મુકેશભાઈ સોજીત્રાની ખુબ સુંદર લાગણીસભર વાર્તા….

“ છેલ્લી શરત”

અને ગામ આખું ખળભળી જ ગયું, રીતસરનું હલબલી જ ગયું જ્યારે ગામમાં સમાચાર ફેલાણા કે નવનીતરાયની અવનિ એ પોતાના લગ્ન માટે બાજુના શહેરના ધનપતરાયના સુપુત્ર તરુણ ઉપર પસંદગી ઉતારી છે. ગામ લોકો અચંબામાં હતાં કે આ કોઈ કાળે બને જ નહિ. ક્યાં ફૂલ જેવી કોમળ અને સંસ્કારી અને આખા ગામનું ગૌરવ ગણાતી અને એમ ઈંગ્લીશ સુધી ભણેલ અવનિ અને ક્યાં તરુણ ટાંગેવાલા!! હા ધનપતરાય પાસે પૈસો પુષ્કળ હતો. તરુણ એમનો એક દીકરો અને એય ધનપતરાય ને મોટી ઉમરે કંઇક માનતાઓ માનેલી અને પછી જ આ તરુણનો જન્મ થયેલ! તરુણ નાનપણથી જ જીદ્દી કોઈનું માને જ નહિ. આમેય માનતાના માનેલ દીકરા લગભગ કોઈનું માનતા ન હોય! જીભ સહેજ તોતડાતી એનોય વાંધો નહિ પણ જન્મથી જ એક પગ સહેજ ટૂંકો એટલે બધાં એને તરુણ ટાંગેવાલા જ કહે! આમ તો તરુણને ચાલવામાં કોઈ ખાસ તકલીફ ના પડતી અને બહુ ધ્યાનથી જુઓ તો જ ખ્યાલ આવે કે એનો એક પગ સહેજ ટૂંકો છે. લોકો એની પીઠ પાછળ જ એને તરુણ ટાંગેવાલા કહેતા બાકી મોઢે કહેવાની હિંમત તો નહોતી! એમાં કારણ એટલું જ ધનપતરાય ધનવાન હતાં. અને ધનવાનની જરૂર સહુને પડે જ ને!!

ગામડાં ગામમાં રીવાજ છે કે કોઈ આવું અણધાર્યું સગપણ થાય ને એટલે એ લોકોમાં સીબીઆઇ અને પત્રકારત્વનો આત્મા ઘુસી જાય અને સહુ પોતપોતાની રીતે પિસ્ટપીંજણ જેવું પોસ્ટમોર્ટમ શરુ કરી જ દે!! ગામનો ચોરો અને બજરંગદાસ બાપુના ઓટે આવું જ પિસ્ટપીંજણ શરુ થયું.

“ભાઈ પૈસો એટલે પૈસો, એની આગળ કોઈ ના આવે!! ધનપતરાયે નોટોની થોકડી મૂકી દીધી છે નવનીતરાયની આગળ અને એ બાપ દીકરી માખણ ચુલા પર ઓગળે એમ જ ઓગળી ગયાં!! બાકી અવનિ માટે સારા સારા માંગા આવી ગયાં અને આ લખણનો પૂરો એવો તરુણ ટાંગેવાલા ને અવનિ પસંદ કરે એ વાતમાં માલ નથી આમાં તો મોટી ડિલ થઇ છે ડિલ!! તમને એમાં ખબર ના પડે!! વજુએ તમાકુ ચોળતા ચોળતાં પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.

“એમાં એવું નથી અવનીને એના કરમ નડ્યા. બહુ હોંશિયારી મારતી હતી. એની બહેનપણીઓના સંબંધ થતાં હતાં ત્યારે એ બધાં જ મુરતિયાની ઠેકડી ઉડાડતી હતી તે ભગવાને એને પણ લાકડે માંકડું વળગાડી દીધું તે ભલે ને અવનિ લેતી જાય હવે!! ચકલી કેટલાય દિવસથી ફૂલેકે ચડી હતી તે હવે બરાબરની ભટકાઈ ગઈ” સોમો બોલ્યો. સોમો આખા ગામનું ધ્યાન રાખતો અને આખા ગામના દીકરાની બદબોઈ એ કરતો. જોકે સોમાની એકની એક દીકરી ભાગી ગઈ હતી. કોની સાથે ભાગી ગઈ અને અત્યારે ક્યાં છે એની પણ સોમાને ખબર નહોતી તેમ છતાં સોમો આવી ખણખોદનો એક પણ મોકો ચૂકતો નહિ.

“ આમાં એવું છે ને કે સંબંધ નાનપણથી જ થઇ ગયો હતો. વરસો પહેલાં નવનીતરાય ખોટમાં ગયાં હતાં ત્યારે એને ધનપતરાયે જ ખોબલે અને ખોબલે મદદ કરી હતી ને ત્યારે જ અવનીનો સંબંધ નક્કી થઇ ગયો હતો તરુણ સાથે. આ તો અત્યારે જાહેર કર્યું. અવનીએ ના પાડી તો એના બાપાએ ધમકી આપી એટલે છોકરી બિચારી કરે પણ શું? સમજુ છોકરી ભાગી નહિ એટલી ખાનદાની બાકી આ સંબંધ કોઈ કરે જ નહિ, પૈસો હોય તો શું થઇ ગયું. એનાંથી થોડી જીંદગી પૂરી થઇ જાય છે!!, પૈસો તો હાથનો મેલ છે આજ છે ને કાલ નથી. સાચી કીમત માણસાઈ ની છે.” ઉદાએ પોતાનું બ્રહ્મજ્ઞાન રજુ કર્યું. ઉદાના ઘરમાં ઉંદરડા પણ આપઘાત કરે એવી સ્થિતિ હતી. ક્યારેક ટંક છાંડી જાય એવી સ્થિતિ પણ તોય એની જીભડી તો શરુ જ રહેતી. અને આમેય મારું નિરિક્ષણ છે કે પૈસો હાથનો મેલ છે આજ છે ને કાલ નથી બોલવા વાળા મોટે ભાગે કકડાબાલુસ જ હોય છે અને લુખ્ખેશ જ હોય છે. જેની પાસે પૈસા છે એ ક્યારેય આવું બોલતાં નથી. આમ ચોરે અને ચૌટે જેટલાં મોઢા એટલી વાતો થવા લાગી.!! દીકરી નવનીતરાયની!! પસંદગી એમની હતી!! તોય ગામ આખાને બળતરા ઉપડી હતી!! ગામમાં ખુબ જોર શોરથી વાતો થવા માંડી!!

અવનીની બહેનપણીઓ જે સાસરે ગઈ હતી એના ફોન આવવા માંડ્યા સહુ એને ખીજવતા પણ અવનિ બધાને હસીને જવાબ દેતી!! કોઈ એને પૂછતું કે કોઈ નહિ અને તને આ “તરુણ ટાંગેવાલા” જ મળ્યો પણ તોય અવનીના જવાબમાં કોઈ ફેરફાર ના પડતો કે ના એની મોઢાની હસ્તરેખા બદલાતી કે ના સહેજ પણ દુઃખ થાતું.. નવનીતરાયે પણ આખરી મોહર મારતા પહેલા અવનીને ચેતવી હતી.

“દીકરા અવનિ તું હજુ વિચાર કરી લે , મને તો તારી પસંદ સામે કોઈ વાંધો નથી, પણ લોકો વાતો કરશે એટલે કોઈ લાગણીમાં તણાયા વગર જે નિર્ણય લેવો હોય એ લઇ લે જે”

“ ના પાપા એ લોકો મને જોવા આવ્યા ત્યારે મેં એમને અને આપને ફેંસલો સંભળાવી દીધો હતો. કે મને આ સંબંધ પસંદ છે અને લોકો તો વાતો કરવાના જ !! એ લોકોને વાતો કરવા સિવાય બીજો ધંધો હોતો નથી. ભગવાને જીવન જીવવા માટે આપ્યું છે પણ અમુક લોકો બીજાની બદબોઇમાં જ જીવન ગાળે છે.

“પણ દીકરા અવનિ તે જે પાત્રને હા પાડી એમાં મને તો કોઈ ખૂબીઓ તો દેખાતી નથી, આ તો એક સબંધીનું ખુબ જ દબાણ હતું એટલે મેં એને તને જોવા માટે બોલાવ્યાં અને તે હા પણ પાડી દીધી!! કોઈ એવી બાબત એ છોકરામાં આંખે ઉડીને આવે એવી નથી જ” નવનીતરાયે પ્રેમથી અવનીને સમજાવતા કહ્યું.

“એવું થોડું છે પાપા કે ખૂબીઓ થી જ પ્રેમ જન્મે!! ક્યારેક સામેના માણસની ખામીઓ થી પણ પ્યાર થઇ જાય છે, તમને હું ખાતરી આપું છું પાપા કે મારી પસંદગી પર તમને ગર્વ થશે એક દિવસ!! અત્યારે જે લોકો વિરુદ્ધમાં બોલે જ છે એના એજ લોકો તમારી અને મારી તરફેણમાં બોલશે. એની હું ખાતરી આપું છું. તમારી દીકરી ક્યારેય દુખી નહિ થાય તમે એ લોકોને ફાઈનલ હા પાડી દો અને મને આશીર્વાદ આપો પાપા” અવનીએ ગર્વથી કહ્યું અને નવનીતરાય એને ભેટી પડ્યા અને એટલું જ બોલેલા કે

“સદા સુખી રહેજે મારી દીકરી”

અને તરુણ જાન લઈને અવનીને પરણવા આવ્યો અને આખું ગામ નવાઈ પામી ગયું. આખા ગામની શેરીઓ મોટરથી ભરાઈ ગઈ. રાતનાં તોરણ હતાં. રાતે છ વાગ્યે વરઘોડો ચડ્યો અને ગામ આખું જોવા ઉમટી પડ્યું. આટલા બધાં ફટાકડા ગામલોકોએ કદી જોયા નહોતા જાણે કે પોષ મહિનામાં ફરીથી દિવાળી ના આવી હોય. બેન્ડવાજા વાળા પણ પૂરબહારમાં ખીલ્યા હતાં.આગળ તરુણના ભાઈબંધો નાચતાં હતાં અને એની ઉપર ધનપતરાય પૈસાનો વરસાદ વરસાવતા હતાં. ગામના ઢોલીઓને પણ જાણે બખ્ખાં બોલી ગયાં બખ્ખાં! સિમેન્ટની ખાલી કોથળીઓ ભરાઈ જાય એટલાં પૈસા ખાલી વરઘોડામાં જ ઉડ્યા હતાં.સહુ ધનપતરાયના બે મોઢે વખાણ કરતાં હતાં. છ વાગ્યે ચડેલો વરઘોડો ઉન્માદમાં હેલા લેતો લેતો નવ વાગ્યે માંડવે પહોંચ્યો. અને પરણેતર રાતે એક વાગ્યે પુરા થયાં. જમવાની વ્યવસ્થા પણ અદ્ભુત હતી. આ જમવાની બધી જ ગોઠવણ પણ ધનપતરાયની જ હતી એમ લોકો છાનામાના વાતો કરતાં.ગામમાં ખાઉધરા ઘણાં હતાં પણ એ લોકો પણ બધીજ આઇટેમ ખાઈ ના શક્યા. કેટલુક ખાવું! ત્રણ વીઘાના રસોડામાં ચારેય બાજુ વાનગીઓનો રસથાળ જ દેખાતો હતો. ગામ આખું જમણવારમાં સામેલ હતું.

રાતના એક વાગ્યે અવનીને વળાવી. નવનીતરાય થોડાં અસ્વસ્થ જણાયા પણ એને દીકરીને વિદાય આપી અને કહ્યું.

“બસ દીકરા સાચવીને રહેજે. સુખી થજે અને સુખી કરજે. મારા ઘરેથી તું જાય છે પણ મને આશા છે કે જ્યાં તું જાય છે ત્યાં સદા સુખનો પ્રકાશ પાથરજે અવનિ દીકરા!! આજે તારી મા હયાત નથી. એ હયાત હોત ને દીકરા તો એને ખુબ ખુશી થાત, પણ તારી માના સંસ્કાર જાળવજે દીકરા હવે તો હું ખર્યું પાન છું, જીવનનું છેલ્લું કાર્ય પતાવી રહ્યો છું, બસ સદા સૌભાગ્યશાળી રહેજે મારા દીકરા સદા સુખી રહેજે”

“બસ બાપુજી બસ તમે તમારી તબિયત સાચવજો” આટલું કહીને અવનિ ખુબ જ રડી.અવની આમ તો એક મજબુત મનની છોકરી હતી. પણ ગમે તેટલું મજબુત મન હોય દીકરી જ્યારે વિદાય થાય છ ને ત્યારે અંતરથી રડતી હોય છે. આજુ બાજુનું વાતાવરણ એકદમ ઘેરી ગ્લાનીમાં છવાઈ ગયું. સફેદ પાનેતરમાં શોભતી અવનિ તરુણ સાથે મોટરમાં ગોઠવાઈ અને તેની સખીઓ મોટરને ઘેરી વળી. બાજુમાં જ તરુણ બેઠો હતો એ સહુની લાગણી જોઈ રહ્યો. અને અવનીએ ગામમાંથી વિદાય લીધી અને પોતાના સાસરીયે આવી.

ગંગોત્રીમાંથી નીકળતી રમતિયાળ અને ચંચળ ગંગા જ્યારે હરિદ્વારમાં આવે છે ત્યારે ધીરગંભીર અને શાંત બની જાય છે એમ સાસરીયે આવીને અવનિ એક દમ સુશીલ અને સભ્યતાથી શોભતી એક સ્ત્રી બની ગઈ. સાસરીયે જાહોજલાલી હતી. સાસુ મંદાબેન અવનીને ખુબ સાચવતા. ધનપતરાયના ઘરે નાણા અને નોકરોની રેલમછેલ હતી. અવનીને કશું જ ના કરવું પડતું. રસોઈયા રસોઈ બનાવી નાંખે. કપડાં ધોવા વાળા કપડાં ધોઈ નાંખે. ધનપતરાયના ઘરે અવનીને સેટ થતા થોડો સમય લાગ્યો. અહી બધાં દસ ની આજુબાજુ જ ઉઠતા. અગિયાર વાગ્યે તો ચા નાસ્તો થતો હતો. બપોરનું ભોજન બે થી અઢીના ગાળા માં લેવાય અને સાંજનું કાઈ નક્કી નહિ કોઈ રાતે બાર વાગ્યે આવે તો કોઈ એક વાગ્યે. અવનિ સવારમાં વહેલા ઉઠી જાય અને આખા ઘરમાં આંટો મારી લે. ઘરનાં નોકરો ના પાડે હાથ જોડે તોય એ રસોડામાં ઘુસી ને રસોઈ કરે ક્યારેક કપડાં ધોવા બેસી જાય. ધનપતરાયને એક ફેકટરી હતી એ સંભાળતા હતાં. તરુણ મહીને બે મહીને ત્યાં આંટા મારે બાકી તો એ ખુશ અને એના ભાઈ બંધ ખુશ!!

શરૂઆતમાં તરુણ ને રીજવવા અવનીએ લાખ પ્રયત્નો કર્યા પણ તરુણ અવનિ પ્રત્યે જરાય લાગણી ના દર્શાવે. યંત્રવત જીવ્યે જ જાય. બસ એના ભાઈબંધો એને શિખામણ આપતાં કે,

“આપણે એને લાવ્યાં છીએ એ આપણને નથી લાવી. પહેલેથી જ દાબ સારો નહીતર બાકી એક વખત એ મગજ પર સવાર થઇ ગઈ પછી આખી જિંદગી એની ગુલામી કરવી પડશે એટલે બાયુંને બહુ ચડાવવી નહિ” આવું કહેવાવાળા ભાઈ બંધો ઘરે પોતાની બૈરી આગળ મિયાની મીંદડી થઇ જતાં. તરુણ પણ જવાબ આપતો.

“એમાં કાઈ ના કહેવું પડે ભાઈબંધો કાઈ ના ઘટે કાઈ! ઘટે તો જિંદગી ઘટે બાકી આપણી વાત હવે ચડી છે વટે!! અને બધાં ખીખીખી કરીને હસતાં હતાં. આખા શહેરમાં તરુણને બધાં જ હોટેલ વાળા અને રેસ્ટોરન્ટ વાળા ઓળખતા હતાં. તરુણ પાણીની જેમ પૈસા વાપરતો.એ અને એના ભાઈ બંધો કોઈ હોટેલમાં જમવા જાય ને તો વેઈટરને ઘણી બધી ટીપ્સ આપી દેતાં. તરુણના તમામ ભાઈ બંધો તરુણના પૈસે જ લીલા લ્હેર કરતાં હતાં. એક સિગારેટનું પાકીટ લે તો પણ પાંચસો ની નોટ તરુણ કાઢે અને જ્યારે દુકાનવાળો કહે કે છુટા નથી શેઠ છુટા આપો અથવા બીજી વાર નીકળો ત્યારે આપી દેજો ત્યારે તરુણ કહેતો મારે છુટા નથી જોઈતા અને હું ધનપતરાયનો દીકરો કોઈનું ઉધાર ના રાખું એ પાંચસો તારા જા લ્હેર કર લ્હેર! તરુણ રાતે લગભગ જમીને જ આવતો. મિત્રો સાથે કોઈ મુવી જોવા ગયો હોય અથવા મોડી સાંજે શહેરથી દૂર આવેલા એક ડેમ પર એના ભાઈ બંધ સાથે સિગારેટ ફૂંકતો હોય. અથવા તો ગમે ત્યાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય તરુણ પોતાની કાર લઈને જોવા પહોંચી જાય.

એક દિવસ તરુણ અવનિ માટે જીન્સ અને ટી શર્ટ લાવ્યો અને કહ્યું.
“આજે મારા એક ભાઈબંધની બર્થડે પાર્ટી છે.તું આ પહેરીને તૈયાર થઇ જજે, અને ત્યાં બધાં સાથે ફોરવર્ડ લોકો કરે એવું વર્તન કરજે સાવ અબુધ અને સતિ સાવિત્રી જેવો દેખાવ મને પસંદ નથી ઓકે!

“પણ મારી પાસે ઘણી સાડીઓ છે એ પહેરું તો? આ બધું પહેરીને હું ત્યાં કેવી લાગીશ? મને આ હવે ના ફાવે! હું તમારા ઘરની વહુ છું” અવનીએ તરુણને પોતાના મનની વાત કરી.

“મને ગમે ઈ પહેરવાનું ઓકે! ખોટી માથાકૂટ નહિ મારી સાથે મારો સ્વભાવ ગરમ છે પછી ના કહેતી કે મારો હાથ કેમ ઉપડી ગયો, ફટાફટ તૈયાર થઇ જજે! આ તો મમ્મી પાપાનો આગ્રહ છે એટલે તને સાથે લઇ જાવ છું બાકી મનેય ખબર છે કે ખાખરાની ખિસકોલીને વળી સાકરનાં સ્વાદમાં શી ખબર પડે!” તરુણ પગ પછાડતો ચાલ્યો ગયો. અવનિ એને જોતી જ રહી ગઈ.મનમાં ઘણું દુઃખ થયું પણ એના ચહેરાના હાવભાવમાં લગીરેક પણ ફેરફાર ના આવ્યો.

અવનિ બ્લ્યુ પેન્ટમાં અને પિંક ટી શર્ટમાં બરાબર તૈયાર થઇ. કાયમ ચોટલો રાખતી અવનિએ આજે ખુલ્લાં વાળ રાખ્યા. ચહેરા પર પર હળવો મેકઅપ કરીને અવનીએ મેચિંગ એવી પિંક નેઈલ પોલીશ લગાડી અને એવાં રંગની ડાર્ક લીપ્સટીક લગાડી. માઈલ્ડ પરફ્યુમ છાંટી ને અવનીએ પિંક કલરના પર્સમાં પિંક કવર વાળો મોબાઈલ મુક્યો અને ગ્રે કલરના હાઈ હિલ્સ સેન્ડલ પહેર્યા. આજે અવનિ એક અવર્ણનીય અપ્રતિમ સુંદરતાનો એક તાજો ખીલેલો બગીચો લાગતી હતી. તરુણ તો એને જોઇને ઝાંખો જ પડી ગયો. સાસુ સસરાને પગે લાગીને એ તરુણ સાથે હાથમાં પર્સ હલાવતી કારમાં બેઠી. ઘરનાં સહુ નોકર ચાકર અવનીનું આવું રૂપ જોઇને આભા જ બની ગયાં હતાં. તરુણ કશું ના બોલ્યો અને ચુપચાપ કાર ચલાવતો રહ્યો.મિત્રની પાર્ટીમાં પહોંચતાની સાથે જ અવનિ સહુનું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. મોઢા પર મોહક સ્મિત રાખીને એ સહુનું અભિવાદન જીલતી હતી. જન્મદિવસની પાર્ટીમાં ખાસા લોકો આવ્યા હતાં પણ સહુ અવનીથી અભિભૂત હતાં, સહુ એકીટશે અવનીને જોઈ રહ્યા હતાં.અવની પણ બધાની સાથે સહજતાથી વર્તી રહ્યા છે.પાર્ટીની શરૂઆત થઇ અને સહુ ખાણીપીણીમાં પડ્યા.એવામાં તરુણને એક અવાજ સંભળાયો અને પછી બધાં હસતાં હોય એવો ભાસ થયો!!

“કાગડો દહીંથરું લઇ ગયો! કાગડો દહીંથરું લઇ ગયો! બાકી નસીબ આનું નામ કહેવાય” કોણ બોલ્યું ટોળામાંથી એ તો તરુણને ખ્યાલ ના આવ્યો પણ પોતાનો ઉપહાસ એ સહન ના કરી શક્યો.આ જ પહેલી વાર એ પાર્ટીમાં ઉપહાસનો શિકાર બન્યો હતો.એ સમજી ગયો કે વાંક એનો જ હતો. અવનીને પાર્ટીમાં લાવીને એણે જ ભૂલ કરી હતી પણ હવે થાય શું? બધી સ્ત્રીઓ પણ અવનીથી ખુશખુશાલ હતી.અવની દરેક સ્ત્રીઓ સાથે આત્મીયતાથી મળતી હતી.જાણે જન્મોજન્મની સખીઓ ના હોય! ભીડમાં તરુણ સાવ એકલો પડી ગયો. આજ એનો મુડ જતો રહ્યો હતો. જેમ તેમ એણે સમય પસાર કર્યો અને ઘરે કાર લઈને પરત આવ્યો.તરુણનું મન ધૂંધવાઈ રહ્યું હતું. અવનિ એની સામે પ્રેમથી જોતી હતી એમ એનું મન વધારે ધૂંધવાતું હતું. બેડરુમમાં જઈને તરુણે પડતું મુક્યું ધડામ દઈને!! અવનિ પતિનો ગુસ્સો પામી જ ગઈ હતી. એ તરુણ પાસે ગઈ અને પ્રેમથી તરુણના ચહેરા પર હાથ ફેરવીને બોલી.

“નારાજગીનું કારણ હું જાણી શકું”? અને સટાક દઈને એક તમાચો પડ્યો અવનીના ગાલ પર!

“ તને શું લાગે છે કે તારી આગળ હું આજે ઝાંખો પડ્યો એમ? આ જ તે તારો જાદુ કર્યો એમ? ખાંડ ખાય છે તું ખાંડ!! આજથી તને ક્યાંય નહિ લઇ જાવ!! આજ તે મને મશ્કરીનું સાધન બનાવ્યો ને પણ આ ધનપતરાયના છોકરાને કોઈની જરૂર નથી. મારી મશ્કરી કરનારને તો હું શોધી જ લઈશ. તું શું માને છે કે તારી સુંદરતામાં હું ખોવાઈ જઈશ અને સદાને માટે તારો બની જઈશ? તું ભૂલે છે, તું મને નથી પરણી પણ મારી સંપતિ અને મારા સ્ટેટ્સને પરણી છો બાકી મારા જેવામાં તું શું ભાળી ગઈ હોય એટલે તું આઘી જ રહેજે” અવનિ તો આ સાંભળીને અવાચક જ બની ગઈ અને તરુણ સામે જોયું તો એ રીતસરનો ધ્રુજતો હતો. તરુણનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. અવનિ તેના માટે પાણી નો ગ્લાસ લાવીને પોતાના હાથે પાણી પાવા ગઈ કે તરુણે ગ્લાસ અવનીને માર્યો અને ગ્લાસ જમીન પર પડીને તૂટી ગયો અને તરુણે રાડ પાડીને કહ્યું.

“કીધુને એકવાર સમજ નથી પડતી કે મારી દયા ખાવાની જરૂર નથી.મગજ ભાડે મુકીને આવી છો. આવી ત્યારે જ તને ચોખ્ખું કીધેલું કે મારી સાથે વધારે લટુડા પટુડા નહિ કરવાના બાકી જોયા જેવી થશે તોય સમજતી જ નથી” અવનિ ત્યાં ઘડી ભર ઉભી રહી. અને પાસે આવીને ફરીથી કહ્યું.

“તમે એમ સમજતા હો કે તમને જે તકલીફ થઇ એ મારા કારણે થઇ છે તો હું માફી માંગુ છું. હું ડરપોક નથી કે રડી રડીને રાત કાઢીશ.અને એક વાત કાન ખોલીને સાંભળી લ્યો તમે કે હું તમારા પૈસાને ખાતર કે તમારા સ્ટેટ્સ ને ખાતર હું પરણીને નથી આવી. તમે મને ગમે તેમ કહેશો તો પણ હું ગુસ્સે નહિ થાવ કે અહીંથી ક્યારેય નહિ જાવ.હું અહીંજ છું અને તમે મરદ છોને તો અજમાવો તાકાત અને મને તમે સજા કરશોને તો અજમાવો તમારી તાકાત” અવનિ તરુણનો ચહેરો ઉંચો કરીને બોલી.

“અવનીની વાત સાંભળીને તરુણ તો દિગ્મૂઢ થઇ ગયો.અવનીની આંખમાં એક વિશ્વાસની ચમક હતી. એ એની સામે આંખ મિલાવી ના શક્યો એ નીચું જોઈ ગયો એનું શરીર ધ્રુજતું હતું. અવનિ બારી પાસે જઈને બોલી.બારીમાંથી પુનમનો ચંદ્ર અવનીના ગૌર ચહેરાને વધારે ગૌરવંતો બનાવતો હતો.

“મને હવે જીવનમાં કશો જ અફસોસ નથી.અત્યાર સુધી જીવનમાં સતત જીતતી આવી છું. પણ લાગે છે કે જીવનની આ છેલ્લી શરત હું હારી જઈશ! છેલ્લી શરત હું હારી જઈશ!! જાણો છો તમે કે મેં શા માટે લગ્ન કર્યા તમારી સાથે? છે હિમ્મત બધું સાંભળવાની?? તો સાંભળો કદાચ તમારા મનને શાંતિ થતી હોય તો! બાકી તો આ ચાર દીવાલ વચ્ચે ઢબુરાઈને જિંદગી વિતાવવાની પણ મારી તૈયારી છે. સાંભળવું છેને તમારે એ કારણ કે મેં શા માટે તમારી સાથે લગ્ન કર્યા?” અવનિ પલંગ પર આવી ને બરાબર તરુણની સામે બેસી ગઈ, તરુણ બસ જોઈ જ રહ્યો એક નારીનું આવું સ્વરૂપ એણે ક્યારેય જોયું નથી. અવનિ એ પોતાનો જમણો હાથ તરુણના માથા પર મુકીને બોલી.તરુણ પર જાણે ત્રાટક થયું હોય એમ ચુપચાપ સાંભળતો રહ્યો.

“હું ભારતીય નારી મારા સુહાગના સોગંદ ખાઈને કહું છું કે હું જે બોલી રહી છું એ સત્ય જ છે. તરુણ તમારા પડોશમાં વરસો પહેલાં એક વ્યાસ સાહેબ રહેતાં હતાં એ તો તમને યાદ જ હશે.એ મારા પ્રોફેસર હતાં કોલેજમાં. એમની સાથે હું ઘણી શરતો નાંખતી અને જીતતી. મને હમેશા એવા કામો જ કરવા ગમતાં જે પડકાર રૂપે હોય. વ્યાસ સાહેબ અમને અંગ્રેજી ભણાવતાં એમાં એક વખત અમારે ચર્ચા થઇ કે શું સ્ત્રી કોઈ પણ પુરુષને વશ કરી શકે કે નહિ? હું સહમત થઇ અને રાબેતા મુજબ વ્યાસ સાહેબ અસહમત થતા. કોલેજ પૂરી કર્યા પછી મારા સારા સારા માગાં આવવા લાગ્યા પણ કોઈ એવો પડકારરૂપ મુરતિયો મને ના મળ્યો. હું હમેશા સામા પૂરે હાલનારી હતી. મને એક અંગ્રેજી વાક્ય ખુબ જ ગમતું કે શાંત દરિયો કદી સારા નાવિકો તૈયાર ના કરી શકે. તમારી સાથે મારા સબંધની વાત આવી અને મેં વ્યાસ સાહેબને વાત કરી તો એણે મને કીધેલું કે તરુણને હું નાનપણથી જ ઓળખું છું.એ લઘુતાગ્રંથી થી પીડાઈ છે.એ તોતડું બોલે છે અને એક પગ સહેજ ટૂંકો છે એટલે હમેશા ધૂનમાં જ રહેતો હોય છે. એના બધાં ભાઈબંધો પાછળથી એની ઉડાડે અને એની હાજરીમાં એના વખાણ કરે છે.તરુણની જે શારીરિક ખામી છે એ દબાવવા માટે એ પુષ્કળ પૈસા ઉડાડે છે . બહારથી ખુશ અને કડક દેખાતો તરુણ અંદરથી ખોખલો અને સાવ નબળો છે. મને રસ પડ્યો અને મેં વ્યાસ સાહેબને કીધું કે આ ચેલેન્જ હું ઉપાડી લઈશ અને હવે એને જ પરણવું છે.વ્યાસ સાહેબે મને વારી પણ મેં એની સાથે વચન લીધું કે તમે કોઈને પણ આ વાત કહેતા નહિ. આજ દિવસ સુધી હું જીંદગીમાં માર્યું ધાર્યું કરતી આવી છું. જીતતી આવી છું! બસ આ છેલ્લી શરત પણ જીતી જ જઈશ. વ્યાસ સાહેબ ત્યારે એટલું જ બોલેલા કે બેટા હું કોઈ થી પ્રભાવિત નથી થયો. હું બોલું અને બધાં તાળીઓ પાડે છે પણ અત્યાર સુધી મેં કદી કોઈની તાળી નથી પાડી પણ જો તું આ શરત જીતી જાયને તો આ વ્યાસ જીંદગીમાં પહેલી વાર તારા માટે તાળીઓ પાડશે!! જા મારા તને આશીર્વાદ છે, બસ આ હતું તમને પરણવાનું કારણ મિસ્ટર તરુણ કુમાર મને હંમેશા અફસોસ રહેશે કે જિંદગીની છેલ્લી શરત હું જીતી ના શકી બસ આજથી તમે તમારી રીતે મુક્ત!! કોઈ જ બંધન નહિ આપું તમને ” આટલું કહીને મક્કમતા થી અવનિ બહાર ચાલી ગઈ અને બહાર ગેલેરીમાં આવેલ એક આરામ ચેર પર બેસી ગઈ. તરુણ તો આ વાત સાંભળીને આભો જ બની ગયો. પથારીમાં બેઠો રહ્યો.

થોડી વાર પછી એ ઉભો થયો. તૂટેલા કાચના એક એક ટુકડાને એણે ભેગા કર્યા!! હર્દયમાં વલોપાત ઉપડ્યો કેવી હતી એની જિંદગી અને એણે કેવી કરી નાંખી હતી.પોતાની જિંદગી સુધારવા એક રૂપવાન અને ગર્વીલી છોકરી પોતાનું અસ્તિત્વ દાવમાં લગાવી દે છે અને પોતે એને શું આપી રહ્યો છે એ ખ્યાલે એ દુઃખ અનુભવી રહ્યો. તરુણ ઉઠ્યો એણે કાચના કટકા કચરા ટોપલીમાં નાંખ્યા. પાણીનો એક ગ્લાસ લીધો અને બહાર ગેલેરીમાં આરામ ખુરશીમાં આંખો બંધ કરીને બેસેલ અવનિ પાસે જઈને એણે પાણીનો ગ્લાસ એના હોઠે લગાડ્યો અને કહ્યું.

“અવની મારા હાથનું પાણી નહિ પીવે આજે હું વચન આપું છું કે તારી શરત હું તને હારવા નહિ દઉં ” અવનીએ આંખો ખોલી. તરુણની આંખોમાંથી પડતાં આંસુઓ ગ્લાસમાં પડી રહ્યા હતાં. અવનીએ થોડું પાણી પીધું અને પોતાના હાથે તરુણને પાયું અને એને વળગી પડી. તરુણ જીવનમાં પહેલી વાર મન મુકીને રોયો. અવની એનું માથું પસવારતી હતી. પુનમનો ચંદ્ર પૂરબહારમાં ખીલ્યો હતો. તરુણ અને અવનીના લગ્નજીવનમાં વસંત આવી રહી હતી. વાતાવરણમાં પ્રસન્નતા અને મુગ્ધતા છવાઈ ગઈ હતી. બને બાલ્કનીમાં જ સુતા રહ્યા. ઘણાં સમયે બંનેએ ચાંદની રાત માણી હતી.

એક જ પ્રસંગે તરુણ આખો બદલાઈ ચુક્યો હતો. બીજે દિવસે એ લગભગ બહાર જ ના નીકળ્યો. અવની સતત એને હૂંફ આપતી રહી. અવનીના પારાવાર સ્નેહને કારણે તરુણમાં આત્મવિશ્વાસનો છોડ સિંચાઈ રહ્યો હતો. ધીમે ધીમે તરુણનો આત્મવિશ્વાસ વધતો ગયો. અવનીએ એક પછી એક ભાઈ બંધોને તરુણની લાઈફમાંથી દૂર કરતી ગઈ. તરુણ હવે રોજે રોજ ઓફિસે જવા લાગ્યો હતો. દરરોજ દસ વાગ્યે ઉઠતો તરુણ સવારે પાંચ વાગ્યે ઉઠતો થયો. ઘરનો નાસ્તો અને ભોજન લેતો થયો. ધનપતરાય અને મંદાબેન ખુશ હતાં. નવનીતરાય પણ ખુશ હતાં. છ માસમાં જ તરુણ એક સાવ અલગ વ્યક્તિ બની ગયો હતો. કોઈ પણ મીટીંગમાં જવું હોય કે કોઈના પ્રસંગે હવે અવનિ કહે એવા કપડાં જ તરુણ પહેરતો હતો.કંપની પણ પુરજોશમાં પ્રગતિ કરતી હતી. ઓફીસ અને ઘર સિવાય એ લગભગ ક્યાય જતો નહિ. ઉનાળામાં અવનિ અને તરુણ કેરલ જઈ આવ્યા. કેરળમાં અવનીની બાંહોમાં તરુણનું સમગ્ર અસ્તિત્વ સમાઈ જતું હતું. ચાર વરસ પછી એક યુથ આઈકોનનો શ્રેષ્ઠ યુવા ઉદ્યોગપતિનો એવોર્ડ તરુણને મળ્યો હતો. તરુણે ધંધામાં ઘણી પ્રગતિ કરી હતી.જીલ્લા મથકે એને એવોર્ડ આપવામાં આવનાર હતો અને અવનિ મેલેરિયા માં સપડાઈ ગઈ.તરુણે અવનીની સેવા શરુ કરી પણ તાવ ઉતારવાનું નામ ના લે.

“હું એવોર્ડ લેવા નહિ જાવ, તારી તબિયત સારી નથી, બાપુજીને કહી દઉં છું કે એ એવોર્ડ લઇ આવે” અવનીની પથારી પાસે બેસીને તરુણે કહ્યું.

“મેલેરિયા તાવમાં આટલી નબળાઈ તો સામાન્ય ગણાય અને હવે મને તાવ ઉતરી ગયો છે. તમે જઈ આવો મને ગર્વ થાય છે કે તમને આવું સરસ સન્માન મળે છે” સ્નેહભરી આંખે અવનીએ કહ્યું પણ તરુણ એક નો બે ના થયો.છેવટે અવનીએ સાથે આવવાનું કહ્યું અને તરુણ માની ગયો. ફંક્શન શરુ થયું. આગલી હરોળમાં શેઠ ધનપતરાય , મંદાબેન ,તરુણ અને અવનિ બેઠા હતાં. પ્રાસંગિક પ્રવચન પછી માઈક પર જાહેરાત થઇ અને લોકોએ તાળીઓના ગડગડાટ વચ્ચે એ જાહેરાતને વધાવી લીધી.

“આજના શુભ પ્રસંગે યુવા ઉદ્યોગપતિનો એવોર્ડ તરુણકુમાર ધનપતરાયને આપવામાં આવે છે તો હું તરુણકુમારને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે એવોર્ડ ગ્રહણ કરે.”

તરુણ ઉભો થયો માતા પિતાના આશીર્વાદ લીધાં. અવનીએ હાથ ઉંચો કર્યો અને તરુણ સ્ટેજ પર ગયો અને એવોર્ડના બદલે માઈક હાથમાં લીધું અને સભામાં શાંતિ પ્રસરી ગઈ.

“ભાઈઓ અને બહેનો અને મંચસ્થ મહાનુભાવો. હું એક વિનંતી કરું છું કે આ એવોર્ડની ખરી હકદાર મારી પત્ની છે. અવનિ છે. હું ઈચ્છું કે એ સ્ટેજ પર આવે અને એવોર્ડ સ્વીકારે!! હું જે કાઈ શું એ એના કારણે જ છું. તમારી સામે બોલવા વાળો આજથી ચાર વરસ કે પાંચ વરસ પહેલા એક છેલબટાઉ તરુણ ટાંગેવાલા ના નામથી ઓળખાતો હતો જેનું કોઈ જીવવાનું વજૂદ નહોતું પણ મારી સફળતા પાછળ મારી પત્નીએ એનું જીવન હોડમાં મૂકી દીધું હતું અને એનો હું અહિયાં જાહેરમાં આભાર માનવામાં ગૌરવ અનુભવું છું મારી પ્યારી પત્ની ને હું સ્ટેજ પર આવવા વિનંતી કરું છું” અને તરુણ સ્ટેજ પરથી ઉતર્યો. અવની ઉભી થઇ. અને તરુણે આંખમાં આંસુ સાથે પત્નીને ઊંચકીને સ્ટેજના પગથીયા ચડી રહ્યો હતો. અવનીની આંખમાં હરખના આંસુ હતાં એણે પોતાની કોમળ આંગળીથી તરુણની આંખના આંસુ લુછી રહી હતી.તાળીઓનો ગડગડાટ થયો. અવનીએ એવોર્ડ સ્વીકાર્યો અને સભાની વચ્ચોવચ્છ વ્યાસ સાહેબ ઉભા થયાં. એણે દુરથી બુમ પાડી.

“અવનિ બેટા, બ્રેવો ,ઘણું જીવો બેટા” અને વ્યાસ સાહેબે તાળીઓ પાડી અને તાળીઓનો ગડગડાટ ઘણાં સમય સુધી ગુંજતો રહ્યો. એવોર્ડ અને તરુણની વચ્ચે અવનિ શોભી રહી હતી!

લેખક :- મુકેશ સોજીત્રા

શેર કરો તમારા ફેસબુક પર અને તમારા મિત્રોને પણ વંચાવો. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી