ચૂડીને ચાંદલો – મુકેશ સોજીત્રા લિખિત આ વાર્તા તમને અલગ વિશ્વ માં લઇ જશે…વાંચો અહી ક્લિક કરી..

અનુપ શહેર !!

કહેવાય છે કે રાજા અનુપસિંહજી એ આ શહેરની રચના કરેલી. વસ્તી હશે લગભગ ૨૪૦૦૦ હજારની!! ગંગા નદીને કિનારે આવેલું આ એક નાનકડુ શહેર છોટે કાશી તરીકે વિખ્યાત છે.આજુબાજુમાં મોટા શહેરોમાં બુલંદ શહેર અને અલીગઢ, જહાંગીરાબાદ અને ફરુખાબાદ ગણી શકાય.શહેર ની એક બાજુ મા ગંગા ભરપુર વહે અને બીજી બાજુ અલીગઢ જવાનો બાયપાસ પણ ખરો.એક પાકો રસ્તો હસનપર તરફ જાય અને એક રસ્તો બુલંદ શહેર તરફ. ગંગાનો પટ અહી ઘણો વિશાળ અને ધીરગંભીર!! ગંગાના કાંઠે બે પ્રખ્યાત મંદિર એક શિવ કુટિયા અને બીજું લાલ મહાદેવ!! સવાર સાંજે મા ગંગાની આરતી થાય અને શ્રદ્ધાળુઓ ઘાટ પર ઉમટી પડે.બાંધેલો ઘાટ અને નૌકાઓની પણ સગવડતા એટલે સહેલાણીઓ અને આસ્તિકો માટે આસ્થાનું એક મોટું સ્થળ ગણી શકાય.

અનુપ શહેરમાં એક મેઈન બજાર ઈમલી બજાર તરીકે ઓળખાય.આજુબાજુના ગામોમાં આંબલીના પુષ્કળ ઝાડ એટલે આખું બાજાર તમને લીલી અને પાકી આમ્બલીથી ભરપુર. એક કોલેજ અને બે ત્રણ બેંકો અને આઠેક જેટલી ધર્મશાળાથી ધમધમતું નાનકડું એવું શહેર એટલે અનુપ શહેર!!

છેલ્લા બે દિવસથી શહેરમાં ચર્ચા ચાલી રહી હતી કે શિવ કુટિયા પાસે એક ગાંડા જેવો માણસ મળી આવ્યો હતો.ગંગા નદીને કિનારે આવેલ ખેતરોમાંથી એ ચાલતો ચાલતો આવ્યો હતો.શરીર પર અનેક જગ્યાએ જખમ હતા. કશું બોલી શકતો નહોતો બસ ચકળ વકળ ડોળા કાઢીને એ બધાને તાક્યા કરતો હતો. મરવા પડેલો હોય એમ લાગતું હતું. પુજારીએ એને બચાવી લીધો હતો. શરીર પર મલમ લગાડ્યો.

નવરાવ્યો પણ ખરો પણ પાણી ભાળે ને બીવે. પૂજારીએ જુના કપડા ક્યાંકથી લાવ્યા અને પહેરાવ્યા. એના જુના કપડાં પરથી પૂજારીએ અનુમાન તો લગાવ્યું કે કોઈ સારા ઘરનો માણસ છે. પણ ક્યારેક એના શ્વાસોશ્વાસ એકદમ ધીમા થઇ જાય અને ક્યારેક ઝડપી!! જાણે લુહારની ધમણ હાલતી હોય એમજ!! પાછો વળી એ માણસ સુનમુન બેસી રહે અને જેવું પાણી ભાળે એટલે બરાડા પાડે.એ મંદિરમાંથી નીકળીને રસ્તા પર આંટા મારે. આખા અનુપ શહેરમાં આંટા મારે છે અને લોકો એને જોવા ટોળે વળે છે!!અને એમાં અમુક તો પાણીના પાઉચ લઈને એમાંથી એના શરીર પર પિચકારી મારે અને પેલો જાણે વીજળીનો કરંટ લાગતો હોય એમ દોડે!! કોઈ ખાવાનું આપે તો ખાઈ પણ લે, આખા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું!! લોકો નિત નવી વાતો કરે કોઈ કહે કે તણાઈને આવ્યો છે તો કોઈ કહે પેલેથી જ મગજ મેટ છે હરિદ્વાર થી આવ્યો છે તો વળી કોઈ કહે કન્નોજનો છે મેં ત્રણ વરસ પહેલા કન્નોજમાં આને જોયો હતો. જેટલા માણસો એટલા ગપ ગોળા હાલ્યે રાખે. હકીકતમાં કોણ છે એ કોઈને ખબર જ નહિ.

અનુપ શહેરમાં એક મોટી હોસ્પિટલ ત્યાં એક મંદા નામની નર્સને આ વાતની ખબર પડી એટલે એણે અને એક સામાજિક સંગઠને એ માણસ ને હોસ્પીટલમાં દાખલ કર્યો.આમ તો નામ એનું મંદાકિની હતું પણ બધાં એને મંદા જ કહેતા. ૨૫ વરસની મંદા નર્સિંગનું પૂરું કરીને અહીં જ હોસ્પીટલમાં ગોઠવાઈ ગઈ હતી. મંદાકીની કોની છોકરી હતી એ પણ કોઈને ખબર નહોતી. ઘણાં વરસો પહેલા કારતક સુદ પૂનમે અહી ભરાતા મેળામાં એ મળી આવી હતી. સાંજે મેળો પૂરો થયો અને ઘાટ પર ત્રિભુવન મિશ્રાને આ બે વરસની બાળકી મળી આવેલી તે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી અને મિશ્રાજીએ એને પોતાના ઘરમાં રાખેલી .

આજુબાજુના શહેરમાં પણ બાળકીના ફોટા અને ચોપાનીયા લગાવ્યા પણ કોઈ એને લેવા આવ્યું નહિ,અને આમેય બાળકને છોડીને જનારા ક્યારેય એને પાછા લેવા થોડા આવે!!, એટલે મિશ્રાજીએ એને મોટી કરેલી.એનું નામ પણ મિશ્રાજીએ જ પાડેલું!! ગંગાના ઘાટ પરથી મળેલી એટલે નામ મંદાકિની પાડેલું!! એકદમ દેખાવડી અને નમણી મંદાકિની ભણવામાં ખુબજ હોંશિયાર નીકળી અને પછી તો મિશ્રાજીએ એને શહેરમાં ચાલતી એક હોસ્ટેલમાં મૂકી દીધી કારણકે ઘરે બીજા ત્રણ સંતાનો હતાં એટલે અવારનવાર ઝગડા થતા. ગોરાણી થોડા આકરા પાણીએ એટલે પછી ના છુટકે એને આજ શહેરની હોસ્ટેલમાં મૂકી દીધી.સમય વીતતો ચાલ્યો અને મંદાનું ભણતર પણ.મિશ્રાજી પણ આ દુનિયામાં રહ્યા નહિ અને મંદા પણ હવે હોસ્પીટલની હેડ નર્સ બનીને ને હોસ્પીટલના સ્ટાફ કવાર્ટરમાં જ રહેતી!! એક ખાસ ઈજ્જત હતી એની આ હોસ્પીટલમાં!!

“કેમ લાગે છે ડો. ચંદ્રા આ યુવાન વિષે, લાગે છે તો સારા ઘરનો બધી યાદદાસ્ત જતી રહી છે ,જન્મજાત ગાંડો તો નથી ઉમર પણ ૩૫ થી વધારે નથી ,લાગે છે કે કોઈ ઊંડો આઘાત કે પછી મગજમાં ભારે નુકશાન થયું હોય, આપનું શું કહેવું છે “ નર્સ મંદાએ પૂછ્યું. પેલો યુવાન સુતો હતો.ચકળ વકળ જોઈ રહ્યો હતો.

“આખા શરીરનું ફૂલ ચેક અપ કરવું પડશે, એમ આર આઈ જ કરવું પડશે ,કદાચ શોક પણ આપવા પડે,દર્દીના હાથ અને પગના નખ તંદુરસ્ત દેખાય છે મારું માનવું એવું છે કે એની સાથે જે બન્યું હોય એ પણ મહિના કરતા વધારે સમય થયો નથી. આ માથામાં ઠેર ઠેર ઢીમચાં જેવું વાગેલું છે.મારો આટલા વરસોનો અનુભવ કહે છે કે આ વ્યક્તિ પાણીમાં તણાવાને કારણે એને વાગેલું છે અને મગજને ઈજા થયેલ છે જો કોઈ ઘાતક ઈજા નહિ હોય તો આ પેશન્ટ છ માસમાં સારો થઇ શકે પણ એક પ્રોબ્લેમ ગયેલી યાદદાસ્ત કદાચ આવે કે ના આવે!! જેમ તમે પીસીને ફોરમેટ મારો ને જુના દેતાં જતા રહે એમ જ” ડો. ચંદ્રા બોલ્યા એ ફક્ત ડોકટર જ નહોતા પણ એક રમૂજી ઇન્સાન પણ હતાં અને ડોકટર હસમુખા સ્વભાવના હોય તો દર્દીનું અર્ધું દરદ તો પળવારમાં જ ગાયબ થઇ જાય.એ અઘરી વસ્તુ ઓ સહેલાઈથી સમજાવી દેતાં!!

અને પછી ટ્રીટમેન્ટ શરુ થઇ!! અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા!! આખા શરીરનું બોડી ચેક અપ કરવામાં આવ્યું!! દિલ્હીથી સ્પેશ્યલ ડોકટર પણ બોલાવવામાં આવ્યા. સમયાંતરે શોક પણ આપવામાં આવ્યાં અને સાથોસાથ મંદાની સેવા ચાકરી પણ અદભુત રહી !! હોસ્પીટલનો એક નિયમ હતો.આવા કિસ્સાઓમાં કે જે દર્દીનું કોઈ સગું જ ના હોય તેનો તમામ ખર્ચ હોસ્પીટલના દાતાઓ ભોગવી લેતા!! પેશન્ટમાં પરિવર્તન આવ્યું!! એ બધું સમજવા લાગ્યો !! હવે એ હસતો પણ હતો.

પાણી જોઇને ભાગતો પણ નહિ. પોતાની જાતે નાહી લે!! પણ પોતે કોણ છે ક્યાંથી આવ્યો એ બધું જ ભૂલી ગયો.નિષ્ણાંત પેનલે ઘણી તરકીબો કરી!! અમુક અમુક પ્રશ્નો પૂછ્યા પણ એમને કશું જ યાદ નહોતું રહ્યું!! પોતાનું નામ પણ નહિ!! ઈન્ટરનેટ ખોળી નાંખ્યું ડોકટરોએ.. જર્નલો વીંખી નાંખ્યા!! જ્યાં જ્યાં આવા કેસ આવ્યા હતા એનો સઘન સ્ટડી થયો.છેલ્લે બધા એક મત પર આવ્યા કે ભવિષ્યમાં કોઈ એવી આકસ્મિક ઘટના બને કે જે હુબહુ એની સાથે ભૂતકાળમાં બની હોય તો શક્ય છે કે એની યાદ દાસ્ત પાછી આવી જાય!! પણ સાઈકોલોજીકલ રીતે હવે આ દર્દીને એ બાબતે વધારે પ્રશ્નો પૂછવા નહિ.એની ટ્રીટમેન્ટ હવે અહી પૂરી થાય છે!! પણ હવે મહત્વનો સવાલ કે આનું સગું સબંધી તો કોઈ છે નહિ આને રાખે કોણ!!!

“હું એને મારી સાથે રાખું તો” મંદાએ કીધું અને સહુ ચોંકી ઉઠ્યા
“લોકો શું કહેશે આ સંબંધનું નામ શું આપીશ તું, બોલવું સહેલું છે મિસ મંદાકિની પણ અમલમાં મૂકવું અઘરું છે” ડો. ચંદ્રા બોલ્યાં.

“આ વસ્તુ જો મિશ્રાજીએ વિચારી હોત તો મારું શું થાત?? હું એક વરસની હતી ત્યારે ઘાટ પરથી મળી હતીને મીશ્રાજીને ,એણે મને મોટી કરી ,પછી તો હું પગભર થઇ અને અત્યારે હું અહી શું એ મીશ્રાજીના કારણે છું એણે મને નામ આપ્યું” વાત કરતાં કરતાં મંદાકિનીની આંખમાં આંસુ આવી ગયા.
“એ વાત જુદી હતી અને આ વાત જુદી છે!! સમાજની ફૂટપટી હમેશા દરેક વખતે બદલાઈ જાય છે એ તને ખબર ના હોય ,હજુ તો તારી ઉમર કેટલી વધુમાં વધુ અઠ્યાવીશ જ વરસને. હજુ તો તારે જીવન જીવવાનું બાકી છે. પછી તો તારો કોણ હાથ ઝાલશે” ડો. સતપાલે કહ્યું.સતપાલ આ હોસ્પીટલના વરિષ્ઠ ડોકટર હતાં અને ભાગ્યેજ કશું બોલતાં.

“એ પણ થઇ રહેશે,જેમ અત્યારે હું આ નો હાથ ઝાલું છું એમ મારો હાથ કોઈ નહિ ઝાલે ,જેવી રીતે મિશ્રાજીએ મારો હાથ ઝાલ્યો!! ડોકટર હું માનું છું કે દરેક માણસ કોઈના કોઈના ઉપકાર હેઠળ દબાયેલો જ હોય છે અને એ ઉપકાર ની સાંકળ એ ચાલુ રાખેને તો લગભગ દુખો મટી શકે છે!! જેવી રીતે કાર્બન ચક્ર હોય, નાઈટ્રોજન ચક્ર હોય એમ ઉપકાર ચક્ર શરુ રહેને તો પૃથ્વી પર સુખનું પુર આવી શકે પણ કાશ આપણે એ ચક્રને તોડીએ છીએ કોઈએ આપણા પર રહેમ કરી હોય તો પણ આપણે બીજા પર રહેમ કરતા નથી.માણસ ભૂતકાળ તરતજ ભૂલી જાય છે”!! મંદાકિનીએ કહ્યું અને બધાં અવાચક થઇ ગયા.

“અમે તો મેડીસીનનું ભણ્યા છીએ,ફિલોસોફીનું તો ભણ્યા નથી, ઘણી વાર તારી વાતો અમારા ઉપરથી જતી રહે છે, ઓકે એજ યુ લાઈક અમને કોઈ જ વાંધો નથી.તું સારવાર માટે એને રાખી શકે છે. તારા ઘરે!! બેસ્ટ ઓફ લક” ડો. ચંદ્રા બોલ્યા અને છુટા પડ્યાં!!

અને પેલાં યુવાનને મંદાકિનીએ પોતાના કવાર્ટસમાં શિફ્ટ કર્યો.હવે એમનું નામ તો કોઈ હતું નહિ એટલે મંદાકિનીએ જ એનું નામ રાખ્યું કપિલ!! મંદાકિની સાથે કપિલ હોય જ!! સવારમાં મંદાકિની સાથેજ એની ડ્યુટી શરુ થાય!! દરેક દર્દી પાસે જાય મંદાકિની શું શું કરે એ જોવે ,ક્યારેક ફાઈલો પકડી લે કયારેક દર્દીની દવાઓ હાથમાં લે જેટલું મંદાકિની કહે એટલું જ એ કરે.બપોરે અને સાંજે એ બધાં સાથે જમી લે!!

નાનકડા બાળક જેવું જ વર્તન જેટલું મંદાકિની ખાય એટલું જ અને એવું જ એ ખાય!! ધીમે ધીમે એ બધું શીખવા લાગ્યો અને એક વરસ પછી એ સંપૂર્ણ સાજો થઇ ગયો.હવે એ બધું જ બોલતો હતો. મંદાકિની જેમ ફીમેલ નર્સ હતી એમ આ હવે મેલ નર્સ બની ગયો. પછી તો એને બહાર એક ટેબલ ગોઠવીને એને કેસ કાઢવાનું કામ સોંપવામાં આવ્યું.અને પગાર પણ નક્કી કરી આપવામાં આપવામાં આવ્યો. આજુબાજુના મેડીકલ વર્તુળમાં આ કિસ્સો ખુબ જ ચર્ચિત બન્યો. એક નર્સના સંનિષ્ઠ પ્રયાસોથી એક પાગલ માણસનું સમાજમાં પુન:પ્રવેશનો આ કિસ્સો પ્રેરણાદાયી બન્યો.

સમય વીતતો ચાલ્યો અને હવે કપિલ અને મંદાકિની જીવનનો આનંદ માણવા લાગ્યા. મંદાકિની અને કપિલ પોતાની ડ્યુટી પૂરી કરીને સાથે ફરવા નીકળી જતા. મા ગંગાના કિનારે હરિયાળીમાં તેઓ ફરતાં. લાલ મહાદેવની સાંજની આરતીમાં પણ તેઓ સાથેને સાથે હોય ક્યારેક ઘાટ પરથી તેઓ નૌકા વિહાર પણ કરતાં.મંદાકિનીએ કપિલને પોતાની જિંદગીની આખી કહાની કહી સંભળાવી હતી.અનુપ શહેરનો ખૂણે ખૂણો તેઓ ફરી વળ્યા હતા. અલીગઢ બાયપાસ પર આવેલ ધાબાઓમાં તેઓ ભોજન લેતાં. ચાર વરસ વીતી ગયાં. લાગણીઓનો એક ધોધ બંને વચ્ચે વહી રહ્યો હતો.બને એકબીજા સાથે ભળી ગયા હતાં! વગર એકરારે એક બીજાના થઇ ચુક્યા હતા. હોસ્પીટલના સાથી ડોકટરો મીઠી ઈર્ષા કરતાં અને મંદાકિનીને તો અમુક સ્ત્રીઓ કહેતી.

“મંદા હવે પરણી જા ને ,આમેય આવો કહ્યાગરો કંથ તને કયાંથી મળવાનો, કપિલ તારો ખુબ જ ખ્યાલ રાખે છે ,જેવો ખ્યાલ એ ગાંડો હતો ,માનસિક હાલત ઠીક નહોતી ત્યારે તું રાખતી હતી એના કરતાં વિશેષ આજે કપિલ તારો ખ્યાલ રાખે છે ,અને સહુથી મોટી શાંતિ એ છે કે તમારે બંને ને તો કોઈની રજા પણ નથી લેવાની ને, હવે ઉતાવળ કર અને પરણી જા”

જવાબમાં મંદાકીની ખાલી હસતી . મંદાકિની વિચારતી કે સમય આવ્યે થઇ રહેશે.અને એ સમય પણ આવી જ ગયો. લાભ પાંચમના દિવસે ગંગા કાંઠે ભરાતા મેળામાં સવારથી જ કપિલ અને મંદાકિની સાથે ફરતાં હતાં.સાંજના સમયે તેઓ નૌકા વિહાર કરતાં કરતાં ગંગાના સામે કિનારે આરામ કરવા બેઠાં હતાં.આજે મંદાકિનીએ લીલા રંગની સાડી અને લાલ રંગનું ભરત ભરેલું બ્લાઉઝ પહેર્યું હતું. મંદાકિની ના બને હાથ ગુલાબી ચુદીઓથી સુશોભિત હતાં, બને એક વિશાલ આંબલીના ઝાડ નીચે બેઠા હતાં. કપિલ મંદાકિની ના ખોળામાં સુતો હતો. મંદાકિની કપિલના કાળા ભમ્મર વાળમાં આગળા પરોવીને વાત કરી રહી હતી. કપિલ બોલ્યો.

“આંખો બંધ કર મંદા એક વાત કહેવી છે” મંદાએ આંખો બંધ કરી અને કપિલે પોતાના પેન્ટના ખિસ્સામાંથી હળવે રહીને એક બોક્સ કાઢ્યું અને એક રત્નજડિત વીંટી કાઢીને મંદાકિનીના જમણા હાથમાં પહેરાવી દીધી અને મંદાકિનીએ આંખો ખોલી. એણે કપિલ સામે જોયું,પોતાની આંગળીમાં પહેરાવેલ વીંટી સામે જોયું અને તે નીચે ઝુકી અને કપિલનો ચહેરો બેય હાથે પકડી લીધો. બેયના ચહેરા એકાકાર થઇ ચુક્યા. દિલતો ક્યારનાય મળી ચુક્યા હતાં .આજે એકરાર થઇ ચુક્યો હતો. આજુબાજુના આંબલીના ઝાડ પરથી પક્ષીઓનો મધુર ધ્વનિ આવી રહ્યો હતો. મા ગંગાના નીર પણ ઝપાટાબંધ સરકી રહ્યા હતાં.

અંધારું થઇ રહ્યું હતું.નૌકામાં બેસીને હાથમાં હાથ પરોવીને કપિલ અને મંદાકિની આ બાજુ આવી રહ્યા હતાં. આરતીનો સમય થઇ ચુક્યો હતો.આજે બનારસ થી લાલ મહાદેવના મંદિરમાં એક શાસ્ત્રીજી આવી પહોંચ્યા હતા.આરતી પછી મંદાકિની અને કપિલ તેમના દર્શને ગયાં. શાસ્ત્રીજી બોલ્યાં.

“તેરી ચૂડી અખંડ રહેગી બિટિયા” ગંગામાં તરી રહેલા અસંખ્ય દિવડાઓના પ્રકાશમાં મંદાકિનીનો ચહેરો ઝગમગી રહ્યો હતો. હોસ્પીટલમાં જાહેરાત થઇ ચુકી હતી કે હવે બહુજ ટૂંક સમયમાં જ કપિલ અને મંદાકિની પરણી રહ્યા હતાં. બીજે દિવસે કપિલને લઈને મંદાકિની મિશ્રાજીના મકાનમાં ગઈ. મિશ્રાજીનો મોટો દીકરો અવિનાશ અહીજ રહેતો હતો.એ કશું જ બોલ્યો નહિ. દીવાલ પર મીશ્રાજીનો એક મોટો ફોટો હતો,ઉપર હાર લટકાવેલો હતો. મંદાકિની અને કપિલ હાથ જોડીને ઉભા રહ્યા. મંદાકિનીએ આખા ઘરમાં નજર કરી લીધી આજ ઘરમાં એ થોડો સમય રહી હતી!! મિશ્રાજીની આંગળી પકડીને એ આ ફળિયામાં ચાલતા શીખી હતી.એની આંખમાંથી આંસુ નીકળ્યાં !! કાશ આજે મિશ્રાજી હયાત હોત!!

“ભાઈ હું અને કપિલ આવતા મહીને પરણી રહ્યા છીએ , બાપુજી તો નથી હયાત,તું આવીશ ને ભાઈ મારા લગનમાં “ મંદાકિનીએ મિશ્રાજીના અવિનાશને કહ્યું,

“હું આવીશ , જરૂર આવીશ , તું ચિંતા ના કર” અવિનાશની પત્ની આરતી બોલી, આગળ આવીને એણે મંદાકિનીને બાથમાં લીધી. મંદાકિનીના આંસુ એણે પોતાના રૂમાલથી સાફ કર્યા. અને દરવાજા સુધી વળાવવા પણ આવી.

પંદરેક દિવસ બધી ખરીદી ચાલી. મંદાકિની ની ચાલમાં હવે એકાએક ગંભીરતા આવી ગઈ હતી. કપિલ અને મંદાકિની બંને ભાવી જીવનના સોનેરી સપનામાં ખોવાઈ ગયાં હતાં. હોસ્પીટલના સંચાલકો આ લગ્નને ભવ્ય રીતે કરવ માંગતા હતા .તમામ ખર્ચ એ ભોગવવાના હતાં.તમામ તૈયારીઓ થઇ ચુકી હતી. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કમોસમી માવઠું શરુ થયું હતું.મા ગંગાના નીર એકાએક વધી રહ્યા હતાં . હાપુડ, મોરાદાબાદ, હરિદ્વાર, રીશીકેશ માં ખુબજ વરસાદ પડ્યો હતો.એક સાંજના સમયે કપિલ અને મંદાકિની આરતીના સમયે ઘાટ પર હતાં અસંખ્ય લોકો હાજર હતાં. મા ગંગાનો પ્રવાહ સપાટી વટાવી ચુક્યો હતો. અનુપ શહેરમાં પણ કડાકા બંધ વીજળી શરુ થઇ અને વરસાદ તૂટી પડ્યો . ઘાટ બધાં ડૂબી ગયા હતાં.

ભેખડની ધારોધાર વરસાદ વરસી રહ્યો હતો. હાથમાં હાથ ઝાલીને મંદાકીની અને કપિલ એક ઝાડ નીચે ઉભા હતાં. અને અચાનક જ એક વીજળીનો કડાકો થયો….. અને લાઈટ જતી રહી!! ઉપરવાસનું પાણી એક સાથે આવ્યું ને એક ભેખડ ધસી અને મા ગંગામાં પાંચેક જણા તણાયા અને વીજળીના ચમકારામાં તણાતા લોકોની ચીસ સંભળાણી!! અને લોકો જીવ બચાવવા ભાગ્યા ઉંચાણવાળી જમીન પર!! કપિલ ફાટી આંખે જોઈ રહ્યો!! માથામાં અસહ્ય દુખાવો ઉપડ્યો!! શ્વાસ એકદમ ચાલવા લાગ્યા!! મંદાકિની એ એને પકડી રાખ્યો!! એની આંખો એક સળવળાટ થયો!! એણે બળ કર્યું પાણી તરફ જવા માટે પણ મંદા એને ઉપર તરફથી ખેંચતી હતી અને ફરીથી વીજળીનો ચમકારો થયો અને વાદળાનો ગડગડાટ અને કપિલ જોરથી બોલ્યો!!!

“ જ્યોતિ!!!!! જ્યોતિ!!!! બચાવો સંધ્યા!!!! અમિત!!! વિનોદ!!!! જ્યોતિ!!!!!!! જ્યોતિ!!!!! બચાવો!!!!! જ્યોતિ !!!!” અને એ ધબ દઈને પડ્યો.. મંદાકિની એ આક્રંદ કર્યું એ નીચે બેસીને કપિલને બાથમાં લીધો.ઉપરથી કેટલાક લોકો નીચે આવ્યાં. કપિલને ઉપર લાવ્યાં.કપિલ બેહોશ થઇ ગયો હતો!! માણસો એને ઊંચકીને રીતસરના દોડ્યા જ !! મંદાકિની પણ ગાંડાની જેમ દોડી!! કપિલને હોસ્પીટલમાં લાવવામાં આવ્યો,હોસ્પીટલની બહાર લોકોના ટોળા ઉમટ્યા.!! કપિલને આઈસીયુ માં લઇ જવામાં આવ્યો.આઈસીયુ ની બહાર મંદાકિની અવાચક બેઠી હતી!! બહાર વરસાદ શરુ હતો!! મા ગંગા આજ એના રૌદ્ર સ્વરૂપમાં હતાં!! કલાક પછી ડો. બહાર આવ્યા અને મંદાકિની ઉભી થઇ ને ડોકટર પાસે ગઈ અને ડોકટરનો હાથ પકડી લીધો.

“ કોઈ ચિંતાનું કારણ નથી, કપિલ સ્વસ્થ છે, એને કશું જ નથી થયું!! એ સાવ સાજો થઇ ગયો છે સાવ સાજો “ પાંચ વરસ પહેલા જેવો હતો એવો જ એને પોતાનો ભૂતકાળ બધો જ યાદ આવી ગયો છે, પણ અત્યારે એને આરામની જરૂર છે અમે ઘેન નું ઈન્જેકશન આપી દીધું છે બે કલાક પછી ભાનમાં આવશે કોઈ જ ચિંતાનું કારણ નથી” ડોકટરે કહ્યું અને મંદાકિનીના જીવમાં જીવ આવ્યો. બહાર સમાચાર પ્રસર્યા અને લોકો પલળતા વરસાદમાં નાચી ઉઠ્યા!! ધીમે ધીમે વરસાદ થંભી ગયો હતો.રાતના બાર વાગી ગયા હતાં. બધાજ ડોકટરો આઈસીયુમાં આવી ગયાં હતાં!! કપિલ ઘેનમાંથી બહાર આવી ગયો હતો. મંદાકિની કપિલની બાજુમાં બેઠી હતી.. ડો. ચન્દ્રાએ કપિલને બધું સમજાવ્યું કે તે કઈ રીતે અહી આવી ચડ્યો હતો. તેની કઈ રીતે સારવાર કરી હતી . મંદાકિનીએ તેના માટે શું શું કર્યું છે અને છેલ્લે એમ પણ કીધું કે તું અને મંદાકિની આવતા અઠવાડિયે પરણવાના છો!!

“પણ હું તો ક્યારનોય પરણી ચુક્યો છું!! જ્યોતિ મારી પત્નીનું નામ છે!!ને મારે એક દીકરી છે સંધ્યા!! એક દીકરો પણ છે યશ!!” કપિલે મંદાકિની અને ડો. ચંદ્રા સામે જોઇને કહ્યું” મંદાકિનીનું હાર્ટ એક ધબકારો ચુકી ગયું. એણે કપિલનો હાથ પકડી લીધો. કપિલ આગળ બોલ્યો.કપિલે બધાની સામે હાથ જોડ્યા.

“ માફ કરજો આ છેલ્લા પાંચ વરસમાં તમે જે મદદ કરીને મને બચાવી લીધો એ માટે આભાર,તમામનો આભાર મને આ છેલ્લા પાંચ વરસનું કશું જ યાદ નથી. એની પહેલાનું મને બધું યાદ છે.. મારું નામ દીપક બટુકભાઈ પટેલ હું અમદાવાદનો વતની છું” અને દીપકે પોતાના ભૂતકાળના પાના ખોલ્યા અને સહુ સાંભળતાં રહ્યા!!

દીપક બટુકભાઈ પટેલ!!

બટુકભાઈ પટેલનો એકનો એક દીકરો!! દીપકથી મોટી બે બહેનો સાસરે અને સુખી!! બટુકભાઈએ વરસો પહેલા સરખેજ ગાંધીનગર હાઈવે ટચ ખેતીની જમીન હતી એ વેંચીને એ ખુબ કમાયા હતાં. બોપલ અને ઘુમામાં એણે બીજી જમીનો લીધી!! એ વેચીને એ આગળ લેતા ગયા અને પાછળની જમીનો વેચતા ગયાં!! આગળ જમીનો સસ્તી મળે અને અગાઉની જમીનોના કરોડો મળે આમ પૈસા અને જમીન બને વધતાં ગયા. દીપક સ્વભાવે સારો પણ થોડોક જીદ્દી ખરો.

અને આમેય પૈસાદાર બાપના સંતાનોમાં જીદ્દીપણું ગળથૂથીમાંથી જ આવતું હોય છે!! બસ એક થોડોક જીદ્દી એટલો જ બાકી કોઈ અપલખણ એનામાં આવ્યું નહોતું!! આમ વિવેકી પણ ખરો!! પણ કોઈ ચીજ ગમી જાય એટલે જોઈએ જોઈએ અને જોઈએજ !! બટુકભાઈ લાવી પણ આપે. ગુજરાત કોલેજમાં ભણતો હતો ત્યારે છોકરીઓ એની દોસ્તી માટે પડાપડી કરતી પણ દીપક બધાથી એક સલામત અંતર રાખતો. આ બાબતમાં બધાને નવાઈ લાગતી. અમિત અને વિનોદ એના ખાસ અને લંગોટિયા ભાઈબંધ હતાં અમિત દીપકને કહેતો.

“યાર દીપક તું સાવ રસવીહીન છો, યાર કેટલીય છોકરીઓ તને ચાહે છે,પણ તું કોઈનેય કોઠું નથી આપતો,તારી જેટલા પૈસા મારી પાસે હોય ને તો આપણી પાસે દરરોજ નવું નવું રૂપ આવે”

“એટલે જ ભગવાને તને પૈસા નથી આપ્યાં , યાર ભગવાન પણ સમજે છે કે પૈસા ક્યાં અપાય ને ક્યાં ના અપાય, મને આ બાબતમાં રસ જ નથી. શું આટલા માટે જ જિંદગી આપી છે , કોઈ જરાક સ્મિત કરે ત્યાં આંધળું થઈને પડી જવાનું , મારી તો આ લાઈન જ નથી” દીપક જવાબ આપતો
“ તો શું લગ્ન નહિ કરે??? જીવનભર આમ જ રહીશ?” વિનોદ બોલ્યો.
“હું લગ્ન કરીશ અને પ્રેમ પણ કરીશ. મારી શોધ શરુ જ છે, એ તમને થોડું સમજાય, મને કોઈ મોળી ચીજ કે વસ્તુ ના ગમે અને આમાં તો જીવનનો સવાલ છે એટલે આપણી પસંદગી જરા હટકે હશે એનો ખ્યાલ રાખજો.. અને આ કોલેજમાં કોઈ એવું નથી કે જે મને આકર્ષિત કરી શકે .. ઠીક છે આ બધાં મેકઅપના ઠઠારા!! આ બધું ઉપર શોભા અને નીચે ઘોબા જેવું છે.આપણે તો એવું પાત્ર લાવીશું કે જે બહારથી તો સુંદર હોય પણ અંદરથી પણ સુંદર હોય, પછી એના માટે જે કરવું પડે ઈ કરવાનું” દીપક લહેરમાં આવી ને કહેતો.

“હોય ભાઈ પૈસા વાળા બધું કરી શકે , પૈસો એ મોટો સદગુણ ગણાય છે અત્યારે” અમિત બળતરા કરતો બોલે.

“ના હું જે પાત્ર શોધીશ એ પૈસાનું મોહતાજ નહિ હોય, મારા પૈસાને કારણે અત્યારે સારા સારા માગા આવે છે પણ હું જ ના પાડું છું અને મારા પાપાને મેં કહી દીધું કે હું મારી રીતે ગોતીશ પણ ભરોસો રાખજો તમને મારી પસંદગી પર ગર્વ થશે ગર્વ “ દીપકે વાત પૂરી કરીને ઘર તરફ બાઈક હંકારી મુક્યું.

અને ત્રણ જ માસમાં દીપકને એ પાત્ર મળી ગયું. સેટેલાઈટમાં એક નવરાત્રી ઉત્સવમાં દીપક એનાં મિત્રો સાથે ગયેલો અને એણે ગરબામાં એક ગાયિકાનો દુરથી સ્વર સાંભળ્યો અને જેમ જેમ એ સાંભળતો ગયો એમ એમ એના કાળજામાં કશુક થવા લાગ્યું.!! એ ગરબો સાંભળતો સાંભળતો સાવ સ્ટેજ પાસે જઈ ચડ્યો.. અને જોયું તો અદ્ભુત!!

વિસ વરસની એક છોકરી ગરબો ગાઈ રહી હતી. લાલ ચણીયા ચોળીમાં એનું રૂપ નીખરી રહ્યું હતું. ચહેરો એક દમ ગૌર અને ગાલ સહેજ ભરાવદાર!! ગાતી વખતે આંખમાં એક અલગ ચમક અને મસ્તી ઉભરાઈ આવે!! ચહેરા પર હળવું સ્મિત અને ગાતી વખતે બંને ગાલમાં ઊંડા ખંજન પડે જમણી બાજુનાં ગાલ પર કવિતા લખી શકાય એવો તલ !! બેય હાથમાં કંગન પહેરેલા અને ગોઠણ સુધી લાંબા વાળ હશે!! શરીર ભરાવદાર પણ માપસર!! જાણે અજંતાનું શિલ્પ જ જોઈ લ્યો. દીપક મંત્ર મુગ્ધ બની ને ગરબા સાંભળતો રહ્યો અને એ છોકરીને અંતરમાં ઉતારતો ગયો. ગરબા શરુ હતાં!!

“ ઓ પૂનમની પ્યારી પ્યારી રાત , મારી પ્રીતમ સાથે છે મુલાકાત આજ તું ના જાતી!!

એક ગરબો પૂરો થયો એટલે બીજો ગરબો શરુ થયો. દીપક સ્થળ ભાન ભૂલીને ગરબાના શબ્દો સાથે સુંદરતાને પીતો રહ્યો!!
“અમર તું રાખજે મા મારી ચૂડીને ચાંદલો,
બીજું કશું જોઈએ ના માં મારી ચૂડીને ચાંદલો,
અખંડ રાખજે માં મારી ચૂડીને ચાંદલો”

“આપણા કાર્યક્રમમાં જાણીતા એવા બટુકભાઈ ના સુપુત્ર દીપકભાઈ આવ્યા છે તો પાવન નવરાત્રીમાં હું હાર્દિક સ્વાગત કરું છું” માઈકમાં જાહેરાત થઇ અને દીપક તંદ્રામાંથી જાગ્યો. એની પાછળ એના બે મિત્રો અમિત અને વિનોદ હતાં. દીપકને સટેજ પર લઈને સ્વાગત કરવામાં આવ્યું. દીપકે નવરાત્રીમાં દાન પણ લખાવ્યું. પણ સ્ટેજ પરથી પેલી છોકરી ગાયબ હતી.દીપક વ્યાકુળ થઇ ગયો.હવે પૂછવું કોને ??? રાતે મોડી રાતે સાબરમતી ના પુલ પર બાઈક પર સુતા સુતા દીપક બોલ્યો.

“મારું મિશન હવે પૂર્ણતાને આરે છે, તમારા બનેની ભાભી આપણે શોધી લીધી છે, ગરબામાં ગાતી છોકરી એ મારા જ ઘરમાં આવશે!! એ પણ એની સહમતીથી!! એ નહિ તો કોઈ નહિ!! ભગવાનને જો બટુકભાઈના વંશને આગળ વધારવાની ઈચ્છા હશે તો જ !!

“પણ તે કેમ જાણી લીધું કે એ અપરણિત છે??” વિનોદે કહ્યું.
“ જ્યાં સુધી હું એને ના મળું ત્યાં સુધી એ કઈ રીતે પરણે!!!, કોન્ફિડેન્સ બોસ કોન્ફિડેન્સ!! અત્યાર સુધી મેં જે માંગ્યું એ જ મળ્યું છે અને જે ધાર્યું છે એ જ થયું છે. અને ભગવાન પાસે પણ આપણી ઈમેજ હોય કે નહિ!! તમે બેય ચાર ચાર મહીને છોકરીઓ બદલાવો છો એના કરતા ભગવાનને ખબર છે કે આ હવે એક્વીસનો થયો તોય ક્યાંય આપણે લખણ ઝળકાવ્યા નથી એટલે ભગવાન પણ જોઇને જ આપે!! એ તમારી તાસીર જોવે!! , હેસિયત જોવે પછી જ!! મારા જેવા પૈસાવાળા બહુજ ઓછા હોય ભગવાનની ગુડ બુકમાં,, જવા દો તમને નહિ સમજાય પણ હવે તૈયારી કરવા માંડો કારણકે બહુ ઝડપથી આ દીપક હવે ઘોડે ચડવાનો છે “ એમ કહીને બાઈકને સ્ટાઈલમાં વાળીને દીપકે બાઈક આંબાવાડી બાજુ હંકારી મુક્યું.

આંબાવાડીમાં દીપકનું ભવ્ય મકાન હતું.

બે દિવસમાં દીપકે તમામ માહિતી મેળવી લીધી હતી. છોકરી બાપુનગરમાં એના ભાઈ ભાભી સાથે રહેતી હતી. નામ હતું જ્યોતિ!! ભાઈ હીરા ઘસતો હતો અને છોકરી બાર ભણેલી હતી.એને ગાવાનો જબરો શોખ હતો. શોખ નહી આમ તો ગાવું એજ એનું જીવન જેવું હતું. મૂળ એ લોકો અમરેલી બાજુના પટેલ હતાં. પછી તો દરરોજ દીપક અને એના મિત્રો ગરબામાં પહોંચી જાય!! એના મિત્રો આજુબાજુની હરિયાળી જુએ અને દીપક જ્યોતિને જુએ!! જોવે એટલું જ નહિ માનસિક રીતે બધું નકી જ કરી નાંખેલું કે હનીમુન માટે પેડીયાર જઈશ અને ત્યાંથી કોટ્ટાયમ અને ત્યાંથી કોચીન, મુન્નાર !! મુન્નારના દરિયાકિનારે એ અને જ્યોતિ એક જ નાળીયેરમાંથી પાણી પીતા હોય એવા સપનાં પણ આવવા લાગ્યા!! છેલ્લે કન્યા કુમારી જવાનો પ્લાન પણ માનસિક રીતે ગોઠવી નાંખેલ.

દશેરાના દિવસે જ દીપક એકલો પહોંચી ગયો બાપુનગર!! ઘર તો શોધી લીધું જ હતું. બસ પોતે પોતાનો સંબંધ નક્કી કરવા નીકળ્યો હતો!! ડોર બેલ વગાડી!! એક સન્નારીએ દરવાજો ખોલ્યો
“કોનું કામ છે ભાઈ??”

“ આપ જ્યોતિના ભાભીને?? તો આપનું જ કામ છે મારે, હું અહીંજ વાત કરી લઉં આપની સાથે જો આપને વાંધો ના હોય તો” એમ કહીને દીપકે બધું જ કીધું. પોતે શું કરે છે પાપા શું કરે છે એ કીધું અને એ જ્યોતિને જ પરણવા માંગે છે એમ પણ કીધું. જ્યોતિના ભાભી બહુ ઓછું ભણેલા પણ એ માણસની આંખો વાંચી શકતા એટલું ગણતર તો એનામાં હતું જ. એને લાગ્યું કે નણંદ માટે આનાથી સારો મુરતિયો બીજો કોઈ હોઈ જ ના શકે. એણે દીપકને અંદર આવવાનું કહ્યું.એક ખુરશી પર દીપક બેઠો.

“જ્યોતિ તને કોઈક મળવા આવ્યું છે , બહાર આવ તો” વાદળી ડ્રેસમાં જ્યોતિ બહાર આવી. જ્યોતિએ હજુ હમણાજ સ્નાન કર્યું હતું. પાણીની બુંદો એનાં વાળમાં ચાંદીની કણીની જેમ ચમકતી હતી.વાતાવરણમાં એક સુગંધ પ્રસરી ગઈ.

“ બોપલ થી બાપુનગર પહોંચી ગયાં એમ ને!! , હવે તો નવરાત્રી પૂરી થઇ ગઈ ને મિસ્ટર શું નામ તમારું હા યાદ આવ્યું દીપક પટેલ, ધનાઢ્ય અને દાનવીર પણ ખરા, ગરબામાં તાકી તાકી ને જોવું તમને ખુબ ગમે નહિ” જ્યોતિ સાહજીકતાથી બોલતી હતી. પાણીયારા ની બાજુમાં એક મંદિર જેવું હતું. ત્યાં ઘીનો દીવો સળગતો હતો . જ્યોતિની ભાભી હસતી હતી એ બોલી.

“ ખોટું ના લગાડતા અમારા બહેન બા થોડા જીદ્દી છે તમે લોકો વાતો કરો હું અગાશીમાંથી કપડાં લઇ આવું.” ભાભી અગાશીમાં કપડાં લેવા ગયાં એ બહાને આ લોકો થોડીક વાતચીત કરી લે. દીપકને પણ થયું જ્યોતિ પણ જીદ્દી છે તો ગ્રહો બરાબરના મળી રહ્યા છે.

“ આપના આગમનનું કારણ તો હું સમજી શકું છું,પણ માફ કરજો મને શ્રીમંત લોકો નથી ગમતાં, બસ એ લોકો પૈસાને જ સર્વસ્વ ગણે છે, જ્યોતિ એ કહ્યું.

“ એવું નથી હોતું બધેય , કોઈંક મારા જેવુંય હોય!! અને આમેય જ્યોતિ તો દીપકની જ હોય ને!!, હું આપને વચન આપું છું કે સદા ખુશ રાખીશ, આપ આખા અમદાવાદમાં તપાસ કરી જુઓ એક વ્યક્તિ પણ મારું ખરાબ બોલેને તો મને કહેજો, આપ ગમો છો મને બસ હવે હા પાડી દો.” દીપકે કીધું જ્યોતિ હસી.

“ફિલ્મો બહુ જોતા લાગો છો નહિ, ઠીક તમારે કહેવું હતું એ કહી દીધું પણ મારું મન નથી માનતું શી ખાતરી કે તમે સાચું જ બોલો છો” એમ કહીને એ દાંતિયો લઈને બારણા પાસે અરીસો હતો ત્યાં માથું ઓળવા લાગી. દીપક કશું જ ના બોલ્યો. અને જ્યોતિએ પણ પાછું વાળીને ના જોઈ એ જવાબની રાહમાં હતી.અચાનક જ કશીક વાસ આવી.. કશુક દાઝવાની વાસ આવી..કોઈની ચામડી દાઝતી હોય ને એવી વાસ હતી!! જ્યોતિ એ પાછળ જોયું એ ચોંકી ગઈ. ઘીના દીવા પર હથેળી રાખીને દીપક ઉભો હતો!! એની હથેળી દાઝી રહી હતી.ચામડી દાઝી રહી હતી!!

“શું કરો છો તમે , ખરા છો તમે!! આમ જુઓ તો કેટલી ચામડી દાઝી ગઈ!!” એમ કહીને દીપકનો હાથ પકડીને પાણી ના નળની નીચે લઇ ગઈ અને પાણીની ધાર કરી.

“ શબ્દોથી વિશ્વાસ ના બેસે તો પછી શું કરવું??” દીપક બોલ્યો, પછી તો જ્યોતિએ રૂમાલ બાંધીને દીપકને દરવાજા બાજુ ધકેલ્યો અને કીધું કે.
“તમે નીકળો હમણાં જ ભાભી આવશે અને આ દાઝેલી હથેળી જોશે તો??, અત્યારે તમે જાવ,!! અને દરવાજા પાસે આવીને કીધું કે
“કાલે બાપુજીને મોકલજો , ભાઈ સાથે વાત કરી લેશે” અને જ્યોતિ હસી!! અને દીપકનું મન મયુર બનીને નાચી ઉઠ્યું.!!

આમ દશેરાના દિવસે જ દીપકનું ઘોડું બરાબરનું દોડી ગયું ને શિયાળામાં તો બને પરણી ગયાં!! બે વરસ પછી પેલાં ખોળાની દીકરી સંધ્યાનો જન્મ થયો.અને બે વરસ પછી એક દીકરો જન્મ્યો નામ પાડ્યું યશ!! સંધ્યા પણ ખુબ સરસ ગાતી એની મમ્મીની જેમ જ !! જયારે જ્યોતિને સાસરે વળાવીને ત્યારે એના ભાઈએ વેવાઈને એક વાત કીધેલી

“મારી બહેન ભણતી હતી ત્યારથી ખુબ જ સારું ગાય છે!! નવરાત્રીમાં ગામમાં એજ ગરબા ગવડાવતી!! ગાવાનું એના લોહીમાં છે બની શકે તો એને ગાવા દે જો” અને વેવાઈએ વચન પાળ્યું. દર નવ રાત્રીએ આંબાવાડીમાં બટુકભાઈ ને ઘરે જ ગરબા ગોઠવાતા અને જ્યોતિ ગરબાં ગાતી અને ખુબ જ ખુશ રહેતી. બીજી કોઈ સંસ્થામાં પણ આમંત્રણ મળે તો એ જતી પણ ફી લીધા વગર અને એના સસરા સામેથી એ સંસ્થાને દાન આપતાં!! જ્યોતિ દુધમાં સાકર ભળે એમ ભળી ગઈ હતી અને બે સંતાનોની માતા પણ!!

સંધ્યા દસ વરસની થઇ હતી અને યશ આઠ વરસનો હતો. દીપક અને તેના મિત્રો રામપુર યુપી બાજુ જવા નીકળ્યા હતાં. બટુકભાઈ ને ઘુમા બાજુ એક વાડી હતી ત્યાં વરસોથી યુપી ના રામપુરનું એક કુટુંબ રહેતું હતું. એમની સાથે ખુબ ઘરોબો હતો. આ ઉનાળામાં એની મોટી દીકરીના લગ્ન હતાં એટલે બધાં રામપુર જવા રવાના થયાં. બે મોટરકારમાં આ છ લોકો જઈ રહ્યા હતાં. અમિત અને વિનોદ પણ તેમની સાથે હતાં.

દિલ્હીથી ગાજિયાબાદ અને ત્યાંથી હાપુડ થઈને તેઓ ગઢ મુક્તેશ્વર પહોંચ્યા!! હરિદ્વારથી નીકળેલી મા ગંગા અહી વિશાળ પટમાં જોવા મળે છે. ત્યાં આ બે ગાડીઓ રોકાઈ!! ત્યાં બ્રીજ ઘાટ પર બધાએ ગંગા સ્નાન કર્યું!! જ્યોતિ તો ગંગાજીના દર્શન કરીને ભાવ વિભોર થઇ ગઈ હતી!!બસ અહીંથી તેઓ આગળ મુરાદાબાદ અને પછી રામપુર જવાના હતાં!! વરસાદી વાતાવરણ થઇ ગયું હતું. આગળ થી સમાચાર આવ્યા હતાં કે વાવાઝોડા અને વરસાદને કારણે મુરાદાબાદ માં ઠેર ઠેર વ્રુક્ષો પડી ગયા છે એટલે આજની રાત અહી રોકાઈ જવાનું નક્કી કર્યું!!

ગઢ મુક્તેશ્વર માં હાઈવે પર એક સારી હોટેલ શોધીને તે રોકાઈ ગયા. રાતના આઠેક વાગ્યે તેઓ ફરવા નીકળ્યા ધીમા ધીમા છાંટા શરુ હતાં. હાઈવે ગંગા નદી પર આવેલા પુલ નો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો , બંને બાજુ વાહનોની લાંબી કતારો હતી. ફરીથી તેઓ ઘાટ પર આવ્યા માણસોની ભીડ હતી અને ગંગાજીનું પાણી વધી રહ્યું હતું. તેઓ એક ઢોળાવ પર હતાં અને અચાનક કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો સહુ ઉંચાણવાળા વિસ્તારમાં જવા લાગ્યા.

જ્યોતિ અમિત અને વિનોદ ઉંચાણવાળા વિસ્તારમાં પહોંચી ગયાં જયારે દીપક સંધ્યા અને યશ થોડા નીચાણવાળા વિસ્તારમાંથી ઉપર આવતા હતાં. ત્યાં નીચે કંઇક ભેખડ પડી આઠ દસ માણસોની ચીસ સંભળાણી બને છોકરા સાથે દીપક ઉપર સલામત સ્થળે આવી પહોંચ્યો!! ચારેય બાજુ ગભરાટ હતો!! એક નાનું બાળક એક ભેખડે લટકી રહ્યું હતું અને રડી રહ્યું હતી આઠ દસ જણા તેને બચાવવા દોડ્યા અને એમાં દીપક પણ હતો , બાળક બચી ગયું પણ માટી ધીમે ધીમે સરકી રહી હતી અને એમાં લાઈટ જતી રહી ને વીજળીનો કડાકો થયો.!!

બચાવવા ગયેલા આઠે આઠે જણા સીધા ગંગાજીમાં!! કાંઠે ઉભેલી જ્યોતિ એ ચીસ નાંખી અને ફરીથી વીજળીના ચમકારામાં દીપકનો ચહેરો નજરે ચડ્યો અને બુમો સંભળાઈ !!! જ્યોતિ!!!! સંધ્યા!!! બચાવો!!! અમિત !!!!!! વિનોદ!!!! જ્યોતિ!!!!!!!!!! બચાવો!!!! અને અંધારામા દીપક તણાતો ચાલ્યો!! કાઠે અથડાણો માથામાં વાગ્યું. પણ નિયતીએ કઈ જુદું જ ધાર્યું હતું કિનારા સાથે અફળાતી એક હોડીમાં એનું શરીર ગોઠવાઈ ગયેલું અને પછી બેહોશ થઇ ગયેલો, બે કાંઠા બહાર વહેતી ગંગાએ એને બુલંદ શહેર નજીક એક ખેતરમાં હોડી સાથે ધકેલી દીધેલો અને ભાનમાં આવ્યો ત્યારે મગજની સમતુલા ગુમાવી દીધેલી!! એ તો દીપકને યાદ જ નહોતું એને તો એ તણાતો હતો ત્યારે જ્યોતિ અને બે બાળકોનો ચહેરો જ યાદ હતો.

દીપકે વાત પૂરી કરી અને હોસ્પીટલમાં એક સન્નાટો છવાઈ ગયો.!!! મંદાકિનીએ પોતાના આંસુ લુંછ્યા અને બોલી.

“કોઈ વાંધો નહિ મિસ્ટર દીપક હવે તમને તમારો પરિવાર મળી જશે,ચિંતા ના કરો તમારા પિતા તમારી પત્ની અને વહાલસોયા બે બાળકો બહુ ટૂંક સમયમાં જ અહી આવીને તમને લઇ જશે,તમે અમને સરનામું લખાવો અમે એને અત્યારે જ જાણ કરીએ છીએ” ડો.ચંદ્રા મંદાકિનીને જોઈ જ રહ્યા કેટલું કઠણ કાળજું કરીને આ બોલી રહી હશે!! કેવા કેવા સપનાં હશે મંદાના!! કાંઠે આવેલું વહાણ ડૂબી રહ્યું હતું.

“તમારો ખુબ ખુબ આભાર,તમે ના હોત તો હું કદાચ પાગલ હોત!! ડો.સાહેબે મને બધીજ વાત કરી તો છે ને તમારો ઉપકાર હું સાત જન્મેય નહિ ભૂલું “ દીપકની આંખમાં આંસુ હતાં. મંદાકિની અવળું ફરીને ચાલી ગઈ.પોતાના ક્વાર્ટર્સ તરફ ગઈ.તાળું ખોલ્યું રૂમમાં લગ્નનો સામાન પડ્યો હતો. કપિલની પસંદગીનીસાડીઓ એણે બનારસ થી મંગાવી હતી. અને માંગમાં લગાવવાનું સિંદૂર એણે છેક ગોરખપુરથી મંગાવ્યું હતું. એ રડી.. ખુબ રડી!! પોતાના ભાગ્ય પર રડી પણ પણ ઝડપથી સ્વસ્થ થઇ પોતે કોઈકનો ચાંદલો બચાવી લીધો એનો એને આનંદ હતો. એને મિશ્રાજીના શબ્દો યાદ આવ્યાં. એ ઘણી વખત કહેતા “ બેટા મંદા તમારા કારણે બીજાની ખુશી વધતી હોય તો તમારું જીવ્યું સાર્થક બાકી તો બધું વ્યર્થ છે”

આંબાવાડીમાં સવારે સમાચાર આવ્યા અને ખુશીનું મોજું ફરી વળ્યું.. જ્યોતિ પૂજા ખંડમાં ખોડલમાની છબી પાસે બેથી હતી.ઘરમાં છેલ્લા પાંચ વરસથી અખંડ દીવો સળગતો હતો. સમાચાર સાંભળ્યા કે માના ચરણોમાં ઢળી પડી. દીપક સાથે લેન્ડલાઈન ફોન પર વાત થઇ, સંધ્યાએ અને યશે પણ વાત કરી!! તરત જ તેઓ અનુપ શહેર જવા નીકળી ગયાં.બીજે દિવસે સાંજે તેઓ અનુપ શહેર પહોંચી ગયાં અને દીપકને મળ્યાં!! લાગણીઓનો ધોધ વછુટ્યો!! આખી રાત સહુ જાગતા રહ્યા. બધાં ણો આભાર માન્યો. બટુકભાઈએ હોસ્પિટલને દસ લાખનો ચેક આપ્યો અને ફરીથી આભાર માન્યો. જ્યોતિએ બધી જ વાત જાણી અને પૂછ્યું કે મારે મંદાકિનીને મળવું છે જતાં પહેલા મંદાકિની એના ક્વાર્ટસ પર હતી. જ્યોતિ તેના ક્વાર્ટસ પર મળવા ગઈ. મંદાકિનીએ દરવાજો ખોલ્યો.

“કાલે નીકળીએ છીએ બહેન , તારો આભાર માનવા ફરીથી આવી છું” જ્યોતિએ કહ્યું.

“એમાં આભાર શાનો અમારી ફરજ માં આવે છે એટલે કરીએ છીએ અને આમેય હોસ્પીટલમાં જે દર્દી આવે ક્યારેક જવાનો જ હોય ને” મંદા બોલતી હતી, બહારથી સ્વસ્થ લાગતી મંદા અંદરથી ભાંગીને ભુક્કો થઇ ગઈ હતી.

“એક વાત કહું બહેન , મારું માનીશ , તારી પીડા હું સમજુ છું , ચાલ મારી સાથે, આપણે સાથે રહીશું, તને કોઈ વાતની કમી નહિ આવવા દઉં મારી બહેન “ જ્યોતિ રડતાં રડતાં બોલી.

“ના જ્યોતિ બહેન સમાજની રીતે આ બરાબર ના કહેવાય, તમે ખુબ જ લાગણીશીલ છો બહેન,તમારી માતાજી પ્રત્યેની ભક્તિને કારણે જ દીપક બચ્યો છે , ભાગ્યશાળી છે દીપક” મંદાકિનીએ કહ્યું. અને જ્યોતિએ મંદાકિનીના હાથની ચૂડીઓ પકડીને કહ્યું.

“ ના મારું તો શું એમાં હોય પણ આ ચૂડીને કારણે મારો ચાંદલો બચ્યો છે એટલે જ કહું છું કે મંદા ચાલ મારી સાથે સમાજ જાય ભાડમાં આપણને સમાજના સર્ટીફીકેટની કોઈ જરૂર નથી!! આ ચુડીનું મુલ્ય હું ક્યારેય નહિ ચૂકવી શકું” અને જ્યોતિ મંદાને ભેટીને ધ્રુસકેને ધ્રુસકેને રડી પડે છે. જ્યોતિના ઘણા આગ્રહ છતાં મંદાકીની એની સાથે જવા તૈયાર ના થઇ. એણે કાળજું કઠણ કરી લીધું હતું. એ જેને ચાહતી હતી એ કપિલ હવે દીપક હતો. દીપકને કોઈ લાગણી જ નહોતી એના પ્રત્યે એ આ પાંચ વરસનો ગાળો જ ભૂલી ગયો હતો.!! છેવટે દીપક અને જ્યોતિ રવાના થયાં . દરવાજા પાસે મંદા ઉભી હતી. મંદાએ હાથ જોડ્યા. જ્યોતિને ગળે મળીને કીધું.
“મારા કપિલને અને તમારા દીપકને સાચવજો બહેન””!!! અને જ્યોતિ રવાના થઇ.

અમદાવાદ આવીને સહુ પોતપોતાની જીંદગીમાં ગોઠવાઈ ગયાં!! સગા સંબંધીઓ આવ્યાં!! સહુ ખુશ હતાં!!

આ બાજુ મંદાની તબિયત કથળી, સહુ એના દરદને જાણતા હતાં પણ વિધાતાની આગળ સહુ લાચાર હતાં. મંદા જ્યારે જ્યારે મંદિરે જતી એને કપિલની યાદ આવતી. એ કલાકો સુધી એકલી બેસી રહે. વાસ્તવિકતા એ જાણતી હતી.પોતેજ પોતાની જાતને સધિયારો આપતી.એ કલાકો સુધી એકલી ગુમસુમ બેસી રહેતી.ડોકટરો એને સમજાવતા પણ એ કશું બોલતી નહિ એક દિવસ એ રાતના બાર વાગ્યા સુધી એકલી બેઠી રહી અને છેવટે બુદ્ધિ પર લાગણી હાવી થઇ ગઈ અને લાગણી જીતી ગઈ હતી અને એક પાગલને સાજા કરવાવાળી મંદા પોતે જ પાગલ થઇ ગઈ!! કોઈને ઓળખતી નહિ કશુય બોલે નહિ બસ રડ્યા કરે!!!રડ્યા જ કરે !! ચહેરા પર દુખની એવી રેખાઓ અંકાઈ જાય કે જોવા વાળાની આંખમાંથી આંસુ નીકળી જાય!!
આમ તો નિયમિત રીતે જ્યોતિ હોસ્પીટલમાં ફોન કરતી અને મંદાકિનીના સમાચાર પૂછતી!! થોડા દિવસ પછી એણે ફોન કર્યો તો કોઈએ જવાબ ના આપ્યો. !! બે દિવસ પછી પાછો ફોન કર્યો તો ડો, ચંદ્રા એ કીધું કે રોંગ નંબર છે !! પરાણે પરાણે એક બીજી નર્સે એને વાત કરી કે મંદા પાગલ જેવી થઇ ગઈ છે અને એ ચોંકી ઉઠી !!

“ દીપક મારે અનુપ નગર જવું પડશે,મંદાકીની બીમાર છે, તું ડ્રાઈવર ને કહી દે કાલે જ નીકળવું પડશે”

અનુપ નગર પહોંચીને મંદાકિની ની સ્થિતિ જોઇને જ્યોતિ ચોંકી ઉઠી. ચહેરો સાવ કરમાઈ ગયેલો અને કોઈને ના ઓળખે.કશું બોલે જ નહિ બસ રડ્યા કરે!!

“ડો. હું આમને મારી સાથે લઇ જવા માંગુ છું , મારી ઘરે રાખીશ, સારા સારા ડોક્ટર્સ ને ઘેર બોલાવીશ , સાજી કરીને રહીશ” જ્યોતિએ ડો. ચંદ્રાને કહ્યું.

“ અમુક દર્દીઓ ગાંડા જ સારા જ્યોતિબેન , ભાનમાં આવે તો હેરાનગતિ છે , ગાંડપણના પણ અમુક ફાયદા છે , મને તમારી પર વિશ્વાસ છે લઇ જાઓ , સેવા કરો , એને ઓછામાં ઓછું કષ્ટ થાય તો ય ઘણું છે બાકી હું ઈચ્છું છું આવું કોઈની સાથે ના થાય તમને ખબર છે અમે મેડીકલ સાયંસ વાળા આખું શરીર ચીરી નાખીએ તો પણ અમને કશું ના થાય પણ આ મંદાને જોઇને અમે ડરી જઈએ છીએ”

ડો. સાહેબે ફોર્માલીટી પૂરી કરી અને મંદાકિની જ્યોતિ સાથે અમદાવાદ આવી. એક અલગ ઓરડામાં રાખવામાં આવી , અને જ્યોતિએ પોતાનો દૈનિક ક્રમ જ બદલાવી નાંખ્યો. સવારથી સાંજ સુધી એ લગભગ મંદા પાસે હોય!! એને નવરાવવી , ખવરાવવી આ બધી જ ક્રિયાઓ એ રસ સહીત કરે છે!! ઘણાએ કીધું કે સારી હોસ્પીટલમાં મૂકી દો પણ જ્યોતિ ના પાડે અને કહે કે નહીં મંદા રહેશે તો મારી સાથે જ!! દીપક પણ જ્યોતિને પુરતો સધિયારો આપે છે !! મિશ્રાજીએ શરુ કરેલ ઉપકારચક્ર જ્યોતિ સંભાળી રહી છે!!
નવરાત્રીનો સમય છે!! આંબાવાડીમાં રાબેતા મુજબ ગરબા શરુ છે. બીજા માળે ગેલેરીમાં જ્યોતિ છે એણે પોતાની પાસે મંદાને બેસાડી છે!! મંદા હવે ખુબ ઓછું રડે છે!! શરીર સુધરવા લાગ્યું છે!! એ કયારેક હશે છે!! બહુ જ ઓછું રડે છે!! જ્યોતિની દીકરી સંધ્યાએ ગાવાનો વારસો જાળવ્યો છે!! જ્યોતિનો હાથ મંદાના માથા પર ફરે છે સંધ્યા ગાઈ રહી છે!!

“અમર તું રાખજે માં માં મારી ચૂડીને ચાંદલો!!
સુંદર મનની લાલ પહેરી મેં ચુંદડી!!
અભિલાષા પુરજે મા , મા મારો ચૂડીને ચાંદલો
અખંડ રાખજે મા , મા મારી ચૂડીને ચાંદલો!!

લેખક:- મુકેશ સોજીત્રા તા ૨૭/૬/૨૦૧૭ મંગળવાર
૪૨, શિવમ પાર્ક સોસાયટી ,સ્ટેશન રોડ ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ

આપ સૌને મારી આ નવલિકા કેવી લાગી કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી