“દાગીનો” ખુબ દર્દભરી વાર્તા છે આ દાગીનાની, વાંચો અને શેર કરો…

“દાગીનો”

હાઇવે ઉપર પૂર ઝડપે દોડી રહેલી ગાડી બજાર માં હમણાંજ પ્રવેશેલી જાણીતી કંપની ની વિશ્વ વિખ્યાત મોડેલ હતી. એની ઝડપ જેટલી ધારદાર હતી , કિંમત એટલીજ આભસ્પર્શી ! એનું ચળકતું શરીર એને ધરાવનાર માલિક ની આર્થિક સઘ્ધરતા અને અઢળક ધન સંપત્તિ નો પુરાવો આપી રહી હતી. માનવી ની સાર્થકતા એની ધનસંપત્તિ થી આંકનાર સમાજ માટે માલિક ના અંતઃ કરણ , ચરિત્ર , જીવન દ્રષ્ટિકોણ , વિચારો , મન ના ભાવો, વલણ, વર્તન , સ્વભાવ ને પારખવાની કોઈ જરૂર ખરી ? બહારથી રુઆબદાર વટ પાડતી એ ગાડી અંદર થી પણ એટલીજ આલીશાન ને ભવ્ય હતી. આરામદાયી બેઠક, સંગીત માટે અતિઆધુનિક ઉપકરણો ની વ્યવસ્થા, નાનકડું ટીવી , જમવા માટે ના ડેસ્ક, જયારે પણ તાજી હવા માણવી હોય તો એક જ સ્વિચ ને સહારે થોડીજ સેકન્ડ માં ગાડી ની ઉપર ની છત આપોઆપ વળી જાય એવી અતિઆધુનિક યાંત્રિકતાવાળી ! જાણે રસ્તા માં ચાલતું દોડતું નાનકડું ઘર ….

સંપૂર્ણ એસી ની ઠંડક વચ્ચે પણ માલિક નો ચ્હેરો પરસેવે રેબઝેબ હતો. ગાડી ચલાવતી આંખો વારે ઘડી એ આંખો ની તદ્દન સામે ડેસ્ક પર ગોઠવેલ એક નાનકડા ડબ્બા ઉપર મંડાઈ રહી હતી. આધુનિક ગાડી ની અંદર એ ડબ્બોજ એકમાત્ર પ્રાચીન સમય ની નિશાની રૂપ કોઈ અર્વાચીન સંગ્રહાલય માં ગોઠવાયેલ ઐતિહાસિક કિંમતી સંગ્રહ ની છાપ ઉપસાવી રહ્યો હતો. ડબ્બા ઉપર નું કોતરકામ પોતાના સમય ની પ્રાચીન કલાત્મક કારીગરી નો નમૂનો દર્શાવી રહ્યું હતું. એની અંદર સચકાયેલા દાગીના ની કિંમત આગળ આ ગાડી ની આભસ્પર્શી કિંમત તો નહિવત ! સમાજ નું ગણિત પણ કેવું વિચિત્ર .. માનવી જેટલા આધુનિક એટલીજ એમની કદર ,કિંમત ઊંચી જયારે એમની મિલ્કત – મકાન, જમીન, દાગીનાઓ , ફર્નિચર જેટલા પ્રાચીન એટલીજ એની કિંમત ને કદર વધતી જાય !

સામે રખાયેલો આ દાગીનો પરંપરાગત ,પેઢી દર પેઢી ,વર્ષોનાવર્ષ પોતાની કિંમત માં અનન્ય વધારો કરતો નવી પેઢી ઓ તરફ આગળ વધતો અહીં સુધી પહોંચ્યો હતો. એને ધરાવનાર કેટલો ભાગ્યશાળી અંકાય એનાથી માહિતગાર માલિક ની આંખો માં ગર્વ અને ખુશી તો સહજ હતી , પણ ચિંતા , ઘભરાહટ , તણાવ , અસુરક્ષા ના ભાવો એનાથીયે બમણા ….આખરે જેનો ડર હતો એજ થયું …મોબાઈલ રણકવા માંડ્યો …સામે મોબાઈલ સ્ટેંડ પર ગોઠવેલા મોબાઈલ ની સ્ક્રીન ઉપર નાના ભાઈ ની તસ્વીર ઉપસી આવી …અચાનકજ ગાડી ની ઝડપ પણ વધી ગઈ. મોબાઈલ ની સતત વાગી રહેલ રિંગટોન થી જાણે સ્ટિયરિંગ સંભાળતા હાથો વધુ ઝડપે ફરી રહ્યા. કઈ પણ થઇ જાય મોબાઈલ ને અડકવાનોજ નથી. કોઈ ઉત્તર કે પ્રતિક્રિયા નો અવકાશજ નથી. હાઇવે પર સડસડાટ ભાગતી આ ગાડી તો હવે સીધી અન્ય શહેર ના પ્રખ્યાત દાગીના ના શો રૂમ માંજ પહોંચી અટકશે. જ્યાં આ દાગીના નો સોદો કરી એનાથી હાથ લાગનાર એક કલ્પના ને પરે કિંમત પોતાની રાહ જોઈ રહી હતી. પોતાના ધનવાન જીવન ને હજી વધુ ધનવાન , આલીશાન, ભવ્ય , રુઆબદાર ને રાજાશાહી બનવા માં થોડાજ કલાક નું અંતર બચ્યું હતું.

નાના ભાઈ જોડે જે વાત કરવી હતી એતો થઇ ચૂકી . માતા પિતા ના અવસાન પછી બધીજ સંપત્તિ બે સરખે ભાગે વહેંચાય ગઈ હતી. મકાનો, હોટેલ, બઁગલા, બિઝનેસ, જમીનો …બધુજ ….એક આ દાગીનો હજી પણ બે ભાઈઓ વચ્ચે દીવાલ બની ઉભો બોલી રહ્યો હતો :

” આ વીંટી બાપુજી એ મને ભેટ માં આપી દીધી હતી. ”

” તો એ માટે કોઈ પુરાવા , કાગળિયા કઈ તો હશે આપની પાસે ?”

” એક પિતા પુત્ર ને ભેટ આપવા માટે પુરાવા ન બનાવે !”

” બાપુજી ની માંદગી નો લાભ લઇ આવી સ્વાર્થ યુક્ત ને હીન પ્રયુક્તિઓ યોજવી એક પુત્ર ને ન શોભે….”

” મોટાભાઈ ની મિલ્કત ઉપર સ્વાર્થ ને લાલચભરી નજર માંડવી નાના ભાઈ ને શોભે ??”

” મોટાભાઈ નું માન જાળવ્યું છે એટલેજ અહીં ઉભો છું. નહિતર મારો વકીલ આપની જોડે વાત કરી રહ્યો હોત …..”

” તું મને અદાલત ની ધમકી આપી રહ્યો છે ? પોતાના મોટા ભાઈ સામે ઉભો થશે ,એક દાગીના માટે ?”

” એક દાગીના માટે જો મોટોભાઈ ગમે તેવા ગેરકાનૂની વલણ દ્વારા નાનાભાઈ નો હક મારતા ન શરમાય તો નાનાભાઈ ને વળી કેવી શરમ ?”

” તો સાંભળી લે આ દાગીનો મને ભેટ માં મળ્યો છે. હું એને વેચવા જઈ રહ્યો છું . જોઉં છું તું મારુ શું બગાડી લઈશ ?”

” ને હું પણ જોઉં તમે આ દાગીનો કઈ રીતે વેચશો ? એના ઉપર મારો પણ એટલોજ અધિકાર છે. હું પણ આ પરિવાર નો વારસદાર છું. મારો હક હું મેળવીનેજ રહીશ . સીધા રસ્તે નહિતર…..”

” નહિતર શું ??????”

મોબાઈલ ની એક ધારી રિંગટોન અને નાના ભાઈ ની મોબાઈલ સ્ક્રીન પર ઉપસી આવેલ તસ્વીર જાણે એકસરખો પડઘો પાડી રહી : ” નહિતર, નહિતર , નહિતર ………”

ચ્હેરા પર નો પરસેવો સાફ કરવા તિસ્સ્યુ પેપર કાઢવા હાથ ઊઠયોજ કે પાછળ થી એક પ્રચંડ ટ્રક ની ઠોકર થી આખી કાર ઉછળી ને પલટાઈ ગઈ. ગાડી ના કાચ ચૂરેચૂરા થઇ ગયા. ગાડી અનેક પલટીઓ ખાતી એક વૃક્ષ સાથે જઈ ઠોકાઈ. સ્ટિયરિંગ પાસે થી ઉછળી ને પટકાયેલું માનવશરીર કાંચ થી વીંધાઈ લોહીલુહાણ મૃત લટકી રહ્યું. રાત્રી ના અંધકાર માં અકસ્માત નો શિકાર થયેલી ગાડી પાસે પુલીસ ની ટુકડી આવી પહોંચે એ પહેલાજ ટ્રક ના ડરાઇવર ને એ મૃત શરીર ના નાના ભાઈ તરફ થી મળેલ આદેશ અનુસાર એણે આખી ગાડી ને આસપાસ નો વિસ્તાર ઝીણવટ થી તપાસી નાખ્યો. પણ એને આપવમાં આવેલી માહિતી ને વર્ણન અનુસાર કોઈ નાનકડો ડબ્બો હાથે ન ચઢ્યો. પુલીસ નું સાઇરેન સાંભળતાજ એ ટ્રક લઇ ભાગી નીકળ્યો.

સૂર્યોદય ની સાથે પુલીસ કાર્યવાહી સમેટાઈ ગઈ. અકસ્માત નો કેસ નોંધાઈ ગયો. મૃત દેહ ને હોસ્પિટલ પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવાયો. ટ્રક ડરાઇવર ની શોધ આરંભાઈ ગઈ અને એ રસ્તો ફરીથી વાહનવ્યવહાર માટે મોકળો કરી દેવાયો. જાણે એ રસ્તા માં કોઈ બનાવ જ ન બન્યો હોય ! વહેલી સવારે રસ્તા પર કચરો વીણી રહેલા બે નાનકડા ગરીબ હાથો પોતાના થી પણ ઊંચા કદ ના થેલા ને ખેંચતા ત્યાં આવી પહોંચ્યા. પેટ ભરવા માટે થેલો ભરવો અનિવાર્ય હતો. નકામી વસ્તુઓ વચ્ચે થી ઉપયોગી વસ્તુઓ વર્ગીકૃત કરવા ટેવાયેલા એ બાળ હાથો પોતાની ‘માઇક્રોસ્કોપ’ આંખો ની મદદ વડે રસ્તા ના આસપાસ ની નાના માં નાની ફેંકાયેલી વસ્તુઓ નું અવલોકન કરતી આગળ વધી રહી હતી. થોડે દૂર કંટક વાળી ઝાડી માં ફસાયેલાં એક વિચિત્ર ડબ્બા પર એની નજર મન્ડાઇ . આમ આવી રીતે રસ્તા થી દૂર ખૂણામાં ઉઘી નીકળેલ ઘાંસ માં એ ડબ્બો કઈ રીતે આવી પડ્યો હશે ? એની અંદર શું હશે ? સાવચેતી થી ડબ્બો ખોલી રહેલ એ ગરીબ બાળ આંખો ની વિહ્વળતા ને વેધતો એક ચમકતો દાગીનો ડબ્બા માં ઝળહળી રહ્યો. એનો ચળકતો પ્રકાશ ઉદ્દગાર ચિન્હ સમા એ બાળ ચ્હેરા ને પણ ચમકાવી રહ્યો. પોતાના થેલા ને ત્યાંજ પટકતો છોડી એ ડબ્બો લઇ ડોટ મૂકી રહ્યો. એ ડબ્બા ને ક્યાં લઇ જવો એ સારી પેઠે જાણતો હતો. હાંફતી અને ફૂલેલી શ્વાસો જોડે એ બજાર માં આવી પહોંચ્યો. જુના સામાન ની ખરીદી વેચાણ ની દુકાન નો માલીક એના આવવાની ઝડપ થીજ કળી ગયો કે આજે ફરી થી કંઈક કામની ચીજ હાથ લાગી છે ! કોઈ ની નજરે ન ચઢાય એ રીતે કાઉન્ટર ની નીચે થીજ એણે શીખવ્યા પ્રમાણે શેઠ ને ચોરી છુપે ડબ્બો થમાવ્યો. ડબ્બો ખોલતાંજ શેઠ ની દ્રષ્ટિ પહોળી થઇ. સામે ઉભેલા નાનકડા હાંફતા શરીર ને બસો રૂપિયા થમાવી આંખો ના ઈશારાથીજ જતા રહેવાનો આદેશ છોડી શેઠે એ અતિમૂલ્યવાન કિંમતી પ્રાચીન દાગીના ને ગજવામાં ચોરીછૂપે સરાવી દીધો.

૨૦૦ રૂપિયા હાથ લાગતાજ એ નાનકડું શરીર ફરીથી ડોટ મૂકી રહ્યું. બજાર માં આવેલ એક નાનકડી હોટેલ ના કાઉન્ટર પર ૨૦૦ રૂપિયા આપી એમાંથી જેટલું જમણ આવરી લેવાય એના પડીકાઓ બઁધાવી એકજ શ્વાસે ખુશી થી ઉછળતું ભાગ્યું. થોડીજ મિનિટો માં પોતાના ઝુપડપટ્ટી વિસ્તાર ની ગંદકી ને દુર્ગન્ધ ની વચોવચ આવી થોભ્યું. આમતેમ દોડી રહેલા પૂર્ણ નગ્ન ને અર્ધ નગ્ન બાળકો વચ્ચે થી એક ચ્હેરા ને શોધી પોતાની જોડે હાથ તેડી લઇ ગયું. થોડે દૂર જઈ એકાંત માં કોઈ જોઈ ન લે એ રીતે બધા પડીકા ખોલી પોતાના નાના ભાઈ ને ગોદ માં લઇ એક પછી એક કોળિયા મોઢા માં ઉતાવળે મુકવા લાગ્યું. પોતાની ૨૦૦ રૂપિયા ની મોટી કમાણી માંથી બે અનાથ ગરીબ બાળકો ખુશી ખુશી પોતાનું પેટ ભરી રહ્યા. નાના ભાઈ ના ચ્હેરા પરનું સ્મિત જોઈ મોટાભાઈ ની છાતી ગર્વ થી ફૂલી રહી. આ સ્મિત જ તો એનું જીવન , પોતાનો ભાઈ જ તો પોતાના જીવન નો કિંમતી દાગીનો………………..

લેખક : મરિયમ ધુપલી

શેર કરો આ સુંદર વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી