પ્રકરણ : 2 રહસ્યમય સાધુ : પરીક્ષાનું ટેન્શન

બધા બાળકો પરીક્ષાના ટેન્શનમાં જ હતા. અત્યારે કોઇને બીજી વાત યાદ આવતી જ ન હતી. હિતના મગજમાંથી પૂનમની વાત ખસતી ન હતી. આખરે એક દિવસે હિતે રિસેષમાં બધાને એક ખુણામાં બોલાવી પોતાના મનની વાત કહી,

“મિત્રો, પૂનમના દિવસ પહેલા આપણી પરીક્ષા પુરી થઇ જશે. તો જવુ છે ને જંગલમાં આપણે?”

“હિત, તુ હજુ એ જ વાત લઇને બેઠો છે. એ સાધુ જાદુ જાણતો હશે. જોયુને કોષા કેવી બિમાર પડી ગઇ. આપણે કયાંય જવુ નથી.” પ્રશાંતે કહ્યુ.

“અરે ભાઇબંધ, જાદુ બાદુ કાંઇ ન હતુ. એ તો થાક અને બીકના કારણે કોષા બીમાર પડી હતી. બાકી મને તો સાધુ જ્ઞાની પુરુષ લાગ્યા.” હિતે પ્રશાંતના ખભે હાથ મુકીને કહ્યુ.

“હિત, સંસ્કૃતમાં તને કાંઇક કહ્યુ હતુ. અમને તો કાંઇ પણ સમજ ન પડી હતી.” દીપકે હિતને પૂછ્યુ.

હિતે સાધુ સાથે થયેલો સંવાદ પોતાના મિત્રોને કહ્યો.

“તો તો મારે પણ જવુ છે પુનમના દિવસે સાધુ શુ બતાવશે તે જોવુ છે.” દીપકે ઉત્સુકતાપુર્વક કહ્યુ.

“હિત, દીપક તમે પાગલ બની ગયા લાગો છો. એવા અજાણ્યા સાધુ પાસે એમ ન જવાય તે કાંઇક કરી મુકશે તો શુ થશે? તમે કાંઇક વિચાર તો કરો.” અવનીએ થોડા ડર સાથે કહ્યુ.

“મારે તો જવુ જ છે. જેને આવવુ હોય તે આવે અને ન આવવુ હોય તો ઘરે ગોદડામાં સંતાયને સુઇ જાય. આમ ડરવાથી કાંઇ ન થાય. તેને કાંઇ કરવુ હોત તો ત્યારે જ કરી લીધુ હોત.” હિત બધાને થોડા ગુસ્સા સાથે કહ્યુ. હિતની વાત સાંભળી કોષા, પ્રશાંત અને અવની પણ તૈયાર થઇ ગયા. હિત બધાને આનંદપુર્વક ભેટી પડયો.

ત્યાર બાદ બધા થોડા દિવસ બધા જોર શોરથી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. સમય વિતી ગયો અને પરીક્ષા પણ આવી ગઇ. પેપરો પણ ખુબ જ સારા હતા. સ્કુલના શિક્ષકોએ છ મહિના ખુબ જ મહેનત કરાવી હતી. તેથી બધાના પેપર ખુબ જ સારા જવા લાગ્યા. હવે છેલ્લુ પેપર બાકી હતુ. આગલા સાંજે હિતે બધાને મેદાનમાં મળવા બોલાવ્યા.

“કાલે પુનમ છે અને સાડા ત્રણ વાગ્યે આપણે બધા નીકળી જઇશું.” હિતે બધાને કહ્યુ.

“હા હિત, અમે બધા તૈયાર રહેશુ. કાલે સવારે પેપર પુરૂ થઇ જાય પછી બધા ફટાફટ જમીને મેદાનમાં એકઠા થઇશું.” દીપકે બધા વતી કહ્યુ. એટલે બધાએ એકસાથે હા પાડી. બધાને આતુરતા હતી કે પુનમના દિવસે સાધુ શું કહેવાના હશે?

છેલ્લુ પેપર પણ ખુબ જ સરળ હતુ. હિત પરીક્ષા પુરી થવાથી ખુબ જ ખુશ હતો. બપોરે જલ્દી જલ્દી જમી લીધુ. તેની મમ્મીએ તેને બપોરે આરામ કરવા કહ્યુ પરંતુ તેને તો જંગલમાં જવાની ઉતાવળ હતી. તેથી તે દોડીને બધાને બોલાવવા ગયો. બધા સાથે મળીને સાડા ત્રણ વાગ્યે નીકળી ગયા. પરીક્ષાઓ પુરી થઇ ચુકી હતી. આથી બધાના માતા પિતાઓએ બાળકોને રમવા જવાની છુટ આપી દીધી.

જંગલમાં પહોંચી બધા ફળ ખાવા અને દોડાદોડી કરવા અને રમવા લાગ્યા. પરીક્ષા પુરી થવાની ખુશીમાં બધા ખુબ જ રાજી હતા. આથી તેઓ રમવામાં મશગુલ બની ગયા. પરંતુ હિતને જલ્દી સાધુ પાસે જવુ હતુ. તેને રહસ્ય જાણવાની ખુબ જ ઉત્તેજના હતી. માંડ હિતે બધાને સમજાવી ભેગા કર્યા અને આગળ જવા સમજાવ્યા. એટલે બધા હિત સાથે આગળ ચાલવા લાગ્યા. તેઓ બધા સાધુની ઝુંપડી વાળી જગ્યા પર પહોંચ્યા. ત્યાં જોયુ તો બધા આશ્ચર્ય ચકિત થઇને એકબીજા સામે જોવા લાગ્યા. ત્યાં ન તો ઝુંપડી હતી અને ન તો કોઇ સાધુ કે કાંઇ હતુ. તે જગ્યાએ વૃક્ષો ઉગેલા હતા. જે અગાઉ ન હતા.

“હિત, લાગે છે આપણે રસ્તો ભટકી ગયા છીએ. અહીં તો કાંઇ પણ નથી.” પ્રશાંતે આશ્ચર્યથી કહ્યુ.

“ના, મને બરોબર રસ્તો યાદ છે. અહીં જ સાધુની ઝુંપડી હતી. લાગે છે તેઓ કયાંય આગળ જતા રહ્યા હશે. ચાલો આગળ જઇએ.”

“હિત, સમય તો જો. રાત પડવા લાગી છે. અંધારુ થઇ જશે પછી ઘરે કેમ જઇશુ. ચાલો હવે ઘરે જઇએ.” કોષાએ કહ્યુ.

“થોડે જઇ આવીએ પછી ફટાફટ ઘરે જઇશુ. આજે પુનમ છે મારે એ સાધુનુ રહસ્ય જાણવુ છે.”

“હિત, અત્યારે બહુ મોડુ થઇ ગયુ છે અને આ જંગલ છે. અહીં જંગલી પ્રાણીઓ રહે છે. રાત્રે અહીં મોડુ કરવુ યોગ્ય નથી. અત્યારે આપણે પરત જઇએ તારી ઇચ્છા હોય તો કાલે સવારે ફરીથી આવીશુ. હવે પરીક્ષાઓ પુરી થઇ ચુકી છે. આપણે કોઇ રોકશે નહીં” દીપકે હિતને સમજાવતા કહ્યુ.

હિત પરાણે દીપકની વાત સાથે સહમત થયો.

“કાલે ચોક્કસ આવીશુ. સવારે બધા તૈયાર જ રહેજો.”

“હા, જરૂર” કહી બધા દોડીને સાઇકલો પાસે ગયા અને ફટાફટ ઘર તરફ નીકળી ગયા. હિતનુ મન જરાય માનતુ ન હતુ. પરંતુ અંધારુ જોઇ તે કમને બધા સાથે પરત ફરવા લાગ્યો. તેને હવે પહેલા ફળ ખાવા અને રમવા ટાઇમ બગડયો તેના પર ગુસ્સો આવવા લાગ્યો. રસ્તામાં તેને તેના મિત્રોને કહ્યુ,

“કાલે સવારે વહેલા તૈયાર રહેજો અને જંગલમાં આવીને કોઇએ ફળ ખાવા કે રમવા રોકાવાનુ નથી. સીધા આપણે ફટાફટ સાધુને શોધવા નીકળી જઇશુ. આખરે તે ગયા કયાં? અને ઝુંપડી પણ એકદમ ગાયબ જ થઇ ગઇ.” હિતે બધાને થોડા ધમકીભર્યા સ્વરે કહ્યુ.

“હા હિત મહારાજ, જેવી તમારી આજ્ઞા.” પ્રશાંતે મશ્કરી કરતા કહ્યુ. એટલે બધા હસી પડયા. હસતા હસતા વાતો કરતા તેઓ ઘરે પહોંચી ગયા.

ઘરે આવીને રાતે પણ હિત વિચારમગ્ન હતો કે આ શું હતુ? આખરે તે સાધુ મહારાજ છે કોણ? આમ પૂનમના દિવસે બોલાવી અને તે ગાયબ થઇ ગયા અને પાછી ઝુંપડી અને બધુ જ ગાયબ! તે જગ્યાની આખી શિકલ જ બદલાય ગઇ. આવુ કેમ બની શકે?

સાધુ બધુ ગાયબ કરીને કાંઇ કહેવા તો નહિ માંગતા હોય ને? તેનો કોઇ છુપો સંકેત હશે આમા? તેને કહ્યુ હતુ કે જ્ઞાન આત્મસાત થાય છે. આમાં શુ સમજવુ? હિતને વિચારમાં ને વિચારમાં કયારે ઉંઘ આવી ગઇ કાંઇ ખબર જ ન પડી. બીજે દિવસે સવારે હિત ખુબ વહેલો ઉઠી ગયો. રોમાંચમાં તેને સરખી ઉંઘ જ ન આવી. તેને વહેલી સવારે જ જલ્દી નીકળી જવુ હતુ. પરંતુ તેની મમ્મીને આજે રવિવાર હોવાથી કામ હતુ. આથી હિતને પણ ઘરકામમાં રોકી લીધો. બધા બાળકો હિતને વહેલા બોલાવવા આવ્યા. વિદ્યાએ બધાને ના પાડી દીધી. હિતે ઘણા પ્રયાસો કર્યા પરંતુ હિતને તેના મમ્મીએ છટકવા ન દીધો. માંડ તે બપોરે નીકળી શક્યો. તે દોડીને બધાને બોલાવવા ગયા. પ્રશાંતે તેના મામાને ઘરે ગયો હોવાથી બાકીના બધા જંગલમાં જવા નીકળી ગયા. આજે બધાએ રસ્તામાં જ નક્કી કરી લીધુ કે જંગલમાં અંદર જયાં સુધી સાઇકલથી જવાશે ત્યાં સુધી સાઇકલ પર જઇ પછી દોડીને સાધુની તપાસમાં જઇશુ.

જંગલમાં તેઓ થોડે સુધી જ સાઇક્લ પર જઇ શક્યા ત્યાર બાદ ખરાબ રસ્તો હોવાને કારણે તેઓ ચાલીને જંગલમાં અંદર ગયા. થોડે દુર ગયા ત્યાં ફરીથી તે તેજોમય પ્રકાશ દેખાવા લાગ્યો. નજીક જતા તે સાધુ તપ કરતા દેખાયા અને કાલે જે ઝુંપડી ન હતી તે પણ દેખાયી. બધા ખુબ જ આશ્ચર્યમાં મુકાય ગયા. બધા બાળકો ઝુંપડી નજીક ગયા એટલે સાધુએ તેમની સામે જોયુ અને ઉભા થઇને પોતાના કમંડલમાંથી તેમના પર અંજલી છાંટયુ અને આસપાસની રેખા પર પણ અંજલી છાંટયુ એટલે બધા રેખાની અંદર આવ્યા.

અંદર જતા જ બધા બાળકોને ફરી ઠંડી લાગવા લાગી. આમ પણ આજે વાતાવરણમાં ઠંડી હતી અને અહીં તો ખુબ જ વધારે ઠંડી લાગવા લાગી. અંદર જઇને હિતે સાધુને સંસ્કૃતમાં પુછ્યુ,

“કાલે તમે કયાં હતા? અમે તમને ખુબ શોધ્યા? તમારી ઝુંપડી પણ ન હતી.”

“વત્સ, મને કોઇ સવાલ પુછવા નહિ. હુ કોઇને પ્રશ્નોના જવાબ આપતો નથી. આવતી પૂનમે સવારે સુર્યોદય સમયે અહીં આવજો. તમારા ઘણાં પ્રશ્નોના જવાબ મળી જશે. બાળકો જરૂરથી આવજો. મારે તમને કંઇક બતાવવુ છે.” સાધુએ ગુજરાતીમાં વાત કરી તો બધા ફરીથી આશ્ચર્યમાં મુકાયા.

“પુનમને તો હજુ ઘણી વાર છે. મહાત્મા અમારી જીજ્ઞાસા સંતોષાય તેવી કંઇક સમજ તો આપો” હિતે કહ્યુ.

“બાળકો, તમારી જીજ્ઞાસા તમારા પ્રશ્નો બધાના જવાબ મળી જશે. બસ યોગ્ય સમય આવવા દ્યો. અત્યારે તમે નીકળો મારા ધ્યાનનો સમય થઇ ચુક્યો છે.” આટલુ બોલીને સાધુ તો ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેઠેલા સાધુની આભા જોવા જેવી હતી.

બધા બાળકો થોડીવાર સાધુ સામે જોતા રહ્યા પછી અંધારુ દેખાતા ઝડપથી ઘરે જવા નીકળી ગયા. તેઓ નિરાશા સાથે આશ્ચર્યમાં ગરકાવ હતા કે કાલે જયાં વૃક્ષો હતા ત્યાં સાફ મેદાન અને સાધુની ઝુંપડી અને સાધુ કયાંથી આવી ગયા?

રસ્તામાં પ્રશાંતે બધાને કહ્યુ,

“આ સાધુ કેવા છે યાર કોઇ વાતનો જવાબ નથી આપતા.  હવે તો મને તેના પર ખુબ જ ગુસ્સો આવે છે.”

“હા, આવુ તે કેવુ? કોઇ વાતનો સીધો જવાબ ન આપે. પૂનમ પૂનમ બસ શુ છે આ પૂનમ.” દીપકે પણ પ્રશાંતની વાતમાં હામી ભરતા કહ્યુ.

“મને લાગે છે આપણે થોડીક રાહ જોવી જોઇએ. સમય આવ્યે બધા સવાલોના જવાબ મળી જશે.” હિતે તેઓને સમજાવતા કહ્યુ.તેઓ પાસે સવાલ હતા. જવાબ માટે હતો લાંબો ઇંતેઝાર……..

બે ત્રણ દિવસ બાદ વેકેશન પડી ગયુ. રિઝલ્ટ વેકેશન ખુલતા મળવાનુ હતુ. વેકેશન પડી ગયુ એટલે વિદ્યા અને હિત ગાંધીનગર જતા રહ્યા. વિદ્યાને હિતના રિઝલ્ટની ખબર હતી પરંતુ તે હિતને અગાઉથી કાંઇ જણાવવા માંગતી ન હતી. ગાંધીનગર જઇને હિતને થોડા દિવસ ખુબ જ મજા પડી ગઇ. દિવાળીના તહેવારો ઉજવવાની ખુબ જ મજા આવી. તેના પપ્પા તેના માટે ઘણાં બધા ફટાકડાં, રમકડાં તથા નવા નવા કપડાં લઇ આવ્યા હતા. તેથી આઠ દિવસ તો પાણીની જેમ વિતી ગયા. ત્યાર બાદ તેના પપ્પા ઓફિસે જવા લાગ્યા. વિદ્યા ઘરકામમાં લાગેલી રહેતી હિતને સાધુ અને તેનુ રહસ્ય યાદ આવવા લાગ્યુ.

હિત સતત વિચારતો રહેતો આખરે એ સાધુ કોણ છે? નક્કી કંઇક ઉંડુ રહસ્ય છુપાયેલુ હશે………

હિતને કયાંય ચેન પડતુ ન હતુ. સારું પુનમ પહેલા સ્કુલ ખુલી જતી હતી. નહિ તો ફરી એક પૂનમ સુધી રાહ જોવી પડત. તે ગમે તે રીતે સાધુ રહસ્ય જાણવા માંગતો હતો. હિત નેટ પર આવા જંગલમાં રહેતા સાધુઓ પર સર્ચ કરવા લાગ્યો. ટી.વી. પર નોલેજબલ્સ ચેનલો પર બધુ જાણવા લાગ્યો. તેને એ રહસ્યમય સાધુ વિશે કાંઇ પણ માહિતી મળી નહિ. હિતને ઘણુ બધુ જાણવુ હતુ. પરંતુ કોઇ રસ્તો જ મળતો ન હતો. તેને સાધુ પર ગુસ્સો આવવા લાગ્યો. એક પણ સવાલના જવાબ ન આપે તે કેવુ? સાથે સાધુ શું બતાવવાના હતા તે પણ એક રહસ્યમય કોયડો હતો. હિત તેના માટે જાતજાતના તર્ક લગાવવા લાગ્યો. દિવસભર તે સાધુ વિશે જ વિચારતો અને રાત્રે પણ તેને એવા જ સપના આવતા હતા.

આમ ને આમ એકવીસ દિવસનુ વેકેશન વિતી ગયુ. જુનાગઢ જવાનુ થતા હિત એકદમ ખુશીના માર્યો ઉછળી પડયો. સોમવારે વેકેશન ખુલતુ હતુ અને ત્યારબાદ આવતા રવિવારે પૂનમ હતી. ખુબ જ સારો મેળ હતો. રવિવારે પૂનમ આવતી હતી જેથી સુર્યોદય વખતે જંગલમાં જઇ શકાશે. રવિવારે સાંજે તેના પપ્પા હિત અને વિદ્યાને શેલત ગામે મુકી ગયા. તે બીજે દિવસે સવારે જતા રહેવાના હતા. પપ્પાએ આખા વેકેશન ખુબ લાડ લડાવ્યા હતા. આથી તેનાથી દુર રહેવાનો રંજ હતો. પરંતુ રહસ્યમય કોયડો ઉકેલવાની ઉત્સુકતા પણ હતી. ખુબ જ વિચિત્ર માનસિક પરિસ્થિતિ હતી હિતની.

હિતના પપ્પા સોમવારે સવારે ગાંધીનગર જતા રહ્યા અને વિદ્યા અને હિત તૈયાર થઇને શાળાએ જતા રહ્યા. મંગળવારે તેઓનુ રિઝલ્ટ હતુ. હિતને વેકેશન દરિમ્યાન અત્યાર સુધી રિઝલ્ટનુ તો યાદ જ ન હતુ. શાળામાં આવતા જ રિઝલ્ટની ચિંતા થઇ આવી. સાંજે તે બધા મિત્રોને મળ્યો અને બધા ઘણા દિવસે મળ્યા આથી મન મુકીને રમ્યા.

બીજે દિવસે શાળામાં પરિણામ જાહેર થયુ. હિતનો આખી શાળામાં પ્રથમ નંબર આવ્યો હતો. શાળા તરફથી અને ગામ તરફથી દરેક ધોરણના પ્રથમ નંબરને ઇનામ આપવામાં આવ્યા. કોષા અને પ્રશાંતનો પણ તેના વર્ગમાં પ્રથમ નંબર આવ્યો હતો. અવની અને દીપકનો પણ તેના વર્ગમાં બીજો નંબર આવ્યો હતો. બધા મિત્રોના અવ્વલ નંબર આવતા ખુબ જ ખુશ થઇ ગયા.

ઇનામના બોક્ષ ઘરે આવીને જોયુ તો હિતને ગામ તરફથી બાળવાર્તાના પુસ્તકોનો સેટ મળ્યો હતો અને શાળા તરફથી એજ્યુકેશન કાર્યક્રમની સી.ડી. તથા શૈક્ષણિક કીટ મળી હતી. વિદ્યા પણ ખુબ જ ખુશ હતી. તેને પરિણામની અગાઉથી ખબર હતી પરંતુ હિતને તેણે આજ દિવસ સુધી કાંઇ કહ્યુ ન હતુ. હિત પહેલેથી જ ખુબ જ હોંશિયાર હતો. બાર વર્ષની ઉંમરે તેની કેચ અપ શક્તિ અને સમજ શક્તિ જોરદાર હતી.

હિત ખુબ જ ખુશ હતો. ઇશ્વરે તેનામાં ખુબ જ જોરદાર શક્તિઓ ભરી હતી. સાંજે હિતના બધા મિત્રોને ઘરે બોલાવી વિદ્યાએ પાર્ટી આપી. બધા મિત્રોએ ખુબ જ મસ્તી કરી. બધા બાળકો આજે ખુબ જ ખુશ હતા. હિતના પપ્પાને પણ પરિણામની ખબર હતી આથી તે એક સરપ્રાઇઝ ગિફટ આપીને ગયા હતા. તે વિદ્યાએ તેને પાર્ટીમાં આપ્યુ. તેમાં હિત માટે નવી એજ્યુકેશનલ ગેઇમ્સ તથા કોમિક્સ બુક્સ હતી. હિત માટે આજનો દિવસ ખુબ જ યાદગાર બની ગયો. બે દિવસ ખુશીમાં ને ખુશીમાં વિતી ગયા. વળી પૂનમની યાદ આવી ગઇ.

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

 

ગુરુવારે રિસેષમાં હિતે બધાને બોલાવી કહ્યુ,

“ફ્રેન્ડસ, રવિવારે પૂનમ છે યાદ છે ને?”

“હિત, તુ પણ યાર તે સાધુના વશીકરણમાં આવી ગયો લાગે છે?” પ્રશાંતે હસતા હસતા કહ્યુ.

“હિત છોડને યાર. તે સાધુને હવે નથી જવુ. તેની પાસે બાબા મને તો બહુ બીક લાગે છે તેનાથી.” કોષાએ પણ પ્રશાંતનો સાથ દેતા કહ્યુ.

“તમે લોકો તો સાવ ડરપોક છો યાર. આપણે વિદ્યાર્થીઓ છે અને જ્ઞાન જયાંથી મળતુ હોય તે ઝડપી લેવાનુ હોય છે. મને લાગે છે કે તે સાધુ ખુબ જ જ્ઞાની છે અને આપણને જરૂર કાંઇ નવુ જાણવા શીખવા મળશે. કમ ઓન યાર આપણે કમજોર નથી કે કોઇ આપણને ડરાવી જાય. મજા આવશે રવિવારે બધા જઇશુ.”

“પરંતુ હિત વહેલી સવારે સુર્યોદય પહેલા જવાનુ છે તો ઘરે શુ બહાના કરીશુ?” અવની ચિંતા વ્યકત કરતા કહ્યુ.

“આપણે આપણા ઘરમાં એમ જ કહીશુ કે સારા પરિણામની ખુશીમાં રવિવારે સવારે એક ક્રિકેટ મેચ રાખી છે. ઘરના ચોક્કસ એક વખત તો જરૂર જવા દેશે.” પ્રશાંતે ઉપાય બતાવતા કહ્યુ.

હિત અને બધા પ્રશાંતના ઉપાયથી ખુબ જ ખુશ થઇ ગયા. હિત ખુશીમાં અને ખુશીમાં પ્રશાંતને વળગી પડયો. ઉત્તેજના માણસનુ ચેન હરામ કરી દે છે. હિત માટે હવે એક એક પળ આકરી બનવા લાગી હતી. તેની નજર હમેંશા કેલેન્ડર અને ઘડિયાળમાં જ રહેતી હતી.

જે સમયની ખુબ જ આતુરતાપુર્વક રાહ જોઇએ છીએ. તે સમય કયારેય ઝડપથી આવતો જ નથી. એમ હિતને રવિવાર ખુબ જ દુર લાગી રહ્યો હતો. એમ કરતા શનિવારની સાંજે અનેક વિચારોએ હિતને ઉંઘવા જ ન દીધો. રવિવારની સવારે ચાર વાગ્યામાં તે બેઠો થઇ ગયો અને જલ્દી જલ્દી તૈયાર થઇ ગયો. શનિવારે રાત્રે જ તેને તેની મમ્મીને મેચ વિશે કહી દીધુ હતુ છતાંય વિદ્યા સવારે પાંચ વાગ્યે ઉઠી ત્યારે હિતને આટલો વહેલો ઉઠેલો જોઇ ખુબ જ નવાઇ લાગી. રોજ શાળા જવુ હોય ત્યારે સવારે સાત વાગ્યાની તે ઉઠાડતી ત્યારે માંડ હિત આઠ વાગ્યે ઉઠતો અને આજે રમવાની એટલી ઉતાવળ હતી કે પાંચ વાગ્યે તૈયાર પણ થઇ ગયો. વિદ્યાને કયાં ખબર હતી કે હિતને શેની ઉતાવળ છે?

“હિત, બેટા થોડીવાર સુઇ જા. આટલી શું ઉતાવળ છે?”

“મમ્મા, વહેલા છ વાગ્યે જવાનુ છે. એકવાર જવા દે પ્લીઝ પ્લીઝ.” હિતે તેની માતાને વહાલથી વળગી પડતા કહ્યુ.

“હા, બેટા થોડો આરામ કરી લે હજુ છ ને પણ વાર છે.” વિદ્યાએ હિતને વહાલ કરતા કહ્યુ.

“ઓ.કે. મમા” હિતે તેની માતાનુ માન રાખતા થોડી વાર આરામ કરતા કહ્યુ. તેને કયાં ચેન પડી રહ્યુ હતુ. તે ફકત પથારીમાં વિચારતો પડી રહ્યો. બાળકોની જીજ્ઞાશાવૃત્તિ ખુબ જ સતેજ હોય છે. આ ઉંમરમાં નવુ નવુ શીખવાની અને જાણવાની વૃત્તિ ઇશ્વરે ખુબ જ વધારે આપી હોય છે આથી તેને વિદ્યાર્થી અવસ્થા કહેવાય છે. આથી બધા બાળકોને ચેન ન હતુ. બધા ખુબ જ વહેલા તૈયાર થઇ ગયા અને છ ના થયા ત્યાં હિતના ઘરે આવી પહોચ્યા. હિત ખુબ જ ખુશ થઇને ઉઠીને ભાગ્યો.

“મોમ, બાય.”

“બાય, બેટા. ધ્યાન રાખજો અને વહેલા આવી જજે.” વિદ્યાએ બુમ પાડીને કહ્યુ.

“હા મમા.” હિત બોલતા બોલતા ચાલી નીકળ્યો

શિયાળાની શરૂઆત હતી છતાંય વહેલી સવારે આછી આછી ગુલાબી ઠંડી પડી રહી હતી અને અંધારુ પણ હતુ. જંગલમાં જવાનુ હોવાને કારણે બધાએ સ્વેટર પણ પહેર્યા હતા. હિત અને પ્રકાશે રાત્રે જ બેટરીની વ્યવસ્થા કરી લીધી હતી. આથી તેઓ બેટરી હાથમાં રાખીને તેના પ્રકાશના અજવાળે ધીરે ધીરે જંગલ તરફ નીકળી ગયા.

જંગલમાં પહોંચ્યા ત્યારે હજુ સુર્યોદય થયો ન હતો. અજવાળુ થઇ ગયુ હતુ. તેઓ જલ્દી જલ્દી સાધુની ઝુંપડી પાસે દોડીને ગયા. સાધુની ઝુંપડી તો હતી પરંતુ સાધુ કયાંય દેખાતા ન હતા.

ઝુંપડીમાંથી તેજોમય પ્રકાશ બહાર આવતો હતો પરંતુ સાધુના કાંઇ નામો નિશાન દેખાતા ન હતા. તેઓ કાળી રેખાની ચારેબાજુ ફરી આવ્યા પરંતુ કાંઇ દેખાયુ નહિ. ઝુંપડીની અંદર જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંદર પણ કાંઇ દેખાતુ ન હતુ. બધા થોડીવાર નિરાશ થયા. આમ તેમ ચારે બાજુ જોવા લાગ્યા. પરંતુ સાધુ કયાંય દેખાતા ન હતા. ઝુંપડીમાંથી પ્રકાશ બહાર આવતો હતો. હિતને સાધુ પર ગુસ્સો આવવા લાગ્યો. તે મોટેથી બુમો પાડવા લાગ્યો,

“મહારાજ ઓ મહારાજ. તમે કયાં છો?”

“અમને અહીં બોલાવી તમે કયાં જતા રહ્યા?” સામેથી કોઇ અવાજ આવ્યો નહી.” પ્રશાંતે પણ બુમ પાડી,

“સાધુ મહારાજ, તમે કયાં છો?” હિત અને પ્રકાશે ઘણીવાર સુધી બુમો પાડી પરંતુ સામેથી કોઇ જવાબ મળ્યો નહિ. તેઓ થાકીને ઝુંપડીની સામે બેસી રહ્યા,

“હિત, પ્રશાંત આપણે હવે જાઇએ” અવનીએ કંટાળીને કહ્યુ.

“ના, આજે તો કયાંય જવુ નથી ભલે આખો દિવસ બેસી રહેવુ પડે. સાધુ રહસ્ય અને પૂનમ વિશે જાણ્યા વિના કયાંય પણ જવુ જ નથી.” હિતે ગુસ્સાથી કહ્યુ.

તેઓ બધા અડધો કલાક ઝુંપડી સામે જોઇ બેસી રહ્યા. સુર્યોદય થવાની તૈયારી જ હતી ત્યારે ઓંચિતા સાધુ મહારાજ ઝુંપડીમાંથી બહાર આવતા દેખાયા. બધા બાળકોને આશ્ચર્ય થયું. સાધુ કંઇ રીતે આવ્યા? ઝુંપડીમાં અંદર કોઇ હોય તેવુ દેખાતુ ન હતુ. તેઓએ ઘણીવાર ત્યાં જોયુ હતુ. તો સાધુ આવ્યા કયાંથી? સાધુને કાંઇ પુછીએ તો તે જવાબ તો આપે તેમ ન હતા. સાધુએ બધા બાળકો પાસે આવીને તેના પર અંજલિનો છંટકાવ કરીને તેઓને અંદર લઇ ગયા. કાંઇ પણ બોલ્યા વિના આજે સાધુ તેને ઝુંપડીમાં લઇ ગયા. ઝુંપડી બહારથી નાની દેખાતી હતી પરંતુ અંદરથી વિશાળ હતી. બહારથી સામાન્ય દેખાતી આ ઝુંપડી અંદર ખુબ જ સરસ હતી. હિત અને બધા બાળકો ઝુંપડીને અંદર ચારે બાજુ નિરીક્ષણ કરવા લાગ્યા.

 

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

  • ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

ટીપ્પણી