ચાલ્યાં કરે માસ્તર, ચાલ્યાં કરે

” શું આ ઘરડે ઘડપણે પણ જીભના ચટકા નથી જતાં,?? ઘડીક આઘા પાછા ગયા હોય ત્યાં ફ્રીજ ખોલીને સુખડી ખાઈ લેવાની એમ?? આખી જિંદગી તો ઉભા ગળે ગળચ્યું છે હવે તો શરમ કરો” મનજીભાઈ પાસેથી સુખડીની તપેલી ઝુંટવી લેતા રીપલ વહુએ સસરાને બરાબરના તડતડાવ્યા!!

શેરીની સામે આવેલ મકાનનાં બીજા માળે ભાડે રહેતા શિક્ષકે આ જોયું.!! જ્યારથી એ અહીં ભાડે રહેવા આવ્યો હતો ત્યારથી એ જોતોકે સામેના મકાનમાં આ કાયમની માથાકૂટ હોય!! રીપલનો ઘરવાળો રમેશ સવારે પોતાની ફેકટરી પર જાય આઠ વાગ્યે અને સાંજે આઠ વાગ્યે આવે!! આમ તો સુખી કુટુંબ પણ કોણ જાણે મનજીભાઈ અને એની પત્ની કાંતા બેન રીપલવહુ નું બધું જ સાંભળી લે છે!! કાંતા બેનને પણ રીપલ લંગરાવી નાંખતી..

“આમ શાક સુધારાય,?? આમ વળાય,?? હવે ભક્તિના દીકરા થવું હોય ને તો ચાર વાગ્યે ઉઠીને ભક્તિ પુરી કરી નાંખજો.. હા આ રોજ રોજ આઠ વાગ્યા સુધી મંદિરે જાવ છો એ મને ના પોહાય હો” આવા તો કેટલાય ઉપાલંભો રોજ એ સાંભળતો!!

એક દિવસ આ શિક્ષકે પૂછી જ નાંખ્યું.

” મનજીભાઈ આ રોજ રોજ નો ડખો સહન કેમ કરો છો,???? તમારો વાંક ના હોય તો પણ ” અને શિક્ષકને વચ્ચે થી અટકાવીને મનજીભાઈ બોલે.

” ચાલ્યાં કરે માસ્તર સાહેબ, સંસાર છે ચાલ્યાં કરે!!”
બસ જ્યારે જ્યારે એ શિક્ષક પૂછે એટલે મનજીભાઈ નો એ જ જવાબ હોય!!
“ચાલ્યાં કરે માસ્તર, ચાલ્યાં કરે, આ તો સંસાર છે ચાલ્યા કરે”

પણ એક દિવસ સાંજે બગીચામાં માસ્તરે ફરી પૂછ્યું.

“પણ મનજીભાઈ તમે તમારા દીકરાને કેમ ફરિયાદ નથી કરતાં રીપલના સ્વભાવ વિશે કે પછી છોકરો પણ રીપલ વહુથી ડરે છે??” થોડીવાર પછી મનજીભાઈ બોલ્યાં.

“એમાં એવું છે ને માસ્તર કે રમેશ તો આને પરણવા માંગતો જ નહોતો..એ તો કોલેજમાં રીટાને પરણવા માંગતો હતો. એ છોકરી હતી પણ સારી !! ડાહી પણ હતી.. પણ હું જ એ વખતે જીદ લઈ ને બેઠો કે દીકરાનો સબંધ તો હું જ કરીશ,!! રમેશ અને રીટા ખૂબ રોયા હતાં!! પણ મારે તો સંસ્કારી અને વટ પાડી દે તેવા કુટુંબમાંથી દીકરી લાવવી હતી. પછી રમેશ મેં કીધું એમ બિચારો પરણી ગયો. આ રૂપાળી અને કહેવાતી સંસ્કારની પૂતળી ને હું જ મારા દીકરાની ઉપર વટ જઈને લાવ્યો છું, હવે બીજું શું થાય??? કોને ફરિયાદ કરવી???

“ચાલ્યાં કરે માસ્તર ચાલ્યાં કરે ,!!! સંસાર છે, ચાલ્યા કરે,!!

લેખક:- મુકેશ સોજીત્રા, ૪૨, શિવમ પાર્ક સોસાયટી, મુ.પો. ઢસાગામ 364730

ટીપ્પણી