દરેક માતા-પિતાએ વિચાર કરવા જેવી એક સત્ય ઘટના…જો જો મોડું ના થઇ જાય

દરેક માતા-પિતાએ વિચાર કરવા જેવી એક સત્ય ઘટના…જો જો મોડું નો થઇ જાય

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો એક બાળક એને ઉદભવતા પ્રશ્નોની ચર્ચા એના મામા સાથે કરે. અભ્યાસને લગતો પ્રશ્ન હોય કે પછી બીજી કોઈ મૂંઝવણ હોય તો મામાને ફોન કરીને વાત કરે. મામા એને પ્રેમથી વાત કરીને સમજાવે.

એકવખત મામાએ પૂછ્યું, “બેટા, તું મને કોલ કરે છે એના કરતાં તારા મમ્મી-પપ્પાને જ પૂછી લેતો હોય તો ? એ તો રોજ તારી સાથે જ હોય તો એની પાસેથી જ તારા પ્રશ્નનું નિરાકરણ મેળવી લેતો હોય તો ?” બાળકે કહ્યું,”મામા, હું પહેલા એમ જ કરતો હતો.” મામાએ પૂછ્યું, “તો પછી હવે કેમ પૂછવાનું બંધ કરી દીધું ?”

છોકરાએ કહ્યું,”હું કંઈપણ પૂછું એટલે મમ્મી કે પપ્પા પહેલા એમ જ બોલે આવી સામાન્ય વાતની પણ તને નથી ખબર ? સાવ ડોબા જેવો છે ? મારા સવાલનો જવાબ તો પછી મળે પણ અપમાન પહેલા થાય. મને ખબર ના પડતી હોય તો જ પૂછતો હોવ. મને વારે વારે આવા અપમાનજનક શબ્દો સાંભળવા ગમતા નથી. આ શબ્દો મને વાગે છે એટલે એને પૂછવાનું જ બંધ કરી દીધું. કાંઈ પૂછું તો અપમાન કરે ને ?”

મિત્રો, તમારા સંતાનો એના પ્રશ્નો તમારી પાસે રજૂ ના કરે અથવા રજૂ થતા પ્રશ્નોની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય તો મારા સંતાનોને કોઈ સવાલો જ નથી એમ માનીને હરખાતા નહીં શક્ય છે કે પ્રશ્નો તો ખૂબ હશે પણ પ્રશ્નો રજૂ કરી શકાય એવો આપણો સ્વભાવ નહીં હોય.


માત્ર 11 અને 13 વર્ષની ઉંમરના બે બાળકો થોડા દિવસ પહેલા જ મમ્મીને મૂકીને રાજકોટથી કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને દાદી પાસે પહોંચી ગયા એ ઘટના સમાજને અને દરેક પરિવારને ઘણો મોટો સંદેશો આપી જાય છે.

લેખક : શૈલેશ સગપરીયા

જીવન ઉપયોગી પ્રેરણાદાયી વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ

ટીપ્પણી