શ્રીદેવી – ધ લાસ્ટ સુપરસ્ટાર ઓફ બોલિવુડ (મારાં મતે અને મારાં માટે)

શ્રીદેવી, જયા પ્રદા, રેખા, મૌસમી ચેટર્જી, રીના રોય, બિંદીયા ગૌસ્વામી, વિધ્યા સિન્હા, રાખી, હેમા માલિની – છેલ્લી એવી પેઢી હતી જે સાડીમાં ખૂબ ટકાટક લાગતી. ઉલ્ટુ એમ કહેવાય કે સાડીમાં તો આ બધી વધારે સારી લાગતી. મુંબઇ તો પહેલેથી જ આર્ટિસ્ટીક લિબર્ટી વાળું હતું અને છે ને બોલિવુડે કોઇ દિવસ કોઇપણ સમાજ, રિવાજ, દૂનિયાનો કોઇ પણ ખૂણો, નિયમ,સારું, સાચું, વૈવિધ્યસભર, નવું, ઇસ્ટર્ન-વેસ્ટર્ન….. કાંઇ પણ સ્વિકારવામાં એકેય છોછ નથી રાખ્યો ને કોઇની સાડીબાર પણ નથી રાખી. એટલે જ બોલિવુડ પહેલેથી જ વેસ્ટર્નાઇઝ્ડ ઇમ્પેક્ટમાં રહેલું પણ એની ઇન્ડિયનનેશ ક્યારેય નથી ગઇ. ભારતીયતાને પોતાનાંમાં પ્રજ્વિલત રાખીને, પાશ્ચાત્ય સંસ્કૃતિને સ્વિકારીને અને એ બન્નેનો તાલમેલ સાધીને જેણે સતત પિરસ્યા જ કર્યુ છે એ બોલિવુડ. અને બોલિવુડની આ તાસીરની સૌથી મોટી છડીદાર એટલે શ્રીદેવી.

બોલિવુડમાં એક્સ્ટ્રીમ વેસ્ટર્નાઇઝેશન પગ મૂકુ મૂકુ હતું એ વખતે શ્રીદેવીની એન્ટ્રી થઇ. સંપુર્ણપણે સ્ત્રીપ્રધાન ફીલ્મોની બોલિવુડમાં શરુઆત થઇ અને શ્રીદેવીની એન્ટ્રી થઇ. સંપૂર્ણ પારિવારીક (એટલે કે પતિ-પત્નિનાં સંબંધો, સાસુ વહુ, શૌતન, દેરાણી જેઠાણીનાં ઝઘડા આવી પારિવારીક ફીલ્મો) ફીલ્મોની શરુઆત થઇ અને શ્રીદેવીની એન્ટ્રી થઇ. મારફાડ, ઢીશુમ ઢીશુમ, એક્શન, મેલોડ્રામા ફીલ્મોની શરુઆત થઇ અને શ્રીદેવીની એન્ટ્રી થઇ. હજી તો બોલિવુડે એક જ સુપરસ્ટાર જોયેલ હતો રાજેશ ખન્ના, પણ એ એંગ્રી યંગ મેન ન હતો. રોમેન્ટીક હિરો હતો. અને એની હિરોઇન્સને લવસ્ટોરી અને ફેમિલી ડ્રામા જ કરવાનાં હોય. પણ એંગ્રી યંગ મેન અમિતાભ, ફેમિલી ડ્રામા કીંગ જીતેન્દ્ર, રોમેન્ટીક હિરો રુષી કપુર, ચાર્મીંગ હિરો વિનોદ ખન્ના આ બધાંનાં યુગ શરું થયાં અને શ્રીદેવીની એન્ટ્રી થઇ. બોલિવુડમાં આ પરિસ્થીતી ઉભી થયાં પછી જ હિરોઇન્સને એક્ટીંગ કરવાં માટેનો મેગા સ્પાન મળ્યો. બાકી આપણી હિરોઇન્સ પ્રેમ કરવાનું અને કાં દેરાણી જેઠાણી નણંદ બનવાનું જ આવતું. પણ શ્રીદેવીની એન્ટ્રી વખતે જ બોલિવુડે કરવટ બદલી હતી. અચાનક તમારી આર્ટનાં તમારે ઢગલાં પાથરવાં હોય તો પર્વત પાથરી શકો એવું વાતાવરણ બોલીવુડમાં ઉભુ થયું. અને શ્રીદેવી બધાંમાં ભળી ગઇ, બધાંમાં ઢળી ગઇ, બધે રંગાઈ ગઇ, બધે છવાઇ ગઇ. સાડીમાં પણ જેટલી સારી લાગે એટલી જ બેલબોટમ પેન્ટ અને ટોપમાં સારી લાગે એવી હિરોઇન્સની પહેલી પેઢીથી શરું કરીને જીન્સ ટિશર્ટ પહેરનાર હિરોઇન્સની પહેલી પેઢી સુધી રાજ કરનાર શ્રીદેવીને તમામ આઉટફીટ્સ એવાં શુટ થતાં જેવાં એને મળેલાં તમામ રોલ્સ શુટ થતાં.

હિરોમાં એ વખતે એંગ્રી યંગ મેન, રોમેન્ટીક, ફેમિલી ડ્રામા, કમર્શિયલ ફીલ્મ હિરો, આર્ટ ફીલ્મ હિરો – આવાં વિભાગો હતાં. હિરોઇન્સમાં શ્રીદેવી એકલી બધે પહોચી વળતી. બીજી હિરોઇન્સ પણ એની સાથે એ વખતે એનાં પગ જમાવીને બેઠી જ હતી અને અભિનયમાં ખેરખાં જ હતી, પણ શ્રીદેવીની જેટલી વર્સેટાઇલનેશ હતી એટલી બીજી એકેય હિરોઇન્સમાં એ વખતે ય નહોતી, એનાં પછીની પેઢીની હિરોઈન્સમાં પણ નહોતી ને અત્યારે ય નથી. શ્રીદેવીને એન્ટ્રી કરતાં જ જે વાતાવરણ મળ્યું એ એને સ્ત્રીપ્રધાન ફીલ્મ બોલિવુડ બનાવી શકે એ પરિસ્થિતી સુધી લઇ ગયું. અને સ્ત્રીપ્રધાન ફીલ્મોમાં તો શ્રીદેવીનો કોઇ ઓપ્શન જ નહોતો. ચાલબાઝ, નગીના, શેરની, ચાંદની, લમ્હે – આ સીલસીલો ઇંગ્લીશ વીંગ્લીશ અને મોમ સુધી ચાલ્યો.

શ્રીદેવીનો અભિનય જો એક વિષય હોય તો શ્રીદેવીનું નૃત્ય બીજો એક અલગ વિષય થાય. શ્રીનો અભિનય જેટલો સાહજીક હતો એનાં કરતાં ય એનો ડાન્સ દસ ગણો સાહજીક હતો. ડાન્સની એનાંમાં એક અલગ જ સમગ્ર સેન્સ હતી. મી. ઇન્ડિયામાં ‘આઇ લવ યુ’ ગીતમાં એ જે નાચતા નાચતા ખીલી છે ને ખુલતા ખુલતા નાચી છે એ શ્રી એ બોલિવુડને આપેલ શ્રી જ છે. ચાલબાજ – ચાંદની – નગીના – તોહફા – હિમ્મતવાલા – કર્મા – કેટલાં નામ લેવાં?? બધાંમાં શ્રીનાં પગની થીરકન પાવન હતી. ક્લાસિકલ, ફોક અને વેસ્ટર્નને સાવ અલગ પાડી દેતી એની ડાન્સીંગ સેન્સ હિન્દી ફીલ્મ ઇતિહાસમાં કોરિયોગ્રાફર્સ પછી સારામાં સારી કહેવાય એ કક્ષાની હતી. પ્રોફેશ્નલ હાઇ પેઇડ કોરિયોગ્રાફર્સનાં જમાનાની શરુઆત થયાં પહેલાં જ શ્રીનાં અનેક ડાન્સ મુવીમાં આવી ગયાં હતાં. (માધુરી દિક્ષીતનાં ડાન્સીઝમાં ઘણો રોલ કોરિયોગ્રાફર્સનો છે) શ્રીનો અભિનય ડાન્સ કરતો ને એનો ડાન્સ અભિનય કરતો. વહીદા, વૈજયંતીમાલા, પદ્મીની, હેમા માલિની, મિનાક્ષી શેષાદ્રી જેવી અનેક સારી ડાન્સર હિરોઇન્સ આવી પણ એ બધી ક્લાસિકલ ડાન્સ પૂરતી મર્યાદિત હતી. એનાં સિલેબસની બહારનું કાંઇ એમને ડાન્સમાં ન આવડતું. બોલિવુડમાં શ્રીદેવી અલ્ટિમેટ ડાન્સર હતી.

શ્રી એ આવતાં વેત સદમા ફીલ્મમાં જે કામ કરેલું એ જ દર્શકોને એની ટિકીટની ચૂકવેલ રકમનું પરત મળેલ મુદ્લ છે. એનાં પછી શ્રી એ જે કામ કર્યુ એ તો આપણને મળેલ વ્યાજ છે. એને કેટલાં એવોર્ડ મળ્યાં છે એ યાદ નથી ને યાદ કરવાં ય નથી. એની એક એક ફીલ્મમાં એક્ટિંગ એ એક એવોર્ડ હતો જે શ્રી એનાં દર્શકોને આપતી. નગીનાની રજની, જાંબાઝની નાનકડા રોલમાં આવેલ સીમા, ખુદા ગવાહની બેનઝીર, લાડલાની શિતલ, જુદાઇની કાજલ અને ભારતીય દર્શકો તો શું બોલિવુડ પણ જેને કોઇ દિવસ નહી ભૂલે એ ‘મીસ હવાહવાઇ’ ક્યા બાત હૈ, ક્યા બાત હૈ!!! આ લખનાર હવાહવાઇને જોવાં માટે જ મી. ઇન્ડિયા જોતો. એક વાર નહી અનેક વાર જોતો. હમણાં થોડાં દિવસ પહેલાં ટિવીમાં મી. ઇન્ડિયા આવતું હતું તો એ ય પચ્ચીસમી કે ત્રીસમી વાર ઢસડી નાખ્યું. એક તો એ ફીલ્મ આવી ત્યારે ટિનએજ એટલે હિરોઇન્સ સામે નજર જવાનું હજુ શરું જ થયું હોય ને એ પણ ફેન્ટેસી જેવું લાગતું હોય ત્યારે મારી પેઢીની સામે શ્રીદેવી આવી. એનો ચાર્મ તો પહેલેથી જ ચાલું હતો અને અમારાં વખતે એ ચાર્મ પણ ચરમસીમા એ હતો.

અમે ટિનએજમાંથી યુવાન થયાં ત્યાં સુધી એનો ચાર્મ ચાલતો રહ્યો, એનો જાદુ થતો રહ્યો, એનું આર્ટ પ્રસરાતું રહ્યું, એનો ડાન્સ થીરકતો રહ્યો અને શ્રીદેવી સુપરસ્ટારની અદાથી જ અભિનય પીરસતી રહી. એને પાછુ જોવાનું ક્યારેય આવ્યું જ નથી કેમ કે તે એક્ટિંગ કરતી નહી, એનાંથી એક્ટિંગ થઇ જતી હશે. સ્ત્રીઓ જેટલી આસાનીથી રોટલી વણી નાખતી હશે એટલી જ આસાનીથી શ્રીદેવી એક્ટિંગ કરી નાખતી હશે. એ એનો સહજભાવ હશે. શ્રીદેવી એ સહજતાની અભિનેત્રી છે, અભિનયની નહી.

અલવિદા શ્રી!!!!

લેખક : ચેતન જેઠવા

દરરોજ અવનવી માહિતી અને રસપ્રદ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી