જિંદગીનું છેલ્લું ચેપ્ટર…!! – અચૂક વાંચવા જેવી વાત !!

એ રાતે કિશોરભાઈની આંખો આંસુ રોકી શકે એમ નોહતી, જ્યારે તેમના એકને એક દીકરા અનીલએ કહી દીધું…!! પપ્પા કાલથી તમારે ફિલિંગ હાઉસમાં રહેવા માટે જવાનું છે. મેં ત્યાં તમારું નામ નોંધાવી દીધું છે. રિશીત ૧૦માં ધોરણમાં છે. જો તમે અહીં રહેશો તો એ વાંચી નહિ શકે..!!
આંસુ ભરેલી આંખે કિશોરભાઈએ તે ઘરમાંથી કઈ જ બોલ્યા વગર વિદાય લઇ લીધી. ફિલીંગ હાઉસમાં આવ્યા એ વાતને આજે ૫ વર્ષ નીકળી ગયા. એ પછી જાણે તેમને લખવાનો એક શોખ જાગ્યો હોય એમ આજે એ પોતાના વિશે એક પન્નામાં લખી રહ્યા હતા ટાઈટલ આપ્યું, “જિંદગીનું છેલ્લું ચેપ્ટર”…!!

જયારે હું ૬૦નો થયો ને, કાકા તમારી હવે ઉંમર થઇ, કંપનીની પોલીસી પ્રમાણે હવે તમે અહિયાં ફરજ બજાવી શકો એમ નથી. મેં આપણા શેઠને વાત કરી છે તમે જે રીતે કંપની પ્રત્યે વફાદાર અને ઈમાનદાર રહ્યા છો એ રીતે, તમને પેન્સન મળી રહે એવી વ્યવસ્થા ગોઠવી દેશે એવું શેઠે કહ્યું છે. ટેકમેક્ષ લિમિટેડ – ટેક્ષટાઈલ કંપનીનાં એચ.આર મેનેજરએ મને રીટાયર્ડમેન્ટનો ઓર્ડર આપતા કહ્યું. કઈ વાંધો સાહેબ જેવી કંપનીની પોલીસી..!! મેં તેમને પ્રતિઉત્તર આપ્યો..

એ સાંજે ૬ વાગે કંપનીના અંતિમ દિવસે બધા સ્ટાફ મેમ્બરને પ્રેમથી આવજો કહી વિદાય આપી. વર્ષોથી વાપરી રહેલા એ બજાજનાં ખખડેલા સ્કુટર પર ને ચહેરા પર રોજની જેમ મીઠી સ્માઈલ અને મારું મનપસંદ ગીત “પલ-પલ દિલ કે પાસ તુમ રહેતી હો..” ગાઈને કંપનીથી ઘર સુધીની એ સફરનો હું આનંદ લઇ રહ્યો હતો. સાથો સાથ વિચારી રહ્યો હતો કે શેઠ ઘણાં સારા કહેવાય કે કંપનીની પોલિસી વગર મને પેન્સનની વ્યવસ્થા કરી આપી..!!

હું ઘરે પહોચ્યો… રોજની જેમ આજે પણ મારી પ્રેમાળ પત્ની રંજનને મારો આવવાનો ટાઇમ ખબર હોય એમ તેણે મારા માટે ગરમ ગરમ ચા તૈયાર રાખી હતી. બધા સામે આ પત્રમાં આજે કન્ફેસ કરું છું કે “મારી પત્ની રંજન સિવાય મને હજુય કોઈની ચા ભાવતી નથી…!!” આ વાક્ય હું તેને નથી કહી શક્યો એ વાતનું જોકે મને દુઃખ છે..!! પણ એને ખબર જ હશે એવો મને વિશ્વવાસ પણ છે કારણ કે મને રગેરગથી ઓળખતી મારી રંજન.
અમે બંને બીજા કોઈ તહેવાર ઉજવીએ નાં ઉજવીએ ૪ દિવસ તો અચૂક ઉજવતા, મારો જન્મ દિવસ, મારી રંજનનો જન્મ દિવસ, અનિલનો જન્મ દિવસ અને અમારી લગ્નની એનિવર્સરી. ૬૧માં વર્ષનાં એ મારા જનમ દિવસને ઉજવવા માટે, મારા ખટારા જેવા સ્કુટર પર રંજન અને હું અમદાવાદની એક મિડલ ક્લાસ માણસને પરવળે એવી રેસ્ટોરન્ટમાં ગયા અને પછી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ આગળ લગભગ રાતના 12 વાગ્યા સુધી બેઠાં અને જૂની વાતો વાગોળી, ઘૈડે-ઘડપણ પણ મે તેને ગાલ પર પપ્પી કરી અને હગ કર્યું.

જિંદગીભર સાથે રહેવા બદલ મેં તેનો આભાર માન્યો. પાછા ફરતી વખતે મેં તેને ફાઈનલી કહી પણ દીધું કે રંજન, જો આજે મારા ૬૦ વર્ષ પુરા થયા અને કાલથી કંપનીની પોલિસી પ્રમાણે મારે કંપની જવાનું નથી પણ તોય સાંજે ૬ વાગે તારે મને ચા તો પીવડાવી જ દેવાની…!! હાય હાય તો હવે શું કરશું ? રંજનને જાણે ફાળ પડી હોય એમ કહ્યું. રંજન થોડું ઘણું પેન્સન આવશે એવી વ્યવસ્થા કંપનીએ કરી આપી છે અને શું કહું છું ? આપણો દિકરો અનિલ રાજકોટ છેને આપણે ત્યાં રહેવા માટે જતા રહીશું. એમ પણ રીશિતની(વ્યાજનું વ્યાજ-મારો પૌત્ર) મને બહુ યાદ આવે છે. મને પણ રંજને કહ્યું.

મારો દીકરો અનીલએ મેનેજરની સારી પોસ્ટ પર છે. એક બાપ દીકરાને કદીય બદનામ કરે ખરો ? તો હું અહિયાં તેનાં વિશે કઈ ખરાબ લખી શકું એમ નથી..!! હું અને રંજન મારી નિવૃત્તિ પછી અનિલને ત્યાં રહેવા તો ગયા..પણ સતત મને અને એને એવું લાગ્યા કરતુ કે અમે કોઈ અજાણ્યાને ત્યાં રહેવા આવ્યા છીએ. બે મહિનામાં જ મારી રંજનને હાર્ટ એટેકનો હુમલો આવ્યો અનેક પ્રયત્નો છતાંય ડોક્ટર તેને બચાવી શક્યા નહિ.. સાલું એ દિવસે તો હું સાવ એકલો થઇ ગયો એવું ફિલ થયું. અધૂરામાં પૂરું મારા દીકરાએ મારું નામ આ ફિલિંગ હાઉસ નામના વૃદ્ધાશ્રમમાં નોંધાવી દીધું. દીકરાની ઈચ્છાને નાનપણથી જ સર આંખો પર રાખી છે એટલે તેની આ ઈચ્છાને મારાથી કેમ નકારી શકાય ?

બસ ત્યારથી જ અહિયાં ફિલિંગ હાઉસમાં મારું જીવન મસ્ત ચાલી રહ્યું છે…!! ભગવાન દરેકને માટે કોઈ એકલતાનો સાથીદાર શોધી દેતું હોય છે એમ..!! ફિલિંગ હાઉસમાં મને મારી નવી દોસ્ત ચંચળ મળી, રંજન મારો પહેલો પૂરો પ્રેમ અને ચંચળ એ બાકી રહેલી અધુરી જિંદગીનો પ્રેમ. આ ફિલિંગ હાઉસના વડલા નીચે રહેલા બાંકડે, અમે બંને દુઃખી ડાળના, બે પંખી રોજ સાંજે એકબીજા સાથે એકબીજાનાં દુઃખ શેર કરીએ છીએ અને સાચું કહું તો એટલે જ બંનેના જીવનની ડાળ ટકી છે..!! નહીતો ખબર નહિ શું થાત મારું અને તેનું…!!

આ લખતા લખતા..!!

કિશોર લાવો તમારી મેલી થયેલી ચાદર ધોઈ આપું. ચંચળબહેને કિશોરભાઈને કહ્યું. કિશોરભાઈએ તેને નાં પાડી અને કહ્યું અરે ચંચળ હું જાતે ધોઈ લઈશ, તું શું કામ હેરાન થાય છે. અરે એમાં શું હેરાન, લાવો ને એમ કહીને ચંચળબહેને એમ નટખટાઈથી, એમ કિશોરભાઈના કરચલીવાળા ગાલ પર હાથ ફેરવીને કિશોરભાઈની મેલી ચાદર ખેંચી, કિશોરભાઈએ લખેલું પાનું ઉડ્યું, રેડિયો પર “પલ-પલ દિલ કે પાસ તુમ રહેતી હો..” એવું સોંગ વાગ્યું, ફિલિંગ હાઉસ વૃધાશ્રમનો ઝાંપો ખખડ્યો, દુરથી એન્ટર થતું નવું એક વૃદ્ધકપલ દેખાયું અને નવું ચેપ્ટર શરુ…!!!

લેખક : જય ગોહિલ…!

ટીપ્પણી