ગણેશ ચતુર્થી સ્પેશિયલ -પૂનાના દગડુ શેઠ ગણપતિ મહોત્સવના 125 વર્ષ પૂર્ણ – જાણો એમના વિશેની અજાણી વાતો!

આજે ગણેશ ચતુર્થી છે. પૂનાના પ્રખ્યાત શ્રીમંત દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ મહોત્સવને આ વર્ષે 125 વર્ષ પૂરા થશે. ત્યારે જાણી લો દગડુશેઠ હલવાઈના  ઈચ્છા પૂરી કરતા ગણપતિ દાદા અંગે..

કોણ હતા દગડુ શેઠ?

દગડુ શેઠ કર્ણાટકથી આવી પૂનામાં વસેલો એક વેપારી અને હલવાઈ હતો. તેના વેપારને એટલી તો સફળતા મળી કે તેની અટક જ હલવાઈ પડી ગઈ હતી. દગડુ શેઠ હલવાઈની ઓરિજીનલ દુકાન આજે પણ પૂનાના દત્ત મંદિર પાસે કાકા હલવાઈના નામે મોજૂદ છે. 1800ની સાલમાં પ્લેગની મહામારીમાં દગડુ શેઠે પોતાનો એક માત્ર પૂત્ર ખોયો. જેને કારણે દગડુ શેઠ અને તેમના પત્ની અત્યંત આઘાતમાં સરી ગયા. તેમને આ આઘાતમાંથી બહાર લાવવા માચે તેમના ગુરુ શ્રી માધવનાથ મહારાજે તેમને ગણપતિ મંદિર બાંધવાની સલાહ આપી. આ મંદીર 1893ની સાલમાં પૂર્ણ થયું.લોકમાન્ય ટીળક દગડુ હલવાઈના ખાસ મિત્ર હતા. અને લોકમાન્ય ટીળકે સાર્વજનિક ગણેશ મહોત્સલની શરૃઆત કરી ક્યારથી જ દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ મહોત્સવની શરૃઆત થઈ.

ગણપતિ દાદા પહેરશે 9.5 કિલો સોનાનો મુગટ

આ વર્ષના પાંડલની થીમ બ્રહ્માસ્પતિ મંદિર રાખવામાં આવી છે. બ્રહ્માસ્પતિ મંદિરની આ રેપ્લિકાને હાથી, મોર, ગાય જેવા પૂતળાઓથી સજાવવામાં આવી છે. દગડુ હલવાઈના ગણપતિ પૂના અને આસપાસના શહેરોના અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં કેટલાય લોકો સોના-ચાંદી જેવી મૂલ્યવાન વસ્તુઓનું દાન કરે છે. અહીયા દાનમાં આવતું એકે-એક ગ્રામ સોનું ગણપતિ દાદાના મુગટ, વસ્ત્રો, ઘરેણા, મોદક જેવી વસ્તુઓ બનાવવામાં જ વાપરવામાં આવે છે. આ વર્ષે ગણપતિ દાદાને 9.5 કિલો સોનાનો મુગટ પહેરાવવામાં આવશે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. છેલ્લા પાંચ મહિનાથી આ મુગટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.

મંદીરમાં સ્થપાયેલી મૂર્તિનું જ પાંડાલમાં સ્થાપન

આ ગણપતિઉત્સવની ખાસિયત એ છે કે અહીયાં મંદિરમાં સ્થાપેલી મૂર્તિને જ પાંડાલમાં સ્થાપિત કરી તેને ભક્તોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે.  દગડુશેઠ મંદિરની મૂર્તિ 7.5 ફૂટ લાંબી છે. ગણપતિઉત્સવ સિવાયના બાકીના દિવસો દરમિયાન આ મૂર્તિને મંદિરની અંદર જ બિરાજમાન હોય છે. પરંતુ ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન આ મૂર્તિની સ્થાપના બહાર પાંડાલ પર કરવામાં આવે છે. જેથી વધારેમાં વધારે લોકો આ ચમત્કારિક મૂર્તિના દર્શન કરી શકે. વિસર્જનના દિવસે મિરવણૂક એટલે કે ગણપતિદાદાની રથયાત્રા નીકળે છે. એ બાદ ગણપતિદાદાને મંદિરમાં પુનઃસ્થાપિત કરી દેવામાં આવે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ દર સાલ દગડુશેઠ ગણપતિ મહોત્સવની મુલાકાત અચૂકથી લે છે.

150 સીસીટીવી કેમેરાની ચાંપતી નજર

લોકોની સુરક્ષા માટે આખા વિસ્તારમાં 150 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મંદિરના 350 જેટલા સ્વયં સેવકો ભક્તોની વ્યવસ્થાનું ધ્યાન રાખે છે. સવા લાખ કરતા પણ વધુ લોકો દર વર્ષે દગડુ હલવાઈ ગણપતિના દર્શનનો લાભ લે છે.

ગણપતિ દાદાનો 50 કરોડનો ઈન્શ્યોરન્સ

દગડુ હલવાઈના ગણપતિ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે એટલે તેની સુરક્ષા કરવામાં પણ કોઈ કમી રાખવામાં આવતી નથી. ગણપતિનો અને મંડળનો 50 કરોડનો ઈન્શ્યોરન્સ ઉતારવામાં આવ્યો છે. ગણેશોત્સવ દરમિયાન જો કોઈ દુર્ઘટના થાય તો ઘવાયેલી વ્યક્તિને 50000 અને મૃતકને 2 લાખ આપવાની જોગવાઈ પણ છે.

25000 મહિલાઓ કરશે અથર્વશીશનું પઠન

દર સાલ આ સાર્વજનિક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રુશિપંચમીના દિવસે 25000 મહિલાઓ સવાકે 6 વાગે અથર્વશીશના પાઠ કરશે.

લેખિકા – લજ્જા જય

આવી અનેક વિવિધ માહિતી અને વાર્તાઓ મેળવવા માટે અત્યારે જ લાઈક કરો અમારું ફેસબૂક પેજ – “જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી