જ્ઞાન કરતા ચારીત્ર્ય વધુ મુલ્યવાન – સી. વી. રામન નો દુર્લભ પ્રસંગ

0
4

નોબેલ પારિતોષિક વિજેતા મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન એ 1949માં રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી હતી. આ સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની ભરતી કરવાની હતી અને તે માટે ઇન્ટરવ્યુ ગોઠવાયા હતા. રામન પોતે જ ઉમેદવારના ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યુ પુરા કરીને રામન જ્યારે બહાર આવ્યા તો તેણે એક ઉમેદવારને વેઇટીંગરૂમમાં બેઠેલો જોયો. રામને આ ઉમેદવારને રીજેક્ટ કરેલો હતો.

સી.વી. રામન આ પસંદગી નહી પામેલા ઉમેદવાર પાસે ગયા અને એને કહ્યુ , ” ભાઇ , મેં ઇન્ટરવ્યુ વખતે જ તને કહ્યુ હતું કે તારુ ભૌતિકશાસ્ત્રનું કોઇ વિશેષ જ્ઞાન નથી માટે હું તને મારી સંસ્થામાં નહી લઇ શકું. તું હજું કેમ અહિયા બેઠો છે ? ”

પેલા માણસે રામનને કહ્યુ , ” સાહેબ , એ મને ખબર છે કે હું આપની સંસ્થા માટે લાયક ઉમેદવાર નથી હું કોઇ વિશેષ ભલામણ કરવા માટે નથી આવ્યો. આપની ઓફીસ દ્વારા મને જે ટ્રાવેલીંગ એલાઉન્સ ચુકવવામાં આવ્યુ છે એ ભુલથી વધુ ચુકવી દીધુ છે માટે હું એ વધારાની રકમ પરત કરવા માટે આવ્યો છું.”

સી.વી.રામન આ ઉમેદવાર પાસે ગયા. એના ખભા પર પોતાનો હાથ રાખીને એને પોતાની ઓફીસમાં લઇ ગયા અને કહ્યું કે દોસ્ત હુ તને મારી સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની પોસ્ટ માટે સીલેકટ કરું છું. પેલા ઉમેદવારે કહ્યુ કે સર પણ મારી પાસે ભૌતિકશાસ્ત્રનું પુરૂ જ્ઞાન નથી. એ વખતે રામને હસતા હસતા કહ્યુ ,” ભાઇ એ તો હું તને શિખવી શકીશ પણ તારું આ ઉતમ ચારિત્ર્ય તારી સૌથી મોટી લાયકાત છે અને મારા માટે એ જ મહત્વનું છે.”

કોઇપણ વિષયના જ્ઞાન કરતા પણ શુધ્ધ ચારિત્ર્ય વધુ મુલ્યવાન હોય છે. ચારિત્ર્ય વગરનું જ્ઞાન હંમેશા પોતાને અને સમાજને બંનેને દુ:ખી કરે! આજકાલ ડીગ્રીઓ બહુ મોટી મોટી થતી જાય છે પણ ચારીત્ર્ય સાવ ખાડે ગયુ હોય એવુ અનુભવાય છે.

લેખક : શૈલેશ સગપરીયા

આપ સૌ ને આ પ્રસંગ અમે મોરલ કેવું લાગ્યું ??

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here