સુરત ની સ્પેશીયલ કોપરાની ઘારી…તમને આવડે છે ??

KOPRA GHARI

કોપરાની ઘારી

સામગ્રી :

૨૦૦ ગ્રામ ઝીણું નારિયેળનું છીણ
૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
૨૦૦ ગ્રામ માવો
૨ ટેબલસ્પૂન કાજુ-બદામનો ભૂકો
૧ ટીસ્પૂન ઈલાયચીનો ભૂકો
૨૦૦ ગ્રામ મેંદો
ઘી તળવા અને મોણ માટે, જરૂર પ્રમાણે
ઘારી બોળવા માટે ઘી જરૂર પ્રમાણે ( ૨ -૩ કપ )

રીત :

એક પેનમાં ૨ ટેબલસ્પૂન ઘી ગરમ કરી, તેમાં નારિયેળનું છીણ નાંખી, ૪-૫ મિનિટ સાંતળવું. પછી તેમાં દળેલી ખાંડ નાંખી, બરાબર મિક્સ કરી, ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું. ખાંડનું પાણી બળે અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવું.

પછી તેમાં માવો, કાજુ-બદામનો ભૂકો અને ઈલાયચીનો ભૂકો નાંખી, બરાબર મિક્સ કરી, પૂરણ ઠંડુ કરવું. પૂરણ ઠંડુ થાય એટલે તેના નાના ગોળા બનાવી રાખવા. હવે મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાંખી, દુધ / પાણીથી કઠણ લોટ બાંધવો.

પછી લોટને ૧ કલાક ઢાંકીને મૂકી રાખવો. ત્યારબાદ લોટને બરાબર મસળીને સુવાળો બનાવવો. પછી તેમાંથી નાની પૂરી બનાવી, તેમાં મિશ્રણના ગોળા મૂકી, પૂરી નું મોં બંધ કરી, હાથથી દાબીને ઘારી બનાવવી.

બધી ઘારી તૈયાર થાય એટલે ધીમા તાપે ઘારીને ઘીમાં તળી લેવી. ઘારી ઠંડી થાય પછી ઘીમાં બોળી લેવી. ઘારીને ઘીમાં બોળવાની રીત

એક તપેલીમાં ઘી ગરમ કરવું. એક પહોળા વાસણમાં ઠંડુ પાણી ભરી તેમાં ઘીની તપેલી મૂકી, ઘી ઠરવા દેવું. ચમચાથી ઘીને ધીમેધીમે હલાવતા રહેવું જેથી ઘી લીસું થાય. ઘી સાધરણ ઠંડુ થાય એટલે તેમાં બરફનો ટુકડો ફેરવવો.

પછી દળેલી ખાંડ નાંખી બરાબર મિક્સ કરવું. ઘી ઘટ્ટ થવા આવે એટલે ઘારી ઘીમાં બોળી, થાળીમાં બટર પેપર મૂકી, તેના પર ઘારી મુકવી. ઘારીની ઉપર કોપરાની છીણને કલરફુલ બનાવી તેની ઉપર નાંખવી.

સાભાર : પીનલ પ્રજાપતિ (બરોડા)

ટીપ્પણી