‘ચંપામાનો રાજુ’ એક એવી ગુજરાતી વાર્તા જે તમારી આંખમાં લાવી દેશે આસું…

ગામની મોટી ફળીમાંથી ચંપા માં રામજી મંદિર બાજુ ચાલ્યાં આવે છે. મરુન રંગની ટીપકી વાળો સાડલો અને ઘાટા કથ્થાઈ રંગનું કાપડું પહેરલા ચંપા માં હળવે પગલે ચાલ્યા આવે છે. રસ્તામાં જે મળે એને “જે શ્રી ક્રિષ્ના” કહેતા જાય.રસ્તામાં જ હરજીવનની ની ડેલી આવી. બે ત્રણ ભરત ભરતી છોકરીઓ અને એક ચંપા માં સારથ ની એક ડોશી ડેલીના છાયે બેઠાં છે. ચંપામાં ના પગ ડેલી તરફ વળ્યાં.

“અલી જમના હરજી છે ઘરે”? ચંપા માં બોલ્યાં.

“આવો ચંપા મા આવો, મારા બાપા ઘરે જ છે, આ રોંઢાં કોર્યના કઈ બાજુ હાલ્યા” ભરત ભરતી એક ચબરાક છોકરી બોલી. જમના માં ઉભા થયા અને ચંપા મા ની સાથે જ ડેલીની અંદર ગયાં. હરજી ગામનાં ટપાલી સાથે વાત કરતો હતો. જેવા ચંપા મા ને જોયા કે તરત બોલ્યો.

“આવો માડી આવો, આજ સબળ ભૂલા પડ્યા આ બાજુ, એલી રાધડી ચા મુક્યતો.. ચંપા માં આવ્યાં છે ચંપા મા ” હરજીવને એની પત્ની રાધાને કીધું અને ચંપા માં ઓશરીને કોરે બેઠા અને સાડલાની કોરથી આંખ સાફ કરીને બોલ્યાં.

“હે હરજી તું ધરમશીને ના કહી શકે એક બે શબ્દો, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડાં થાય? માની લે કે મારા રાજુની ભૂલ હોય પણ એની સગી બહેન પરણતી હોય તો એને બોલાવવાનો પણ નહિ ? બાપ દીકરાને આવો તે વટ રખાતો હશે ?? આ તો તારા દાદા નથી જીવતાં ને એટલે બાકી મારે કોઈ ઉપાધિ જ ના હોય.. તું એને સમજાવને અને રાજુને તેડાવી લે. રાજુ આવી જાય ને પછી એની ભૂલ હોય તો હું રાજુ પાસે માંફી મંગાવીશ પણ સગી બહેનના લગ્નમાં ભાઈ જવતલ ના હોમે અને બીજા પાસે હોમાવવાનો કોઈ મતલબ ખરો”?? હરજીવન અને ટપાલી બેય વાત સાંભળી રહ્યા.

“માડી ચા પીય લ્યો, સહુ સારાવાના થઇ જાશે, હું ધરમશીને સાંજે મળી લઈશ. તમે ખોટી ચિંતા ના કરો. બધું થઇ રહેશે. હું આ ટપાલી પાસે હમણા જ ટપાલ લખાવી નાંખું છું અને રાજુને તેડાવી લઉં છું બસ , તમે ચા પી લ્યો.” હરજીવને આશ્વાસન આપ્યુંને ચંપામાની આંખો ચમકી ઉઠી. ચા પીને પોતાના કાપડાની ખીસ્સીમાથી એક કાગળિયું કાઢ્યું અને ટપાલીને આપીને કહે.

“લ્યો આમાં જ રાજુનું સરનામું છે. અને એમાં લખજો કે આ ટપાલ મળે એટલે તું તરત જ આવતો રેજે. તારી માડી સામું જોજે. તારી એકની એક બહેનના લગ્ન છે, તારે જ જવતલ હોમવાના છે. તમારે બાપ દીકરાને જે માથાકૂટ હોય ઈ ભૂલી જજે અંતે એ તારો બાપ છે. તું એક વાર આવી જા પછી બધું થઇ રહેશે. તારી માડીનું જીવતું મો જોવું હોય તો આવી જા મારા દીકરા રાજુ આવી જા” કહેતાં કહેતાં ચંપા માં રોઈ પડ્યા. જમના માં એ ચંપામાં ને પાણી પાયું. માડીની પડખે બેસીને માથે હાથ ફેરવ્યો. ટપાલીએ પત્ર લખ્યો. હરજી એ ટપાલ વાંચી સંભળાવી.. ચંપા માં ઉભા થયા.

“તમારું સારું થાજો, અને હરજી તુય ધરમશી ને ઠપકો આપજે રાજુ આવે ને ત્યારે મોઢું સીવી રાખે. નહીતર એ બેય બાપ દીકરો એનાં દાદા પર જ ગયાં છે. આમ તો અમારા કુટુંબમાં આદમી બધાં જ વળનું પૂંછડુ લઈને જ જન્મે છે. કોઈ દોરાવા પણ નમતું જોખે જ નહિ.”

ચંપામાં આવું બબડતાં બબડતાં ડેલીની બહાર નીકળી ગયાં. અને જમના ડોશી એને જતાં જોઈ રહી. રસ્તામાં શંભુ મળ્યો. એને પણ ચંપા માએ એજ વાત કરીકે ભાઈ સાબ તુ ધરમશીને સમજાવ, તું અને ધરમશી તો બાળ ગોઠિયાને તારું તો એ માનશે જ ને. જે મળે એને ચંપામાં જે શ્રી કૃષ્ણા કરતાં જાય અને પોતાની વાત કહેતા જાય અને બધાં પાછા માડીની વાત પ્રેમથી સાંભળે પણ ખરા અને આશ્વાસન આપતા પણ આપતા જાય કે ધરમશીને સાંજે વાત કરું છું..!!

ગામમાં લખમણ ભાભાનું ઘર સહુથી મોટું ગણાય. લખમણ ભાભા ના બાપા કુરજીભાભા ગામનું મુખી પણું કરતાં એટલે ગામમાં આ ઘરને હજુ પણ મુખીનું ઘર જ કહેતા. કુરજીભાભાએ લખમણને લગભગ ૧૨ વરસની ઉમરે જ બાજુના ગામની ચંપા સાથે પરણાવેલો. ચંપા પરણીને આવી પછી મોટી ઉમરે પારણું બંધાયેલું. પેલાં ખોળાનો ગણો કે છેલ્લા ખોળાનો આ એક ધરમશી એનો એક જ દીકરો.. વસ્તારમાં બીજું કશું નહિ. લખમણ ભાભાનું ઘર જે વિસ્તારમાં આવેલું એને લોકો “મોટી ફળી” ગણાય લખમણ ભાભા જાતે પટેલ. અને ગામનાં મુખી તરીકેની છાપ લખમણ ભાભાને વારસામાં મળેલી બાકી એને રાજકારણમાં સહેજેય રસ નહિ. એ એનું કામ ભલું અને એની ખેતી ભલી!!! વીસ વરસે ધરમશીને પરણાવ્યો. બે વરસ પછી એક દીકરીનો જન્મ થયો.. નામ પાડ્યું ગીતા અને પછી દોઢ વરસે રાજુ નો જન્મ થયો. અને આખા ગામમાં પેંડા વહેચાયા!! રાજુ લગભગ બેક વરસનો હતો ને ત્યાં એની માએ લાંબુ ગામતરું કર્યું. ગામમાં શોક વ્યાપી ગયો. ધરમશીની ઉમર લગભગ ૨૭ વરસની હશે. લખમણ ભાભાએ ઘણાં પ્રયત્નો કર્યા પણ દીકરાએ બીજું ઘર ના કર્યું તે ના કર્યું. ચંપા માં એ દીકરા અને દીકરીની જવાબદારી સંભાળી લીધી. દીકરી ગીતા કરતાં પણ રાજુ ચંપામાનો ખુબ જ હેવાયો!! જ્યાં ચંપા માં જાય ત્યાં રાજુ ભેગો ભેગોને જ હોય. ચંપામાં ગામની સ્ત્રીઓ સાથે બેઠા હોય તો રાજુ ખોળામાં જ હોય. એ ખોળામાં જ સુઈ જાય..!! રાતે પણ રાજુ માડી ભેળો જ..!! આખું ગામ ચંપા માને માડી કહે તો રાજુ પણ એને માડી જ કહેતો…!! છ વરસનો થયો રાજુને નિશાળે બેસાર્યો.!! પણ પેલેજ દિવસે એણે ધમપછાડા કર્યા. ચાર છોકરા ટીંગા ટોળી કરીને લઇ જાય તોય રાજુ ભાગીને સીધો જ માડી પાસે…!! પછી તો રાજુ ભેગા ચંપા માં પણ નિશાળની કોરે બેસે અને અંદર રૂમમાં રાજુ પણ બારણા પાસે જ બેસે!! અને ઘડીએ વડીયે રાજુ ઓશરીમાં જુએ અને ચંપા માં હોય તો જ તેણે શાંતિ થાય. કોક દી ઘરે કોઈ મેમાન આવ્યું હોય ને ચંપા માં ઘરે જાય તો વાહે વાહે રાજુ પણ બમકાવી મુકે. આમને આમ એ ગામમાં પાંચ ધોરણ ભણ્યો. પછી રાજુ સમજણો થયો. બાજુના ગામ ભણવા જવા લાગ્યો. રાજુ એના બાપા ધરમશી સાથે બહું જ ઓછી વાત કરતો. જે કામ હોય એ એની માડીને કહેતો. આ બાજુ હવે ગીતા પણ મોટી થઇ ઘરનું કામકાજ કરવા લાગી. ગીતાને એનાં પિતાજી સાથે વધારે બનતું અને રાજુને એની માડી સાથે. ગામમાંથી કોઈની જાન જવાની હોય તો ચંપા માં આવે તો જ રાજુ જાય નહીતર ના જાય. રાજુ લગભગ નવમાં ધોરણમાં હતો ત્યારે ચંપા માં રાંડ્યા. રાજુ લગભગ ૧૨ દિવસ સુધી માડીની પાસે જ રહ્યો. ગામમાં પણ એનું નામ “ચંપામાં નો રાજુ” પડી ગયું હતું.કોઈ એને રાજુ ના નામથી બોલાવતા જ નહિ પણ ચંપા માનો રાજુ જ કહેતા!!

રાજુએ બારમું ધોરણ પાસ કર્યું અને લશ્કરની ભરતી આવી. કોઈનેય કીધા વગર રાજુ તાલુકાએ જઈને ફોર્મ ભરી આવ્યો. અને પછી ઘરે સાંજે વાત કરી.
“માડી લશ્કરમાં જાવું છે તમે કહો તો”

“ કાઈ વાંધો નહો બટા તને ગમે તો એ કર્ય, પણ તને ફાવશે ત્યાં,?? ચંપા માં બોલ્યાં.

“ હા અમારી હાઈસ્કુલમાંથી ગયે વરસે દસ જણા ગયાં છે. જોકે આપણા ગામમાંથી હું પેલો જઈશ જો સિલેક્ટ થઈશ તો, માડી તું મારા બાપાને વાત કરી દેજે, મેં ગીતાને વાત કરી જ છે એટલે વાત તો એને પોગી જ ગઈ હશે પણ માડી તું સંભાળી લે જે કારણકે બાપા મને હવે પરણાવવા માંગે છે એમ બહેન કેતીતી..” અને એ સાંજે જ ધડાકો થયો બધા ખાઈને ફળીયામાં ખાટલો ઢાળીને બેઠા હતાં.

“ગીતા કેતીતી કે કુંવર ને મીલીટરીમાં જાવું છે તો અહી ખેતી કોણ કરશે?? અને આપણા કુટુંબમાંથી કોઈ નથી ગયું લશ્કરમાં તે આ કુંવર જશે.?? બા તમારા લડાવેલા લાડ હવે અસર બતાવે છે.”

“ભલે ને જાય આપણો એક નો એક દીકરો છે અને ઈ કેતો તો કે ખાલી વિહ વરસની જ નોકરી હોય એમાં. વિહ વરસ પછી છુટા. એને ક્યાં આખી જિંદગી ન્યા કાઢવાની છે. અને દેશ માટે લડવું એ ખરાબ કામ તો નથી જ.” ચંપામાં વિગતે વાત કરતાં હતાં.

“પણ એકનો એક છોકરો કાઈ થઇ ગયું તો આપણા વંશનું શું”? ધરમશીભાઈ અકળાઈ પડ્યા.

“મુકોને લપ બાપુજી હજી એ ક્યાં સિલેક્ટ થઇ ગયો છે, હજુ તો પરીક્ષા આપી છે ને ” ગીતાએ વાત વાળી દીધી. પંદર પછી કોલ લેટર આવ્યો. અને ઘરમાં પાછાં તણખા ઝર્યા..!! બાપ દીકરો વટે ચડ્યા.!! પણ આ વખતે ચંપામાં રાજુને પક્ષે બરાબર ઉભા રહ્યા.!! ગીતા માટે તો ધર્મ સંકટ થયું. એણે ભાઈને કંકુ અને ચાંદલો કર્યો. મોમાં ગોળની કાંકરી મૂકી. રાજુ બહેન અને માડીને ભેટી પડ્યો. પાદર સુધી અડધું ગામ વળાવવા ગયું. ધરમશી સવારનો વાડીયે જતો રહ્યો તે સાંજે ઘરે આવ્યો અને જમ્યો પણ નહિ. બે ત્રણ દિવસ માથાકૂટ ચાલી અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું. દર પંદર દિવસે ટપાલ આવે. ગીતા અને પાસે ચંપામાં ટપાલ વાંચે. દરેક ટપાલમાં મીલીટરીની વાતું હોય. બાપાને સમજાવશો એવી સલાહ હોય.. ટ્રેનીગ પૂરી કરીને રાજુ ના આવ્યો. પછી બે વરસે એક વાર આવ્યો મહીનાની રજા લઈને. એય ને મીલીટરીનો પોશાક અને મોટાં મોટાં પણ અણીદાર બુટ!! કસરત કરી કરીને કસાયેલું શરીર. ચંપામાં ને ગીતા અને શેરી વાળા પાદર લેવા ગ્યાતા. પાદરથી જ રાજુ એ ચંપામાને તેડી લીધેલા તે ઠેઠ ઘર સુધી! ઘરે આવ્યો રાજુ ધરમશીને પગે લાગ્યો. ધરમશી એ પણ બધું ભૂલી જઈને દીકરાને ગળે વળગાડ્યો.

ત્રણેક દિવસ પછી વાત થઇ કે
“આવતા વરસે ગીતા ની સાથોસાથ તારા પણ લગ્ન કરી નાંખવા છે એટલે આવતાં વરસે તું રજા લઈને આવતો રે અથવા તો હજુ પણ મોડું નથી થયું, રાજીનામું જ આપી દે અહી છાનોમાનો ખેતી રળી ખા, ખેતી ના કરવી હોય તો સુરત ભેળો થા” ધરમશીભાઈ બોલ્યાં

“પણ મારે હમણાં લગ્ન જ નથી કરવા.. લગ્ન કરીશ નિરાંતે.. હજુ ઘણું જીવવાનું છે…” રાજુ બોલ્યો.

“ પણ પછી કોણ દીકરી દેશે.?? આ તો માંડ માંડ સાતપડા નક્કી કર્યું છે તારું.. એટલે વરસ દિવસ સુધી મિલિટરીમાં રેવું હોય તો રે, અને માડી તમેય આને હવે દેશભક્તિનું ભૂત જે ચડાવ્યું છે એ ઉતારોને તો બસ છે. ઘણાં છે લડવા વાળા દેશ માટે આપણે ના લડીએ તો કાઈ ખાટું મોળું નહિ થઇ જાય.” ધરમશીભાઈ ક્ડવાશથી બોલ્યાં.

“ દેશ આમ જ પાછળ રહી ગયો છે, બધાને પોતાનું જ વિચારવું છે, દેશ જાય તેલ લેવા મારે શું અને મારું શું એ જ વિચારસરણી બાકી મારા દેશનું શું ? એવું કોઈ વિચારતું નથી” રાજુ બોલ્યો અને વળી પાછી ધમાલ થઇ. બાપ દીકરા એ લાંબી લાંબી દલીલો કરી. ધરમશીભાઈ સામાજિક અને વહેવારિક મુદ્દાને વળગી રહ્યા જ્યારે રાજુ લશ્કરી વિચારધારા અને રાષ્ટ્રવાદને વળગી રહ્યો. બીજે દિવસે રાજુ એ લીંબુડી પાસે પોતાનો એક ફોટો. અને દાદીમાં અને ગીતા સાથેનો એક ફોટો ખેંચાવ્યો.

ચાર દિવસ પછી સાતપડાથી રાજુને જોવા આવ્યાં અને એ પણ એને ખબર જ વિના અને રાજુએ ના પાડી દીધી કે મારે હમણા લગ્નનો કોઈ વિચાર નથી. જેવા મેમાન ગયાં કે ધરમશી ભાઈ અને રાજુ વચ્ચે તીવ્ર બોલાચાલી થઇ અને પછી જે નહોતું થવું જોઈએ એ થયું.

“ તો પછી આખી જિંદગી રેજે સરહદ પર અને મને મો ના બતાવતો જા, ચાલ્યો જા, તને તારા બાપ કરતાય દેશ વ્હાલો હોય ને તો પછી આહી કાઈ દાટ્યું નથી.” ધરમશી ભાઈ ગાડું જોડીને વાડીયે જતાં રહ્યા. ચંપા માં અને ગીતા એ બાપ દીકરાને બહું સમજાવ્યા. સાંજે જેવું તેવું ખાધું બધાએ અને સુઈ ગયાં.સવારે પથારીમાં રાજુ નહોતો. એક ચિઠ્ઠી હતી.

“વ્હાલા માડી, બાપૂજી અને બહેન.
તમને કદાચ દુઃખ થશે, પણ કાયમ માટે જાઉં છું સરહદ પર. દેશ છે ને તો આપણે બધાં છીએ. બાપુજી બધાં તમારી જેવું વિચારે તો રક્ષણ કોણ કરશે?? મને બોર્ડર પર મજા આવે છે. માડી તમારી મને યાદ ખુબ આવશે. બહેન ને સાસરે વળાવી દેજો. બાપુજી મને માફ કરશો. તમે તમારી રીતે સાચા છો તમારે તમારો વંશ બચાવવો છે. હું ભારતમાતાનો અંશ છું. આર્મીમાં તાલીમ વખતે જે પ્રતિજ્ઞા લીધી એને હું તોડી નહિ શકું!!

લિ.ચંપામાનો રાજુ ના જયહિન્દ!!
ચિઠ્ઠી વાંચીને ચંપા મા બસ સ્ટેન્ડ પર દોડ્યા. ધરમશી પણ રડ્યો. ગીતા તો હીબકા ભરતી હતી, વીસેક દિવસ પછી રાજુની ટપાલ આવી એજ આર્મીની વાતો અને બાપાને વિનંતી કે માફ કરી દેજો.. પછી તો ટપાલ આવતી પણ બંધ થઇ ગયેલી.

અને વરસ દિવસ પછી ગીતાના લગ્નનો સમય આવી ગયો હતો!! હવે તો અઠવાડિયું બાકી હતું.. પણ રાજુ ના કોઈ એંધાણ નથી. ધરમશી અને એનાં ભાઈ બંધોને ચંપા મા કહી કહી ને થાકી ગયાં કે તમે ધરમશીને સમજાવો, બધાં એમ કહે છે કે રાજુ આવશે કાગળ લખી દીધો છે. લીંબુડીમાં છેલ્લે જે ફોટો પડાવ્યો હતો એ ફોટો ડોશીમાં એ પાણીયારા પર ટાંગેલો હતો. એ યે ને મીલીટરીના કપડામાં હસતો ચહેરો. બીજા ફોટામાં ત્રણ જણા હતાં રાજુ ચંપામાં અને ગીતા!!

ચંપા મા રોજ સવાર સાંજ અને બપોરે બસ સ્ટેન્ડે જાય. ત્રણ બસ આવતી કે કદાચ રાજુ આવે તો..!! લગ્નનો દિવસ આવી ગયો. જાન આવી ગઈ. મોટી જાન હતી. ગીતાને સાસરિયું ખુબ સારું મળ્યું હતું. જાનનો ઉતારો ત્રણ જગ્યાએ આપવો પડ્યો એટલી જાડી જાન હતી. સવારથી જ ચંપા મા બસ સ્ટેન્ડે બેઠા હતા..!! આઠની બસ ગઈ.. ચંપા માં બેસી રહ્યા બસ સ્ટેન્ડે!! વેવાઈ અને ધરમશી આવ્યાં બસ સ્ટેન્ડ પર બેયે હાથ જોડ્યા

“ ઘરે ચાલો દીકરીને આશીર્વાદ આપો તમે જમી લ્યો, અને રાજુ આવશે તો એ ક્યાં અજાણ્યો છે એ ઘરે આવી જશે એની મેળે ચાલો મા ચાલો મા “ વેવાઈ બોલ્યાં પણ ચંપામાં એ કહ્યું કે “હવે છેલ્લી સાડા અગિયારની બસ આવશે પછી આવીશ ઘરે. ચંપા માં બેસી રહ્યા. બસ આજ મોડી હતી ગામની ડોશીઓ આવી ચંપામાને પરાણે ઘરે માંડવે લઇ ગયાં. ચંપા માં મને કમને ઘરે આવ્યાં. વરઘોડો પૂરો થઇ ગયો હતો. ઘર પડખે ખળાવાડમાં જમણવાર શરુ હતો. લગ્નવિધિ શરુ હતી. ચંપા માં તો ઓશરીને કોરે બેસી ને ડેલી સામે જ જોઈ રહ્યા હતાં. લગ્નગીતોની રમઝટ શરુ હતી. પણ બેધ્યાન ચંપામાની આંખો તો ડેલી ભણી જ હતી. જવતલ હોમવાનો સમય થયો. અને ચંપામાની આંખો માંથી આંસુની ધાર થઇ..!! અને ડેલી તરફ નજર ગઈ..!! અને ચંપા માં દોડ્યા..!!

“હે ધરમશી, …..!! હે હરજી…….!! હે શંભુ….!! આવો આવો મારો રાજુ આવ્યો !!. મારો વાલીડો આવ્યો …!! મારો રાજુ આવ્યો…!!”બધાં જોઈ રહ્યા. મીલીટરીના કપડામાં રાજુ ડેલીમાંથી આવતો હતો. રાજુ થાકેલો દેખાતો હતો.. ચંપા માએ દુખણા લીધા. ચંપામાની આંખોમાં હરખના આંસુડા હતાં.

“મારો લાલ આવ્યો….!! મારો રાજુ આવ્યો…!! બહેનના જવતલ હોમવા ભાઈ નો આવે તો કોણ આવે?? હાલ બટા હાલ જવતલ હોમવાનું મુરત વહ્યું જશે” રાજુ મંડપમાં ગયો બહેન અને બનેવી ને માથે હાથ મુક્યો. જવતલ હોમ્યા. ગીતા રોઈ પડી. ધરમશી અને બધાં મંડપમાં પાસે પહોંચી ગયાં. બધાં જ સ્તબ્ધ બની ગયાં હતાં!!! લગ્ન ગીતો બંધ થઇ ગયાં હતાં!!!!

“એય ને જમવાનું લાવો મારો રાજુ ભૂખ્યો થયો હશે, ઝટ લાવો ઝટ મારે રાજુને જમાડવો છે” તરત જ થાળી આવી રાજુ ઓશરીની કોરે બેઠો. એ ચંપામાને જોઈ રહ્યો હતો. ચંપા માએ બરફીનું બટકું લીધું અને રાજુને ખવરાવ્યું!!!! પણ આ શું રાજુની આંખમાં આ શું દેખાયું એક દમ ફિક્કી આંખો દેખાઈ!! રાજુની આંખોમાં દેખાયું ગામમાં એક જીપ આવતીતી!! સૈનિકો ઉતર્યા!! એક પેટીમાંથી તિરંગો વીંટેલો મૃતદેહ નીકળ્યો!! અને ચંપામાને કાળજે ધ્રાસકો પડ્યો.એને મગજમાં એક ભયંકર કડાકો થયો અને બધું જ યાદ આવી ગયું . એને છ મહિના પહેલાની ઘટના આખી યાદ આવી ગઈ જે એ ભૂલી ગયાં તા!! અને બરફીનું બટકું હાથમાંથી પડી ગયું” રાજુ બોલ્યો.

“ માડી યાદ આવી ગયું ને !!માડી મને રજા આપો, યાદ આવી ગયુંને માડી.!! અંજળ પુરા થયા માડી,!! લેણદેણ પૂરી થઇ માડી,!! ભટક્યા કરું છું માડી,!! શાંતિ આપો મને માડી!!! રાજુ બોલતો હતો અને આજુબાજુ બધાં જ રડતા હતાં

છ માસ પહેલાં બોર્ડર પર રાજુ શહીદ થયો હતો. ધરમશીભાઈ ને જાણ કરવામાં આવી. લશ્કરી રીતિરિવાજ પ્રમાણે ગામમાં એનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. એ દિવસે ધરમશીભાઈ ચંપામાને વાડીએ મૂકી આવ્યા હતાં અને કોઈ જ વાત ના કરી. પણ તોય ચંપા મા અચાનક જ આવી ગયાં અને રાજુના મૃતદેહને જોઈ ચંપામાં બેભાન થઇ ગયાં હતાં અને ત્રણ દિવસે ભાનમાં આવ્યાં બાદ એ આ ઘટના ભૂલી ગયાં હતાં. અને ડોકટરે કીધું હતું કે માડીને આઘાત લાગે એવી વાત ના કરતાં. આખું ગામ આ વાત છુપાવતું હતું. વેવાઈને પણ કહી દીધું કે કોઈ આ વાતની યાદ નાં અપાવે!!! પણ આજે માંડીને એ બધું જ યાદ આવી ગયું. આંખમાંથી આંસુ લુછ્યા અને રાજુ માથે હાથ ફેરવીને ચંપા માએ દુખણા લીધાં અને સજળ નયને ચંપા માં બોલ્યાં.

“ દીકરા તું છુટ્ટો,!! તને રજા આપું છું મારા લાલ!! હુંય કેવી અભાગણી કે મારી લાગણીમાં મારો રાજુ ભટક્યા કરે છે!! મારી લાગણી એને સદગતિ પણ નથી થવા દેતી,!! જા બેટા તું હવે!! હું તને વિદાય આપું છું”!!

અને એક કડાકો થયો. રાજુનું શરીર અદ્રશ્ય થઇ ગયું. ચંપા માં ઉભા થયા અને બોલ્યાં
“કોઈ રોશોમાં ભલા થઇ ને!! રોવાનું બંધ કરો.!! મારા રાજુ ખાતર રડવાનું બંધ કરો!! હવે એને શાંતિ જોઈએ છે!! બધાં રોતા બંધ થઇ ગયાં. મંડપમાંથી ડોશી એક ગુલાબનો હાર લાવ્યાં. પાણીયારા પાસે જઈને રાજુના ફોટાની માથે હાર ચડાવ્યો. એક અગરબતી કરી. અને ઓશરીને કોરે બેસી ગયાં. દીકરી વળાવી ત્યારે પણ ચંપા મા ના રોયા…!!
પછી તો ચંપામાં આઠેક વરસ જીવ્યા. પણ કોઈએ એની આંખમાં આંસુનું ટીપું નથી જોયું. બસ પછી તો એ જીવ્યા ત્યાં સુધી રાજુના ફોટા સામે જોઈ રહે.ગીતાજી વાંચ્યા કરે,અને ગીતાજીની અંદર રાજુનો છેલ્લો પત્ર વાંચ્યા કરે..!! રાજુ પ્રત્યેની લાગણી ને કારણે રાજુને ભટકવું પડ્યું એ વલોપાત ચંપામાં ગળે ઉતારી ગયાં..!! બસ પોતાના રાજુને ખાતર એ બધું જ કાળજામાં દબાવીને જીવતાં રહ્યા!!

લેખક :-મુકેશ સોજીત્રા

ટીપ્પણી