ચીઝ ગાર્લીક બટાકાવડા – એકવાર બનાવશો એટલે વારંવાર બનાવશો !!! Unique Recipe !!!

 આજે અમે આપના માટે આ લાજવાબ બટાકાવડાની રેસીપી લાવ્યા છે…તો ચાલો ફટાફટ શીખી લો ફૂડીઝ્ ફેવરેઈટ ચીઝ ગાર્લીક બટાકાવડાની રીત…

વ્યક્તિ : ૫

સમય :

તૈયારી માટે: ૧૫ મિનિટ
વાનગી માટે: ૩૦ મિનિટ

સામગ્રી :

ગોળા બનાવવા માટે :

૮-૧૦ નંગ મધ્યમ કદનાં બટાકા
૩ ટે.સ્પૂ. લીલા ધાણા (ઝીણાં સમારેલાં)
૩ ટે.સ્પૂ. મોળા લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટે.સ્પૂ. તીખાં લીલા મરચાં (ઝીણાં સમારેલાં)
૧૧/૨ ટી.સ્પૂ. લસણની પેસ્ટ
૧ ટી.સ્પૂ. આદુંની પેસ્ટ
૧ ટી.સ્પૂ. લીંબુનો રસ
૩ ટે.સ્પૂ. ખાંડ
૨ ટે.સ્પૂ. તેલ (વઘાર માટે)
૧/૪ ટી.સ્પૂ. રાઈ
૧/૪ ટી.સ્પૂ. હીંગ
૧/૪ ટી.સ્પૂ. હળદર
મીઠું સ્વાદ અનુસાર
ચીઝ છીણેલી/નાના ક્યુબ સ્ટફિંગ માટે

ખીરું બનાવવા માટે :

૧૧/૨ કપ ચણાનો લોટ
૧૧/૨ ટે.સ્પૂ. કોર્નફ્લોર/ચોખાનો લોટ
૩/૪ કપ પાણી (આશરે)
૧ ચપટી ખાવાનો સોડા
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

રીત :

૧) બટાકાને પાણી વડે બરાબર ધોઈને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો. એક વાસણમાં બટાકા ડૂબે તેટલું પાણી ઉમેરી થોડું મીઠું નાખીને કૂકરમાં બાફી લો.
૨) બટાકા બફાઈ જાય એટલે વધારાનું પાણી નિતારીને ઠંડા થવા દો. બાફેલા બટાકા ઠંડા પડે એટલે છાલ ઉતારીને મસળી લો.
૩) બટાકાનો માવો તૈયાર થઈ જાય એટલે તેમાં ઝીણાં સમારેલાં લીલા ધાણા-મરચાં, આદું-લસણ-મરચાંની પેસ્ટ, ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને બરાબર હલાવી લો. ત્યારબાદ વઘાર માટે તેલ મૂકીને તેમાં રાઈ તતડે એટલે હીંગ અને હળદર નાખીને બટાકાના માવામાં ઉમેરો.
૪) બધો જ મસાલો સરસ રીતે ભળી જાય એટલે તેમાંથી થોડો થોડો માવો લઈને વચ્ચે છીણેલી ચીઝ અથવા ચીઝનો નાનો ક્યુબ મૂકીને ગોળા વાળી લો.
૫) એક વાસણમાં ચણાનો લોટ, કોર્નફ્લોર, મીઠું, ખાવાનો સોડા અને જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો.
૬) એક કઢાઈમાં તળવા માટે તેલ મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે ગોળાને ખીરામાં ડુબાડીને ધીમી મધ્યમ આંચ પર આછા લાલ રંગના થાય ત્યાં સુધી તળી લો. બટાકાવડાને કિચન નેપકીન ઉપર કાઢી લો.
૭) ગરમાગરમ બટાકાવડાને તળેલાં લીલા મરચાં, લીલી ચટણી અને ટોમેટો સૉસ સાથે પીરસો…

નોંધ :

★ ધ્યાન રાખો કે ગરમ બટાકાને પાણી ઉમેરીને ઠંડા કરવા નહીં.
★ છીણેલી ચીઝ સાથે લીલો મસાલો, છીણેલું લીલું કોપરું, ડ્રાયફ્રૂટ્સની કતરણ અથવા ચીલી ફ્લેક્સ વગેરે પણ પસંદ અનુસાર ભેગું કરીને સ્ટફિંગ કરી શકાય.
★ બટાકાનો માવો ઢીલો થઈ જાય તો થોડો સમય ફ્રીઝમાં મૂકીને પછી ગોળા વાળવા. જરૂર લાગે તો તેમાં ૧-૨ ટે.સ્પૂ. કોર્નફ્લોર પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌને મારી આ વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!