ચાની તલબ

કનકભાઈ ને આમ તો કોઈ વ્યસન નહીં ,પણ બે જ આદતો નો અતિરેક હતો.સવારે ચાર વાગ્યા માં ઉઠી જવું અને દૈનિકક્રિયા પછી તરત જ બે કપ ચા પીવાનો..એ પણ ગરમ,ઉકળતો,આદુ થી ભરપૂર.આખા દિવસ માં ચા ન જોઈએ ,પણ દિવસ તો ચાર વાગે જ અને બે કપ ચા થી જ ઉગે.ગીતાબેન પરણી ને આવ્યાંં ત્યારથી લગભગ અડતાળીસ વર્ષ સુધી આ નિત્યક્રમ કોઈ જ ખલેલ વગર ચાલ્યો.

સવા ચાર ની આસપાસ કપ રકાબી નો રણકાર અને ઉકળતી ચા ની સોડમ કનકભાઈ ની તલબને વધુ તીવ્ર બનાવવા માં ઉદ્દીપક નું કામ કરતાં.ચા પછી જ બે કલાક પૂજાપાઠ અને સાડા છ વાગે ફળીયા માં બેસીને છાપું વાંચવું.આ શિસ્ત ધીરે ધીરે શિરસ્તો બની ગઈ.

પણ હવે એમાં અડચણ આવી.ગીતાબેને અચાનક વિદાય લીધી. ભાવેન અને જલ્પા સાથે કનકભાઈએ મુંબઇ આવવું જ પડ્યું. દીકરો-વહુ પ્રેમાળ,માવતર ને ઠારે એવાં હતાં.નાનકડા ફ્લેટ માં કનકભાઈ કમને ગોઠવાઈ ગયા.પહેલીવાર ગીતાબેન વગર દીકરા ને ઘેર આવવા નું થયું.બધું જ હતું, છતાં કળી ન શકાય એવો અસાંગળો એમને સતત મૂંઝવતો હતો, ગીતાબેનનો અને…
ચા નો.

જલ્પા ય વહેલી ઉઠતી, સાડા પાંચે ,પણ એક તરફ ક્રિશ ને ઉઠાડી તૈયાર કરવામાં,એનું લન્ચબોક્સ , પોતાનું અને ભાવેનનું ટિફિન બનાવવામાં,ઓફીસ જવાની તૈયારી,સાંજની રસોઈની આગોતરી ગોઠવણ ,કપડાં મશીનમાં નાખવાં,દૂધ ગરમ કરવું જેવા ઝીણાંઝાઝાંં કામોમાં ઠબલાતાં ઠબલાતાં ચા નો વારો છેક સાડા સાતે આવતો.બેય જણાંં તો ગ્રીન ટી પીતાં, અને ક્રિશનું બોર્નવિટા વહેલું બનતું.સાડા સાત સુધીમાં તો કનકભાઈની તલબ તોફાની સપાટીએ પહોંચી જતી.

એક વાર એમણે હિમ્મત કરી જાતે જ તપેલી શોધી,જેવું માપ આવડ્યું એવી રીતે પાણી ચા ખાંડ નાખી ઉકાળવા મુકયાં. ફ્રિજમાંથી દૂધ લેવાની કોશીશમાં હાથની પકડ છટકી અને ખણખણાટ સાથે તપેલી પડી ગઈ. આ ઘમાસાણથી મીઠી નીંદરમાં સુતેલા ક્રિશ સહિત બધાં સફાળા જાગી ગયાં.

કનકભાઈ છોભિલા,ગુનાહિત,ગભરાયેલા ચહેરે દીકરા વહુ સામે જોતાં થોથવાયા, “મને…એમ કે…આટલા વહેલા તમને ક્યાં ઉઠાડવા… તો જાતે જ…એમાં હાથ છટક્યો… નુકસાન કરી નાખ્યું મેં…”

જલ્પા મોં કટાણું કર્યા વગર ચુપચાપ ફર્શ સાફ કરવા લાગી.ભાવેને એમનો ભાર હળવો કરવા ધીરેથી સમજાવ્યું,”શું કામ ઉતાવળીયા થાઓ છો પપ્પા?તમે ક્યાં કોઈ દિવસ ચા બનાવ્યો છે?અને જલ્પા છે જ ને…અરે હું તો કહું છું કે, આટલા વહેલા ય શું કામ ઉઠો છો?અહીં તો આરામ કરો.” પછી જલ્પા તરફ જોઈ બબડયો, “આ ક્રિશ ને રાત્રે મોડે સુધી ભણાવવામાં એટલા થાકી જવાય છે કે અમારાથી ય ચાર વાગ્યામાં નથી ઉઠાતું.”

કનકભાઈ કંઈ બોલ્યા વગર પોતાને ફાળવેલી રૂમમાં જતા રહ્યા.પથારી માં પડ્યાંં પડ્યાંં સાઇડ ટેબલ પર ગીતાબેનના ફોટાને ઝળઝળિયાં ભરી આંખે જોતા રહ્યા.અત્યાર સુધી ભાવેનને ત્યાં જ્યારે આવ્યા ત્યારે જલ્પાને ઉઠવાની જરૂર જ નહતી પડી. એ ઊઠે ત્યાં સુધીમાં ગીતાબેને સવારના એમના બે કપ ચાના ડોઝ સાથે છોકરાઓનાં ટિફિન, નાસ્તો બધી જ તૈયારી કરી રાખી હોય.વહુ પણ બિચારી રાતદિવસ ની ચક્કીમાં થાકેલી હોય ..એને આ તલબનો અણસાર પણ ક્યાંથી હોવાનો?

પણ આ બનાવ પછી ચાર વાગે આંખ ઉઘડતી ,તો પણ કનકભાઈ ઉઠતા નહીં.ચાની તલબ એના નિયત સમયે જોર પકડતી.ગળે શોષ પડતો,માથું ભારે થવા માંડતું, પણ રસોડામાં જલ્પા ને દસ હાથે મચી પડેલી જોઈ પાણી પી ને રૂમ માં આવી જતા.માળા હાથમાં ફરતી હોય પણ મસ્તિષ્કમાં “ચા …ચા..” ના પોકારો ઉઠતા રહેતા.

નવ વાગે તો ઘર ખાલી થઈ જતું.જલ્પા ડાઇનિંગ ટેબલ પર એમનું જમવાનું વ્યવસ્થિત મૂકી ને જતી .દિવસ દરમ્યાન બન્ને સતત ફોન કરી એમનું ધ્યાન રાખતા. રાત્રે ભાવેન કોઈ ને કોઈ ફળ એમને માટે લઇ આવતો.જલ્પાએ તો રૂમમાં જ પૂજાઘરની ગોઠવણ કરી આપી હતી.બસ..આ ચાર વાગે ચા ની તલબ અને તરફડાટનો બંને પક્ષે કોઈ ઉપાય નહતો.

આજે બીજો શનિવાર.બધાંને હાફ ડે હતો.બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તો ઘર ધમધમવા લાગ્યું.ત્યાં જ ડૉરબેલ વાગી.કુરિયર હતું..કનકભાઈનાંં નામનું.જલ્પાએ બોક્સ હાથમાં લઇ પ્રશ્નાર્થ નજરે ભાવેન સામે જોયું અને પપ્પાજીને સોંપી દીધું.ભાવેનની મૂંઝવણ પણ પામી ગયા હોય એમ કનકભાઈ હળવા સ્મિત સાથે બોલ્યા,” મેં ઓર્ડર કરેલી…ઇલેક્ટ્રિક કીટલી છે..ભેગી મસાલા ટી બેગ્સ ફ્રી. ટીવીની શોપિંગ ચેનલમાં જોઈ.રૂમ માં ખૂણે મૂકી રાખીશ.મારું.. જરાક…શું…કે…ચાની તલબ સમયસર પુરી ન થાય તો…કાંટો ન ચડે હોં”.

ભાવેન અને જલ્પાનાં આશ્ચર્ય
વચ્ચે કનકભાઈ સંતોષ અને વિજયી અદાથી પાર્સલને ખોલવામાં લાગી ગયા.

લેખક – મેધા અંતાણી

આપ સૌને આ સ્ટોરી કેવી લાગી તેના પ્રતિભાવ અમને કોમેન્ટમાં જણાવજો !

ટીપ્પણી