બીઝનેસ

“એય રેંગણા આયા , તુવેરા આયા, ભેંડા આયા …”

મકનજીનો બુલંદ અવાજ સોસાયટીની શેરી વચાળે ગાજી ઉઠ્યો . અવાજ સાંભળતા જ સોસાયટીના સેક્રેટરી અરવિંદ ભાઈ , હિંચકા પરથી સફાળા ઉભા થઇ ગયા . બીજી ક્ષણે તો પગથિયાં ઉતરીને મકનજીની લારી સુધી તેઓ પહોંચી ગયા .

“હરામ ખોર ,સાલાઓ ના પાડી હોવા છતાં તમે લોકો ગેટની અંદર ઘૂસી આવો છો . શાક બકાલાનું તો બહાનું છે . એક વાર અંદર આવ્યા પછી કોઈના ઘરમાં હાથ મારતાં વાર કેટલી?. નીકળ સાલા કમજાત, અત્યારેને અત્યારે બહાર …”

ચાર રસ્તે શાકભાજી વાળાની લારીઓની કોમ્પીટીશનથી બચવા માટે જ મકનજીએ થાકેલા પગે પણ દરેક સોસાયટીમાં ફરવાનું નક્કી કર્યું હતું . પણ અરવિંદ ભાઈએ પળભરમાં એની માર્કેટિંગ સ્ટ્રેટેજીનું ધનોત પનોત કાઢી નાખ્યું .

અરવિંદભાઈનું દૂર્વાસા સ્વરૂપ જોઇને, ગભરાયેલા મકનજીએ ઝડપથી લારીને ધક્કો માર્યો. મોંઘા ભાવનાં એક બે રીંગણા લારી પરથી ગબડીને નીચે પડી ગયાં પણ ભયભીત મકનજી પાસે એ રીંગણા ઉપાડવાના હોશ પણ નાં હતા .

હવે સોસાયટીનો ચોકીદાર બહાદુર, અરવિંદ ભાઈના ગુસ્સાનો બીજો શિકાર હતો. “અગર એક ઓર બાર ભી યે શાકભાજી વાલે યહાં દિખેના તો તેરેકુ લાત મારકે નોકરીસે કાઢ દૂંગા ” ..અરવિંદ ભાઈ એમની કહેવાતી હિન્દી ની ગાડી, ગુજરાતી પૈડાં પર મૂકીને બહાદુર તરફ રુઆબભેર દોડાવી .

ચોકીદાર બહાદુર ,મકનજી સાથેના રોજના બીડી વ્યવહારથી ,મકનજીની સગર્ભા પત્નીની પરિસ્થિતિથી વાકેફ હતો. જો કે અત્યારે અરવિંદ ભાઈના આક્રોશથી આતંકિત બહાદુરે પોતાની નોકરીની સલામતી વિશેષ જરૂરી સમજી. બહાદુરને ખખડાવીને અરવિંદભાઈ પોતાના બંગલાનો ઝાંપો ખોલતા જ હતા કે ખીસ્સામાં મૂકેલો મોબાઈલ રણકી ઉઠ્યો . મોબાઈલના રીંગ ટોન પર અરવિંદભાઈનું માનીતું ભજન ..”વૈષ્ણવ જન તો તેને રે કહીએ ,જે પીડ પરાઈ ..” ,અરવિંદ ભાઈએ ટોકનું બટન દબાવતા જ થંભી ગયું .

હવે ,અરવિંદ ભાઈ સોસાયટીના સેક્રેટરીમાંથી બીઝનેસ મેનના રોલમાં પલટો કરી ચૂક્યા હતા અને એમના ભાગીદારને કહી રહ્યા હતા .

“અરે, બીઝનેસ એટલે બીઝનેસ …,ધંધો મળતો હોય ને ,તો આપણે પ્રોડક્ટના સેમ્પલસ લઈને સીધા પાર્ટીની ઓફિસે જ પહોંચી જાશુંને ..?”

બહાર, બહાદૂરની નજર ચૂકવીને સિફતથી ઘૂસી આવેલી ગાય, મકનજીની લારીમાંથી પડી ગયેલાં રીંગણાની જયાફત ઉડાવી રહી હતી …!!!

લેખક – હેમલ વૈષ્ણવ
બ્લોગ – http://Bozil.wordpress.com

ટીપ્પણી