તું મને ચાહતી હોય તો તારી કારકિર્દી બનાવ

એ વખતે હું ૧૨માં ધોરણમાં ભણતી હતી. મુકુલ પણ મારી સાથે જ ભણતો હતો. તે સાધારણ દેખાવનો સુંદર છોકરો હતો પરંતુ સ્વભાવથી વ્યાવહારિક હતો. મને એ દિવસ બરાબર યાદ છે કે તે દિવસે મુકુલ મારા જ કલાસની એક છોકરી સાથે કોઈ વિષય પર વાતચીત કરી રહ્યો હતો. હું તેનાથી થોડે દૂર બેઠેલી હતી અને ધ્યાનથી તેમની વાતો સાંભળી રહી હતી. કોણ જાણે કેમ પણ મુકુલ એ છોકરી સાથે વાત કરતો હતો એ મને ના ગમ્યું. મને મનમાં ને મનમાં ઈર્ષા થઈ આવી. એ છોકરી પણ બોલબોલ કરતી હતી.

મારાથી એ બધું સહન ના થયું એટલે મેં ઊભા થઈ એ લોકોની પાસે પહોંચી જતાં મોટા અવાજે કહ્યું: ‘‘ચાલો વાતો કરવાનું બંધ કરો. બહુ થયું હવે.’’: એમ કહેતાં મેં મુકુલની બાંય પકડી અને તેને દૂર ખેંચી ગઈ. મુકુલ આશ્ચર્યમાં પડી ગયો. એ ગુસ્સે થઈ બોલ્યોઃ ‘‘શું નાનાં છોકરાં જેવી છોકરમત કરે છે. તું મને અહીં ખેચી લાવી હવે એ છોકરી શું વિચારતી હશે?’’

‘‘અરે વાહ !’’ ગુસ્સે થતાં મેં કહ્યું: ‘‘તને એની પરવા છે અને મારી કોઈ જ નહીં ? હું શું વિચારીશ તેની તને કોઈ ચિંતા નથી ? મને શું ગમે છે અને શું નથી ગમતું તેની કોઈ ચિંતા તને નથી ? તું એ છોકરીની જ ચિંતા કર્યા કરે છે ?’’
મુકુલ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો. એણે કહ્યું : ‘‘ અમે તો ભણવાની વાત કરતા હતાં. તને જલન થવી ના જોઈએ. હું જ્યારે પણ કોઈ છોકરી સાથે વાત કરતો હોઉં છું ત્યારે તું કાયમ ગુસ્સે થઈ જાય છે. તારું વર્તન બરાબર નથી.’’
‘‘મારું બિહેવિયર બરાબર જ છે. તારું બિહેવિયર બરાબર નથી.’’
‘‘કેમ ?’’

‘‘તું બીજી છોકરીઓ સાથે લાંબી લાંબી વાતો કરે તે મને ગમતું નથી.’’ : મેં કહ્યું.
‘‘કેમ ? હું તારો શું સગો થાઉં છું ?’’
‘‘એ જે થતો હોય તે !’’
‘‘ તું કયા અધિકારથી મને એ છોકરી પાસેથી અહીં ખેંચી
લાવી ?’’
હું ચૂપ રહી, મુકુલના એ પ્રશ્નનો જવાબ મારી પાસે નહોતો. બસ. હું શરમાઈને નીચે જોઈ રહી. પગના અંગૂઠાથી જમીન ખોતરવા લાગી. મારો ગુસ્સો હવે શાંત થઈ ગયો. ધીમેથી મેં એની સાથે હાલ મિલાવતાં કહ્યું :’’સોરી.’’
મુકુલે કહ્યું : ‘‘ઈટ્સ ઓકે’’ અને તે જતો રહ્યો.
હું ઉદાસ થઈ ગઈ.

મને પણ ક્ષણભર માટે લાગ્યું કે મારે મુકુલ સાથે જાહેરમાં આમ ના કરવું જોઈએ. હું પણ એ વિચારતી હતી કે, મુકુલને અને મારે શું સંબંધ છે? આમ તો કોઈ જ નહીં, એને એક છોકરી પાસેથી અચાનક ખેંચી લાવી તે મારી સાહજિક વર્તણૂક હતી પરંતુ એમ કેમ ? હું મનોમન પીડાવા લાગી.
બીજા દિવસે મુકુલ ફરી મને સ્કૂલમાં મળ્યો. એના ચહેરા પર હજી પણ ગુસ્સો હતો. એણે ફરી મને પૂછયું : ‘‘આજે બીજું કોઈ તોફાન કરવાનું છે ખરું ?’’
મેં માત્ર મોં હલાવી ના પાડી.
મુકુલે મને ફરી ગઈકાલની ઘટનાના સંદર્ભમાં પ્રશ્ન પૂછયોઃ ‘‘તને શું થઈ ગયું હતું કાલે ?’’

મેં કહ્યું: ‘‘જો મુકુલ તું બીજી કોઈ છોકરી સાથે વાત કરે છે એ મને નથી ગમતું. બસ મને હરેકપળ એમ જ થાય છે કે તું કાયમ માટે મારી સાથે જ વાત કરે, મને જ મહત્ત્વ આપે, તારી દોસ્ત બીજી કોઈ પણ છોકરી ના હોવી જોઈએ. તારી દોસ્ત કોઈ પણ હોવી જોઈએ તો તે હું અને માત્ર હું જ છું.’’ : આટલું બોલતાં બોલતાં હું શરમાઈ ગઈ.

ભાવાવેશમાં બોલતાં તો હું બોલી ગઈ પણ હું ફરી શરમાઈ ગઈ. મને ચૂપ થઈ ગયેલી જોઈ મુકુલે મારી પાસે આવીને ધીમેથી પૂછયું: ‘‘પણ હું તારો શું છું ?’’
હું તે પ્રશ્નનો જવાબ આપી શકી નહીં. મુકુલ હસવા લાગ્યો. એણે ધીમેથી કહ્યું: ‘‘સ્કૂલમાં આપણે બધાંની સાથે હળીમળીને રહેવું જોઈએ, આવું પાગલપન ના કરાય.’’

થોડી વાર પછી હું બોલીઃ ‘‘આપણે બધાં દોસ્ત નથી, હું અને તું જ દોસ્ત છીએ, તારે બીજી કોઈ છોકરી સાથે દોસ્તી કરવાની નથી.’’ : મારા મોંમાંથી અનાયાસે જ આ વાત નીકળી ગઈ. એ વખતે હું માંડ સત્તર કે અઢાર વર્ષની ટીનએજ ગર્લ હતી. મારી વાત સાંભળી મુકુલ પણ શરમાઈને દૂર જતો રહ્યો.
સમય વહેતો રહ્યો.

સ્કૂલનું ભણતર પૂરું થયું. હવે ઉચ્ચ શિક્ષણ માટે નવી જ કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરવાનું હતું. એક દિવસ મુકુલ મને ફરી મળી ગયો. એણે મને કહ્યું: ‘‘મેં એન્જિનિયરિંગ માટેનું પ્રવેશફોર્મ ભર્યું છે. મેરિટમાં આવી જઈશ તો રૂરકી એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા જવું પડશે.’’ એની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ, વિચલિત થઈ ગઈ. કેટલીક વાર બાદ સ્વસ્થતા હાંસલ કરતાં હું બોલીઃ ‘‘તો તમે મને છોડીને રૂરકી જતા રહેશો ?’’

‘‘તારે તો ખુશ થવું જોઈએ. હું એન્જિનિયર થઈ જઈશ.’’
પણ મુકુલ મારાથી દૂર જાય તે મારાથી સહન થાય તેમ નહોતું. હું રિસાઈને જવા લાગી, પણ મુકુલે મારો હાથ પકડી લેતાં કહ્યું: ‘‘ક્યાં જાય છે ?’’
‘‘ હું ગમે ત્યાં જાઉં તારે શું ?’’ : મેં કહ્યું.
મુકુલે કહ્યું : ‘‘મારી પ્રગતિ તને ગમતી નથી ?’’
મેં કહ્યું : ‘‘ના, એવું નથી પણ બસ હું નથી ઈચ્છતી કે તમે મારાથી દૂર જતા રહો.’’

‘‘કેમ ?’’
મેં કહ્યું : ‘‘બસ. હું તમને ચાહું છું એટલે.’’
મારો જવાબ સાંભળી મુકુલ શરમાઈ ગયો. થોડીવાર પછી એ બોલ્યોઃ ‘‘એ કેવો પ્રેમ કે જે તેને ગમતા પાત્રની કારકિર્દીમાં વિઘ્ન ઊભું કરે. જો તું મને ચાહતી જ હોય તો તું પણ તારી કારકિર્દી બનાવ. હું તને તેજસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવીશ. અને તં મને મારી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવ. પ્રેમ એ રમતગમત નથી. એકબીજાની સામે મોં જોઈને બેસી રહેવું તે પ્રેમ નથી.

જીવનમાં દરેકે કાંઈક બનવું પડે છે અને કાંઈક બનવા માટે મહેનત કરવી પડે છે. સમયનો ભોગ આપવો પડે છે, તું જેને પ્રેમ કહે છે એ તો માત્ર શારીરિક આકર્ષણ જ છે. હું કાંઈ જ નહીં હોઉં તો થોડા દિવસ પછી હું પણ તને નહીં ગમું. હું કાંઈક બનીને તને બતાવી આપવા માંગુ છું. પ્રેમ એ સંવેદના છે પરંતુ જીવન એક કઠોર વાસ્તવિક્તા છે. ભણ્યા વગર ભૂખમરાથી ભરેલા જીવનમાં પ્રેમ ખોવાઈ જાય છે. પછી ઝઘડા થાય છે અને ઘણાંના જીવન નંદવાઈ જાય છે. પ્રેમ પણ હાંસલ કરવા માટે કઠોર તપસ્યા કરવી પડે છે. આપણે એ તપસ્યા વનમાં જઈને નહીં પરંતુ સ્કૂલ કે કોલેજમાં પરિશ્રમપૂર્વક અભ્યાસ કરીને કરવાની હોય છે.’’

એટલું બોલી મુકુલ જતો રહ્યો, એની વાતની મારા દિલોદિમાગ પર ચોંટદાર અસર થઈ. મેં ઘેર આવીને મેં મારા ભાભીને પૂછયું : ‘‘ભાભી, હું એક છોકરાને પ્રેમ કરું છુ. પણ તે તેની કારકિર્દી બનાવવા મારાથી દૂર જઈ રહ્યો છે મને પણ મારી કારકિર્દી બનાવવા શીખામણ આપી રહ્યો છે,હું શું કરું ?’’

ભાભીએ કહ્યું : ‘‘એ છોકરો સાચું જ કહે છે. આજે જે છોકરાને તમે ચાહો છો તે કાલે કાંઈ જ નહીં હોય તો તમારો પ્રેમ પણ મૂરઝાઈ જશે, તેની પાસે કોઈ જ હોદ્દો, પૈસો કે માન નહીં હોય તો તમારું જીવન પણ નર્ક થઈ જશે. મને લાગે છે કે તે અત્યંત સમજદાર છોકરો છે. તમારા માથા પર ચડેલા પ્રેમનો બુખાર ઉતારી નાખો. મારી તો સલાહ છે કે તમે પણ એની સાથે સ્પર્ધા કરો,એનાથી વધુ સારી કારકિર્દી બનાવો, અને પછી જુઓ કે આજે તમે એ છોકરાને પ્રેમ કરો છો એ કરતાં એ છોકરો સામેથી તમને પ્રેમ કરવા દોડશે.’’

મારા ભાભીની વાત મારા ગળે ઊતરી ગઈ. એ પછી મેં કદીયે પાછું વાળીને જોયું નહીં. મેં અભ્યાસમાં મન પરોવ્યું. હું એનાથી એક વર્ષ પાછળ હતી.
બીજા વર્ષે ખૂબ ઊંચા ગુણ સાથે હું પાસ થઈ ગઈ. સદ્નસીબે મને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. આ વાતની જાણ મેં મુકુલને કરી. મુકુલે પહેલી જ વાર મને કહ્યું : ‘‘મને બહુ જ ખુશી થઈ, આઈ લવ યુ.’’ મુકુલના શબ્દોમાં મને પહેલી જ વાર પ્રેમનો આવિર્ભાવ દેખાયો. હું કાંઈ જ ના હોત અને એક સામાન્ય ગ્રેજ્યુએટ જ હોત તો એ મને કદી ‘‘આઈ લવ યુ’’ના કહેત એ વાતનો અહેસાસ મને પહેલી જ વાર થયો.

આ વાતને તો વર્ષો વીતી ગયાં. મુકુલ હવે એન્જિનિયર છે. એક કંપનીમાં ખૂબ જ ઊંચા હોદ્દા પર છે. હું ડોક્ટર છું. મારું પ્રાઈવેટ ર્નિંસગ હોમ છે અને હા, એક વાત કહેવાની રહી ગઈ. હું હવે મુકુલની પત્ની છું.

મને ખાતરી છે કે મેં મારી કારકિર્દી બનાવી ના હોતતો મુકુલનો પ્રેમ મને કદી પ્રાપ્ત થાત નહીં. માત્ર આકર્ષણ એ પ્રેમ નથી.

લેખક – દેવેન્દ્ર પટેલ

ટીપ્પણી