“ચમેલી”

દર શુક્રવારે બનતું એ જ આ શુક્રવારે પણ બન્યું. ચમેલી ઉપર જતિન બાબુ ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા. સિતમ સહન કરતા કરતા ચમેલી પશ્ચિમ બંગાળમાં આવેલું એનું નાનું ગામ ,લીલી છમ વનરાજી, પદ્મા નદીને કિનારે આવેલા મંદિરના વિચારો કરતી રહી. આ વિચારો જ ચમેલી માટે એના દર્દની પોતે જ શોધેલી દવા હતી .

આવનારા દરેક ઘરાકને પોતાનું શરીર સોંપતા સાથે જ ચમેલીનું મન પોતાના ગામની વનરાજીઓ વચ્ચે અને પદ્મા નદીના કિનારે પહોંચી જતું . પરંતુ આજે …?..રહી રહીને પોતાના ગામમાં ગુજારેલો છેલ્લો દિવસ એને યાદ આવી રહ્યો હતો . દૂર્ગા પૂજાના દિવસોમાં મંદિર પાસે પ્રસાદ લેવા ગામનાં છોકરાઓની લાઈન લાગતી .

પરંતુ એ એનો છેલ્લો પ્રસાદ હતો .શહેરથી આવેલા બાબૂજીએ આપેલો પ્રસાદ , બીજા છોકરાઓને મળેલા પ્રસાદ કરતા કાંઇક અલગ જ હતો .એ પ્રસાદનું ઘેન જ એને ગામનાં મંદિરના ઓટલેથી કલકતાની આ ત્રીજા માળે આવેલી બંધિયાર ઓરડી સુધી ખેંચી લાવ્યું હતું . જ્યાં દિવસે પણ રાતનું અંધારું રહેતું , તો રાત માદક રોશનીથી રંગીન રહેતી .

પહેરણ પહેરી રહેલા જતિન દાની કાળ મીંઢ પીઠને ,હાંફતી ચમેલી નિર્લેપ આંખોથી જોતી રહી . એક ક્ષણ માટે સામે પીળા પડી ગયેલા અરીસામાં એણે પોતાની નિર્લેપ આંખોનું પ્રતિબીંબ જોયું .

પોતાની અને આઈનામાંની ચાર આંખો એક થઇ ,અને નિર્લેપતા જાણે બેવડાઈ ગઈ . આવી જ કોરી ધાકોર નિર્લેપતા એણે માતાજીની મૂર્તિની આંખોમાં પણ જોઈ હતી ,જયારે બાબુજીના આપેલા પ્રસાદથી એની આંખો ઘેરાતી હતી .

દૂર ક્યાંક મંદિરમાં વાગેલા ઘંટે ચમેલીની તંદ્રા ઉડાડી મૂકી . જતિન બાબુ , ખાટલાની પાંગથે ચલણી નોટોની નાની થપ્પી મૂકીને પોતાની આબરૂદાર દુનિયામાં પાછા સરકી ગયા હતા .

બીજું ઘરાક ગમે ત્યારે આવી શકે એમ હતું .

શરીરનાં કળતરને અવગણીને ચમેલી ઉભી થઇ . હાર બંધ આવેલી ઓરડીઓના છેડે આવેલી લીલ જામેલી ચોકડીમાં પાણીથી અડધી ભરેલી ડોલ પડી હતી .ચમેલીએ ડોલ ઉપાડીને શરીર પર રેડી દીધી . ડોલ પણ ચમેલીના નસીબની જેમ હવે ખાલી ખમ …

ઓરડામાં આવી, બારીનો પરદો હટાવીને ચમેલીએ જોયું. નીચે ફૂટપાથ ઉપર આઠેક વરસનું નાનું છોકરું છાલિયુ પકડીને ઊભું હતું . માલકિનના ગુસ્સાની પરવા કર્યા વગર જતિન બાબુએ મૂકેલી નોટોની થપ્પીમાંથી ચમેલીએ દસ રૂપિયાની નોટ ઉપાડી .રકાબીમાં પડેલી રેવડી માંથી થોડી રેવડી દસ રૂપિયાની નોટ પર મૂકીને એણે ડૂચો વાળ્યો અને નીચે ઉભેલા બાળકના છાલિયામાં ડૂચાનો હળવેથી ઘા કર્યો .

આજે દૂર્ગા પૂજાનો પહેલો દિવસ હતોને ?

લેખક : હેમલ વૈષ્ણવ

આપ સૌ ને આ વાત કેવી લાગી ? કોમેન્ટ માં જણાવજો !

ટીપ્પણી