લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી..- તમે પણ વાંચો અને તમારા પરિવારના દરેક સભ્યો અને મિત્રો સાથે પણ શેર કરો…

લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી…..!

સૌરાષ્ટ્રમાં એક વણલખ્યો નિયમ ઘર કરી ગયો છે. દિકરી દેવી તો પોતાનાં કરતાં મોટા ઘરમાં દેવી અને લેવી તો પોતાનાં કરતાં નાના ઘરની લેવી. આની પાછળનું લોજીક એ છે દિકરીને મોટા ઘરમાં ગયાંનો સંતોષ થાય, પપ્પાનાં ઘરમાં સંતોષાતી જરૂરીયાતો કરતાં વધારે જરૂરીયાત સંતોષાય એટલે દિકરીની માગણીઓ વધે નહી અને પરીણામે દિકરી સુખી થાય. અને એવું જ નાના ઘરની દિકરી પોતાનાં ઘરમાં આવે એટલે પણ આ જ. પ્રશ્ન આ લોજીકનો નથી. પણ પછીથી શરું થનારા ટ્રેજીકનો છે. કેમ કે પછી શરું થાય દિકરીનાં મોટા અને વહુનાં નાના ઘરની સરખામણી. અને પછી શરું થાય સંભળામણી. લગ્નમાં કરેલ પહેરામણીથી લઇને પહેરેલ વાણી સુધી. છાબથી લઇને જમવામાં છાશ સુધી. આણાથી લઇને કરીયાણા સુધી. જવેરાતથી લઇને જમણવાર સુધી.

આવું કમ્પેરિઝન બન્ને બાજુએ થતું હોય છે. વહુ સાસુ અને મા વચ્ચે કમ્પેરિઝન કરે અને સાસુ દિકરી અને વહુ વચ્ચે કરે. “દિકરી દેવી તો પોતાનાં કરતાં મોટા ઘરમાં દેવી અને લેવી તો પોતાનાં કરતાં નાના ઘરની લેવી” આને જડબેસલાક ફોલો કરતાં સમાજમાં જો ‘દિકરી અને વહુ બન્ને સરખાં’ અથવાં ‘મા અને સાસુ બન્ને સરખાં’ આ કહેવાતી, ફક્ત કહેવાતી વાતોનું જડબલાક નહી પણ જો કહેવાય છે એનાં કરતાં પચાસ ટકા પણ પાલન થવાં માંડે તો પરિસ્થિતીમાં અનેક ગણો સુધારો આવી જાય. એટલે??? સરખામણી બંધ કરો…..!!!

કમ્પેરિઝનનાં એક્ઝીક્યુશનનું વેપન એક જ છે – ‘સંભળાવવું’ આપણી સ્ત્રીઓમાં કાંઇ પણ સંભળાવી દેવું એનું ચલણ એટલાં પ્રમાણમાં છે કે સંભળાવવા માટે બીજાની એટલી બધી વાતો, ઘટનાઓ, અનુભવો યાદ હોય કે એટલું યાદ રાખવાથી નાની મોટી કોઇ પરીક્સા પાસ કરી શકાય. બસ એક આ યાદ ન રાખવાંનું ભૂલી જઇને અને ખરેખર જે યાદ રાખવાનું હોય એ યાદ રાખવાં માંડે એટલે પચાસ ટકા પ્રોબ્લેમ્સ તો ઓટોમેટિક જ સોલ્વ થઇ જાય. અને આમાં જ બીજી વાત એ કે આ ‘સંભળાવવાનું’ શસ્ત્ર પણ બુઠુ કરી નાખવાની જરુર છે. એનાંથી જ સામસામા જવાબો આપવાની અને પછી વાતાવરણની ઉગ્રતાની શરુઆત થતી હોય છે. અને પછી ન ગમે એવું પરીણામ આવે એટલે ફરીથી આક્સેપો અને આરોપો સંભળાવવાનું યુધ્ધ. આ અનબ્રેકેબલ સાયકલ છે જેમાં સંસાર સાયકલનું, સોરી….. સંસાર રથનાં પૈડામાં પંક્ચર પડવાની શરુઆત થાય છે. એટલે??? સંભળાવવાનું બંધ કરો…..!!!

સેવન્ટી – એઇટીની ફીલ્મોમાં જે જોવાં મળતું એ આજકાલ જે લગ્નસંબંધો ખોરાણે ચડ્યા હોય છે એમાંથી મોટાભાગનાં કેઇસમાં જોવાં મળે છે. અને એ છે ‘મમ્મીની ચડામણી’ અનેક દાખલા આવાં મળી રહેશે. મમ્મીની ચડામણીથી પ્રશ્નો ઉભા થાય છે એમાં ગહન વાત એ છે કે સ્ત્રી એક પરિવાર છોડીને બીજા પરિવાર સાથે કનેક્ટ જ થતી નથી. ફક્ત શરીરથી જ એ બીજા ઘરમાં જાય છે, મન તો માવતરે જ હોય. હકિકતે “એક ઘર છોડીને બીજા ઘરે જવું” આ વાક્યપ્રયોગમાં ‘છોડવું’ શબ્દ જ અગત્યનો છે. જ્યાં સુધી જૂનુ ઘર જાતથી નહી છૂટે ત્યાં સુધી મમ્મી નહી છૂટે અને ત્યાં સુધી સાસુ કોઇ દિવસ મમ્મી નહી બને. મમ્મીઓએ દિકરી મનથી બીજા ઘરે જાય એ શિખડાવવાનું છે, ફક્ત તનથી જાય એ નહી. એટલે??? ચડામણી બંધ કરો…….!!!

વિરોધાભાસ કેવો હોય છે! ખેતીની જમીન હોવી જોઇએ પણ છોકરો ખેતી ન કરતો હોવો જોઇએ. ખેતી હોવાં છતાં છોકરો ધંધો અથવા નોકરી કરતો હોવો જોઇએ. ઘર મોટું હોવું જોઇએ પણ કામ નહી કરે. ઘર મોટુ હોવું જોઇએ પણ પરિવાર નાનો હોવો જોઇએ. આવો વિરોધાભાસ જેનાં મગજમાં હોય છે એ લોકો જ સંબંધ બગાડવામાં કે છૂટાછેડા માટે કારણભુત બનવામાં વધું જવાબદાર હોય છે. આવું વિચારીને થાય એ સંબંધ નથી થતો, બંધન થાય છે. આવી ગણતરીથી જે થાય છે એ લગ્ન નથી થતાં, આગળ જતાં ભગ્ન થવાનાં બીજ જ રોપાય છે. આવી ગણતરીથી થતાં સંબંધોમાં મોટાભાગે જે કોમ્પ્રોમાઇઝ કર્યુ હોય છે એ છોકરામાં કર્યુ હોય. ન ગમતો કે ઓછો ગમતો છોકરો પસંદ કરીને લગ્નેતર સંબંધની શક્યતાઓને જાતે જ નોતરી હોય છે. અને આવાં કિસ્સામાં એકઝાટકે છૂટાછેડાની જ વાત આવે. એનાંથી નીચે વાત અટકે જ નહી. પછી આ છૂટાછેડાનાં નિર્ણયમાં કોમ્પ્રોમાઇઝ નથી થઇ શકતું. એટલે??? છોકરાની પસંદગીમાં કોમ્પ્રોમાઇઝ ન કરો….. બાકીની બાબતોમાં કરો….!!!

હોવુ શું જોઇએ?? છોકરો વ્યવસ્થિત હોય તો એની સાથે મળીને ખાલી ઘરમાં નહી, બહાર પણ સંભાળીને ઘરબાર ઉગારી લેવાનું હોય. ઘરમાં મનનાં મેળાપકથી અને વ્યવસાયમાં ખભેખભો મિલાવીને સાથે મળીને બે પાંદડે થવાનું. બે પાંદડે થવામાં હવેનાં સમયમાં એકલા પતિદેવનું પાંદડુ વહેલું સુકાય જશે. પણ સાથે પત્નિશ્રી એ પાંદડાને ડાળી થઇને સપોર્ટ કરે તો ઘરરૂપી વૃક્સ લીલુછમ્મ રહે. વરશ્રી જો જોબ કરતાં હોય તો વહુશ્રી બહેનો માટેનાં અનેક લઘુઉધ્યોગ કે ગૃહઉધ્યોગ કરીને ઘરને શ્રી સભર કરી શકે. એટલે??? સહારો બનો…..!!!

મુંબઇની સાસુનું એક ઉદાહરણ જોવાં જેવું છે. એક તો નાના ઘરની વ્યાખ્યા. જોઇતું હોય એવડું જ ઘર ઇચ્છે. ખોટેખેટુ મોટું ઘર ન હોવું જોઇએ એવો એનો કન્સેપ્ટ. દિકરા માટે વહુ શોધે તો એવી જ શોધે કે જે જોબ કરતી હોય અથવા કાંઇક વ્યવસાય કરતી હોય. લગ્નનાં થોડાક સમય પછી જ કામ ચાલું કરાવી દેવાનું. એટલે જોબ પર જતી રહે એટલે વધારે સાથે રહેવાનું ન થાય અને પ્રોબ્લેમ્સ ક્રિએટ જ ઓછા થાય. કમાણી કરતી હોય એટલે દિકરો પણ જલ્દીથી બે પાંદડે થઇ જાય. ઘરમાં ફુલ ટાઇમની બાઇ રાખી લેવાની, રસોઇ પણ કરાવી લેવાની અને ઘરનું કામ પણ. એટલે પોતાને પણ નિરાંત. બાઇનો પગાર વહુની સેલેરી કરતાં ઓછો હોય એટલે પોસાય. અને સાસુને પણ નિરાંત. વહુ સાંજે થાકેલ પાકેલ ઘરે આવે એટલે સીધી ભાણે જ બેસે. એટલે એ પણ ખુશ. આનાથી સાવ ઉલ્ટુ ગુજરાતમાં જોવાં મળે. વહુ ભણેલ ગણેલ જોઇએ પણ કામ નથી કરાવવું. ગ્રેજ્યુએટ કે માસ્ટર્સ થયેલ દિકરીને ગૃહિણી બનવું પડે એમાં પણ માનસિક અસંતોષ જ હોય. અને પછી ‘હું તો ભણેલ ગણેલ કેટલી હોશીયાર હતી, પણ અહીંયા આવીને ઘરઘુસલી થઇ ગઇ’ વાળી ફિલીંગ્સ થાય અને એનો પણ અસંતોષ. એટલે હે સાસુમાઓ….. ચતુર બનો….!!!

લગ્નસંબંધો ટકવા એ અંતે તો વર-બાયડીની જ સહનશિલતા, વિશ્વાસ, હિમ્મત, સાથ સહકાર, ધિરજ જેવાં ગુણો પર ટકી રહે છે. બન્ને વચ્ચે ક્યારે કોણ કેટલું આવે છે એને ક્યારે દૂર કરીને બન્ને વચ્ચે ભરાતી હવાનો ફુગ્ગો ક્યારે ફોડી નાખવો એ કોઇ એકનાં નહી પણ બન્નેનાં હાથમાં છે. અને તો જ બન્નેનાં દાંપત્યનો પરપોટો ફૂટવાને બદલે જીવનરૂપી હવામાં તરતો રહેશે. ઉપરની દરેક વાતમાં જણાવ્યાં મૂજબ એક દંપતીને સુખરૂપ થવાં માટે ફક્ત દંપતીએ જ નહી પણ બીજાઓએ પણ ધ્યાન રાખવું પડે એમ દંપતીએ પોતે પણ બીજાનું ધ્યાન રાખવું પડે. ધરાર વચ્ચે આવીને દરાર કરનારને દામ્પત્યનાં દરબારમાંથી ક્યારે પાછા વળાવવાનાં એની સુઝ હોવી જોઇએ. અને લગ્ન પછી અંતિમ સત્ય તો એ જ છે ને કે અમે બન્ને ફક્ત એકબીજા માટે જ હોવાં જોઇએ એમ નહી પણ અમે બન્ને એક જ છીએ એમ માનવાનું. લગ્ન પછી આપણાં પોતાનાથી આગ ન લાગે એ ધ્યાન રાખતાં રાખતાં આગ લાગવાનાં અનેક કારણમાંથી કોઇ એક આપણને અસર નથી કરી જતું એ જોવાનું કામ પણ જાતે જ કરવાનું છે. અને આ બાબતમાં સૌથી વધારે જેની જરુર પડવાની છે એ છે વિશ્વાસ. જે ફક્ત લગ્ન જ નહી પણ કોઇપણ સંબંધનો પાયો છે. એટલે જેણે રામ સીતા, શિવ પાર્વતી કે લક્સમી નારાયણ બનવું હોય એ વરવધુએ ટ્રસ્ટવર્ધી તો થવું જ પડે. એટલે????? વિશ્વાસ રાખો…..!!!

લેખક : ચેતન જેઠવા

દરરોજ આવી નાની નાની સમજવા જેવી માહિતી અને પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી