‘દાલબાટી ખાઓ, પ્રભુ કે ગુન ગાઓ’

‘દાલબાટી ખાઓ, પ્રભુ કે ગુન ગાઓ’

રાજસ્થાન અને સાઉથ ઈન્ડિયાએ ગુજરાત પર કરેલા ઉપકારનું ઋણ આપણે ક્યારેય અદા નહીં કરી શકીએ. રાજસ્થાને આપણને દાલબાટી આપી અને સાઉથ ઇન્ડિયાએ ઈડલી. મારા લગ્નમાં કોઈએ એલ્યુમિનીયમનું ઈડલી સ્ટેન્ડ ભેટમાં આપ્યું’તું એટલે હું કહી શકું કે મહાગુજરાતની ચળવળ સમયે ઈડલી-ઢોસાએ ગુજરાતની સિટીઝનશીપ લઇ લીધી’તી..

હું અમદાવાદ હોસ્ટેલમાં હતો ત્યારે પાલડીમાં ‘ઉડીપી’ અને ભદ્રમાં ‘સારવ’માં અમે ઈડલી-ઢોસા ખાવા જતા. આજે તો ગુજરાતી રસોડામાં ખમણ-ઢોકળાં કરતાં ઈડલી વધુ બને છે.

પણ આ દાલબાટી!! ગુજરાતમાં એ ક્યારે અને કેવી રીતે ઘૂસી ગઈ એ ખબર જ નથી પડતી. એકલી ઘૂસી હોત તો હજી ઠીક, એ પાછી સાથે કોરોકાટ ચુરમો લઇ આવી! મને લાગે છે દાલબાટી રાજસ્થાન-ગુજરાત બોર્ડરના હાઈવેના ઢાબે ઢાબે થઇ ગુજરાતનાં રસોડાઓમાં, શહેરની રેસ્ટોરાંઓમાં અને વેડિંગ રિસેપ્શનના મેનુમાં ઠોકાઈ ગઈ છે.

ખરું પૂછો તો બાટીમાં કોઈ ચોક્કસ સ્વાદ જ નથી. નહીં ખારી નહીં મીઠી, નહીં ખાટી નહીં તીખી. એ તો લસણના વઘારવાળી ધમાકેદાર દાળમાં બાટીનો ભૂકો ભેળવો એટલે જામે. દાલબાટીના સ્વાદ કે બનાવવાની રીત કરતાં પણ દાલબાટી ખાવાની રીત અટપટી છે. નહીં બટકું ભરવાનું કે નહીં ચમચી-છરી-કાંટાનું કામ.

દાલબાટી ખાવી હોય તો તમારો અંગૂઠો મજબૂત હોવો જોઈએ. અંગૂઠો દબાવીને બાટીનો ભૂકો કરવાનો. દાળમાં યોગ્ય માત્રામાં ભૂકો ભેળવવા પર બધો આધાર. વળી, વચ્ચે વચ્ચે ચુરમાનો ભૂકો ખાતા જવાનો. દાલબાટી ગુજરાતમાં નવી નવી પીરસાતી’તી ત્યારે ખાવાની રીતથી અજાણ લોકો બાટીનું શું કરવું એ સમજ ન પડતી એટલે એક-બીજાના મોઢા સામે જોતા.

દાલબાટીના સ્વાદ કરતાં એનો સ્વભાવ સમજવા જેવો છે. એનું “ધારો તો ધર્મ છું હું, ફેંકો તો ધ્વંસ છું હું” જેવું છે. જો બાટી રેસીપી અને આવડત મુજબ બને તો આસાનીથી ભૂકો થાય અને ખરેખર સ્વાદિષ્ટ બને પણ જો બાટી બનાવતાં આવડી નહીં તો ભૂકો નહીં, ભૂકંપ થાય. સિમેન્ટના દડા જેવી નક્કર બાટી લાખ કોશિશ કરો તોય તૂટે નહીં અને આંખે પાણી આવી જાય.

ગયે વરસે જ એક સાંભળેલી રસપ્રદ વાત છે. એક સાસુ-વહુને રસોઈ શો કરડી ગયો. કોઈ પણ ચેનલ પર રસોઈ શો આવતો હોય એટલે ટીવી સામે ડાયરી કે નોટબૂક લઈને પાટલા ઘોની જેમ સોફા પર ગોઠવાઈ જાય. એક જણ મોટેથી રેસીપી બોલે, બીજું લખે અને પછી રસોઈ શોમાં આવેલી રેસીપીનો પ્રયોગ અચૂક કરે.

એક ગોઝારા દિવસે રસોઈ શોમાં ડેમોનસ્ટ્રેટ થયેલી રેસોપીએ ઘરમાં કાળોકેર વર્તાવ્યો. રેસીપીનું નામ હતું દાલબાટી. નાનકડો કાચબો માથું અને પગ અંદર નાખી દે પછી એની ઢાલ ઉપર લોખંડનું ભાલુ મારો તોય એને છરકો ન થાય, બાટી એવી કડક બની.

રાત્રે ડાઈનીંગ ટેબલ પર બેઠેલા બધાએ કઠણ મન અને કઠણ આંગળી, હથેળી અને અંગુઠે બાટી ભાંગી, જાણે હલ્દીઘાટીનું યુદ્ધ ખેલાયું. ‘ગઢ આલા પર સિંહ ગેલા’ જેવો તાગ થયો કારણ સાસુ-વહુએ રાજસ્થાની દાલબાટી બનાવવાનું ગર્વ તો લીધું પણ ગુજરાતી દાળ-ઢોકળી ભૂલી ગયા અને ઉપરથી રસોઈ શો બદનામ થઇ ગયો. અરરે…ક્યાં એ કુણી માખણ જેવી ગુજરાતી ઢોકળી અને ક્યાં આ માથું ભાંગે એવા દડા જેવી રાજસ્થાની બાટી! ક્યાં એ રતુંબડી ગુજરાતી તુવર દાળ અને ક્યા આ ફિક્કી કાળી-પીળી રાજસ્થાની દાળ!

રસોઈ શોના નામે પરપ્રાંતીય અને પરદેશી વાનગીઓ અસલી ગુજરાતી વાનગીઓનો મૃયુઘંટ તો નથી વગાડતીને?!

સાસુઓ-વહુઓ, માં-દીકરીઓ, દેરાણીઓ-જેઠાણીઓ…પૈસા કમાવવા ધાર્મિક ચેનલોની જેમ આ રસોઈ શો વાળાઓના રાફડા ફાટ્યા છે, એમ નોટબૂક-પેન લઈને રોજ ટીવી સામે ગોઠવાઈ ન જવાય. હું ખોટો હોઉં તો તમારું વેલણ ને મારું માથું!

લેખક – અનુપમ બુચ (અમદાવાદ)

ટીપ્પણી