ગુગલ ના CEO સુંદર પીચાઈ એ કહેલી “કોક્રોચ થિયરી” સોશિયલ મીડિયામાં વાઈરલ – તમે વાંચી કે નહિ ?

તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કોઈ સંજોગોમાં જરૂર કરતાં વધુ પ્રતિક્રિયા દર્શાવી હોય અને એના કરતાં કૈક જુદી રીતે તે પરિસ્થિતિનું નિવારણ લાવી શકાયું હોત? જેમજેમ આપણે આપણા ભૂતકાળનું પૃથક્કરણ કરતાં જઈએ તેમતેમ લાગે છે કે આપણામાં અમુક ઉણપ હતી અને આપણે ભૂલો કરી હતી. પણ શું પછી આપણે તે બધી બાબતોને સુધારવા પ્રયત્ન કરીએ છીએ ?

ના. ફરીથી તેવી જ ભૂલો ન થાય તેની તકેદારી આપણે રાખીએ છીએ ? કોઈ એમ પણ કહી શકે આવું તો અજાણતાં જ બનતું હોય છે. હા, આપણે કોશિશ જરૂર કરી શકીએ, કોઈ ઘટના પર ‘પ્રત્યુત્તર’ આપવો અને ‘પ્રતિક્રિયા’ બતાવવી તેમાં અંતર છે. હવે આગળ વાંચો..

તાજેતરમાં જ, ગૂગલના વિશ્વસ્તરના અધ્યક્ષ એવા સુંદર પીચાઈએ એક વંદાની પદ્ધતિ સમજાવી…તમને થશે વંદાની ? પણ હા, તમે બરાબર સમજ્યા છો.

IIT-MITના સ્નાતકોએ આ રસપ્રદ, શીખવા લાયક એવી વંદાની પદ્ધતિ બતાવી છે.

એક વખત એક રેસ્ટોરન્ટમાં, એક વંદો ઉડતો આવ્યો ને એક સ્ત્રી પર જઈને બેઠો. જેને એક સાહજિક પ્રતિક્રિયા કહી શકાય તેમ પેલી સ્ત્રીએ ચીસ પાડી. હવે આ જીવડું ઉડીને રેસ્ટોરન્ટમાં બેઠેલી બીજી એક સ્ત્રી પર જઈને બેઠું. તે પણ ડરીને ચીસ પાડવા લાગી.

ભયભીત થતાં તે તો કૂદવા પણ લાગી, વંદાને દૂર હટાવવા બંને હાથ ઝડપથી વીંઝવા લાગી.આવી ઘટનાઓ સામાન્ય રીતે બધાંને એકસરખી રીતે અસર કરતી હોય છે. ટોળાંની માનસિકતા એક જેવી બની જતી હોય છે. બસ એ જ રીતે તેની સાથે આવેલ તમામ સભ્યો આ જ રીતે પ્રતિક્રિયા આપવા લાગ્યા. વંદો હવે એક બીજી સ્ત્રી પર કૂદીને પડ્યો અને આ નાટક વધુ ચાલ્યું.

એક વેઈટર પેલી સ્ત્રીની મદદે આવ્યો તો વંદો તેના પર જઇ બેઠો. પણ ચીસો પડવાને બદલે વેઈટર શાંતિથી ઊભો રહ્યો અને વંદાને જોઈ રહ્યો. તેણે વંદાને શર્ટ પરથી પકડીને બહાર ફેંકી દીધો.

ત્યાં બેસીને કોફી પીતાં પીતાં હું આ સમગ્ર ઘટનાનો સાક્ષી બન્યો. મને થોડા વિચારો આવ્યા અને નવાઈ પણ લાગી. શું આ ઘટના માટે ફક્ત વંદો જવાબદાર હતો ? ના, સાચું માનો તો વંદો તો ફક્ત લોકો પર જઈને બેઠો હતો, એ મહેમાનો જ નાનકડા એવા વંદાનું કઈ ન કરી શક્યા.

હકીકતે જોવા જઈએ તો નોકરીમાં પોતાના ઉપરીઓ પર નારાજ રહેવું, કુટુંબીજનો અને પતિ અથવા પત્ની સાથે ઝગડવું કે ટ્રાફિક જામને દોષ દેવો, એ બધું આપણી જ અસહિષ્ણુતાનું પ્રતિબિંબ છે. આપણે આ બધી પરિસ્થિતિઓને કેમ પહોંચી વળવું તે જાણતા નથી અને આ રીતે આવેલ વિક્ષેપોથી આપણે જાતને જ અવરોધમાં મૂકી દઈએ છીએ.

ટૂંકમાં, આપણી સામે આવેલી સમસ્યા નહીં પરંતુ આપણી પ્રતિક્રિયા જ આપણા જીવનમાં કોહરામ મચાવે છે.

બીજું એક ઉદાહરણ શેર બજારનું છે. જયારે BSE કે NYSEમાં નોંધાયેલી કોઈ કંપની પોતાની આવકમાં ઘટાડો જાહેર કરે છે અથવા એકાદ ત્રિમાસિક કે વાર્ષિક પરિણામ નબળું બતાવે છે ત્યારે અફવાઓ ગરમી પકડે છે અને જે તે કંપનીના શેર્સ, શેર બજારમાં પટકાય છે.

વાતનો કથાસાર : કોઈ પણ પરિસ્થિતિમાં પ્રત્યુત્તર આપો, પ્રતિક્રિયા નહીં.

આપણે અધીરા બનીને પ્રતિક્રિયા આપી દઈએ છીએ અને પાછળથી તેનો જવાબ શોધીએ છીએ. ફક્ત આપણો અભિગમ જ અહીં જવાબદાર છે, નહીં કે સંજોગો. એક માણસ બકવાસ નોકરી અને ઓછા પૈસામાં પણ ખુશ રહી શકે છે. અને તેનાથી ઊંધું કોઈ અમીર માણસ પોતાની પાસે બધું જ હોવા છતાં નાખુશ હોઈ શકે છે.

અનુવાદ : રૂપલ વસાવડા

ટીપ્પણી