લોભીયા હોય ત્યાં ચતુર અને ધુતારા ભૂખ્યા ન રહે… છે ચતુરાઈ કોઈના બાપની…

છે ચતુરાઈ કોઈના બાપની ?

એક મોટો આરબ વેપારી હતો. પૈસા ઘણા, પણ ખુબ જ કંજૂસાઈ કરે. બજારમાં એ મોજડીની જોડી લેવા ગયો. હુસેન નામના મોચીને ત્યાં તેને સરસ મોજડી જોઈ અને પોતાને બરાબર ફીટ પણ થતી હતી. ચામડા પર સરસ કિનખાબ અને તારલા ચોટાડ્યા હતા. આરબને થયું કે આ મોજડી પેહરીશ તો મારો વટ પડી જશે.


આરબે મોચી હુસેન સાથે ભાવતાલ કરવા માંડ્યા. મોજડી માટેનું ચામડું પણ ન મળે એટલી કિંમતમાં એને મોજડીની માંગણી કરી. હુસેને કહ્યું, “સાહેબ, મેં એટલી કિંમત તો ચામડાને આપી છે અને ઉપરના કિનખાબ-તારલાની કિંમત જુદી. મને મારી મેહનતના પૈસા પણ મળવા જોઈયેને ? આરબે કહ્યું, “તું માંગે છે એટલી કિંમતમાં તો મારું ઊંટ વેચાતું મળે. મેં કહ્યા છે એટલા જ પૈસા આપું.” હુસેન માન્યો નહિ. આરબ તેનું શોષણ કરવા માંગતો હતો. હુસેને નક્કી કર્યું કે આજે તો આ મારી મોજડી માટે આ આરબનું ઊંટ લઈને જ જ્ંપુ !

આરબને હતું કે હુસેન તેને પાછો બોલાવશે અને તેને કહેલા પૈસામાં મોજડી આપશે, પણ હુસેન તો પોતાનું પાગરણ સંકેલી ચાલતો થઇ ગયો. આરબ પોતાને ગામ ગયો. ઉંટ પર સવાર થઇ શેહરમાં મોજડી લેવા નીકળ્યો. થોડે દુર ગયો તો જોયું કે એક મોજડી પડી હતી. તે જોઈને આરબે કહ્યું, “આ તો હુસેન વાળી જ મોજડી છે, પણ એક મોજડી લઈને શું કરું ??” આવો અફસોસ કરી તે આગળ ચાલ્યો. ત્યાં તેને હુસેન વાળી જ બીજી મોજડી રેતીમાં પડેલી જોઈ. હવે એને થયું કે પેહલી મોજડી લઇ લીધી હોત તો સારું થાત . પછી વિચાર કર્યો કે પાછો જઈ પેહલી મોજડી લઇ આવું. એક વજનદાર પથ્થર સાથે ઊંટને ત્યાં બાંધી આરબ ચાલતો ચાલતો જ પાછો ગયો, કારણકે પેહલી મોજડી બહુ નજીકમાં હતી, ઊંટને વાળવા કરતા પોતે વહેલો પહોંચી જશે !

આરબ પાછો વળ્યો કે તરત જ ખજુરીના ઝાડ પાછળ છુપાઈ રહેલો હુસેન બહાર નીકળ્યો. ઊંટને પથ્થરથી છોડી ઉંટ પર સવાર થઇ ઊંટને લઈને રવાના થઇ ગયો. એક મોજડી લઇ થોડીવાર પછી આરબ પાછો આવ્યો. બીજી મોજડી તો મળી પણ ઊંટ ક્યાય પણ મળ્યું નહિ.

ખરેખર ઊંટની કિંમતમા જ મોજડીની જોડ મળી. પોતાના જ શબ્દો સાચા પડ્યા. આરબ ગામમાં પાછો આવ્યો. ગામના લોકોએ પૂછ્યું, “શહેરમાં જી શું કરી આવ્યા ?” આરબે જવાબ આપ્યો, “ઉંટ આપી મોજડી લઇ આવ્યો.”

સાર : શોષણથી અલ્લાહ રાજી ન રહે ! લોભીયા હોય ત્યાં ચતુર અને ધુતારા ભૂખ્યા ન રહે ! “છે ચતુરાઈ કોઈના બાપની ?”

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ આવી નાની નાની વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી