પ્રકરણ : 1 રહસ્યમય સાધુ : ચાલો આજે બધા જંગલમાં જઇએ

વિદ્યાને આજે શાળાએ હાજર થવાનુ હતુ. આ ત્રીજી વખત તેણે નોકરી લીધી હતી ત્યારે વતનથી હજારો કિલોમીટર દુર જુનાગઢ જિલ્લો તેને મળ્યો. તેના પતિ બે દિવસ પહેલા જ મકાનની વ્યવસ્થા કરીને તેમાં બધુ ગોઠવીને વતન ગાંધીનગર ગયા. વિદ્યા તેના પુત્ર હિત સાથે એકલી રહી.

ગામ ખુબ જ સુંદર, રળિયામણુ અને શાંત હતુ. જંગલ અહીંથી માત્ર પાંચેક કિમી જ દુર થતુ હતુ. શેલત ગામમાં નોકરી કરવાનો એક મોટો આનંદ હતો. તેની પ્રાકૃતિક સુંદરતા જોતા જ તેને ગામ ખુબ જ ગમી ગયુ હતુ. આજે સવારે વહેલી ઉઠીને તૈયાર થઇ ભગવાનના દર્શન કરી તે હિતને તૈયાર કરીને તે શાળાએ ગઇ. તે ત્રીજી વખત નોકરી પર હાજર થતી હતી. પ્રથમ વખત જયારે તેના લગ્ન થયા ન હતા ત્યારે તેને પ્રાથમિક શિક્ષિકાની નોકરી મળી હતી. પરંતુ લગ્ન બાદ બદલી શક્ય ન હતી આથી તેણે રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ ગાંધીનગરમાં જ બેંક કલાર્કની નોકરી મળી હતી તે પણ હિતનો જન્મ થતા છોડી દીધી હતી. ફરી વખત તેને સરકારી પ્રાથમિક શિક્ષિકા તરીકેને નોકરી મળી હતી. વિદ્યા આજે ખુબ જ ખુશ હતી. તેના પતિ વત્સલના પ્રેમ અને સહયોગના કારણે જ તે વતનથી અહીં દુર નોકરી કરવા આવી શકી હતી.

આમ તો તેના પતિ સિંચાઇ વિભાગમાં એન્જીનિયર હતા. વારસામાં પણ મોટી મિલકત મળી હતી. તેથી નાણાકીય રીતે વિદ્યાએ નોકરી કરવાની કોઇ જરૂરિયાત ન હતી. પરંતુ તેને શોખ હતો કામ કરવાનો તેથી તે અહીં આવી હતી.

શાળાએ હાજર થવાના તમામ કાગળ તૈયાર કરીને જ શાળાએ સવા દસ વાગ્યે પહોંચી ગઇ. આચાર્ય ગુણંવતભાઇ પણ તેને હાજર લેવા માટે શાળાએ વહેલા આવી ગયા હતા. વિદ્યાએ શાળામાં હાજર થવાની તમામ વિધિ પુર્ણ કરી લીધી. તેની શાળા જ તાલુકા શાળા હતી તેથી ત્યાંની પણ વિધિ પુર્ણ કરી લીધી. હિતને પણ પોતાની શાળામાં દાખલ કરાવ્યો. ગામડાની શાળા હતી પરંતુ તેનુ વાતાવરણ ખુબ જ સુંદર તથા આંખને ગમી જાય તેવુ મનોહર હતુ. બે માળની શાળામાં કુલ દસ વર્ગખંડ, એક સ્ટાફ રૂમ, ઓફિસ, લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, મધ્યાહન ભોજન રસોડુ, રમત ગમત માટે મેદાન, બગીચો, ઘણા ટોયલેટ-બાથરૂમ બધી જ સગવડ હતી.

વિદ્યાને શાળાનુ વાતાવરણ ખુબ જ ગમી ગયુ. શાળાના સ્ટાફમાં ગુણંવતભાઇ આચાર્ય હતા. ધોરણ 6 થી 8માં ચાર શિક્ષકો હતા અને 1 થી 5 માં તેના સહિત પાંચ શિક્ષકો એમ કુલ દસનો સ્ટાફ હતો. આજે વિદ્યાનો પ્રથમ દિવસ હતો. તેથી તેને બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય આપ્યો તથા સ્ટાફ સાથે પરિચય કેળવ્યો.

જીંદગીમાં પહેલીવાર એકલી રહેવાનુ સાહસ કર્યં હતુ. ગામનુ વાતાવરણ અને લોકોના હાવભાવ જોઇને જરાય અજાણ્યુ લાગતુ ન હતુ. હિતનો મુડ ઠીક ન હતો. ઘેર આવીને હિતને નાસ્તો આપ્યો તો તે બરાડી ઉઠ્યો,

“મમ્મી મારે અહીં નથી રહેવું. પપ્પા સાથે રહેવુ છે.”

“મારા રાજા બેટા, આપણે રજામાં જઇશુ પપ્પા પાસે. થોડા સમય બાદ બદલી થશે એટલે પપ્પા સાથે જ રહેશું.”

“મમ્મી મને અહીં નથી ગમતુ મારે અહીં નથી રહેવુ.”

“બેટા, થોડો સમય લાગે એવુ નવુ વાતાવરણ હોય એટલે પછી ધીરે ધીરે બધુ ગોઠવાય જશે.”

“મમ્મી મારે મારા ભાઇબંધો પાસે મારી શાળામાં જવુ છે. અહીં મને નહિ ફાવે.”

“દીકરા, જતા રહેશું. મમ્મી માટે પ્લીઝ થોડો સમય રહેજે. પછી આપણે ફરીથી ગાંધીનગર જતા રહેશુ.”

“થોડો જ સમય હુ રહીશ.”

“પ્રોમિસ દીકરા થોડા વખત બાદ ગાંધીનગર ફરીથી જતા રહીશુ. હવે જમી લે થોડુ.”

હિત અને વિદ્યાએ નાસ્તો કરી લીધો. વિદ્યાએ ઘરમાં બધુ વ્યવસ્થિત કરવા લાગી ગઇ અને હિત ટી.વી. જોવા લાગ્યો. ટી.વી. જોતા જોતા સાંજ પડી એટલે ફરી કંટાળો આવવા લાગ્યો તે બહાર નીકળવા જતો હતો ત્યાં

“બેટા હિત કયાં જાય છે તુ?”

“મમ્મી મને અહીં કંટાળો આવે છે હું શુ કરુ?”

“ઓ.કે. બેટા ચાલ હુ તારી સાથે આવુ છુ. આપણે આસપાસના લોકો સાથે પરિચય કેળવીએ. તેમાં તને નવા મિત્રો મળી રહેશે અને મને પાડોશનો પરિચય પણ થશે”

વિદ્યા ફટાફટ તૈયાર થઇને હિત સાથે બાજુના ઘરમાં ગઇ. તેને આસપાસના લોકો સાથે પરિચય કેળવ્યો ત્યાં હિતને પણ આસપાસથી મિત્રો મળી ગયા કોષા, પ્રશાંત, અવની અને દીપક થોડીવારમાં બધા ખાસ મિત્રો બની ગયા. વિદ્યાને આસપાસ ઘણા લોકો સાથે પરિચય કેળવાઇ ગયો. પાડોશ ખુબ જ સારો હતો. હિતને હવે નવા મિત્રો મળી ગયા હતા. તેથી તે રમવામાં મશગુલ બની ગયો. સાંજે અંધારુ થયુ એટલે હિત ખુશ થતો ઘેર આવ્યો. રાત્રે જમીને માં દીકરો સુઇ ગયા.

બીજે દિવસે સવારે વહેલી સવારે રસોઇ બનાવી માં દીકરો સ્કુલે ગયા. શાળાના બાળકો ખુબ જ શાંત અને શિસ્તમાં હતા. વિદ્યાને ભણાવવાની ખુબ જ મજા પડી રહી હતી. હિતને પોતાના મિત્રો પ્રશાંત અને અવની સાથે કલાસમાં ફાવી ગયુ. રિશેષમાં તેને કોષા અને દીપક પણ મળી ગયા. બધાએ મળી ખુબ જ ધમાલ કરી. સાંજે માં દીકરો ઘરે આવ્યા ત્યારે આદતવશ હિતે ફ્રેશ થઇ લેશન પુર્ણ કરી તે તેના મિત્રો સાથે રમવા ગયો.

થોડા જ દિવસમાં વિદ્યા અને હિત જુનાગઢના શેલત ગામમાં સેટ થઇ ગયા. વિદ્યાને નાણાકીય જરૂરિયાત ન હતી પરંતુ ટાઇમપાસ માટે તેણે ગામના નબળા વિદ્યાર્થીઓ માટે સાંજે કોચિંગ શરૂ કર્યા. હિત ખુબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો આથી તેને તો માત્ર થોડા માર્ગદર્શનની જરૂર હતી આથી તે કોચિંગમાં બેસતો નહી. બસ જાતે જ પોતાનુ હોમવર્ક કરી લેતો અને પછી રમવા જતો રહેતો.

એક દિવસે શનિવારે સવારની સ્કુલ હતી. ચોમાસાના દિવસો હતા. વાતાવરણ એકદમ ખુશનુમા હતુ. કુદરતે પોતાની સુંદરતા મન મુકીને વર્ષાવી હતી. ચારે તરફ હરિયાળી અને ફુલોની મહેક જ વર્તાતી હતી. ચારેક વાગ્યે હિત તેના મિત્રો સાથે રમવા ગયો. થોડી વાર તેઓ રમ્યા પછી કોષાએ કહ્યુ,

“ચાલો આજે બધા જંગલમાં જઇએ”

“જંગલ, અરે ના રે બાબા જંગલમાં થોડુ જવાય.”

“અરે, હિત જંગલ અહીંથી ખુબ જ નજીદીક છે. શોર્ટ કટમાં કલાકમાં પહોંચી જઇશુ ખુબ જ મજા આવશે. અમે તો ઘણી વખત ત્યાં જઇએ છીએ.” પ્રશાંતે હિતના ખભે હાથ મુકીને કહ્યુ.

“મારી મમ્મીને ખબર પડે તો ખુબ જ ખીજાય મને. હુ નહીં આવુ મને જંગલની બીક લાગે.” હિતે ના પાડતા કહ્યુ.

“હિત અમે તો ઘણી વાર જઇએ છીએ કોઇને કાંઇ ખબર પડતી નથી. હમણાં થોડી વારમાં તો ઘરે બેઠા હશું. ચોમાસામાં ત્યાં ઘણા ફળો ખાવા મળશે. જાંબુ, ચીકુ, રાયણ ખુબ જ મજા પડશે.” અવનીએ હિતને સમજાવતા કહ્યુ.

“મને જંગલથી ખુબ જ બીક લાગે ત્યાં ભયાનક પ્રાણીઓ રહે છે.” હિતે ફરી અચકાતા કહ્યુ.

“તુ આવ તો ખરી. આપણે કાંઇ બહુ ઉંડે નથી જાવુ. થોડેકથી પાછા આવી જઇશું.” અવનીએ ફરી તેને સમજાવતા કહ્યુ.

“હાલ ને હિત હાલને બહુ મજા પડશે.” બધાએ એક સાથે કહ્યુ.

બધાએ ખુબ જ કહ્યુ એટલે હિત તૈયાર થઇ ગયો. બધા પોતપોતાની સાઇકલ લઇને જંગલ તરફ જવા નીકળ્યા. રસ્તો ખુબ જ સાંકડો અને ખરબચડો હતો. બીજા બધાને તો આવા રસ્તા પર સાઇકલ ચલાવવાનો અનુભવ હતો. તેથી તેઓને કાંઇ વાંધો આવતો ન હતો. પરંતુ હિતને તકલીફ પડતી હતી. તે વારંવાર નમી જતો હતો અને પડી જતો હતો. પરંતુ તે હિમ્મત હાર્યા વિના મિત્રો સાથે ફરી જોડાય જતો હતો. એકવાર તો તે એક નાનકડી નદીમાં પડી ગયો અને પગમાં પથ્થર ખુંચી ગયો. બધા મિત્રો ભેગા થઇ ગયા. પણ હિત તો ઉભો થઇને બોલ્યો,

“શું ઉભા છો. ચાલો જંગલમાં.”

“હિત તને લાગ્યુ તો નથી ને? તકલીફ પડતી હોય તો પાછા જઇએ.” કોષાએ હમદર્દી બતાવતા કહ્યુ.

“ના, મને કંઇ નથી થયુ. ચાલો બધા જઇએ. નહિં તો અંધારુ થઇ જશે.”

“હિત તને મુશ્કેલી પડતી હોય તો મારી સાથે બેસી જા. રિર્ટનમાં તારી સાઇકલ અહીંથી લઇ લેશુ. અહીં તારી સાઇકલ કોઇ નહિ લઇ જાય.” પ્રશાંતે હિત પાસે જઇને કહ્યુ.

“અરે, ના ભાઇ ના જીવનમાં બધુ શીખવુ જોઇએ. પહેલી વાર આવા રસ્તા પર સાઇકલ ચલાવવી અઘરી પડે છે. પછી હુ તમારી જેમ ધીરે ધીરે શીખી જઇશ.”

હિતની વાત સાંભળી બધા ખુશ થઇ ગયા અને નીકળી પડયા. હિત ધીરે ધીરે બધા સાથે અથડાતા પડતા બધા સાથે થઇ જતો હતો. પોણાક કલાક પછી જંગલ જેવુ લાગવા લાગ્યુ. બધા પોતાની સાઇકલ મુકીને એટલામાં ફરવા લાગ્યા. જાંબુ, રાયણ જેવા ફળો તોડીને ખાવા લાગ્યા થોડી વાર તેઓ રમ્યા. બાજુમાં એક ઝરણુ હતુ તેમાંથી મીઠુ મધ જેવુ પાણી પીધુ. બધા ખુબ જ ખુશ હતા. પછી તેઓ પરત જવા નીકળ્યા. હિતને હવે સાઇકલ ચલાવવામાં મુશ્કેલી પડતી ન હતી.

અંધારુ થતા પહેલા તેઓ ગામમાં પહોંચી ગયા. આજે તેઓને ખુબ જ થાક લાગ્યો હતો. આથી ઘરે જઇને ફટાફટ જમીને બધા સુઇ ગયા.

હિતને જંગલમાં ખુબ જ મજા આવી હતી. બીજે દિવસે રવિવારની રજા હતી તો પણ તે સવારે વહેલો તૈયાર થઇ રમવા નીકળી ગયો. બધા મિત્રોને એકઠા કરીને કહ્યુ,

“હે ગાઇસ, મારે જંગલમાં અંદર જોવા જવુ છે. તમે મને જંગલ બતાવશો?”

“કાલે તો બહુ ડરતો હતો અને આજે અંદર જોવા જવુ છે. અંદર થોડુ જવાય.” દીપકે કહ્યુ.

“હિત, અંદર તો અમે પણ કયારેય જતા નથી. ત્યાં ખુબ જ બીક લાગે.” કોષાએ હિતને સમજાવતા કહ્યુ.

“અરે, યાર હુ થોડે જ અંદર જવાની વાત કરુ છુ. થોડે તો જઇ શકાય ને?” હિતે બધા મિત્રોને કહ્યુ.

“હા, ચોક્કસ જઇ શકાય.” પ્રશાંતે કહ્યુ.

“તો ચાલો જઇએ.”

“પણ અત્યારે” બધાએ એક સાથે આશ્ચર્યથી ચીસ પાડીને કહ્યુ.

“અરે તો એમાં શું વાંધો છે?” એટલુ હિતે કહ્યુ ત્યાં તો ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. જુનાગઢનો વરસાદ હોય એટલે કહેવાનુ શું હોય. બધા બાળકો આનંદની ચિચયારી પાડીને નાચી કુદીને વરસાદમાં નાહવા લાગ્યા. થોડીવાર વરસાદમાં નાહીને પોત પોતાના ઘરે ગયા. પછીનુ આખુ અઠવાડિયુ લગભગ વરસાદ ચાલુ જ રહ્યો. શનિવારે બપોર પછી થોડો તડકો નીકળ્યો એટલે ફરીથી હિતે કહ્યુ,

“ચાલો મિત્રો આપણે જંગલમાં જઇએ.”

“હિત, આખુ અઠવાડિયુ વરસાદ પડયો એટલે જંગલ તરફ જતો રસ્તો ખુબ જ ખરાબ હોય છે. થોડુંક વાતાવરણ સારું થશે પછી જઇશું.”

“ઓ.કે. પણ જઇશુ હો.”

બધાએ હા પાડી ત્યાં તો ફરીથી વરસાદ પડવા લાગ્યો. હવે કોઇને નાહવુ ગમતુ ન હતુ તેથી તેઓ પોતપોતાના ઘરમાં જતા રહ્યા.

વરસાદ અને તડકો એમ કરતા કરતા જન્માષ્ટમીની રજાઓ પડી ગઇ એટલે હિત અને વિદ્યા તો ગાંધીનગર જતા રહ્યા. હિતને હવે ગાંધી નગર ગમતુ ન હતુ. ગાંધીનગરમાં માંડ અઠવાડિયુ વિતાવ્યુ અને હિતને ગામડુ સાંભળવા લાગ્યુ. જેમતેમ કરીને રજા પુરી થતા વિદ્યા અને હિત ગામડે આવી ગયા. ગામડે આવતા જ હિત રાજીના રેડ થઇ ગયો. વિદ્યા પણ હિતનો ગામડા પ્રત્યેનો લગાવ જોઇને ખુબ ખુશ થઇ ગઇ. તેને આશ્ચર્ય થતુ હતુ કે ગાંધીનગર જેવા મેગાસીટીમાં ઉછરેલા હિતને ગામડા પ્રત્યે આટલો લગાવ છે.

વરસાદ પડવાનો તો ઓછો થઇ ગયો હતો પરંતુ કીચડ અને કાદવ તો હજુ હતા જ, તેથી બધાએ એકાદ મહિના બાદ જંગલમાં જવાનુ નક્કી કર્યુ. પંડર વીસ દિવસ સુધી વરસાદની જગ્યાએ તડકા પડવા લાગતા કાદવ કીચડ બધુ સુકાવા લાગ્યુ.

ત્યાર બાદ શનિવાર આવ્યો અને મિત્રોને જોઇતુ હતુ તે મળી ગયુ. બધાએ એકઠા થઇને જંગલમાં જવાનુ નક્કી કર્યુ. રવિવારે તિ વિદ્યાને કોચીંગ ક્લાસમાં પણ રજા રહેતી તેથી વિદ્યા હિતને આખા અઠવાડિયાનુ લેશન રિપીટ કરાવતી તેથી રવિવારે સાંજે હિતને રમવાની મનાઇ જ રહેતી તેથી બધા મિત્રો શનિવારે બપોરે જ સાડા ત્રણૅ વાગ્યે સાઇકલ લઇને નીકળી ગયા. સાઇકલ લઇને બધા  મિત્રો પહેલા તો સીમમાં રમવા જતા તેથી બધા માતા પિતાને કોઇ ચિંતા ન રહેતી. જંગલની વાત કોઇપણના ઘરમાં ખબર ન હતી, નહી તો નાના બાળકોને તો કોઇ આમ એકલુ જંગલમાં જવા જ ન દે.

બધા છાનામાના નીકળી પડ્યા. હિતને પણ હવે આવા જંગલના રસ્તે સાઇકલ ચલાવવાનો સારો એવો મહાવરો થઇ ચુક્યો હતો. વરસાદના કારણે ગામના રસ્તા પણ ખરાબ થઇ ચુક્યા હતા માટે હવે હિતને ચોમાસામાં સાઇકલ ચલાવવાનો ખાસ્સો એવો અનુભવ થઇ ચુક્યો હતો તેથી તે હવે બીજા મિત્રોની સાથે જ સાઇકલ ચલાવી રહ્યો હતો. પોણાએક કલાકમાં બધા જંગલમાં પહોંચી ગયા. ઘણા સમય બાદ બધા મિત્રો જંગલમાં આવ્યા હતા તેથી બધા ખુબ ખુશ હતા એમા પણ ખાસ કરીને જિત. પહેલા તો સાઇકલોને પડતી મુકીને બધા મિત્રોએ ખુબ ફળો ખાધા, ફળો ખાઇને થોડીવાર રમતો રમ્યા અને પાણી પીને ખુબ મસ્તી કરી.

મજાક મસ્તી કરીને બધા જંગલમાં ચાલવા લાગ્યા. બધાને બીક લાગતી હતી છતા પણ જંગલ જોવાની લાલચે આગળને આગળ વધે જઇ રહ્યા હતા.દૂર દૂર ક્યારેક સસલા અને હરણ જેવા પ્રાણીઓને જોઇ બધા ખુબ મજા કરતા હતા. હિતે તો પ્રાણીસંગ્રહાલયમાં જ આવા પ્રાણીઓને જોયા હતા જ્યારે આજે આમ મુક્ત રીતે વિહરતા પ્રાણીઓને જોઇ તે વધુ આનંદ લેતો. પ્રશાંત તો આજે છાનામાનો કેમેરો લાવ્યો હતો તેથી તેણે તો આ રીતે વિહરતા પ્રાણીઓને જોઇ તે કેમેરા વડે ફોટા પાડવા લાગ્યો.

થોડે દૂર ગયા તો દૂર દૂર અગ્નિ જેવુ કંઇક બધા મિત્રોને દેખાયુ હિતે બાઇનોક્યુલરથી જોયુ તો ઝુંપડી જેવુ કાંઇક દેખાતુ હતુ. બધા મિત્રોએ તે દિશામાં આગળ વધવાનુ નક્કી કર્યુ.બધા તે દિશામાં આગળ વધવા લાગ્યા. ઝુંપડીથી થોડે જ દૂર હતા ત્યાં બધાની નજર ચકિત થઇ ઉઠી. બધા આશ્ચર્યભરી નજરે એકબીજા સામે જોઇ રહ્યા. બધાના ચહેરા પર ડરના ભાવ ઉપસી આવ્યા. બધા બાળકો  થોડે દૂર હતા ત્યાં તેમણે જોયુ કે ઝુંપડીની બહાર અગ્નિ પ્રગટતો હતો અને તેની સામે મોટી દાઢીવાળા સાધુ જેવુ કોઇક બેઠુ હતુ. બધાને આશ્ચર્ય થયુ સાથેસાથે ડર પણ લાગવા લાગ્યો હતો તેથી કોઇએ નજીક જવાની હિમ્મત કરી નહી. સાંજ ઢળવા લાગી હતી.

“ચાલો હવે ઘરે જઇએ, સાંજ ઢળવા લાગી છે. મોડુ થશે તો કોઇને આપણા પર શક જાશે.” હિતે કહ્યુ અને બધા મિત્રો ગામની દિશામાં પાછા વળવા લાગ્યા.

સાઇકલ પાસે પહોંચીને સાઇકલ દોડાવતા બધા મિત્રો ઘર બાજુ જવા લાગ્યા. પાછા વળતી વખતે કોઇ એકબીજા સાથે બોલતુ ન હતુ. બધાના મનમાં બસ એક જ વિચાર હતો કે જંગલમાં પેલા સાધુ જેવુ કોણ હતુ? અને તે ત્યાં તેઓ શું કરી રહ્યા હતા. મનમાં બાળસહજ વિચારોની સાથે બધા ગામમાં પહોંચી ગયા. બધાને આજે ખુબ થાક લાગ્યો હતો.

હિત તો ઘરે પહોચ્યો ત્યાં સાઇકલ ચલાવવાને કારણે તેના તો પગ દુખવા લાગ્યા હતા. વાર્તાની ચોપડીને લઇ વાંચતો તે પથારીએ આડો પડ્યો પણ હજુ તો અડધી વાર્તા પણ વાંચી ન હતી ત્યાં તેને ઊંઘ આવી ગઇ. વિદ્યાએ તેને જમવા માટે ઉઠાડ્યો પણ થાકના કારણે તે ઉઠ્યો જ નહી. વાર્તાની ચોપડીને તેના હાથમાંથી લઇ એકબાજુ મુકી હિતને વ્યવસ્થિત સુવાડી દીધો.

રવિવારે હિત વહેલો ઉઠી ગયો. ભુખને કારણે તેની ઊંઘ વહેલી ઉડી ગઇ. વ્યવસ્થિત પેટ ભરીને નાસ્તો કરી તે શેરીમાં નીકળ્યો ત્યાં બધા મિત્રો તેને મળી ગયા.

“પેલા સાધુ જેવુ કોણ હતુ? તે ત્યાં શું કરતા હશે? તમે કોઇ દિવસ તેને જંગલમાં આ પહેલા જોયા છે?” હિતે આવતાવેંત જ પ્રશ્નોનો મારો ચલાવી દીધો.

“છોડને હિત, આપણે શું પંચાત? તે સાધુ તેનુ જાણે. હવે આપણે આ રીતે કોઇ દિવસ જંગલમાં કાંઇ જોવા જવુ નથી.” પ્રશાંતે વાતને કાપતા કહ્યુ.

“હિત સાચુ કહે છે પ્રશાંત, તે સાધુ ગાઢ જંગલમાં શું કરતા હશે?” અવનીએ પુછ્યુ.

“અરે સાધુને છોડ. આવા સાધુ બાવા તો જંગલમાં જ રહેતા હોય, એમા નવુ શું છે?ચાલો આપણે બધા રમીએ. નાહક પંચાત કરીને ટાઇમ કેમ બગાડો છો બધા?”

“ના પ્રશાંત, તુ ભલે કહે પણ મને કાંઇક રહસ્યમય લાગ્યુ. તે જોયુ હતુ તે સાધુની ઝુંપડીની આજુબાજુ અગ્નિ પ્રગટતો હતો પણ આજુબાજુ પ્રકાશ કેટલો છવાયેલો હતો? મને તો તે સાધુ અને તેની ઝુંપડી બહુ રહસ્યમય લાગ્યા. મારે તો ત્યાં જઇને હજુ વધારે જાણવુ છે.” હિત બધુ એકીશ્વાસે બોલી ગયો.

“હિત, યાર હવે ત્યાં જાણવા ગયા અને સિંહ-વાઘનો ભેટો થઇ ગયો તો નકામા હેરાન થઇ જશું.” દિપકે મહત્વની વાત કરતા કહ્યુ.

“હિમ્મત રાખો બધા. મને નિશાનેબાજી આવડે છે. આપણે બધા આવતા અઠવાડિયે ફરીથી જંગલમાં જશું. શું કહો છો બધા?” હિતે પોતાનો હાથ લંબાવતા પુછ્યુ.

“ઠીક છે, તો પાક્કુ આપણે આવતા અઠવાડિયે ફરીથી જંગલમાં જશું.” બધાએ હિતના હાથમાં હાથ મીલાવતા કહ્યુ.

થોડીવાર રમતો રમીને બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. હિતને મનમાંથી પેલા સાધુનો વિચાર દૂર થતો જ ન હતો. આખુ અઠવાડિયુ તેને ચેન ન પડ્યુ. તે આતુરતાથી શનિવારની રાહ જોવા લાગ્યો. વિદ્યાને પણ હિતનો સ્વભાવ વિચિત્ર લાગી રહ્યો હતો પણ બાળકોના મુડના અંદાજ ક્યારેય બાંધી શકાય નહી એવા વિચારે તેણે પણ એ બાબતે બહુ વધુ ન વિચાર્યુ.

જોતજોતામાં શનિવાર આવી ગયો. સવારની શાળા પુર્ણ કરી ફટાફટ જમીને હિત તો સાઇકલ લઇને બે વાગ્યામાં જ નીકળી ગયો અને કોષાના ઘરે જઇ પડ્યો. કોષા અને પ્રશાંતે તો હજુ જમ્યુ પણ ન હતુ. તે બન્નેના મમ્મીએ હિતને ખીજાયા એટલે વળી હિત બહાર રાહ જોતો ઉભો રહ્યો. સવા ત્રણ વાગ્યે બધા એકઠા થયા. હવે બીજે ક્યાંય સમય ન બગાડતા બધા ઝડપથી જંગલ તરફ નીકળી ગયા.

જંગલમાં પહોંચ્યા ત્યાં બધા અને ખાસ કરીને હિત ખુબ ભુખ્યો થઇ ઉઠ્યો એટલે બધા ફળો ખાવામાં મશગુલ બની ગયા. ફળો ખાઇને બધા તો રમવામાં મશગુલ બની ગયા પણ એકલા હિતને બીજે ક્યાંય ચેન પડતુ ન હતુ. તે બધાને મનાવતો પરાણે આગળ ઢસડી ગયો. સાધુની ઝુંપડી દેખાતી તો ન હતી પણ એ સાધુને શોધવાની આશાએ તેઓ આગળ ને આગળ વધવા લાગ્યા. થોડી જ વારમાં બધાને ઝુંપડી દેખાઇ અને તે વખતની જેમ જ ઝુંપડી આસપાસ અગ્નિ દેખાતા બધા તે દિશામાં આગળ વધવા લાગ્યા.

આ વખતે બધાને એક કુતુહલ નજરે ચડ્યુ કે ઝુંપડીમાંથી એક તેજોમય પ્રકાશ બહાર ફેલાઇ રહ્યો હતો. પ્રકાસ દૂર દૂર સુધી ફેલાઇ રહ્યો હતો અને સાધુ અગ્નિ સામે બેસીને બુલંદ સ્વરે મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. બધા બાળકો એકચિત બની તે મંત્રોચ્ચાર સાંભળવામાં મગ્ન બની ગયા અચાનક જ પાછળથી સિંહની ગર્જના સંભળાતા બધા બાળકો ભયથી થથરી ઉઠ્યા. કોષા અને દિપક તો ભયના માર્યા પાછા ભાગવા લાગ્યા ત્યાં હિતે તે બન્નેનો હાથ પકડી લીધો.

“હિત, ગાંડપણ રહેવા દે અને ચાલ આપણે પાછા ફરીએ. આપણે આ બધી પંચાતમાં પડવાની કાંઇ જરૂર નથી.” પ્રશાંતે અધિરાઇથી કહ્યુ.

“પ્રશાંત આપણે વિદ્યાર્થી છીએ એટલે કે વિદ્યા મેળવવી એ આપણું મુખ્ય ધ્યેય હોવુ જોઇએ. આ સાધુનુ રહસ્ય અને તે ઝુંપડીમાંથી આવતો તેજોમય પ્રકાશનું રહસ્ય તો આપણે જાણવુ જ જોઇએ, કદાચ આપણે તેમાંથી નવુ જ્ઞાન પ્રાપ્ત મળી રહે. જીવનમાં હિમ્મત અને સાહસનો ગુણ તો આપણામાં હોવો જ જોઇએ અન્યથા જીવન જીવવાનો શું મતલબ???

બધા હિત સામે એકીટશે જોઇ રહ્યા પછી હિતની વાત સાથે સહમત થતા તે ઝુંપડીની દિશામાં આગળ વધવાનુ શરૂ કર્યુ. ઝુંપડીથી હવે તેઓ બાર પંદર ડગલા દૂર હતા  ત્યાં તેઓએ અનુભવ્યુ કે ઝુંપડીમાંથી આંખને આંઝી દેતો પ્રકાશ ચોતરફ ફેલાઇ રહ્યો હતો અને મધ્યમાં સાધુના મંત્રોચ્ચાર ગુંઝી રહ્યા હતા. નજીક જઇને આંખો ચોળતા તેઓએ જોયુ કે સાધુથી થોડે દૂર ફરતે કાળા રંગથી મંડલાકારે રેખા ખેંચેલી હતી. આજુબાજુ પડેલી વસ્તુઓ અને બધુ રહસ્યમય લાગી રહ્યુ હતુ. ધીમે ધીમે બધા નજીક જવા લાગ્યા. અચાનક જ કોષાના પગ પેલા કાળા રંગથી ખેંચેલી સિમાની અંદર ગયા કે જાદુ થયો.

નાજુકડી કોષા છોકરીમાંથી બિલાડી બની ગઇ. આ જોઇ બધા એકદમ અચાનક જ થંભી ગયા અને ડરવા લાગ્યા. બધા બસ એક જ વિચારમાં હતા કે કોષા અચાનક બિલાડી કેમ બની ગઇ? બધા ધૃજવા લાગ્યા. દિપક અને અવની તો રડી જ પડ્યા. હિત એ બન્નેને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ એ બન્ને તો મા-બાપની ડાંટ ફટકારના વિચારે જ જોરજોરથી રડવા લાગ્યા હતા.

અચાનક જ હિતે જોયુ તો સાધુ ધ્યાનમાંથી સચેત થઇ ગયા હતા. તેઓની આંખો ખુલ્લી હતી અને તે સાધુ આ બાળકોની સામે જોઇ રહ્યા હતા. તેમની આંખોમાં ગજબનો જાદુ હતો અને એક અલગ જ પ્રકારનો ખેંચાવ હતો. અચાનક જ સાધુની નજર પેલી બિલાડી તરફ ગઇ કે જે પેલી સીમારેખાની અંદર બેઠી ધૃજતી હતી. “બાળકો તમે અહી ક્યારે આવ્યા? આટલા ગાઢ જંગલમાં આ રીતે એકલા ભમવુ એ સારી નિશાની નથી બેટા.” સાધુએ બાળકોને સમજાવતા કહ્યુ.

“મહાત્માજી, અમે તો અહી રમવા આવ્યા હતા, અચાનક કોષા બિલાડી બની ગઇ. પ્લીઝ સાધુજી અમારી મિત્ર કોષાને ફરીથી છોકરી બનાવી દ્યો.” હિતે હાથ જોડીને વિનંતી કરી.

હિત સામે જોઇને સાધુએ સંસ્કૃતમાં પુછ્યુ, “શું કહે છે વત્સ?”

હિતને સંસ્કૃત ભાષાનો મહાવરો હતો, તેણે ગાંધીનગરમાં ક્લાસ કરેલા હતા અને તેની મમ્મી પણ તેને રજાઓમાં સસ્કૃત શીખવતી હતી આથી તેણે પણ સાધુ સામે સંસ્કૃતમાં કોષાને ફરીથી છોકરી બનાવવા વિનંતી કરી. આટલા નાના બાળકના મુખેથી સંસ્કૃત સાંભળી સાધુ મહાત્મા ખુબ ખુશ થઇ ગયા.

તેઓ મંદ મંદ મુશ્કાતા ઝુંપડીમાં ગયા અને પોતાના કમંડલમાંથી હાથમાં અંજલી લઇ પાણી પેલી બિલાડી પર છાંટતા જ કોષા તેના મુળ સ્વરૂપમાં આવી ગઇ. બધા બાળકો કોષાને જોઇને ખુબ રાજી થઇ ગયા. કોષા સીમારેખાની બહાર નીકળી ગઇ.

“ચાલો આપણે જઇએ, હવે અહી રહેવામાં સારાવટ નથી.” દિપક અને અવની બોલતા પાછા ફરવા લાગ્યા.

“બેટા, તમે બધા અહી મને મળવા આવ્યા છો અને આમ મળ્યા વિના કે કાંઇ જાણ્યા વિના જ જતા રહેશો?” સાધુએ અંજલીમાં રહેલુ દિવ્ય પાણી સીમારીખા ફરતે અને  થોડુ પાણી બધા બાળકો પર છાંટતા બાળકોને પુછ્યુ.

“આવો અંદર આવો, તમારુ સ્વાગત છે.” સાધુએ બધાને અંદર બોલાવ્યા પણ સામે ઉભેલામાથી કોઇની હિમ્મત થતી ન હતી કે તેઓમાંથી કોઇ પણ અંદર જવાની હિમ્મત કરે. કોષા તો સૌની પાછળ ડરીને સંકોળાઇને ઉભી હતી.

“ઠીક છે મહાત્માજી, ચાલો આપણે સાધુ મહાત્માની નજીક જઇએ અને તેમના આશિષ મેળવીએ.” સૌથી આગળ ઉભેલો હિત આગળ વધવા ગયો અને બધાને પણ આગળ આવવા કહ્યુ.

“હિત તુ રહેવા દે, આપણે બધા બિલાડી બની જઇશું અને આ બાવો આપણને અહી જંગલમાં રખડતા મુકીને ભાગી જશે તો કોઇ જંગલી જનાવરના શિકાર બનતા વાર નહી લાગે. હવે આ બધુ છોડ અને ચાલ ઘરે. આમપણ આપણે જંગલમાં કોઇને કાંઇ કહ્યા વિના આવ્યા છીએ.” પ્રશાંતે હિતનો હાથ પકડી તેને રોક્યો.

“અરે યાર, કાંઇ નહી થાય, તુ જો હું જાંઉ છું.” કહેતો હિત પોતાનો હાથ છોડાવતો સીમારેખાની અંદર પ્રવેશ્યો પણ આ વખતે તેનું સ્વરૂપ બદલાયુ નહી.

“જોયુ, હું બિલાડી કે કાંઇ બન્યો નહી ને? ચાલો હવે તમે બધા અંદર આવો. કાંઇ નહી થાય તમને લોકોને.” હિતે બધાને હિમ્મત આપતા કહ્યુ.

બીજા કોઇની ઇચ્છા તો જરાય ન હતી પણ હિત બહુ આગ્રહ કરવા લાગ્યો એટલે ડગલા માંડતા માંડતા બધા અંદર જવા લાગ્યા. કોષા અને અવની સૌની પાછળ હતા. બધા બાળકોને કાંઇ થયુ નહી એટલે છેવટે બન્ને સીમારેખાની અંદર આવી.

બધા બાળકો જેવા સીમારેખાની અંદર પ્રવેશ્યા કે તેમને બહુ અલગ અને વિચિત્ર અનુભવ થયો. સીમારેખાની બહાર જ્યારે તેઓ હતા ત્યાં સુધી ગરમી અને અકળામણ થતી હતી પરંતુ અહી સીમારેખાની અંદર તેઓને ઠંડી મહેસુસ થવા લાગી, મીઠી મઘમઘમતી સુગંધ ફેલાયેલી હતી.પક્ષીઓનો કલરવ સંભળાતો હતો કે જે મધુર અવાજ સીમારેખાની બહાર હતા ત્યારે આવી રહ્યો ન હતો. આજુબાજુનુ વાતાવરણ જોઇ બાળકો મંત્રમુગ્ધ બની ગયા. આ બધુ તેમને સ્વપ્નલોક જેવુ લાગી રહ્યુ હતુ. તેઓ બધા ક્યારેક આજુબાજુ તો ક્યારેક એકબીજાને જોઇ રહ્યા હતા. બધાના મનમાં અનેક પ્રશ્નો હતા, જે તેમની આંખો સુચવી રહી હતી.

“હે મહાન આત્મા, આપ કોણ છો? અહીયા આપ શું કરી રહ્યા છો? અને આ સીમારેખાની અંદરનું વાતાવરણ જંગલના વાતાવરણથી તદ્દન અલગ કેમ છે?” હિતે હાથ જોડીને સંસ્કૃત ભાષામાં મહાત્માને પુછ્યુ.

“હે વત્સ, તું મને સદગુણી બાળક લાગે છે પરંતુ મને કોઇ પ્રશ્ન પુછવા નહી. મારે તમને જે કાંઇ જ્યારે જણાવવુ હશે તે યોગ્ય સમય આવ્યે અવશ્ય તમને કહીશ બાકી હું તમને પ્રશ્નોના જવાબ આપીશ નહી.” સાધુએ સંસ્કૃતમાં પ્રત્યુતર વાળ્યો.

“પણ મહાત્માજી અમને તમારો પરિચય તો આપો. આ બધા રહસ્ય વિષે અમને કાંઇક તો જણાવો. અમે બધા વિદ્યાર્થીઓ છીએ અને અમને આ બધા કુતુહલ વિષે જાણવાની ખુબ જ ઇચ્છા છે એટલે અમે આપને જીજ્ઞાશાવશ જ તમને આ બધુ પુછીએ છીએ.” હિતે કહ્યુ.

“બેટા, મે તને કહ્યુ ને કે તમારે લોકોએ મને પ્રશ્નો પુછવા નહી. જ્ઞાન જેવી વસ્તુ મેળવાતી નથી તે આત્મસાત થાય છે. તમારી પાત્રતા અનુસાર તમારા જીવનમાં તમને જ્ઞાન મળી જ રહેશે. આવતી પુનમના દિવસે તમે લોકો અહી આવજો, હું તમને તમારા પ્રશ્નોના જવાબ જરૂરથી આપીશ.”

“હા મહાત્માજી, અમે જરૂર આવીશું. હવે અત્યારે અમે બધા ઘરે જઇ શકીએ.” વિનમ્રતાથી સસ્કૃત ભાષામાં હિતે સાધુની પરવાનગી મેળવી.

“હા બાળકો, તમે વિના સંકોચ તમારા નિવાસસ્થાને પરત ફરી શકો છો. તમારે મારાથી ડરવાની પણ જરૂર નથી.”

બધા બાળકો સીમારેખાને ઓળંગીને નીકળી ગયા. તેઓને હવે ઠંડી લાગવા માંડી હતી. અંધારૂ થવા આવ્યુ હતુ તેથી બધા મિત્રોએ જરાપણ સમય બગાડ્યા વિના સાઇકલ લઇને ઘર તરફ જવા નીકળી ગયા. બધા ખુબ ઉત્તાવળે સાઇકલ ચલાવતા ગામ તરફ રવાના થયા. ઘરે મોડુ થઇ જશે તો શું બહાનુ કરશે એ વિચારે કોઇપણ કાંઇ ચર્ચા કર્યા વિના રસ્તો પસાર કરવા લાગ્યા.

ઘરે આવતા હિતને ખુબ થાક લાગ્યો હતો તેથી તે ફટાફટ જેવુતેવુ જમીને સુઇ ગયો. સવારે બધા મિત્રો એકઠા થયા તો ખબર પડી કે રાત્રે કોષાને ખુબ તાવ આવી ગયો હતો આથી બધા કોષાના ઘરે તેને મળવા ગયા. કોષાના મમ્મી ઘરે જ હતા તેથી જંગલની વાત કરવી તો શક્ય જ ન હતી. કોષાના ચહેરા પર ખુબ થાક વર્તાઇ રહ્યો હતો, તેને જોતા એવુ લાગતુ હતુ કે ભયના કારણે તે રાત્રે આરામથી ઊંઘી શકી નથી. થોડીવાર કોષાના હાલચાલ પુછી બધા સૌ સૌના ઘરે જતા રહ્યા. આજે કોઇને પણ રમવાની ઇચ્છા થતી ન હતી.

બીજા દિવસે બધા શાળાએ એકઠા થયા. કોષા પણ શાળાએ આવી હતી. હવે તેની તબિયત સારી જણાતી હતી. શાળામાં આજે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી અને વર્ગમાં સમયપત્રક લખાવવામાં આવ્યુ. બીજા સોમવારથી જ પરીક્ષા શરૂ થઇ રહી હતી. શાળામાં શિક્ષકો બહુ ખંતથી અભ્યાસ કરાવતા આથી સમયસર તમામ અભ્યાસક્રમ પુર્ણ થઇ ગયો હતો અને છેલ્લા એક માસથી પુનરાવર્તન થઇ રહ્યુ હતુ આથી બધા શિક્ષકોને મનમાં એક વિશ્વાસ હતો કે બાળકોને બધુ આવડે જ છે પણ પરીક્ષાનો એક હાઉ બાળકોને હોય જ છે. રિસેષમાં પણ શિક્ષકોએ એક વાત મહેસુસ કરી કે બધા બાળકો પરીક્ષા લગત વાતો કરવામાં જ મશગુલ હતા.

એકલો હિત જ એવો હતો કે તેના મનમાં પરીક્ષાના નહી પણ પુનમની વાત ઘોળાયા કરતી હતી. હિત તો બસ એ જ ગણતરીમાં હતો કે પરીક્ષા ક્યારે પુરી થઇ રહી છે કારણ કે જો પરીક્ષાના સમયમાં પુનમ આવતી હોય તો તેની મમ્મી તેને ક્યારેય રમવા જવા જ ન દે તો જંગલમાં જવાનુ તો અશક્ય જ રહે જ્યારે તેના બાકીના બધા મિત્રો પરીક્ષાની ચિંતામાં હતા તેથી વધુ કાંઇ વાત થઇ શકી નહી. તેને તેના મિત્રો સાથે આ બાબતે ઘણી ચર્ચા કરવી હતી પરંતુ તેને યોગ્ય મોકો મળતો જ ન હતો. સાંજે પણ હવે કોઇ રમવા આવતુ ન હતુ. હિતને પણ તેની મમ્મી સાંજે રમવા નીકળવા દેતી ન હતી અને તેને ફરજિયાત બીજા બાળકો સાથે અભ્યાસાર્થે બેસાડતી હતી. હિત બસ એક જ વિચારમાં હતો કે કઇ રીતે અને શું બહાનુ કરીને મિત્રો સાથે એકાંતમાં મળવુ અને જંગલમાં જવાની યોજના ઘડવી.

 

 

 

 

વધુ આવતા અંકે………….

લેખક – ભાવિશા ગોકાણી

ટીપ્પણી