દાદાની લોટી – દાદાના પૌત્રપ્રેમ અને પૂજા માટેની લોટી પ્રત્યેના પ્રેમ વચ્ચે હિલોળા લેતી માર્મિક વાર્તા

“સરલા, લોટી ક્યાં છે?” કેટલી વાર કીધું છે કે મારી વસ્તુ ને આઘી પછી નહીં કરવાની” શિયાળાની પરોઢિયે જાણે ગુસ્સાની તાપણી કરતા હોય તેમ હસમુખભાઈ બોલતા બોલતા પૂજા કરી રહેલા સરલાબેન પાસે આવ્યા.
“જરા ધીરે બોલો…અહીંયા ક્યાંક જ તમારી લોટી હશે…શિવભક્ત આવી રીતે પરોઢિયે તાંડવ ના કરે” હસતા હસતા સરલાબેન બોલ્યા.
સવારનું વાતાવરણ તો જાણે કુદરત ઘર આંગણે રમી રહ્યું હોય તેવું મનમોહક હતું પણ રોજ ભોલેનાથનો અભિષેક કરી દિવસની શરૂઆત કરવા ટેવાયેલા હસમુખભાઈ આજે લોટી ન મળતાં અધમુઆ થઇ ગયા હતા. કોણ જાણે એમની એ લોટી ક્યાં ગુમ થઇ ગઈ હતી….

જાસપુર ગામમાં રહેતા ૬૨ વર્ષના હસમુખભાઈ પટેલે શિસ્ત, સંસ્કાર અને રીતરિવાજોને જાણે જીવનભર ભેટીને રાખ્યા હતા. ગુસ્સો તેમનો પરમમિત્ર હતો જે મોટાભાગે તેમની સાથે જ રહેતો હતો જેનું એક કારણ હતું તેમણે ૩૦ વર્ષ સુધી નિષ્ઠાથી કરેલી સરકારી નોકરી. તે એકલવાયું જીવન જીવવાનું પસંદ કરતા અને કદાચ એટલે જ પરિવર્તન તેમણે પસંદ ન હતું. નોકરી પર કદાચ તે અમુક દિવસ ગેરહાજર રહ્યા હશે પણ આજ દિન સુધીનો રેકોર્ડ છે કે છેલ્લા ૪૫ વર્ષમાં એક પણ દિવસ તેઓ ભોલેનાથને અભિષેક કરાવવાનું ચુક્યા નથી. જો કદાચ ભોલેનાથ હાજરી પત્રક લઈને બેસે ને તો સૌથી વધારે હાજરી આપણાં હસમુખભાઈ ની જ થાય…

ભોલેનાથના આ પરમ ભક્તના પરિવારમાં પાર્વતી જેવી તેમની પત્ની સરલાબેન કે જેમની પરમમિત્ર ભક્તિ અને સેવા અર્ચના હતી. ગણેશ જેવો આજ્ઞાકારી અને બાહોશ આર્કિટેક્ટ પુત્ર આકાશ, તેના જીવન અને વ્યવસાયની ભાગીદાર કુશળ આર્કિટેક્ટ પત્ની સુપ્રિયા અને પટેલ પરિવારનો ૧૩ વર્ષનો નાનકડો પણ હોશિયાર કુળદિપક અર્જુન. નાનકડા આ આર્થિક, સામાજિક અને શારીરિક સ્વસ્થ સુખી પરિવારમાં હસમુખભાઈને જો સૌથી વધારે કોઈની જોડે બનતું હોય તો એ હતો અર્જુન..અર્જુન જોડે જયારે પણ હસમુખભાઈ હોય ત્યારે એમના પરમમિત્ર ગુસ્સાને ભૂલી જતા અને મન મૂકીને વાર્તા સંભળાવતા અને સંસ્કારોનું સિંચન કરતા.

પણ આ લોટી ખોવાઈ ગઈ એમાં આજે એમનો પરમમિત્ર ગુસ્સો પરોઢિયે મિત્રતા નિભાવવા આવી ગયો અને સૌથી પહેલા સરલાબહેનનો ઉધરડો લઇ લીધો. પણ હસમુખભાઇના સ્વાભાવથી ટેવાયેલા સરલાબહેને પરિસ્થિતિને સરળતાથી જ લીધી. સવાર સવારમાં જાણે “લોટી ખોજ અભિયાન” ચાલી રહ્યું હોય તેમ બન્ને જણાં ઘરમાં શોધખોળ કરવા લાગ્યા. લોટીના લીધે થઇ રહેલી આ ચહલ-પહલથી પહેલા સુપ્રિયા અને પછી આકાશ સપનાની દુનિયામાંથી બહાર આવ્યા. હજી જેવો આકાશ ડ્રોઈંગ રૂમમાં આવી રહ્યો હતો કે તરત જ હસમુખભાઈએ “મારી લોટી ક્યાં છે?, તે જોઈ?”…જાણે પરીક્ષામાં કોઈ સિલેબસની બહારનો પ્રશ્ન પુછાઈ ગયો હોય તેમ આકાશ ઉઠતાની સાથે આ પ્રશ્ન સાંભળી મૂંઝાઈ ગયો.

હસમુખભાઈની ભોળેનાથમાં રહેલી અથાગ શ્રદ્ધા વિષે આકાશ જાણતો હોવાથી તે પણ સવાર સવારમાં કઈ પણ બોલ્યા વગર સુપ્રિયા સાથે “લોટી ખોજ અભિયાન” માં લાગી ગયો. છેલ્લા પોણો કલાક થી ચાલી રહેલા આ અભિયાનમાં છેલ્લે જોવા મળ્યો, તો હસમુખભાઈ નો નિરાશ અને બેચેન ચેહરો.

કદાચ આપણાં માટે એ માત્ર એક સામાન્ય લોટી હતી પણ ભોલેનાથના એ ભક્ત માટે વર્ષોથી એ જ લોટીથી થયેલા અભિષેકથી રોજ દિવસની શરૂઆત થતી હતી, છેલ્લા ૪૫ વર્ષનો નિત્યક્રમ જાણે આજે તૂટી જવા જઈ રહ્યો છે તેનો ડર હસમુખભાઈના ચેહરા પર સ્પષ્ટ દેખાતો હતો. ડાઇનિંગ ટેબલ પર પડેલી સવારની ચા માંથી વરાળ નીકળવાનું બંધ થઇ ગયું હતું પણ હસમુખભાઈના ચેહરા પર બેચેની અને કંઈક અટકી પડ્યું હોય તેની ગરમાહટ અંકિત થઇ ગઈ હતી.

ચેહરા પર આવેલી આ ગરમાહટ તીખા શબ્દોથી બહાર નીકળવાની તૈયારી જ હતી ત્યાં અચાનક જ ડાઇનિંગ ટેબલે પર બેઠેલા પુત્રવધુ સુપ્રિયાને જાણે હસમુખભાઇના ચેહરા ની ગરમાહટ દૂર કરવાનો રસ્તો મળી ગયો હોય તેમ બોલી ઉઠી,

“મને યાદ આવી ગયું કે લોટી ક્યાં છે…”
“ક્યાં…ક્યાં છે મારી લોટી…તમે મને પેહલા કેમ ના કીધું” સરલાબેન અને આકાશની સામે જોઈને જાણે સાક્ષાત તેમના ભોલેનાથ તેમને મળી ગયા હોય તેવો આનંદ તેમના ચેહરા પર છલકાઈ ઉઠ્યો.
“પપ્પા, હું ચોક્કસ તો નથી પણ કદાચ અર્જુન પાસે હોય તેવું લાગે છે”
(આ સાંભળી ફરી પાછો આનંદથી છલકાઈ ઉઠેલો હસમુખભાઈનો ચેહરો જાણે ગરમાહટ તરફ જય રહ્યો હોય તેવું લાગ્યું)
“અર્જુન પાસે કેવી રીતે હોઈ શકે, એને વળી લોટીનું શું કામ પડ્યું??” આકાશે આશ્ચર્યભાવે પૂછ્યું

“અરે ૨ દિવસ પેહલા મને અર્જુન કેહતો હતો કે એને સ્કૂલમાં ગ્લાસ, લોટી, ઘડો જેવી વસ્તુઓનું ચિત્ર દોરવાનું છે તો કદાચ એ લઇ ગયો હોય??”
હજી તો સુપ્રિયા બોલવાનું પૂરું કરે એ પેહલા દાદા દોડતા દોડતા તેમના પૌત્ર પાસે ગયા અને
“બેટા અર્જુન, અર્જુન ઉઠો તો..”

રોજ વહેલી સવારે મમ્મીના મીઠા ટહુકાથી ઉઠવા ટેવાયેલા અર્જુનનો માસુમ ચેહરો આજે દાદાનો અવાજ સાંભળી ચોંકી ઉઠ્યો.
દાદાની પાછળ જ સુપ્રિયા અને આકાશ પણ અર્જુન પાસે આવી પહોંચ્યા અને સુપ્રિયાએ પૂછ્યું

“બેટા દાદાજી ની લોટી તારી પાસે છે??”
જે પ્રશ્નથી કદાચ અર્જુન ભાગી રહ્યો હતો, તે જ પ્રશ્ન મમ્મીએ પૂછી લીધો હોય તેવો અર્જુનનો ચિંતાતુર ચેહરો જોઈ આકાશને ખ્યાલ આવી ગયો કે લોટી અર્જુન પાસે જ છે.

“અર્જુન, દાદાને લોટી આપો તેમને મંદિરે જવું છે”
અર્જુન બેડ પર થી ઉભો થયો અને એ નાનકડા હાથે દાદાજીની આંગળી પકડી અને ઘરની બહાર લઇ ગયો. આ જોઈ સુપ્રિયા અને આકાશ બન્ને ના ચેહરાના હાવભાવ એકબીજાને એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે “બન્ને ગયા ક્યાં?”

રોજ દાદાજી અર્જુનને લટાર મારવા લઇ જતા હતા આજે અર્જુન દાદાને આંગળી પકડી લોટી માટેની લટાર મરાવવા લઇ ગયો.દાદા અર્જુનને રસ્તામાં વારંવાર પૂછતાં રહ્યા કે “બેટા, ક્યાં લઇ જાય છે? ક્યાં છે લોટી?” પણ અર્જુનનું ધારણ કરેલા મૌનથી જાણે આજે લોટીની સાથે સાથે બીજું ઘણું બધું મળવાનું હોય તેમ લાગી રહ્યું હતું.

અર્જુન હસમુખભાઈને તેના સ્કૂલ થી થોડે દૂર એક જગ્યા પર લઇ આવ્યો જ્યાં વેરાન જમીન અને છૂટા છવાયા ઘર હતા. અંતે એ જગ્યા આવી ગઈ જ્યાં અર્જુનના પગ થોભ્યા અને દાદાજીની નજર. કારણકે હસમુખભાઈને તેમની લોટી મળી ગઈ હતી, પણ એ લોટી જેની પાસે હતી તે દ્રશ્ય જોઈ તેમની આંખોમાં આશ્ચર્ય અને આંસુ નો સંગમ થયો.

ઈંટો મૂકીને બનાવેલા પ્લાસ્ટર વગરના આ કાચા મકાનની બહાર ખાટલામાં સુતેલી એક સુવાવડી માઁ અને તેનો અર્જુન જેવો જ ૯-૧૦ વર્ષ નો સંસ્કારી છોકરો કે જેના શરીર પર માત્ર એક પોતડી વીંટેલી હતી તે હસમુખભાઈની લોટી વડે માઁ ને પાણી પીવડાઈ રહ્યો હતો. ત્યારે એ સુવાવડી માઁ ની આંખમાંથી ગરીબીના નહીં પણ તેના દીકરા નો વ્હાલ જોઈ આવેલા આંસુઓ જાણે હોડ લગાવી હોય તેમ દળ દળ વહી રહ્યા હતા. માસુમ દીકરાના આ વ્હાલે દુનિયાની બધી જાહોજહાલી ને ઝાંખી કરી દીધી હતી.

દાદાથી આ દ્રશ્ય જોઈ અર્જુનને ભેટ્યા વગર રહેવાયું નહીં. આ બાજુ આકાશ અને સુપ્રિયા થી ઘરે રહેવાયું નહીં એટલે ગામમાં શોધતા શોધતા આખરે દાદા પૌત્ર અને લોટી ની ભાળ મળી જ ગઈ.
દાદા કઈ પ્રશ્ન પૂછે એ પેહલા જ નાદાન અર્જુન પેલી સુવાવડી માઁ ના ઘર તરફ આંગળી કરી બોલી ઉઠ્યો “દાદા હવે આ ઘર માં પણ બધું સારું થઇ જશે ને? હવે અહીંયા કોઈ દિવસ કોઈ રડશે નહીં ને?”
અર્જુનનો આ પ્રશ્ન સાંભળી હસમુખભાઈ અને આકાશ એકબીજા સામે તાકી રહ્યા.

ત્યાંજ સુપ્રિયા બોલી ઉઠી “બેટા તું સ્કૂલમાં લોટી લઇ ગયો હતો તો અહીંયા ક્યાંથી આવી?”
“મમ્મી, જ્યારે રોજ દાદાજીને લોટી લઈને જતા જોતો હતો ત્યારે મને થતું કે દાદાજી રોજ કેમ જતા હશે એટલે મેં જયારે એમને પૂછ્યું ત્યારે એમને મને કહ્યું હતું કે,

“બેટા, રોજ ભોલેનાથનો અભિષેક કરું છું એટલે જ તો તારે જે રમકડાં જોઈએ એ તને તરત જ મળી જાય છે, ઘરમાં બધા ખુશ અને હસતા રહે છે. રોજ અભિષેક કરવાથી દુઃખ દૂર રહે છે અને ભોલેનાથ આપણી પાસે, એટલે રોજ મંદિરે જવું જોઈએ તું પણ હવે મારી સાથે રોજ આવજે ”
કદાચ હસમુખભાઈએ તો અર્જુનને નાનો બાળ સમજી સમજાવી દીધો પણ આ સમજાવેલી વાત અર્જુનના મગજમાં ઘર કરી ગઈ અને ભોલેનાથને અભિષેક કરવાથી જ દુઃખ દૂર થાય, સુખ સમૃદ્ધિ આવે અને જે રમકડાં જોઈતા હોય તે તરત મળે તેવું સમજી બેઠો.

અને એટલે જ જયારે અર્જુન સ્કૂલેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને એ કાચા મકાનમાં ખાટલા પર સુતેલી સુવાવડી માઁ ની આંખ માં આંસુ જોયા તો અર્જુન ને દાદાની એ વાત યાદ આવી કે દુઃખ ભોલેનાથનો અભિષેક કરવાથી દૂર થશે અને એટલે જ નાદાન અર્જુને વિચાર્યું કે આ માઁ પણ જો અભિષેક કરશે તો સુખી થઇ જશે, તેમનું મોટું ઘર થઇ જશે અને આંખમાં રહેલા આ આંસુ દૂર થઇ જશે અને તેમની પાસે જઈ લોટી આપી દીધી.

આ વાત સાંભળી હસમુખભાઈની ગળગળા થઇ ગયા અને આકાશ તો હજી અર્જુનને ભેટવા જઈ જ રહ્યો હતો કે અર્જુન મમ્મી ને ભેટી પડ્યો અને બોલી ઉઠ્યો
“મમ્મી મેં કઈ ખોટું કર્યું?”

દાદાજી બોલી ઉઠ્યા કે “ના અર્જુન, ખોટું તો કદાચ મારાથી થઇ ગયું છે, મેં તને આસ્થાનું મહત્વ તો સમજાવ્યું પણ સુખી, સફળ અને સમૃદ્ધ થવા માટે માત્ર આસ્થા નહીં પરંતુ અથાગ મેહનત અને સાચી નિયત જોઈએ એ સમજાવવાનું ભૂલી ગયો અને તારા આ કુમળા મગજમાં અંધશ્રદ્ધાનું બીજ વાવી દીધું, આ સુવાવડી માઁ ના પણ બધા સપના પુરા થશે જો એનો દીકરો સાચી દિશામાં સાચી નિયતથી પરિશ્રમ કરશે.

આટલા વર્ષોથી જે વાત મને ના સમજાઈ તે મને આજે સમજાઈ કે “સાચી નિયત એ જ સાચી આસ્થા છે”
તારી એક માઁ ને મદદ કરવાની નિયત સાચી હતી એ જ સાચી આસ્થા છે, આજે મારા અર્જુને સાચી દિશામાં તિર મારી જ દીધું….” અર્જુનને ભેટી હસમુખભાઈએ મસ્તકને ચૂમી લીધું.

લેખક : હાર્દિક ગજ્જર

ટીપ્પણી