એક સામાન્ય રીક્ષાચાલકે કર્યું આવું અસામાન્ય કામ ! Hats Off

રાજકોટ રંગીલું શહેર છે અને રાજકોટમાં આજે પણ ઈમાનદારીની જ્યોત ઝગમગી રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના છેવાડાના વિસ્તારમાં નાનકડા ક્વાર્ટરમાં રહેતા એક સામાન્ય રીક્ષાચાલકે અસામાન્ય કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ રીક્ષા ચાલકે પોતાના મુસાફરનું બે દિવસ પહેલા રીક્ષામાં જ ભુલાઇ ગયેલું અને 11 તોલાના દાગીના તેમજ 50 હજારથી વધુ રોકડ ભરેલું બેગ પરત આપીને ઈમાનદારીનું અદભુત ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

લગ્ન પ્રસંગે સુરેન્દ્રનગરની વ્યક્તિ આવી અને માધાપર ચોકડીથી નાગેશ્વર જતાં પર્સ ભૂલી ગયા હતા

સુરેન્દ્રનગરના પ્રતિક પ્લાઝામાં રહેતા જગદીશભાઈ કનૈયાલાલ લાંઘણોજાએ પર્સ પરત મળ્યું તે અંગે જણાવ્યું હતું કે, તેઓ શનિવારે લગ્ન પ્રસંગ હોવાથી રાજકોટ આવ્યા હતા અને માધાપર ચોકડીથી નાગેશ્વર જવા માટે એક રીક્ષામાં બેઠા હતા. પરંતુ રીક્ષામાંથી ઉતરતી વખતે પોતાનું 11 તોલા સોનાના દાગીના અને 50-60 હજારની રોકડ જેવી માતબર રકમ ભરેલું પર્સ ભૂલી ગયા હતા. તેમજ આ અંગે તેઓએ તુરત જ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

રીક્ષાચાલકનો નંબર મળ્યો અને પર્સ માલિક સંપર્ક કર્યો

બીજા દિવસે મે રીક્ષાચાલક અંગે તપાસ કરતા રીક્ષાચાલક અલ્લારખ્ખાભાઈના નંબર મળતા તેઓને ફોન કરી માધાપર ચોકડીએ અલ્લારખ્ખાભાઈને મળ્યા હતા. ત્યારે ઈમાનદારીની મિસાલ સમા અલ્લારખ્ખાભાઈએ મારી સાથે પર્સ અંગે જરૂરી ખાતરી કર્યા બાદ મને પોતાને ઘરે લઇ ગયા હતા., અને તરત જ પર્સ જેમ હતું તેવી જ હાલતમાં તમામ રકમ અને દાગીના સાથે પરત કર્યું હતું. એટલું જ નહીં મે તેઓને પર્સમાંથી જેટલી જોઈએ તેટલી રકમ લઇ લેવાની છૂટ આપવા છતાં તેઓએ એક રૂપિયો પણ લીધો ન હતો. જો કે મે તેમની દીકરીના હાથમાં આગ્રહપૂર્વક 2500 રૂપિયા આપ્યા હતા.

ત્રણ-ચાર ફેરા કર્યા તોય કોઈના ધ્યાનમાં ન આવ્યું

આ ઘટના અંગે મૂળ માંગરોળના શેખપુરના અને છેલ્લા ત્રણ માસથી રાજકોટના પરાપીપળીયામાં નાનકડા ક્વાર્ટરમાં રહેતા પરંતુ મોટા મનના અલ્લારખ્ખાભાઈ મુસાભાઈ ઠેભરે જણાવ્યું હતું કે, જગદીશભાઈને ઉતાર્યા બાદ મે બીજા ત્રણ-ચાર ફેરા કર્યા ત્યાં સુધી પર્સ મારા કે કોઈ પેસેન્જરના ધ્યાનમાં આવ્યું ન હતું. પરંતુ ત્યારબાદ રૈયાચોકડીથી રીક્ષામાં બેઠેલા એક યુવાને પર્સ અંગે મારૂ ધ્યાન દોરતા મે પર્સ લઈને રીક્ષાના ખાનામાં મૂક્યું હતું. આટલા પેસેન્જરોમાંથી કોણ આ પર્સ ભૂલી ગયું છે તે હું પણ જાણતો નહોતો. તેમજ પર્સમાં કોઈ ફોન નંબર કે એડ્રેસ ન હોવાથી મે પર્સ સાચવીને ઘરે રાખ્યું હતું.

અન્ય રીક્ષા ચાલકોને પર્સ સંબંધી કોઈ પૂછે તો માહિતી આપવા કહ્યું

સાથી રીક્ષા ચાલકોને પણ કોઈ પર્સ અંગે પૂછે તો મારો કોન્ટેક્ટ કરાવવા કહ્યું હતું. અને એક-બે દિવસમાં કોઈ ન આવે તો પર્સ પોલીસમાં જમાં કરાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાન મારા સાથી રીક્ષાચાલક પાસેથી જગદીશભાઈએ મારો નંબર મેળવી કોન્ટેક્ટ કરતા તરત જ મે તેઓને મારી ઘરે લઇ જઇને તેમનું પર્સ પરત કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ માસથી જ રીક્ષા ચલાવું છું. આ દરમિયાન આવા ચારેક કિસ્સા બન્યા છે. પરંતુ લોકોને તેની વસ્તુ પરત કરવામાં જે આનંદ મળે છે તેનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર સમાચાર

ટીપ્પણી