પંજાબી સબજીના શોખીનો માટે અમે લાવ્યા છીએ ‘ચીઝ પનીર મસાલા’ એકવાર તો ટેસ્ટ કરજો જ ખુબ સરસ ટેસ્ટી છે

ચીઝ પનીર મસાલા

પંજાબી સબ્જી ના શોખીન હોય એવા લોકો અને બાળકો ને મજા પડી જાય એવી ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી ની રેસિપી લઇ ને આવી છું. જે ગણતરી ની મિનિટોમાં જ બની જાય છે.

જ્યારે ટાઈમ ઓછો હોય, ઉતાવળ હોય અને કંઈક ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું મન થાય ત્યારે રોટી, પરાઠા, કે ભાત જોડે ફટાફટ બનાવી દો ચીઝ પનીર મસાલા..

પનીર બાળકો માટે ખૂબ જ લાભદાયી છે. પરંતુ બધા બાળકો ને પનીર નથી ભાવતું હોતું. એટલે જે બાળકો ને પનીર ના ભાવતું હોય એના માટે પણ આ સબ્જી બનાવી દો. કેમકે આમાં પનીર છીણી ને નાખ્યું હોવાથી એમને ખ્યાલ જ નહીં આવે કે આ સબ્જી માં પનીર છે.

ચીઝ પનીર મસાલા ( 4 વ્યક્તિ માટે )

સામગ્રી:-

ગ્રેવી માટે:

3 મોટા ટામેટાં કાપેલા,
1 મોટી ડુંગળી કાપેલી,
1 લીલું મરચું કાપેલું,
5 -7 લસણ ની કળી,
6-8 કાજુ,
8-10 મીઠા લીમડાં ના પાન,
1/4 કપ પાણી,

આ બધી સામગ્રીને એક મોટા મિક્સર જાર માં લો. અને બધું ક્રશ કરી ને પેસ્ટ તૈયાર કરી લો.

વઘાર કરવા માટે:-

2 ચમચા તેલ,
2 તજ,
1 લવિંગ.
1 ચમચી જીરું,
ચપટી હિંગ,
1/4 ચમચી હળદર,
1 ચમચી આદુ , મરચાં અને લીમડાંની પેસ્ટ,
2 ચમચી મરચું,
1 ચમચી ધાણાજીરું,
1/2 ચમચી કસૂરી મેથી( સુકવેલી મેથી),
1/4 ચમચી ગરમ મસાલો,
1 ચમચી ખાંડ,

150 ગ્રામ તાજું પનીર છીણેલું,
50 ગ્રામ ચીઝ,

રીત:

બધી જ સામગ્રી સમારીને એક પ્લેટમાં ભેગી કરો અને ટામેટાની ગ્રેવી બનાવી લો.

સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો અને તેમાં તજ, લવિંગ, અને જીરું ઉમેરો અને જીરું થાય એટલે હિંગ, હળદર ઉમેરી ને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો. અડધી મિનીટ માટે સાંતળી ને તૈયાર કરેલી ટામેટાં, ડુંગળી , કાજુ ની પેસ્ટ ઉમેરો. હવે મરચું, ધાણાજીરૂં ઉમેરો .બધું બરાબર મિક્સ કરો અને કડાઈને ઢાંકણ ઢાંકી દો.


મધ્યમથી તેજ આંચ પર 5-7 મિનીટ પકાવો. વચ્ચે ગ્રેવીને હલાવતાં રહો. ઉપર તેલ છુટું પડે એટલે ખાંડ, કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરો અને મિક્સ કરો. વધુ ગ્રેવીની જરૂર લાગે તો 1 કપ ગરમ પાણી ઉમેરો વધુ ગ્રેવી કરવા માટે અને ફરીથી ઉકાળો.

ચીઝને છીણી લો.

ગ્રેવી બહુ ઘટ્ટ ના કરવી કેમકે આપણે હજુ પનીર અને ચીઝ ઉમેરવા ના છે.

છેલ્લે છિણેલું પનીર અને ચીઝ ઉમેરી મિક્સ કરો અને 1 મિનીટ માટે ધીમા તાપે રાખો .. પછી ગેસ બંધ કરી દો.

નાના ચીઝ ના ક્યુબ કે છીણેલા ચીઝ અને કોથમીરથી ગાર્નીશ કરીને સર્વ કરો.

નોંધ:- પનીર તાજું જ ઉપયોગમાં લેવાથી વધુ સ્વાદિષ્ટ બનશે. મસાલો ચડીયાતો રાખવો કેમકે પનીર અને ચીઝ બન્ને માં કોઈ મસાલો નથી. પેસ્ટ બનાવા માં 8-10 પાન ફુદીનો પણ ઉમેરી શકાય. જેનાથી ટેસ્ટ વધુ સારો આવશે.
ગ્રેવી વધુ બનાવા ગરમ પાણી ઉમેરો પછી બરાબર ઉકાળવું. મેં ચીઝ ઓછું લીધું છે .. તમે વધુ ઓછું કરી શકો છો.
એકલા પનીર નું પણ બનાવી શકો છો. પણ બાળકો ચીઝ નું નામ સાંભળી ને જ ખાઈ લે એટલે થોડું ઉમેરવું અને ગાર્નિશ કરવું.☺ ગ્રેવી ઉકળવા માં બહાર છાંટા બહુ ઉડશે તો ઢાંકણ જરૂર થી ઉપયોગ માં લો. ખૂબ જ ઝડપ થી બની જાય છે આ ટેસ્ટી સબ્જી તો જરૂર થી ટ્રાય કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી