ભોપો – કોઈએ સાચું જ કીધું છે વડ એવા ટેટા અને બાપ એવા બેટા..

….ભોપો…

આજે એક અજીબ દાંસ્તાન…જે તદ્દન સાચી છે .જેમ છે તેમ જ રજૂ કરું છું …જે એક શિક્ષક વિશ્વાસ સરે મને જણાવી છે.

એ સર સરકારી હાઈસ્કૂલમાં ભણાવતા… વિશ્વાસ સરે એક વખત નોંધ્યું કે , ભોપો … ( વિદ્યાર્થી નું નામ છે કોઈ એક જાતિ માટે નથી )એક વિચિત્ર પ્રાણી !! આમ તો વિદ્યાર્થી ને પ્રાણી ન કહેવાય પણ શું કરવું ??? કેમ કે એ પણ એક માણસ તો હતો જ પણ આખરે માનવ એક સામાજિક પ્રાણી છે એ તો ખોટું નથી ને ?? આ વળી થોડું તો નહીં જ એવું , વિચિત્ર પ્રાણી !!… એટલા માટે કે ખરેખર એ વિચિત્ર જ હતો જેમકે કોઈ બીજા ગ્રહ માંથી આવેલું એલિયન !! એ હતો તો પૃથ્વી પરનો જ ! અને કાયદેસર હકથી આ ગ્રહનો જ રહેવાસી પણ છતાંય એલિયન ને પણ અપમાન લાગે એવો જોરદાર !!!… શાળા ના જે સામાન્ય નિયમ હોય એ એકેય આને લાગુ ન પડે …જેમ કે ….

નિયમ એક, સ્વચ્છ યુનિફોર્મ… , એ માટે ભોપો ક્યે, ” પેઇર્યોતો સે ને … કાઈલે જ ધોયો તો… ( ઉભી ધોયણ કૈરીતી..)!!”સમજ્યા ને ? દેશી ભાષા માં ઊભી ધોણ એટલે કૂવા માંથી મશીન ચાલુ કર્યાં પછી જે ધોધ પડે એ ધોધ નીચે પહેરેલ કપડે ઊભુ રહી જવાનુ .. નહાવાનું નહાવું ને કપડાં ય ધોવાય જાય !! ને થોડી વાર તડકે ઊભો ર્યે કાતો ચાલી ને ઘરે પહોંચે એટલે … બધુ સુકાય જાય !! એક સાથે કેટલા કામ પતે , ન્હાવું, કપડાં ધોવા , ડિલ લૂછવું, કપડાં નીચોવવા ઝાપટવા કે સુકવવા અરે સંકેલવા કે ઈસ્ત્રી ની તો… વાત જ નહીં .. બોલો ???

નિયમ નમ્બર 2,: માથા ના વાળ ઓળેલા ને તેલ નાખેલું….તો એના માટે.. ભોપો.. “નિશાળે આવી ને વાળ માં પાણી થપથપાવી ને ઊભાં પીસડા બેસાડવાની કેટલી કોશિશ કરે .. પણ વંઠાય ગયેલા છોકરા ની જેમ .. એનું માને નહિ વાળ !!! .. ને માન્ડ માન્ડ બધાય વાળ ને બેસાઈડા હોય પણ ચેકીંગ મોડું થાય!! ને ગામડાની સરકારી નિશાળ માં !! .. વિદ્યાર્થી આવે કે ન આવે પણ, પવન ને તડકો ઘોળીધોળી ને આવતાં જ હોય !!! અને ભોપા ના વાળ , જરાક ચેકીંગ માં મોડું થયું કે .. એક પછી એક જેને ભાર દઈ ને બેસાડેલા હોય એ વાળ સાંઢિયા ની જેમ બેઠા થઈ ગયા હોય ને હવા માં લહેરાતા હોય !!! સાહેબ એ માટે ખીજતા હોય !! રોજ કોઈ ને કોઈ સર અલગઅલગ કારણોથી કે એકને એક કારણ થી ખીજાય …આમાં ભોપા ને કાઇ ફેર નો પડે .

નિયમ નમ્બર 3, … અરે ? કઈ વાત કરવી ને કઈ નહિ !! બધા જ નિયમો ધોળી ને પી ગયેલો એ !! વળી, આ ભોપા શ્રી એક જ ધોરણ માં ત્રણ વર્ષ થી છે. આગળ લઈ જવો જ મુશ્કેલ !!!.. કેમ કે જેને એકડા કે કક્કો જ નહોતો આવડતો એવા આ અપ્રતિમ નમૂનાને ગણિત ના દાખલા કે વિજ્ઞાન ના પ્રયોગ … ભોપા ને મન તો “કઈ બલા હશે ????” આને કેમ શીખવવા ?

વિશ્વાસ સરે ઘણી વાર મહેનત કરી કઈ શીખવવાની પણ ,,, રણ માં ખેતી થાય તોય ભોપા ના મગજ માં કોઈ શિક્ષણ ને લગતો એકપણ કોટો જ ના ફૂટે ,,,,!!! વળી ભોપા ના સહાધ્યાયીઓ પૂરેપૂરી મજાક ઉડાવતાં હોય ભોપાની !! અને બીજું વધારામાં એ શિક્ષકો ની ખીજ નો ભોગ બનતો એ જુદું !!

જેને મન પડે એ ભોપાને જ લાગ માં લ્યે !!!… વિશ્વાસ સર ઘણી વાર બચાવ કરે ..પણ ક્યાં અને કેટલીક વખત ?? પણ ભોપો જેનું નામ !!!!… છોકરાવ એની ઠઠ્ઠા મશ્કરી ખૂબ કરે .. સર ને દયા આવે..બીજા વિદ્યાર્થીઓ ને અટકાવે પણ ખરા. . છતાં ભોપો તો ભોપો જ રહ્યો… શું કરવું ?? સરે વિચાર્યું કે 3 તો શુ 5 કે 7 વર્ષેય ભોપો દસમુ ધોરણ પાસ તો નહિ પણ નવમાંથી દસમા માં ય ચડાવી શકાય એમ નથી !! .. બધા જ સર એને ખીજાતા કે અમારી ઉપર મહેરબાની કરી તું હવે ઘરે રહેતો જા !!.. તારે નિશાળે આવવાની કાઈ જરૂર નથી !!.

પણ , ભોપો ??? રોજ દિ ઉગે ને હાજર !! … આ એક જ પ્લસ પોઇન્ટ હતો ભોપા નો જે સ્કૂલ ના વિદ્યાર્થી અને શિક્ષકો બધા સાથે મળી ને આ પોઇન્ટ તોડવા નો પ્રયત્ન કરતા હતા… અલબત્ત છોકરાઓ તો એને ખીજવવામાં કાઈ બાકી ન્હોતા રાખતા .. એ રીતે એ જો સ્કૂલ થી ભાગે તો !! અને શિક્ષકો સમજાવવામાં કે ખીજાવામાં કાઈ કમી ન્હોતા રાખતા !!! ના જ કહેવું જોઈએ તો ય ગધેડો , ડોબો , ડબ્બો ને નમૂનો …આવા કૈકેટલાય નામો થી એને નવાજવામાં આવતો !!

પણ , ભોપો જરાય મચક ન આપે ..એના શાળાએ આવવાના ક્રમ માં કોઈ ફેરફાર નહિ !!.. સારું હતું કે હવે એને યાદ રહી જાતું કે સાતમે દિ એ રવિવાર આવે , નહિ તો એ તો શાળા એ… હાજર !!! ..અને બીજી જાહેર રજા ઓ મા ઘણી વાર આવી ને દરવાજે બેઠો પણ હોય , પછી કોક નીકળે ને ક્યે કે ” એ ય ભોપા … આજે નિહાળ માં રજા સે .. ઘરે જા !! ” ત્યારે એ કમને પાછો ઘરે જાય !!!…

ભોપો બાજુ ના એક નાનકડા ગામમાં રહેતો એટલે કોઈ શિક્ષકોને એના માતાપિતાને ક્યારેય મળવાનું ન થાય .વિશ્વાસ સર ને હવે ખાતરી થઈ ગઈ હતી કે ભોપા ની ઉંમર વધતી જાય છે અને ભોપો સાવ ઠોઠળો .!!!. જેમ કઠોળ .. એને પલાળી એ , બાફીએ કે વધારીએ .. પણ અમુક દાણા એવા હોય … કે એને શેનીયે અસર ન થાય … એ પ્રકારે ઠોઠ..ળો.. રહી ગયો છે , એને બીજા બધા થી જુદો કાઢવો જ રહ્યો.!!.પછી કોઈ બીજા ઉપયોગ માં તો આવે , નહિતર કઈ કામેય નહિ આવડે !!..

વિશ્વાસ સરે ઘણી વખત ભોપા ને કહ્યું હતું કે તારે હવે અહીં આવવાની જરૂર નથી , તું ઘરે રહી ને તારા માતાપિતા ને કામ માં મદદ કર , સર જાણતા હતા કે આમાં હવે કોઈ જ આશા નથી , ઊલ્ટાનું નુકશાન હતું કે એનો જે જરા જેટલો છે… એટલો ય માનસિક વિકાસ સાવ રૂંધાય જશે , શિક્ષકો ની ડાંટ થી અને બીજા સ્ટુડન્ટ ની સતામણી થી !!! આ માણસ ની ભાષા તો નથી સમજતો કદાચ જો એ ઘેટાં બકરા ચારશે ને તો એની ભાષા તો જરૂર શીખશે.. મતલબ કે હવે એને એવું કાઈ કામ આવડે તો ય સારું !!

અનેક વાર ના પાડવા છતાંય ન સમજતા ભોપા ને બધાય સરે અલ્ટીમેટમ આપી દીધું કે , ” તારા બાપા ને ( પૂજ્ય પિતાજી ) ને લઈ ને આવીશ તો જ કલાસ માં બેસવા દેશું !! પણ કોઈ વાત સમજે તો ભોપો શાનો ??? .. હા એક વાત જરૂર બોલતો કે , ” સાઇબ નિહાળે આવવા દયોને “, કા તો એમ બોલે , “કલાસમાં બેસવા દયો ને !! ”

ઘણીવાર તો કોઈ સાહેબ મજાક માં એમ કહેતા, ” ભોપા , તને શીખવવા જેવું હવે અમારી પાસે કાઈ બાકી નથી રહ્યું !!!. તું હવે તારું શિક્ષણ પૂરું થયું એમ સમજ !! કાલ થી સ્કૂલે ન આવતો !! .

શિક્ષકો ખીજાણા, ધમકાવ્યો , સમજાવ્યો … પણ , આ તો ભોપો !! શાળામાં એની હાજરી એવી સો ટકા … કે જેવું એનું મગજ ભણવામાંથી ગેરહાજર સો ટકા !! નહિ , નહિ પણ બસ્સો કે પાંચસો ટકા !!! હવે કરવું શું ??

એક વાર શાળા ના સદનસીબે શાળા ના પ્યુન ને ભોપા ના પિતાજી મળી ગયા અને એ પરાણે , મહામહેનતે એને સ્કૂલે લઈ આવ્યો અને એણે સ્ટાફ રમ માં આવી ને એ મહાનુભાવ !! ની ઓળખાણ આપી ગૌરવભરી જાહેરાત કરતાં કહ્યું કે , “આ ભોપા નો બાપ સે !! હું એને શાળામાં લઈ આવ્યો !! ” અને બધાય રીતસર બધા જ અહોભાવ થી પ્યુન સામે જોઈ રહયા. જાણે કે કોઈ મોટું કામ પાર પાડ્યું ! હાશ !!!..

આચાર્ય સાહેબે વિશ્વાસ સર ને જ કામગીરી સોંપી કે આમને સમજાવી દ્યો ને ભોપા નું લિવિંગ સર્ટી કાઢી ને આપી દઈએ . ત્યારે ભોપા નો બાપ એટલું બોઇલો , કે
“સાઇબ એને નિહાળે બેસવા દયોને !! ”

વિશ્વાસ સરે સમજણ ના એકએક સૂર રેલાવ્યા … કે ભોપા ને અહીં થી લઈ જવા માં જ એની ભલાઈ છે, ભોપા નો બાપ બધું કબૂલ કરે , હા મારો સોકરો નબળો સે, એને કાઈ નથી આવડતું .. પણ સાઇબ, એને નિહાળે આવી ને બેહવા દેજો ને કાઈ તો શીખશે !!!…

વિશ્વાસ સરે ખૂબ સમજાવ્યા કે “અમને તમારા દીકરાને અહીં બેસવા દેવા માટે બીજો કોઈ વાંધો નથી રોજ ની સમજાવટ થી પણ કોઈ ફેર નથી , બીજા છોકરાઓ ની હાંસી નો ભોગ બનતા અમે રોકીએ પણ, એ અહીં કાઈ જ નહીં શીખી શકે એને તમારો ધંધો શિખવાડશો તો જ હવે સારું !!!” ,આવું આવું કઈ કેટલુંય કહી ને ય સર જરાય હિમ્મત હારે એવા તો ન્હોતા , પણ ભેંસ આગળ ભાગવતે ય સારી !!! … એક આખો પિરિયડ આમ ને આમ ગયો ને…

પિરિયડ બદલવાનો બેલ પડ્યો , વિશ્વાસ સરે આ કેસ…. , “હવે મારે દસમા ધોરણ માં ગણિત નો પિરિયડ છે , જવું પડશે !! ” એમ કહી ને , ભોપા થીયે વધારે અઘરો એનો બાપ લાગ્યો અને આ મુસીબત થી જાન છોડાવવા એને આચાર્ય શ્રી ને પરત સોંપી ને હાલતાં થતા હતા ત્યાંજ ભોપા ના બાપા એ કહ્યું “સાયેબ એને બેસવા દેજો ને !! ”

પોતાના જીવની ખેર ચાહતા… વિશ્વાસ સર રીતસર ભાગ્યા !!! બસ ખાલી મુઠ્ઠીઓ નહોતી વાળી એટલું જ !! એક આખો પિરિયડ લઇ ને પુરી 45 મિનિટ પછી પાછા આવ્યા કે સીધા જ પ્યુને કહ્યું કે એમને પ્રિન્સીપાલે બોલાવ્યા છે . ઓફીસ ની અંદર પ્રવેશતાં જ સરે જોયું કે .. આચાર્ય સાહેબ ! જોવા જેવી સ્થિતિ નહોતી … બિચારા !!! પરસેવે રેબઝેબ , આંખના ભવાં ચડી ગયા , નેણ ઊંચાનીચા થતા’તાં , ચશ્માં કપાળ પરથી લસરી જતા’તા ને જીભ હવે લોચા વાળવા લાગી’તી !!!…. પણ ભોપા નો બાપ છેલ્લે એક જ વાક્ય બોલ્યો , ” સાયેબ એને બેસવા દેજો ને !!! ”

આખરે , “”ભોપો તો ભોપો જ હતો આ તો ભોપા નો ય બાપ !!!…”

લેખક : દક્ષા રમેશ

દરરોજ આવી અનેક નાની મોટી વાર્તાઓ અને જીવનના પ્રસંગો વાંચો ફક્ત અમારા પેજ પર…

ટીપ્પણી