રાજ્યનો મુખ્યમંત્રી કેવો હોવો જોઈએ, વાંચો આ સ્ટોરી બધુ સમજાઈ જશે

ઘણા વર્ષો પહેલા ની વાત છે. કુબેર રાજ્ય માં રાજા મહંત રાજ્ય કરતા હતા. રાજા ખૂબજ પ્રજાપ્રેમી, દયાળુ અને નમ્ર હતા. રાજા મહંત દૂર દૂર ના રાજ્યો માં પોતાની ન્યાય પસન્દગી ને  ઉદાર સ્વાભાવ માટે પ્રખ્યાત હતા. પોતાના રાજ્ય ના દરેક નાગરીક ની જરૂરિયાતો ને  પૂર્ણ કરવા અને એમની સમસ્યાઓ ને ઉકેલવા  તેઓ સદા તત્પર રહેતા. રાજ્ય ના નાગરિકો ના જીવન વિકાસ થીજ રાજ્ય નો વિકાસ શક્ય બને, એજ એમનો સાશન મંત્ર હતો.

 

રાજા મહંત ને પોતાનું સાશન યોગ્ય રીતે ચલાવવામાં એમના દરબારી મંત્રીઓ પોતપોતાની રીતે અમૂલ્ય યોગદાન આપતા. રાજા મહંત પણ રાજ્ય ના દરેક આર્થિક , સામાજિક અને રાજનૈતિક નિર્ણયો લેવા પહેલા પોતાના રાજ્ય મંત્રીઓ સાથે અચૂક ચર્ચા વિચારણા કરી, એમના મંતવ્યો ખુબજ ધ્યાનપૂર્વક સાંભળતા. ખાસ કરી એમના મુખ્ય મંત્રી  કુબેર જી સાથે તેઓ રાજ્ય ની દરેક બાબતો અંગે વાર્તાલાપ કરતા. મુખ્ય મંત્રી કુબેરજી રાજા મહંત ના પિતાજી ના રાજ કાર્યભાર સમય થી રાજ્ય ને પોતાની સેવા આપતા આવી રહ્યા હતા. બે પેઢી ના રાજ કાર્યભાર સાથે સેવા નો એ અનુભવ ફક્ત દરબારીઓ ના હૃદય માં જ નહીં રાજા મહંત ના હૃદય માં પણ કુબેરજી માટે અનન્ય આદર ને સન્માન સ્વરૂપ માં ઉપસ્થિત હતો.

 

પણ હવે કુબેરજી ની  વધતી ઉંમર , શારીરિક અશક્તિ અને વારંવાર  ની માંદગીઓ રાજા મહંત માટે મોટી ચિંતા નો વિષય બની રહી હતી. રાજ્ય ના કારભાર ની જવાબદારી નિભાવવા માં આ વડીલ ની દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવી મંતવ્યો અનન્ય મહત્વ ધરાવતા હતા. છેલ્લા એક અઠવાડિયા થી કુબેરજી માંદગી માં સપડાયા હતા. ઘરડી ઉંમર હવે ઔષધિ નો સાથ આપી રહી ન હતી. રાજ વૈદ્ય પણ એમની પરિસ્થિતિ માં સુધાર અંગે ની આશ છોડી ચુક્યા હતા. પોતાની પાસે હવે બહુ સમય રહ્યો  નથી એ કુબેર જી ની અનુભવી દ્રષ્ટિ કળી ચૂકી હતી. તેથી એમણે રાજા  મહંત  ને મળવાની ઈચ્છા જાહેર કરી. એમની પ્રત્યે ના માન ને આદર ની ભાવના થી દોરાય રાજા મહંત શીઘ્ર એમને મળવા પહોંચી ગયા. મંત્રી કુબેરજી ની પરિસ્થિતિ જોઈ રાજા મહંત ખૂબજ દુઃખી અને ચિંતિત થઇ ઉઠ્યા . પોતાની ચિંતા અને દુઃખ વ્યક્ત કરતા

એમણે મુખ્ય મંત્રી ને કહ્યું :

 

” કુબેર જી , આપની આ હાલત નિહાળી હું ખુબજ દુઃખી છું. આપના પછી આ રાજ્ય ને ફરી એવો ન્યાય પ્રિય અને પ્રામાણિક મુખ્ય મંત્રી ક્યાં થી મળશે ?”

 

રાજા મહંત ની ઉદાસીનતા ને ચિંતા નિહાળી મંત્રી કુબેર એમને આશ્વાસન આપવા લાગ્યા :

 

” જેવા રાજા એવી  જ પ્રજા. આપના જેવા શુરવીર, પ્રેમાળ ને વિશાળ હય્યા ધરાવનાર રાજા ની પ્રજા પણ એટલીજ પરિપક્વ છે. મારા કરતા પણ વધુ કુશળ અનેક મંત્રીઓ આપને મળી રહેશે એવી મને આશા છે .”

 

પોતાના મન નું વિચાર મંથન રાજા મહંત  મંત્રી કુબેર જી આગળ મૂકી રહ્યા :

 

” પરંતુ રાજ્ય કારભાર ની સૌથી મહત્વ ની ફરજ કોઈ પણ હાથ માં કઈ રીતે સોંપી દેવાય ? આમતો દરબાર ના બે મંત્રીઓ પ્રતાપ સિંહ અને દિગ્વિજય પસંદગી ના વિકલ્પ  ની યાદી માં શ્રેષ્ઠ દ્રષ્ટિમાન થાય છે. પણ એ બન્ને પૈકી કોણ શ્રેષ્ઠ ? આજ સુધી દરેક મહત્વ ના રાજનિર્ણયો માં આપનું માર્ગદર્શન જે રીતે સાર્થક નીવડતું રહ્યું છે , એજ પ્રમાણે આ સમસ્યા ના નિવારણ માટે આપજ કોઈ પ્રયુક્તિ સુઝાવશો એવી આશા રાખું છું .”

 

રાજા મહંત ની મૂંઝવણ સાંભળી મંત્રી કુબેરજી એ પોતાના અનુભવી બુદ્ધિ ચાતુર્ય થી ,ખુબજ રહસ્યાત્મક શૈલી માં ફક્ત રાજા મહંત જ સાંભળી શકે એ પ્રમાણે પોતાનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું.

 

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

 

એ માર્ગદર્શન ને અનુસરી બીજેજ દિવસે રાજા મહંતે રાજ્ય માં ઢંઢેરો પિટાવી એક સ્પર્ધા ની જાહેરાત કરાવી. મુખ્ય મંત્રી ના પદ માટે પ્રતાપસિંહ અને દિગ્વિજય વચ્ચે એક દોડ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેને અનુલક્ષી રાજદરબાર થી બે વિરુદ્ધ દિશાઓ માં ,સમાન અંતરે ,વન્ય વિસ્તાર ની નજીક બે ધજાઓ ફરકાવવા માં આવી. પ્રતાપસિંહ અને દિગ્વિજય  ને એકબીજા થી વિરુદ્ધ દિશા માં પણ સમાન અંતરે ફરકાવાયેલ એ ધજાઓ ને વન્ય વિસ્તાર માં થી દોડતા લઇ આવી રાજદરબાર માં પરત થવાનો આદેશ આપવામાં આવ્યો. જે સૌ પ્રથમ ધજા લઇ રાજદરબાર માં પહોંચશે એજ રાજ્ય નો નવો મુખ્ય મંત્રી !

 

સ્પર્ધા નિહાળવા આતુર રાજ્ય ના નાગરિકો થી રાજદરબાર છલોછલ હતો. રાજા મહંત નો આદેશ મળતાજ પ્રતાપસિંહ અને દિગ્વિજય  એ પોતપોતાની દિશાઓ તરફ ડોટ મૂકી. સમગ્ર રાજદરબાર  આતુરતા અને વિસ્મય થી સ્પર્ધા નું પરિણામ જાણવા ઉત્સુક હતું. રાજ્ય નો નવો મુખ્ય મંત્રી કોણ બનશે ? દોડ સ્પર્ધા માં કોની જીત થશે ? દિગ્વિજય કે પ્રતાપ સિંહ ?

 

થોડાજ સમય પછી પ્રતાપસિંહ હાથ માં ધજા સાથે રાજદરબાર માં પહોંચી ગયા. આખું રાજદરબાર તાળીઓ થી ગુંજી રહ્યું.  નવા મુખ્યમંત્રી ને શુભેચ્છઓ પાઠવવા માં આવી. પરંતુ રાજા મહંત મૌન પૂર્વક દિગ્વિજય ની રાહ જોઈ રહ્યા. દરબારીઓ ના આશ્ચર્ય વચ્ચે ઘણા સમય ના તફાવત ને અંતે દિગ્વિજય ધજા લઇ દરબાર માં પહોંચ્યા. રાજા મહંત એ  દિગ્વિજય ને મોડું પડવાનું કારણ પુછતાજ ડોકું નીચું નમાવી દિગ્વિજય પોતાની હાર નમ્રપણે સ્વીકારી રહ્યા :

 

” સ્પર્ધા ના નિયમોનુસાર પ્રતાપસિંહ પ્રથમ આવી આ સ્પર્ધા ના સ્પષ્ટ વિજેતા બને છે. કોઈ પણ કારણ ને હું મારા પરાજય નું બહાનું ન જ બનાવી શકું.”

 

એજ સમયે બે યુવાનો રાજદરબાર માં પ્રવેશી રાજા મહંત આગળ ઉભા થયા. એમને નિહાળતાંજ પ્રતાપસિંહ અને દિગ્વિજય બન્ને ચોંકી ઉઠ્યા. કોઈ કાંઈ સમજે એ પહેલાજ બન્ને યુવાનો રાજા મહંત ના કાન માં કોઈ ગુપ્ત જાણકારી આપી રહ્યા. એ સાંભળતાજ રાજા મહંત ના ચ્હેરા પર ગર્વ યુક્ત હાસ્ય છવાઈ ગયું. રાજગાદી પર થી ઉભા થઇ એમણે વિજેતા ની જાહેરાત કરી :

 

” આ સ્પર્ધા માં વિજયી બની દિગ્વિજય રાજ્ય ના નવા મુખ્ય મંત્રી નિયુક્ત થાય છે !”

 

આખું રાજદરબાર દંગ રહી ગયું. પ્રતાપસિંહ સ્પષ્ટપણે પ્રથમ ક્રમાંક મેળવ્યા છતાં દિગ્વિજય ને નવા મુખ્ય મંત્રી નું પદ કઈ રીતે મળી ગયું? બધાની આંખો માં ડોકાઈ રહેલ મૂંઝવણ ને આશ્ચર્ય ને દૂર કરતા રાજા મહંતે મંત્રી કુબેરજી ની બુદ્ધિ કૌશલ્ય નું રહસ્ય ખોલ્યું :

 

” પ્રતાપસિંહ અને દિગ્વિજય ની દોડ સ્પર્ધા વાસ્તવ માં એમના હૃદય માં વસેલી માનવતા ની પરખ કસોટી હતી. મારી સામે આવી  ઉભેલ આ બન્ને વ્યક્તિઓ પહેલેથીજ એમના માર્ગ માં છુપાઈ બેઠી  હતી. એમને આપવામાં આવેલ આદેશ અનુસાર ઈજાગ્રસ્ત હોવાનો ઢોંગ રચી  મદદ ની પુકાર કરી રહી હતી. દોડ સ્પર્ધા જીતવાની લાલચ માં પ્રતાપસિંહ મદદ ની એ પુકાર ને અવગણી , પોતાની ધજા લઇ સીધા રાજદરબાર પહોંચી ગયા. જયારે દિગ્વિજયે પોતાની હાર ના ડરે એ ઈજાગ્રસ્ત વ્યક્તિ ને ન અવગણતા , બધુજ પડતું મૂકી પોતાના  માનવધર્મ ને અગ્રતાક્રમ આપી ,એક અજાણી વ્યક્તિ ને મદદ કરી વૈદ્ય પાસે પહોંચાડી. માનવતા ની સેવા એજ માનવી નો પરમ ધર્મ . જે પોતાના સ્વાર્થ ખાતર અન્ય ના દુઃખ ને અવગણે એ મારા રાજ્ય નો સેવક નજ બની શકે !”

 

રાજા મહંત ના શબ્દો થી પ્રતાપસિંહ ની દ્રષ્ટિ શરમ થી ઝૂકી ગઈ.દિગ્વિજય ની આંખો માં સંતોષ ની લહેર ફેલાય ગઈ. આખરે જે અન્ય ના દુઃખ ને સમજે એ કદી દુઃખી કે નિષ્ફ્ળ નજ થાય ! માનવસેવા એજ  એકમાત્ર ધર્મ ને  કર્તવ્ય! રાજા મહંતે દિગ્વિજય ને મોટા ઇનામ થી નવાજ્યા અને એમને રાજ્ય ના નવા મુખ્ય મંત્રી નું પદ  ગર્વપૂર્વક સોંપ્યું. રાજા  મહંત જાતે એમને મંત્રી કુબેર ના આશીર્વાદ અપાવવા લઇ ગયા. સાચેજ ,જે સ્વાર્થ ત્યાગી  કર્તવ્ય ને સ્વીકારે એજ સાચી માનવતાની ઓળખ……..

ટીપ્પણી