દાંતની ચમક જાળવી રાખવી હોય તો કેટલીક આદતોને બદલવી પડશે

દાંતની ચમક જાળવી રાખવી હોય તો કેટલીક આદતોને બદલવી પડશે

જો દાંતની ચમક જાળવી રાખવી હોય તો કેટલીક આદતોને આપવી પડશે તિલાંજલિ. જ્યારે તમે લોકોને મળો ત્યારે સામેવાળી વ્યક્તિ સૌથી પહેલાં તમારી સ્માઇલ નોટિસ કરે છે એટલે જરૂરી છે કે તમારી સફેદીની ચમકારવાળી સ્માઇલ લોકો પર ઊંડી છાપ છોડે. દાંતની ચમક જાળવી રાખવી હોય તો કેટલીક આદતોને બદલવી પડશે.

દિવસમાં બે વાર બ્રશ કરો –

ચળકતી સ્માઇલ કરતાં પણ દાંત અને પેઢાં મજબૂત તથા સાફ હોય એ વધારે જરૂરી છે એટલે દિવસમાં બે વાર બ્રશિંગ અને ફ્લૉસિંગ કરવાથી દાંત શાઇની રહેશે. ભૂલ્યા વગર સવારે અને રાત્રે દાંત સાફ કરો. રેગ્યુલર બેસિસ પર વાઇટનિંગ ટૂથપેસ્ટ વાપરો અને ફ્લૉસિંગ કરવાનું ભૂલો નહીં. બ્રશ યોગ્ય રીતે કરવું. ખુબ જ ભાર સાથે ઘસ ઘસ કરવાથી દાંતનો ઉપરી સ્તરને નુકશાન પહોંચશે. તેથી યોગ્ય પદ્ધતિથી બ્રશ કરવું ખુબ જરૂરી છે.

ડાયટમાં પણ ડાઘ નહીં –

એવો કોઈ પણ ખોરાક કે જેના ડાઘ લૉન્ડ્રીમાં કપડાં ધોયા પછી પણ ન જાય તો એવો ખોરાક દાંત પર પણ એની એવી જ છાપ છોડી જાય છે. એનો અર્થ એ નથી કે તમારે સવારની કૉફી કે ચા પીવાની છોડી દેવાની. બસ, કંઈ પણ ખાધા કે પીધા પછી બ્રશ કરો કે ઍટલીસ્ટ કોગળા કરો. આમ ખાધા પછીના એ જિદ્દી ડાઘથી પીછો છોડાવવાનું આસાન બનશે.

ડાઘ પાડનારી ચીજો :
કૉફી, ચા, કોલા, દ્રાક્ષનો જૂસ, રેડ વાઇન, સોયાસૉસ અને કાળા જાંબુ.
શું ખાવું : સફરજન, કોબી, ગાજર, સ્ટ્રૉબેરીઝ, સંતરાં અને ડેરી-પ્રોડક્ટ્સ.
ટ્રિક : સ્ટ્રૉબેરીઝ અને સંતરાં દાંતને પૉલિશ કરવામાં મદદરૂપ થાય છે. સંતરાંની છાલ કે સ્ટ્રૉબેરીઝને દાંત પર ઘસો અને ત્યાર બાદ કોગળા કરો.

ડેન્ટિસ્ટને મળવા જાઓ –

જો તમારે સુંદર સ્માઇલને મેઇન્ટેઇન કરવી હોય તો દાંતની સારી રીતે સારવાર કરો, જેમાં ડેન્ટિસ્ટની રેગ્યુલર વિઝિટ કરવાનો પણ સમાવેશ થાય છે. ઘરે તો રોજ દાંત ક્લીન કરતા જ હોઈએ, પણ ડેન્ટિસ્ટ પાસે દર છ મહિને ટિથ-ક્લીનિંગ કરાવો. જો શક્ય હોય તો કોઈક વાર ટિથ વાઇટનિંગ પણ કરાવી શકાય. આવી ટ્રીટમેન્ટ્સની કૉસ્ટ થોડી વધારે હોય, પણ અસર ખૂબ લાંબા સમય સુધી કાયમ રહે છે. દાંતની સંભાળ લેવાથી એ ફક્ત સફેદ જ નહીં રહે, પણ દાંત કૅવિટી અને બૅક્ટેરિયાથી પણ દૂર રહેશે.

સ્મોકિંગ દાંત માટે હાનિકારક –

ટોબૅકો કોઈ પણ રૂપમાં હોય, સિગારેટ, તમાકુ કે બીજું કંઈ પણ એની સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય છે. સ્મોકિંગથી ફેફસાંનું કૅન્સર અને બીજા રોગો તો થાય જ છે, પણ સિગારેટ ફૂંકવાને લીધે દાંત પર પણ ડાઘ પડી જાય છે એટલે હેલ્થ વિશે નહીં તો ઍટલીસ્ટ દાંત વિશે વિચારીને પણ સિગારેટ છોડી દો.

ડાયમન્ડ્સથી મળે વધારે ચમક –

પીળો રંગ કે પીળું સોનું ચહેરાની આસપાસ પહેરશો તો એનાથી પીળા દાંત વધારે પીળા દેખાશે. એના કરતાં વાઇટ-ગોલ્ડ, સિલ્વર પહેરો. એમાં એ જો હીરા જડેલા હશે તો એનાથી ચહેરો વધુ ચમકશે અને દાંત વધુ ઊજળાં દેખાશે.

લિપસ્ટિક પણ જવાબદાર –

લિપસ્ટિકના ડાર્ક શૅડ લગાવવાથી કદાચ તમારાં દાંત વધુ સફેદ દેખાશે, પણ એની સાથે તમને ઉંમર પણ વધારે હોય એવું લાગશે એટલે સ્કિન ટોનને પણ શોભે એવા લાલ રંગની લિપસ્ટિક પસંદ કરો તેમ જ બ્લુ અન્ડરટોનવાળા શૅડ્સ દાંતને વધારે સફેદ દેખાડવા માટે સારા રહેશે. કૉરલ, ઑરેન્જ કે યલો ટોનવાળી લિપસ્ટિકથી તમારાં દાંત વધુ પીળાં લાગી શકે છે. એ જ પ્રમાણે મૅટ ફિનિશવાળી અને ફ્રૉસ્ટેડ શૅડવાળી લિપસ્ટિક પણ ડલ લુક આપશે.

સૌજન્ય : મીડ ડે ગુજરાતી

ટીપ્પણી