ચાર્ટડ એકાઉન્ટન્ટ ભાઈઓએ સારા પગારની નોકરીને ઠુકરાવી આજે કરે છે ખેતી….

ભણેલા ગણેલા યુવાનો કાં તો નોકરી પસંદ કરે કાં તો પોતાનો બિઝનેસ. ઉંચો અભ્યાસ કરતા યુવાનો નાના મોટા કામો કરતા સંકોચ અનુભવે. તેમાંય જો ખેડુતના દિકરા ભણેલા હોય તો શહેરમાં પોતાનો ધંધો કરે પરંતુ ખેતી હરગીઝ નહીં, અહીં વાત કરવી છે નાની ખાખર ગામના બે સી.એ.(ચાર્ટડ એકાઉન્ટન્ટ) બંધુઓની. તેમણે કરેલી સજીવ ખેતી આજે સફળ થઇ રહી છે.

આ બાબત અન્યોને પ્રેરણા આપે તેવી છે. ગામમાં રહેતા નરેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા (ઉ.વ.30)અને અશોકસિંહે રાજકોટમાં ગ્રેજ્યુએશન કરીને મુંબઈમાં સી.એ.નો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કર્યો છે. જે બન્ને ભાઈઓ હાલમાં બિદડા અને નાની ખાખર ગામ વચ્ચે આવેલી પોતાની નિર્મળ વાડીમાં સજીવ ખેતી કરીને મોટી સફળતા મેળવી છે. અમદાવાદમાં છ મહિના પછી મોટા પગારની નોકરી પણ છોડી દીધી હતી. મોટાભાઈ નરેન્દ્રસિંહે તો વિદેશમાંથી આવેલી ઓફર ઠુકરાવી દીધી હતી.

આ બધા પાછળ કારણ એ હતું કે તેઓને સજીવ ખેતી કરવાની લગની લાગી હતી.શરુઆતમાં આ બંધુઓએ શાકભાજીનું પુષ્કળ વાવેતર કર્યું.હાલમાં તેઓ બન્ને સી.એ. ભાઈઓ જાતે જ વેંચાણ કરે છે. તેમની પાસે 30 કાંકરેજ ગાયો છે. તેઓ ગૌ મુત્રને જીવામૃત બનાવીને પીયત સાથે આપીને ખેતીમાં ઉતમ પરિણામો મેળવે છે. દવા છંટકાવમાં પણ ગૌમુત્ર સિવાય કોઈ પણ જાતની રાસાયણીક ખાતર કે દવાનો ઉપયોગ નથી કરતા. તેઓ કહે છે કે કામ કોઇ નાનું હોતું નથી બસ સ્વમાન અને સહઅસ્તીત્વનું સંયોજન થાય તો દુનિયામાં શાંતિ અને સમૃધ્ધિ આવે.

ગોબર ગેસ પ્લાન્ટ બનાવાશે

ભવિષ્યમાં તેઓ ગોબરગેસ પ્લાન્ટ બેસાડશે. જેથી સરકાર પર એલપીજીનો બોજો ઓછો થાય અને ઉપજ વધુ મેળવી શકાય. સજીવ ખેતીના ઉપયોગનો ફાયદો જણાવતાં અશોક સિંહે જણાવ્યું હતું કે, સજીવખેતી કરવાથી રાસાયણીક દવાઓ અને મોંધા બીયારણોનો ખર્ચો ઘટશે અને દેશમાં ખેડુતોને આત્મહત્યા કરવાનો વારો પણ નહીં આવે. ખેડુતો પર દેવું પણ નહીં થાય. આત્મહત્યાના પ્રમાણ ઘટશે.

ગામમાં દૂધ એકત્રીકરણ શરૂ કરાવ્યું

આ બન્ને ભાઈઓને પ્રશ્ન પુછ્યો કે સીએની પોસ્ટ મેળવી ને નોકરી કે પોતાનો ધંધો કે ઓફીસ કરવાની જગ્યાએ ખેતી તરફ કેમ વળ્યા?  ત્યારે તેઓએ જણાવ્યું ક. સીએના આ વ્યવસાયમાં ખોટું સાચું કરવું પડે છે પણ ખેતીનું કામ સીએના કામ કરતાં વધારે સર્જનાત્મક અને પાયાનું તેમજ લોકોપયોગી છે. નાની ખાખર ગામમાં દુઘની ડેરી ન હતી. આ યુવાનોએ ગામમાં સરહદ ડેરી શરૂ કરીને આજે તેમના 300થી વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. દૈનિક 2000થી વધુ લીટર દુઘ એકત્રીત આ યુવાનો કરે છે. તેઓ માલધારીઓને જથ્થાબંધ ભાવે પશુદાણ પણ આપે છે. તેઓ કહે છે કે ખેતી એ ઉતમ કહેવાય છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી