, મારે પણ કઈ ખાવું નહોતું એટલે હું ત્યાં જ બેઠી હતી.. મારી આંખો સાથે એ યુવાનની આંખ મળતાં જ એણે મને પકડી પાડી કે હું ક્યારની એમને જ જોયા કરું છું. એ ખુરશી લઈને મારી નજીક આવ્યો અને મને કહે, ” તમે કદાચ અમને નહિ ઓળખતા હોવ પણ, હું જતીન !! આપને ઓળખું છું. તમે વાર્તાઓ લખો છો ને ?? આજે હું તમને એક મસ્ત વાર્તા કહું, મારા જીવનની … તમે એ સમાજ સામે મુકજો.”

અમે ઔપચારિક વાતો કરી અને પછી એ યુવાને પોતાની જિંદગીની કિતાબના પાના મારી સામે ખુલ્લા મુક્યા.

‘”મને મારા પપ્પાની કોઈ સ્મૃતિ નથી એટલા વર્ષ પહેલાં એમનું મૃત્યુ થયું ,મારી મમ્મી ઉપર કુટુંબે અને સમાજે જુલમ ગુજારવામાં કાઈ બાકી ન રાખ્યો !!…અને મારી મમ્મી મને જ સર્વસ્વ માનીને બધું જ દુઃખ સહન કર્યું એક જ આશાએ કે … “કાલ સવારે મારો દીકરો મોટો થશે અને મારા દુઃખોનો અંત આવશે !! “મારી મમ્મીએ નોકરી પણ કરી, ઘરનું કામ, મારો ઉછેર અને સામાજિક જવાબદારી … મજબૂતાઈથી આ બધું પાર પાડવા જતાં , ધીમધીમે એ જ મજબૂતાઈ ક્યારે સખ્તાઈમાં પલટાઈ ગઈ , ખબરે ય ન રહી !!

હવે એની છાપ, મીંઢી.., અને.. “પત્થર દીલ'” તરીકે ઉપસી હતી. પણ, એની યે પરવા કર્યા વગર, મારી મમ્મી , એક જ આશા !! મને સ્થિર અને સફળ જીવન બનાવવાના સ્વપ્ન જોતી .. સંસાર સાગર ના અફાટ મોજાઓ વચ્ચે એકલે હાથે જીવન નૈયા હંકારતી રહી.

ઘણા પુરુષોએ મારી માં ની નજીક આવવા પ્રયત્ન કર્યા, કોઈએ સમયનો લાભ ઉઠાવવા કે કોઈએ જીવનભર સાથ આપવાનો પ્રસ્તાવ પણ મુક્યો.. પણ, સંજોગોએ એને એકલે હાથે લડવાની તાકાત આપી હતી અને એ માટે એ એમ જ સમજતી કે એનું કારણ હું એકમાત્ર હતો.

ધીમેધીમે , બધું જ પાર પડ્યું હું ભણવામાં પહેલેથી જ હોશિયાર હતો.. મારી મમ્મીએ જ મને હોશિયાર બનાવ્યો હતો એમ કહીશ તો જરાયે ખોટું નથી. ભણીગણી ને હું સારી નોકરીએ લાગ્યો અને જાણે કે હવે બધા જ દુઃખો નો અંત આવશે !! પણ, ના અંત ન આવ્યો દુઃખોનો પણ અધ્યાય જરૂર બદલાયો.

વાત જાણે એમ બની કે , હું પરણવા લાયક થયો…., હવે ,નાતમાં મારી મમ્મીની છાપ એકદમ કડક , ખડુસ, તુંડમિજાજી !! જે ઘરમાં આવી કઠોર સાસુ સિવાય કોઈ નહિ તેવા ઘરમાં કોણ દીકરી આપે ??

ઘણી શોધખોળ પછી મારા લગ્ન કૃપા જોડે થયા . અને હા… શ.. , મને પણ એમ થયું કે હવે શાંતિ !! કૃપા મને ખુબખુબ પ્રેમ કરતી હતી . એક પુરુષને પત્ની તરીકે જેપણ જોઈએ , કૃપા તો એનાથીયે વિશેષ મારા માટે બની ગઈ !!.બધા જ દુઃખોનો અંત આવી ગયો. કેમકે હું સારા પગારની નોકરી ધરાવતો હતો એટલે મમ્મીને મેં નોકરી મુકાવી અને કૃપા આવી જતા ઘરની જવાબદારી પણ એના માથેથી ઉતરી ગઈ !!. હવે તો એયને .. મારી મમ્મી ને જલસા જ કરવાના !!
પણ, ” ન જાણ્યું જાનકી નાથે… ” એ રીતે મુશ્કેલીઓ તો આળસ મરડીને બેઠી થઈ . આ વખતે એનો સામનો મારી મમ્મીએ એકલીને ન્હોતો કરવાનો પણ અમે ત્રણેય એમાં સરખેસરખા ભાગીદાર હતાં.

હવે જે મુશ્કેલીઓએ મુખ ફાડયું એ આ જે બે સ્ત્રીઓ જોઈ ને તમે ?? એમણે જ જાતે એ પરિસ્થિતિને જન્મ આપ્યો. અને એનું નિમિત્ત હતો હું !! માત્ર હું જ !!

ત્રણેય હેરાન, પરેશાન !!! વાત એમ બની કે મારી મમ્મી મારા માટે એકદમ જ પઝેસિવ !! અને કૃપા ?? એના ઘરના લોકોના વિરોધ વચ્ચે એણે મને જોઈ, પારખીને એવી તો મારા પ્રેમમાં પાગલ હતી કે , અમે વિખુટા પડેલા ભવોભવના સાથી હોઈએ, એ મને દિલો જાનથી ચાહતી !! હવે શરૂ થઈ સાચી કહાણી !! બન્નેનો મારા પર અનહદ પ્યાર એકબીજા પ્રત્યે નફરતમાં ફેરવાવા લાગ્યો એની ખબરેય ન રહી !! કૃપા કહે દિવસ તો મમ્મી કહે રાત !! બન્ને નો મારા પર અપાર પ્રેમ લડાઈનું કારણ !! કૃપા મને લીંબુપાણી આપવા ઈચ્છે એ જ વખતે મમ્મી મને દૂધ પીવાનો આગ્રહ કરે !! અરે ! જમવામાં અને કપડાં પહેરવામાં તો બન્ને એકમત ન થાય પણ, મારી તંદુરસ્તી ન બગડે એ માટે મને જે ખવડાવવાનો મત ધરાવે એ પણ,… પૂર્વ- પશ્ચિમ બોલો ??

અને હું ?? બેમાંથી કોઈને ય જરા જેટલો દુઃખી કરવા ન ઈચ્છું !! બન્ને ને એકબીજાથી છાના એમ જ કીધે રાખું કે , “હા, હા, તું કે એ સાચું જ છે !! અને બન્ને ને બેલેન્સ કરવામાં નિષફળ હું !! બેય વચ્ચે સેન્ડવીચ !! ”

કૃપા ગ્રીન એપલ ખવડાવે એ ખાઈ લવ તો મમ્મી ટેટી ખાવાનું કહે તો એને પણ ના ન પાડું !! કપડાં પહેરાવવામાં પણ બન્ને એવું જ કઈ કરે !! બ્લ્યુ જીન્સ પર એક વ્હાઇટ શર્ટ નો આગ્રહ રાખે તો બીજી ટીશર્ટ નો !! અને હું બન્નેથીચોરીછુપી શર્ટ અને ટીશર્ટ બન્ને ને કંઈક નુકસાન કરી નાખું, જેમકે બટન તોડી નાખું કે સિલાઈ ફાડી નાખું !! અને પછી ઝભ્ભોપહેરુંજીન્સ પર !! ભલે મારો ફજેતો થાય પણ, હર વખતે, એ બન્ને ને રાજી રાખવા માટે ત્રીજું જ કાઈ કરું !!

“સુડી વચ્ચે સોપારી ” અને આમને આમ મારા પર સ્ટ્રેસ વધી ગયું …
અને એક દિવસ, હું બાઇક પર ઓફીસ જતો હતો અને આ બન્નેની ખેંચતાણ વચ્ચે મારુ મગજ ફરી ગયું અને એમનું બેલેન્સ જાળવતો હું મારું બેલેન્સ ચુક્યો અને …. મારો અકસ્માત થયો …. મારી આંખો જાણે કે કાયમને માટે મીંચાય ગઈ …. બ્લૅક.!!!..બ્લેન્ક..!!!! ..ખલ્લાસ…!!!! .હું કોમામાં સરી પડ્યો !!
……જ્યારે મેં આંખો ખોલી …

…. એ ઓગણીસમો દિવસ હતો !!!એવું પછીથી મને જાણ કરવામાં આવી પણ… એ દિવસથી એક અજાયબી શરૂ થઈ..

મારી પત્ની અને મમ્મી દુશ્મન સાસુ-વહુ ન રહેતાં .. માં દીકરી જેવા પ્રેમાળ બની ગયા… અને અત્યારે જુઓ છો ને ?? બન્ને દોસ્ત જ બની ગયા છે .!!!.. આ અકસ્માતે શું ચમત્કાર થયો કે … ન પૂછો વાત !! મને તો હજીયેમાન્યામાં નથી આવતું કે … જે સાસુ-વહુ ને કૂતરાબિલાડા થી પણ વધારે વિરોધાભાસ હતો એ જ છે આ બન્ને કે શું ??? ”

એ યુવાન હજુ એની વાત પૂરી કરી બીજું કંઈ બોલે એ પહેલાં અમારી પાછળ આવીને ચુપચાપ ઊભેલી બન્ને સાસુવહુની આંખો આંસુથી છલકાવા લાગી.

કૃપા બોલી, ” જે વ્યક્તિને ખૂબ ખૂબ પ્રેમ આપી મારી એકલીનો બનાવી લેવાની હોડમાં અમે બન્ને એકબીજાની વિરુદ્ધમાં જેટલા સામસામે કટ્ટર વિરોધી બન્યા હતા … તે જ અમે અમારા બન્નેનો જીવ આમ નજર સમક્ષ .. અઢાર અઢાર દિવસ નિશ્ચેતન પડ્યો હતો અને અમે બન્ને સમજી ચુક્યા હતા કે બન્નેનો પ્રાણ પ્યારો બન્નેને મૂકીને જો પ્રભુ પ્યારો થઈ ગયો તો શું થાય અમારું ?? …

કોણ કોના આંસુ લૂછે અને કોણ કોને દોષ આપે ??? કુદરતે બન્નેને એકસાથે લપડાક મારી દીધી હતી !! સતત રડતી રહેતી બન્ને .. સગાંવહાલાં આવે, આશ્વાસન આપી ચાલ્યા જાય… પણ અમે બન્નેને બરાબર જીવનની વાસ્તવિકતા સમજાઈ ચુકી હતી.
એકબીજાને આખેઆખી કાચી ખાઈ જાય એવી હુંસાતુંસીથી બરાબર આમને સામને રહેતી બન્ને એક એક દિવસ પસાર કરતી સામસામે છેડેથી એકબીજા તરફ આવવા લાગી અને એકમેકની સાથે ઊભી ગઈ !!

કૃપાના સાસુ બોલ્યા, ” અમે બન્ને દરરોજ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે અમે આ નિર્દોષને દુઃખી કરી ને બહુ મોટી ભૂલ કરી છે એની સજા અમને આપ પણ, અમારા જીવથીયે વ્હાલા જતીનને સાજો નરવો બેઠો કર. જો એક વખત જતીન ફરી બેઠો થાય તો.. અમે એવું કંઈપણ નહિ થવા દઈએ કે અમારા જતીનને સહેજે દુઃખ થાય !! ..

અને આધુનિક સારવાર ને ડોક્ટરોની મહેનત કહો કે પ્રાર્થનાનું પ્રેરકબળ કે પછી કુદરતનો કરિશ્મા !! અમને એક ચાન્સ આપ્યો જિંદગીએ અને જતીનેઓગણીસમે દિવસે આંખો ખોલી !!!

જતીનનો જ નવો અવતાર થયો એમ નહિ પણ, ત્રણ ત્રણ જિંદગીને નવો અવતાર મળ્યો !! અમે નક્કી જ કરી નાખ્યું કે જેટલું જીવીએ એટલું ફક્ત ને ફક્ત આનંદથી જ જીવશું . જતીન ઉપર દુઃખ તો શું !! દુઃખનો ઓછાયો પણ નહીં પડવા દઈએ !! તે દિવસ… ને.. આજની ઘડી…!!! જોઈ લ્યો અમને !! “”

લેખક : દક્ષારમેશ

ઓહ, ફ્રેન્ડઝ !! હું તો અવાચક બની ગઈ ક્યાંય સુધી !! વિચારતી રહી ગઈ કે.. જો કુદરતે એક ઓર ચાન્સ ન આપ્યો હોત તો !! શું જે દિવસો જતીનને અને સાસુ-વહુને પણ.. એકેય દિવસ ફરીથી જીવવા મળવાનો હતો ?? આપણે જેને જીવથી પણ વધુ પ્યાર કરીએ છીએ , એને ખુશી થી જીવવા ન દઈએ એ કેવું !!! કુદરત બધાને એક ઓર ચાન્સ નથી આપતો હો !!💐💐💐

વાત તો સાચી બધાને બીજો ચાન્સ નથી મળતો પણ અમુકવાર જેને મળે છે એ તેનો બરોબર ઉપયોગ કરતા નથી. દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી