ધંધો મોટો કે વાઇટ કોલર નોકરી ? – આજના દરેક પ્રોફેશનલ-નોકરિયાતની આંખો ખુલી જશે…

રમેશ બી.ટેક. પૂરું કર્યા બાદ, કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પસંદગી પામી એક MNCમાં જોડાયો. તેના સગાંવહાલાં તેમજ મિત્રોએ તેની સફળતા માટે કામના કરી. રમેશ નો ચહેરો એક પૂર્ણ પ્રકાશિત બત્તીની જેમ ઝળહળી ઊઠ્યો. તેણે વિચાર્યું ” આજથી આવનારો દરેક દિવસ ખુશહાલી લાવશે.”

રમેશ નો પાડોસી સુરેશ બી.એ.માં નાપાસ થયો. બધાં સગાંઓ-મિત્રોએ તેને દોષી ઠરાવ્યો. મુંબઈ માં દરેક જણ બી.ટેક પસાર કરેલો હતો પણ સુરેશ તો બી.એ. પણ ન થઇ શક્યો.

સુરેશ ને ઈડલી,ઢોંસા,પાન કે દૂધ વેંચી ગુજારો કરવાની સલાહો મળવા લાગી. તેના પિતા માટે આ બાબત ખૂબ શરમજનક બની. હવે શું કરવું ? સુરેશ એ પોતાની માતા પાસેથી રૂ. બે લાખ માંગ્યા. એક મામા પાસેથી રૂ. બે લાખ ઉછીના લીધા. થોડી ભેંસ ખરીદીને દૂધનો વેપાર શરૂ કર્યો. રમેશ એ પોતાના ક્રેડિટ કાર્ડથી એક મોટરસાઇકલ ખરીદી, જેથી એના પર રોજ ઓફિસ જઇ શકાય. સુરેશ એ પણ TVS ઉપર દૂધના કેન ભરાવી દૂધ વેંચવું શરૂ કર્યું. રમેશ એ ગર્વથી સુરેશ ને ‘hi ‘ કહ્યું. સુરેશ એ મ્લાન સ્મિત સાથે તેનું અભિવાદન કર્યું. અને બંને પોતપોતાના કામે લાગી ગયા.

છ મહિના પસાર થયા….

રમેશ એ મોટરસાઇકલની ખરીદી પેટેની ૨૦% રકમ ભરી દીધી. હજુ રૂ. એંશી હજાર ભરવાના બાકી હતા. સુરેશ એ ઉછીના લીધેલા રૂ. બે લાખમાંથી, એક લાખ ચૂકવી દીધા. જયારે બંને મળ્યા ત્યારે રમેશ એ પોતાના બાકી રહેલા દેવા વિષે વિચારીને એક નાનકડું સ્મિત આપ્યું. સુરેશ એ પણ પોતાની એક લાખની લોન યાદ કરી સ્મિત વેર્યું.

એક વર્ષ પછી…

રમેશ ને જંગી પગાર વધારાની આશા હતી. પરંતુ અચાનક આવી પડેલી મંદીને લીધે, કંપનીએ ઇમેઇલથી જાણ કરી કે કોઈ પગાર વધારો આપવામાં નહીં આવે. અર્ધા લીટર દૂધનો ભાવ રૂ.૧૦માંથી રૂ.૧૪ થઇ ગયો. જેનાથી સુરેશ ને ૩૦% જેટલો ફાયદો થયો અને તેને બાકીના રૂ.એક લાખની લોન ભરવામાં સહાયતા મળી.

અત્યાર સુધીમાં મુશ્કેલીથી રમેશ એ મોટરસાઇકલની બાકીની લોન ભરી હતી અને રૂ. બે લાખની, ૧૬% વ્યાજ સાથેની બીજી એક વ્યક્તિગત લોન લીધી હતી. રમેશ એ આ લોનમાંથી રાચરચીલું, LCD , લેપટોપ વગેરે ખરીદ્યુ. બધાંએ રમેશ ના વખાણ કર્યાં કેમકે ફક્ત બે જ વર્ષના ગાળામાં તેણે આટલી બધી વસ્તુઓ ખરીદી હતી. તે જ વખતે સુરેશ એ તેના ધંધામાં નફો થતાં વધુ ૧૨ ભેંસ ખરીદી જેથી તેની આવક બમણી થઇ ગઈ. બંને ફરીથી મળ્યા. રમેશ એ વિલાયેલું સ્મિત આપ્યું, કારણ હતું પોતાની વ્યક્તિગત લોન. જયારે સુરેશ એ પહોળા મોં સાથે સ્મિત આપ્યું કેમકે હવે તે કરજમાંથી સંપૂર્ણપણે મુકત હતો.

બે વર્ષ પછી રમેશ ને ૧૦% પગાર વધારો મળ્યો. એ પછી તેણે મારુતિ વેગન-આર લોનથી ખરીદી. એ દરમિયાન સુરેશ એ પોતાની ત્રણ ડઝન ભેંસ માટે બે એકર જમીન ખરીદી. દૂધનો ભાવ ફરી ૩૦% જેટલો વધ્યો. હવે સુરેશ , રમેશ કરતાં ૨૦૦% વધુ કમાવવા લાગ્યો હતો. સુરેશ પાસે દૂધ વેંચવા પોતાની રીક્ષા હતી. ફરી એક વખત બંનેનો ભેંટો થયો. લોન અને તેના ચડત વ્યાજને લઈને રમેશ તો હસી જ ન શક્યો. સુરેશ રીક્ષા ચલાવતાં-ચલાવતાં આનંદિત થઈને હસ્યો.

બીજાં બે વર્ષ પસાર થયાં…

રમેશ એ રૂ. ચાલીસ લાખની ઘર માટેની લોન લઇ એમાંથી એક એપાર્ટમેન્ટ ખરીદ્યુ. સુરેશ પાસે હવે ૧૨૬ ભેંસ હતી. સુરેશ એ બે એપાર્ટમેન્ટ ખરીદ્યા. રમેશ ને બીજો ૧૦% પગાર વધારો મળ્યો. દૂધનો ભાવ હવે રૂ.૪૦ થયો હતો. સુરેશ ની કુલ આવક રમેશ કરતાં ૫૦૦ ગણી થઇ ગઈ હતી.

સુરેશ પાસે એક સ્કોડા અને એક ઇનોવા ગાડી હતી. બંને મળ્યા. રમેશ પોતાની રૂ. ચાલીસ લાખની લોનને લીધે પાછો પડતો હતો. સુરેશ એ પહોળું મોં કરી સ્મિત રેલાવ્યું. કેમકે હવે તેની પાસે એક મધ્યમ કદની ફેક્ટરી દૂધની ફેક્ટરી હતી, જેમાં ૧૭૦થી વધુ ભેંસ અને ૨૫ કાર્યકરો હતા.

એ રાત્રે રમેશ ને ખૂબ પછડાટ લાગી. છેલ્લા પાંચ વર્ષોમાં સુરેશ રૂ. ૪ કરોડ કમાયો હતો, તેની માસિક આવક રૂ.૫ લાખ હતી અને તેણે ૨૫ માણસો પણ કામે રાખેલા હતા. રમેશ નો વાર્ષિક પગાર રૂ. ૭ લાખ અને રૂ. ૪૦ લાખનું દેવું હતું. તે ઉપરાંત નોકરીને લીધે તેને અકળાવી નાંખતો અસંતોષ હતો. આ તેનું સરવૈયું હતું.

તમારે જાણવા જેવા સત્યો :

૨૦૦૮માં દૂધનો ભાવ રૂ.૧૦ પ્રતિ લીટર હતો. હવે તે રૂ.૪૦ છે. સોનું, રૂ.૧૨,૫૦૦ ના ભાવે ૧૦ ગ્રામ હતું. હવે તેનો ભાવ રૂ. ૩૦,૦૦૦ છે. છેલ્લા પાંચ વર્ષમાં સોફ્ટવેર કંપનીઓમાં કામ કરતાં નોકરિયાતોને ફક્ત ૩૦% પગાર વધારો મળ્યો છે, જયારે બધી જ વસ્તુઓના ભાવ ૩૦૦% વધ્યા છે. છતાં મોટા ભાગના ભારતીય મા-બાપ હજુ એ ગેરસમજમાં જીવે છે કે એન્જીનીઅરીંગ જ એક પામવા જેવી કારકિર્દી છે.

લેખન-સંકલન : રૂપલ વસાવડા (બેંગ્લોર)

ફ્રેન્ડસ, આ વિષય પર તમારું શું માનવું છે ?? લેખકે સમજાવેલ સત્યો પર તમારી પ્રતિક્રિયા ??

ટીપ્પણી