“ચેતનકુમાર” – એક જમાઈ આવો પણ….મુકેશ સોજીત્રા લિખિત નવી વાર્તા !!!!!

- Advertisement -

“ને આમેય તમારાં જમાઈને મોળું તો ગોઠે જ નહિ ને , હું ના પાડું તોયે એ સારું સારું લાવે બોલો એને બધું હાઈ ફાઈ જ ગમે, આવું છે શાંતુ મા, ઉનાળામાં કેરીની સિઝનમાં અમે તો કેસર કેરી ખાઈ જ નહિ એય ને રત્નાગીરીથી હાફૂસ જ આવે એક કેરી પચાસની પડે, તોય તમારા જમાઈ તો એમ જ કહે રસુ કેરી તો રત્નાગીરીની જ ખવાય કેસર એ કેરી થોડી કહેવાય એ તો ખાટા ભડદા કહેવાય કાચા ભડદા !!! બોલો આવું છે શાંતુ મા!!! તમારાં જમાઈને મોળું તો ગોઠેજ નહિ!!!” છ મહિના પહેલાં જ પરણાવેલી અરજણ શેઠની દીકરી રસીલા પિયર મળવા આવી હતી, અને શાંતુ માને વાત કરી હતી, અને શાંતુ માં પણ અહોભાવથી બધું સાંભળી રહ્યા હતાં.

રસીલા જમાઈ સાથે આવી હતી એય અરજણ શેઠનું મોટું મકાન!! એક જ ઓશરીએ આઠ ઓરડાં લાઈનબંધ!!! ફળીયામાં ખાટલા નાંખ્યા છે આજુ બાજુ માણસો બેઠાં છે વચ્ચે રસીલાનો ઘરવાળો ચેતન બેઠો છે… આ ગામમાં બધાં એને ચેતન કુમાર કહે છે.. જમાઈ ને કા પટેલ કહેવાય અને કા કુમાર.. એવો અમારો કાઠીયાવાડી રીવાજ!! પણ ગામનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત ખોરડું હોય , પૈસે ટકે સુખી ખોરડું હોય એનાં જમાઈઓ આવે એટલે એને એક વિશિષ્ટ માન મળે.. વિશેષ આગતા સ્વાગતા થાય. અને એવું જ માન અત્યારે ચેતનકુમાર મેળવી રહ્યા હતાં !!! રસીલા અરજણ પટેલની સહુથી નાની દીકરી એય ને એકદમ રૂપાળી અને એમાય અરજણ શેઠે એને દસ ધોરણ સુધી ભણાવી!!

બાકી સહુ છોકરીઓને પાંચ ધોરણ ભણાવીને ઉઠાડી લે એવાં સમયે શેઠે રસીલાને દસ ભણાવી.. એય ને ૧૯૮૦ના દાયકાની આ વાત છે.. આજથી પાંત્રીસ વરસ પહેલાની!!!! એ વખતે દીકરીઓને આગળ ભણાવતાં જ નહિ. અને પછી ભાવનગરમાં રહેતાં અમરશીભાઈ ના એક નાં એક છોકરાં સાથે રસીલાનાં લગ્ન લેવાયા.. અને એ વખતે ગામે જે જલસો જોયો છે એવો તો બાપ ગોતરમાં કોઈ દિવસ નથી જોયો.. એય ને ચાર લકઝરી બસ આવેલી!! ત્રીસ જેટલી ફોર વહીલ !!! અને એટલી જ મોટર સાયકલ!! ગામનાં બધા જ રસ્તા પેક થઇ ગયેલાં!! ગામમાં ફટાકડા પણ બહું જ ફૂટેલા!!! એક બે જણા વરઘોડો ચડ્યો ત્યારે વેવાઈને રજૂઆત કરવા ગયાં..

“રામજી મંદિર પાસે ફટાકડા ના ફોડતા, એમાં બાજુના ધાબા પર કડબ ભરીને છે નકામી સળગે તો આખું વરસ ઢોર શું ખાય??” અને ભાવનગર થી આવેલા વેવાઈનો બાટલો છટક્યો.. ખિસ્સામાંથી બે નોટના બંડલ કાઢીને ઘા કર્યો અને બોલ્યો.

“આ આપ્યા કડબના પૈસા, બોલો હવે કાઈ જોતું છે,?? તમે કહો એટલાં પૈસા આપું બોલો, બાકી ફટાકડા તો ફૂટશે જ.. બધું નુકશાન હું જ ભરી દઈશ.. અથવા એક કામ કરો, આ રોડની બાજુમાં જેટલા મકાન છે એની કીમત બોલો અત્યારેને અત્યારેને હું બધું ખરીદી લઉં.. કેતા હો તો આખું ગામ ખરીદી લઉં,, તમે કોની સાથે વાત કરો છો એની તમને ખબર છે..?? આ અમરશી ઝવેરની સામે તમે વાત કરો છો અમરશી ઝવેરની સાથે હો!! ભાવનગરની માર્કેટમાં જઈને પૂછો તો ખબર પડે કે આ અમરશી ઝવેર એટલે શું?? આખા ભાવનગર માં મારા નામના સિક્કા પડે છે સિક્કા!!” અને આટલું બોલતાં બોલતાં તો વરરાજાના બાપા કાળઝાળ થઇ ગયાં કાળઝાળ!!

પછી તો ઘડીક વરઘોડો બંધ રાખ્યો, અરજણ શેઠ આવ્યાં હાંફળા ફાફળા થતાં, અમરશી ભાઈ ને હાથે પગે લાગ્યાં કીધું કે આ ગામની અબુધ પ્રજા!! સારા મોળાની ખબર ના પડે !! હજુ બહાર નીકળેલા જ નહિ ને!! પછી વળી અમરશીભાઈ માની ગયાં!! આમ ને આમ રસીલાને ધામ ધૂમથી પરણાવી.. ગામ કહેતું કે સુખ જોવું હોય તો ચેતન કુમાર અને રસીલાનું !! એય ને રામચન્દ્ર અને સીતાની જોડી અને પાછી સુખી પણ એટલી !!!

દર બે મહીને ચેતન કુમાર બુલેટ લઈને આવે રસીલા પાછળ બેઠી હોય!! અને બુલેટ ઉભું રહે અરજણ શેઠને ત્યાં તો ગામમાં વાયુવેગે વાત ફેલાઈ જાય ચેતનકુમાર આવ્યાં છે!!!! ચેતન કુમાર આવ્યાં છે!!!! ચેતનકુમાર સાથે નેશનલ કંપનીનું ટેપ લાવતા અને એ વખતે ટેપ એ લક્ઝરી ગણાય.એમાંય નેશનલ કંપનીનું ૫૪૧૦ નું ટેપ એટલે આજનું ડી જે જોઈ લ્યો.. ગામમાં કોઈની પાસે ટેપ નહિ. પછી તો કેસેટ ચડાવે ઝીથરાભાભાની, પ્રાણલાલ વ્યાસના ભજનો હોય, દમયન્તી બરડાઈ ના લોક ગીતો વાગે.

ગામને જમાવટ પડી જાય.. સસરાના ઘરે આવીને ચેતનકુમાર સ્નાન કરે!! લક્સ સાબુ ભાવનગરથી લેતા આવે!! બધાં અહોભાવથી ચેતન કુમાર સામે જોઈ રહે. અસલ ગેબેડીયનનું પેન્ટ અને ફિરદોશનું અત્તર અને દસેય આંગળીએ સોનું પહેરેલા ચેતન કુમાર એ વખતે ભપ્પી લાહિરી જેવા લાગતા!! ચેતનકુમાર ને ચા પીવા લઇ જવા માટે રીતસરનું વેઈટીંગ લિસ્ટ બને.. એયને એલચી વાળી ચા અને ઉપર બે ચમચી ઘી ચા પર તરતું હોય ને ચેતન કુમાર ચા પીતાં હોય ને બધાં જોતા હોય.. ચા પીવાય જાય એટલે પાન પરાગનો ડબ્બો આવે એ પણ સાથે ભાવનગરથી લાવ્યા હોય!! પાનપરાગ ખાઈને મેકડો પોલો સિગારેટ સળગાવે!! બે જણા લાઈટર લઈને તૈયાર હોય અને ચેતન કુમાર ધુમાડાના ગોટે ગોટા કાઢે!! ટેપ શરુ હોય આંખ પર ચશ્માં હોય અને હાથમાં સિગારેટ !! બધી જ વસ્તુ હાઈ ફાઈ અને ઈમ્પોર્ટન્ટ!! એટલે જ રસીલા કેતીને તમારાં જમાઈને મોળું ના ગોઠે.. એનું આખું જીવન જ હાઈ ફાઈ!!!

૧૯૮૦નો સમય ગાળો!! સુરતમાંથી વીશી શરુ થઇ અને ભાવનગર પહોંચી ગયેલી..લોકો વીશી પાછળ ગાંડા થઇ ગયેલાં!! વીશી એટલે વીસ જણા ભેગા થાય બધાં હજાર હજાર કાઢે અને જે પૈસા ભેગા થાય એ કોઈ એક વ્યક્તિ લઇ જાય!! રીતસરની બોલી બોલાય એક વીસના બાવીશ હજાર કે વળી કોઈક પચીસ હજાર કહે!! જે વધારે આપે એ રકમ લઇ જાય.. !! બીજે મહીને નક્કી કરેલાં સમયે પાછાં વીસ લોકો ભેગા થાય.. ગયે મહીને જે લઇ પૈસા લઇ ગયો હોય એ લેતો આવે.. પાછા બધાં હજાર હજાર કાઢે !! આમને આમ રકમ વધતી જાય… છેલ્લે વરસ પૂરું થાય એમ સહુ રકમ વહેંચી લે!! સુરત અને ભાવનગર વીશીના મુખ્ય મથક બની ગયાં… ચેતન કુમારે વીશીમાં ઝંપલાવ્યું… એને આમેય મોળું તો ગોઠેજ નહિ !! એક ગ્રુપમાં નહિ લગભગ દસેક વીશીમાં ગોઠવાયા અને એય મોટી રકમની વીશી!! મહીને ૨૦૦૦૦ ના હપતા વાળી!!

ચેતન કુમાર પહેલા બુલેટ લઈને આવતા પછી ચાર એન્જીન વાળું મોટર સાઈકલ લઈને આવતાં!! શરૂઆતમાં એ વિમાનો ધંધો કરતાં.. બિયારણનો ધંધો કરતાં. સોવિયેત દેશ અને સોવીયેત્ત રાષ્ટ્ર એવા મેગેજીનના લવાજમ ઉઘરાવતા અને ઘણું બધું કમીશન મેળવતા!! પણ વીશીમાં ઝંપલાવ્યું એટલે એમનો વિકાસ થતો ગયો.ધીમે ધીમે એમ્બેસેડરમાંથી ફિઆટ ઉપર પહોંચ્યા અને વીશીમાં કમાણી વધી એટલે!!

ચેતનકુમાર હવે કોન્ટેસા લઈને આવતાં એયને લાલ રંગની કોન્ટેસા હોય!! સાંજે મીટીંગ ભરાય. એક મોટા ઢોલીયા પર ચેતનકુમાર ભાષણ શરુ કરે હાથમાં મેકડો પોલો કાળી સિગારેટ અને વચ્ચે વચ્ચે ચપટી વગાડતા જાય અને ગામડાની અબુધ પ્રજાને જીવન શું છે!! પૈસો કેમ પેદા કરાય એના વિષે મફતનું માર્ગ દર્શન આપતાં જાય.. અને લોકો એમની વાતો સાંભળીને પૈસા દેવા આવે,,, ચેતનકુમાર પૈસા વીશીમાં રોકે… અને સિગારેટ પીતાં પીતાં ચેતનકુમાર બોલે..

“બે વરસમાં આ ગામમાં ઘરે ઘરે સોનાનાં નળિયા હશે એ પાકું!!!! હજુ ઘણાં મને સમજતા નથી, બાકી એ બધાયને મને ગોતતાં ગોતતાં આવવું પડશે!!!! એક વાર તો મારી પાસે આવવું પડશે!!!! અને જોકે હું પછી એનો હાથેય નથી જાલવાનો એ ય પાકું છે પણ પણ અત્યારે જેને મારી પર ભરોસો નથી એ પેટ ભરીને પસ્તાવાના છે એટલું તો નક્કી જ છે!!” ધુમાડાના ગોટા કાઢતા ચેતન કુમાર ચપટી વગાડતાં જાય અને બોલતાં જાય…

“એ ને એક વખત તો મારી પાસે આવવું જ પડશે આવવું જ પડશે એ વગર તો હાલશે જ નહિ” વાત જાણે એમ હતી કે લગભગ આખું ગામ પૈસા આપતું ચેતન કુમારને પણ સગા સસરા અરજણ શેઠ એક પણ રૂપિયો આપતા નહિ જ્યારે પેલી વાર વીશીની વાત થઇ ને ત્યારે સસરાએ ચેતનકુમાર ને ચેતવેલા.

“કુમાર જરા ધ્યાન રાખજો, બાકી તમે કહો એમ પૈસા મળે પણ જોખમ પણ મોટું જ ને હું તો એમ કહું કે તમે આ વીશીના વિષ ચક્રમાં પડતાં જ નહિ , અને આમેય તમારે ક્યાં તાણ છે નારી ચોકડી પાસે સો વીઘા જમીન છે. બે કારખાના છે હીરાના.. નિર્મળનગરમાં મકાન છે હવે શું જોઈએ છે તે તમે આ રવાડે ચડ્યા છો”

“ હવે તમે મારા સસરાને તમને મારે શું કહેવું,?? દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, માણસો કેવી ઝીંદગી જીવે છે એ તમને શું ખબર પડે?? અને જમીન એટલે મૂળ તો ધૂળ અને ઢેભા જ ને મારે તો સરખો મેળ આવે ને તો જમીન વેચી નાંખવી છે, અને આ ગામમાં એક દિવસ હેલીકોપ્ટર લઈને ના આવું તો મને મને ફટ કહેજો..!!! અત્યારે સ્માર્ટ વર્ક નો જમાનો છે.. બાકી તમારાં જેવા ગઢિયા મરી ગયાં બળ કરી કરીને ખેતીમાં તોય સારો ચોરણો પણ ના લઇ શક્યા… પણ તમારે મારી પાસે એક વખત આવવું પડશે… પગે લાગીને આવવું પડશે અને ત્યારે હું તમારો હાથ નહિ ઝાલું.. રસુ કહેશે તો પણ નહિ.. આતો તમારી દીકરીને એમ ના થાય કે મારો વર ગામ આખાને પૈસા વાળો કરે ને બસ એક મારા બાપુજીને રાખી દીધાં” અને ચેતન કુમાર ચપટી વગાડતાં વગાડતાં સિગારેટના ગોટા કાઢે હવામાં…!!

એ જે હોય તે પણ લગભગ આખું ગામ પૈસા આપે પણ અરજણભાઈ એ એક રૂપિયો પણ આપેલો નહિ !! મારી પાસે પૈસા જ નથી હમણા !! વેંત જ નથી ને !! આવા અનેક બહાના કાઢીને ચેતનકુમારને વીશી માટે એક રૂપિયો પણ ના આપ્યો. અને ગામનાને કહેતા કે જો તમારી રીતે તમે આપજો હું વચ્ચે નથી!! અને હવે તો દર પંદર દિવસે ચેતન કુમાર આવે બધાનો હિસાબ થાય નફો મળે!! આ તો વગર રળ્યે પૈસા મળવા લાગ્યાં.. હવે તો ચેતન કુમાર સસરાને ઘેર બહું ઓછાં આવે બીજાને ઘેર જ ધામા હોય. ચેતન કુમારના પણ મનમાં સસરા પર દાજ રહી ગયેલી કે એક વખત એને મારી પાસે આવવું પડશે એ નક્કી!!! ગમે એમ થાય પણ આ મારા સાસરાને એક વાર તો બેન્ડ વાળી જ દેવો છે.

ચેતન કુમાર આવે એટલે હવે રીતસરની લાઈન લાગે એક પછી એક ક્લાયન્ટ આવતાં જાય એમ ચેતન કુમાર હિસાબ કરતાં જાય અને એ પણ રોકડો હિસાબ બાકી કાઈ નહિ.

“જો શંભુ ગયાં મહીને તે દસ આપ્યાં હતાં ને આ મહીને વિસ થઇ ગયાં છે તો આ લે તારા વિસ હજાર અને જો પાછા વીશીમાં રોકવા હોય તો આવતે મહીને ચાલીશ હજાર થશે બોલ જલદી હાલ મારી પાસે ટાઈમ નથી” અને શંભુ એ પૈસા પાછા રોકી દે અને વળી પાછા ચેતનકુમાર એક ચપટી વગાડીને બોલે.

“જો મગન ગયાં મહીને તે ૨૫ હજાર આપેલા અને આ મહીને તારે એ ૨૫ હજારના ના ચાલીશ હજાર થયાં છે. બોલ તારે શું કરવું છે. જોતા હોય તો આપી દઉં કે હજુ રોકવા છે??” મગન કે ગામની કોઈ હેસિયત જ નહોતી કે આવી રીતે ડબલ થતા હોય તો કઈ રીતે માંગી શકે. મોટા મોટા થેલા ભરીને ચેતનકુમાર પૈસા લાવે બધાં પૈસા જોવે અને પાછા એ થેલા કોન્ટેસામાં મુકાઈ જાય. અને દર મહીને આવે ત્યારે નવા નવા પૈસા આવતાં જાય. આજબાજુના ગામના લોકો પણ આવીને રોકાણ કરતાં જાય/ કોઈ કહે આ મારા વેવાઈના વિસ હજાર છે તો કોઈ કહે આ મારી દીકરીના ત્રીસ હજાર છે. કોઈની માસીના પૈસા રોકાય તો કોઈના સાઢૂભાઈના સરવાળે દર વખતે ચેતન કુમાર ડબલ પૈસા લઈને ગામમાં જાય. કોન્ટેસા આખી પૈસાથી ભરાઈને જાય.ચારેક માસ આવું ધમધોકાર ચાલ્યું પછી અચાનક ચેતનકુમાર બે મહિના સુધીના આવ્યા અને આ બાજુ રોકાણ વાળાનો જીવ પડીકે બંધાણો. અરજણ શેઠ પાસે જાય એટલે એક જ જવાબ મળે કે મેં તો આખા ગામને ના પાડી હતી કે તમે તમારી રીતે આમાં પડજો. મને આમાં કશી ખબર ના પડે.

આ બાજુ ચેતનકુમાર ફસાઈ ચુક્યા એક પાર્ટી ઉઠી ગઈ.કરોડોની વીશીની રકમ લઈને બિહારી અને યુપીની એક ગેંગ ભાગી ગઈ હતી. હવે લોકોના પૈસા તો આપવા પડે એટલે એને ચુકવવા માટે એક મોટી વીશી ઉપાડી અને એ વિશીને ચુકવવા બીજી વીશી આમને આમ ટોપી ફેરવવા લાગ્યાં ને છેવટે એ પાર્ટી પાર્ટીઓ કરોડો લઈને જતી રહી બીજે મહીને પૈસા લઈને આવ્યાં જ નહિ..બે મહિના સુધી ચેતન કુમાર ના દેખાયા અને અચાનક જ એક દિવસ ફોન આવ્યો ને અરજણ ભાઈ તરત જ ઉપડ્યા ભાવનગર ત્યાં જઈને ખબર પડી કે ચેતન કુમાર લાખોમાં આવી ગયાં છે!! પાણવી બાજુ ભાલમાં ચેતન કુમારને કોઈ લેણિયાતો બઠાવી ગયાં છે કેવરાવ્યું કે પાંચ લાખ આપો પછી જ કેતન કુમાર છુટશે!! વળી નારી વાળી જમીન પણ વેચી નાંખી છે એણે.. અમરશીભાઈ પણ વીશીમાં આવી ગયેલાં એણે પણ બેય કારખાના વેચી નાંખેલા.. બાપ દીકરો બેય આવી ગયેલાં…

બેયને એમ કે હમણાં રકમ કવર થઇ જાશે.. પણ રકમ તો કવર ના થઇ પણ એ પોતે કવર થઇ ગયાં.. અરજણભાઈ એ પોતાની થોડી જમીન વેચી!! દીકરી આપી હતી ને એટલે થાય પણ શું!!?? પૈસા લઈને ગયાં ભાલમાંએક ઊંડાણ ના ગામમાં !! પાણવી પાસેના એક ખેતરમાં ચેતનકુમાર બાંધેલી હાલત માં હતાં. પૈસા અપાયાં!! ચેતનકુમાર ને છોડાવ્યા. આમ તો ક્યારેય અરજણ ભાઈ ક્યારેય સિગારેટ ના પીવે પણ આજ વળી ચેતનકુમારના ખિસ્સામાંથી સિગારેટ કાઢીને એણે સળગાવી ને પછી સસરા સ્ટાઈલ માં બોલ્યાં!!

“વાત તમારી સાચી હો કુમાર, મારે તમારી પાસે આવવું તો પડ્યું હો,, તમે કીધું એ સાચું નીકળ્યું હો કે એક વાર તમારે મારી પાસે આવવું પડશે હો, હવે બીજીવાર ના આવવું પડે એવું જીવન જીવજો બાકી અમેં ગામડાના માણસો આ હાઈ ફાઈ જીવન કોને કહેવાય એ શું ખબર પડે” સસરા ફૂલ ફોર્મમાં હતાં સિગારેટના ગોટા ચેતન કુમાર ના મોઢા પર છોડતા હતાં..!! ચેતનકુમાર નું મોઢું જોવા જેવું હતું.

આ પત્યું ત્યાં બે દિવસ પછી પાછો ફોન આવ્યો કે ચેતનકુમાર પર કેસ થયો છે, ભાવનગરમાં ઘણાનાં પૈસા બાકી હતાં એ લોકોએ પોલીસ કેસ કર્યો છે. અમુક તો કોન્ટેસા અને મોટર સાઈકલ લઇ ગયાં છે. પોલીસ આવી ચેતન કુમાર ને સાબરમતી જેલમાં લઇ ગઈ છે. અને આમેય દીકરી રસીલા કેતી નોતી કે તમારા જમાઈને મોળું તો ગોઠે જ નહિ ને !! તે મોળી જેલ માં એ શું કામ જાય એ તો મોટી જેલ સાબરમતીમાં જ જાય ને … રસીલાને અરજણ ભાઈ તેડી આવ્યા અને છેલ્લે ચેતન કુમાર દોઢ વરસે સાબરમતીમાં રહીને જામીન પર છૂટ્યા હતાં……….

કેસ તો ચાલુ જ હતો. અને છેલ્લે અમદાવાદ બાપુનગરમાં એક હીરાના કારખાના માં તળિયા મારતા હતાં અને થોડા પૈસા ઘટે એ સસરા મોકલાવે.અને આવા ગઠીયા જમાઈ મળે ત્યાં સસરાઓ કરે પણ શું!!?? એક વાત નક્કી માપે જીવવું બાકી આ હાઈ ફાઈ જિંદગી ક્યારે હંફાવી દે એ નક્કી નહિ!!

લેખક:-મુકેશ સોજીત્રા ૪૨,શિવમ પાર્ક સોસાયટી,સ્ટેશનરોડ મુ.પો ઢસાગામ તા*ગઢડા જી*બોટાદ

આપ સૌ ને આ વાર્તા કેવી લાગી ? કોમેન્ટ માં કેજો !!

ટીપ્પણી