ટ્રેનમાં ચા વેચનારા લોકોની પણ કહાની હોય છે જાણવા જેવી… ખુબ હૃદયસ્પર્શી વાર્તા…

હમસફર

વડોદરાથી ઉપડેલી ટ્રેનમાં વડોદરા અને નડિયાદની વચ્ચે અપ ડાઉન કરતા યુવાન નોકરિયાતોથી ડબ્બો રોજની જેમ આજે પણ ભરચક હતો . રોજની માફક જ ડબ્બામાં ચા નો થર્મોસ લઈને મુળજી ચડ્યો . “ચ ચ ચ ચાય ગરમ ” તોતડો મુળજી બોલે એ પહેલાંજ યુવાનોની ટોળીમાંથી સુનિલે મુળજીના ચાળા પાડયા .ડબ્બામાં હસાહસ થઇ ગઈ . સુનિલને વધારે ચાનક ચડી . મુળજીને પાસે બોલાવીને એણે એક કપ કોફી માંગી .”સુ સુ સુ સુનિલ ભઈ ,કો કો કો કોફી તો નથી .”, મુળજી થોથવાયો , અને ફરી એ વાત પર ડબ્બામાં હસાહસ થઇ રહી .

આ રોજનો ક્રમ હતો . અપડાઉનીયાઓનો મુળજીની મજાક ઉડાવવામાં થોડો ઘણો સમય પસાર થઇ જાતો . અને આણંદ સ્ટેશને મુળજી ઉતરી જતો . આ રોજના ક્રમમાં એક અઠવાડિયાથી ભંગ પડ્યો . મુળજી દેખાતો બંધ થઇ ગયો .તો પણ ડબ્બામાં મુળજીના નામે હસાહસ ચાલુ રહી . બધા હસતા રહેતા કે “મુળજી ,સુનીલિયા માટે કો કો કો કોફી લેવા માઈસોર ગયો છે .”

આજે અઠવાડિયા પછી ચા નો ભારે થર્મોસ ઊંચકીને કમરેથી બેવડ વળેલું એક ભુલકું ડબ્બામાં ચડ્યું .”અલ્યા ,મુળજી નાનો થઇ ગયો “, સુનિલે મજાક કરી . “મારા બાપુ તો અવ નઈ આવે , ગાડી નીચે આઈ જ્યા ,તો હમુચો પગ કપઇ જ્યો , અવ, મુ જ ચાઈ આલવાનો “, છોકરાના અવાજમાં બાપનો ધંધો સાંભળી લેવાનો ગર્વ હતો કે બાપ અપંગ થઇ ગયાનું દુખ , એ ડબ્બામાંથી કોઈ નક્કી કરી શક્યું નહિ . ડબ્બામાં એક ઘેરી ખામોશી પ્રસરી ગઈ .

હવે રોજની માફક જ ટ્રેન વડોદરાથી ઉપડતી રહે છે નડિયાદના મુસાફરોને લઈને .. પણ દર અઠવાડિયે એક વાર , ટ્રેન મહી નદીનો બ્રીજ ઓળંગે એટલે સુનિલ ચૂપચાપ ઉભો થઈને એક પરબીડિયું ડબ્બામાં ફેરવે છે , અપડાઉનીયા મુસાફરો , પરબીડીયામાં નાની મોટી ચલણી નોટો સરકાવે છે , છેલ્લે સુનિલ એમાં પોતાના પૈસા જોડીને કવર નાના ભુલકાના ગજવામાં મૂકતા હમેશની માફક એક વાક્ય બોલે છે ..”બાપુને કહેજે , આ સુ સુ સુ સુનિલ અને એના દોસ્તો તરફથી ,શું સમજ્યો?, લાવ એક કપ ચા આપ હવે …”

લેખક : હેમલ વૈષ્ણવ

ખુબ ટૂંકી પણ ઘણુબધું સમજાવી દે છે. શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી