ઓળખીતામાં ક્યારેય કોઇને લકવો/એક બાજુ અંગમાં નબળાઇ/બોલવામાં તોતડાવું જેવું થયું છે? તો પોસ્ટ અચૂક વાંચો

ઓળખીતામાં ક્યારેય કોઇને લકવો થયો છે? કે પછી એક બાજુનાં અંગમાં નબળાઇ આવી ગઇ હોય કે પછી બોલવામાં અચાનક તોતડાવું? તો આ પોસ્ટ અચૂક વાંચો..

મગજનો એટેકઃ સ્ટ્રોક

મગજની નળી બ્લોક (બંધ) થઈ જવાને કારણે મગજના ભાગને લોહી મળતું બંધ થઈ જાય છે જેથી તે ભાગને નુકસાન પહોંચે છે. તેના કારણે હાથ-પગનું હલનચલન બંધ થાય છે અથવા એક બાજુનું આખું અંગ રહી જાય છે તેને સ્ટ્રોક કે લકવો કહે છે.

સ્ટ્રોક બે પ્રકારના હોય છે. નળી બંધ થવાને કારણે થાય તેને ઈશ્ચેમિક (ischemic) સ્ટ્રોક કહે છે. જ્યારે નળીના ફાટી જવાને કારણે થાય છે તેને હેમરેજિક સ્ટ્રોક કહે છે. ૮૫ ટકા નળી બંધ થવાને કારણે અને ૧૫ ટકા હેમરેજિક સ્ટ્રોક હોય છે. જે રીતે હાર્ટ એટેક આવે તે જ રીતે આ બ્રેન એટેક હોય છે.

લક્ષણો

અચાનક એક બાજુનું આખું અંગ રહી જવું એટલે કે લકવો થઈ જવો.

બોલવામાં અચાનક તોતડાવું.

અચાનક મોં કે જડબું એક તરફ ઢળી જવું કે દોઢું થઈ જવું.

અચાનક બોલવાનું બંધ થઈ જવું અથવા વાત સમજણમાં ન આવવી. આ બંનેને એફેસિયા કહે છે.

અચાનક પગનું લડખડાવું એટલે કે ચાલતી વખતે સંતુલન ન રહેવું.

અચાનક એક આંખે કે બંને આંખે જોવામાં તકલીફ થવી કે સદંતર દેખાતું બંધ થઈ જવું.

અચાનક બેભાન થઈ જવું.

નળી બંધ થવાનાં કારણો

હાર્ટ એટેક માટે જેટલાં કારણો જવાબદાર છે તે જ કારણો બ્રેન એટેક માટે પણ જવાબદાર છે. જેમ કે-

હાઈ બ્લડપ્રેશર

હૃદયરોગ

ડાયાબિટીસ

મેદસ્વિતા

કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ.

ધૂમ્રપાનની ટેવ.

આલ્કોહોલનું વધારે પડતું સેવન.

અનિયમિત જીવનશૈલી.

આનુવંશિક

આનુવંશિક, પુરુષ-જાતિ અને ઉંમર સિવાયનાં બધાં જ કારણો એવાં છે કે જેમાં આપણે ફેરબદલ કરી શકીએ છીએ.. એટલે કે તેના પર આપણે અંકુશ રાખી શકીએ છીએ. આનુવંશિક કારણ એવું છે કે જેમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરબદલ કે અંકુશ રાખી શકતા નથી.

નિદાન

સામાન્ય રીતે સ્ટ્રોકના દર્દીનો સીટી સ્કેન કરવો જરૂરી છે. આ સિવાય એમ.આર.આઈ પણ કરી શકાય છે. નળીઓ (આર્ટરીઝ)ને જોવા માટે સીટી એન્જિયોગ્રાફી પણ કરી શકાય છે.

નળી બ્લોક થાય ત્યારે

નળી બ્લોક થઈ ગઈ હોય તેવા કિસ્સામાં જો દર્દી સમયસર ડોક્ટર પાસે પહોંચી જાય અને સીટી સ્કેન કરાવે અને જો તે હેમરેજ ન હોય તો ક્લોટ બસ્ટર ડ્રગ અપાય છે. આરટીપીએ (એલ્ટીપ્લેસ)થી ક્લોટને ડિસોલ્વ (ઓગાળવું) કરી શકાય છે. આ સિવાય આઈ.વી થ્રોમ્બોલિસિસ કરવામાં આવે છે. તેનાથી પેશન્ટને ઘણો ફાયદો થઈ શકે છે, પરંતુ તેમાં સમય સૌથી મહત્ત્વનું પરિબળ છે. સ્ટ્રોકના સાડા ચાર કલાકના સમયમાં જો દર્દી ન પહોંચે તો તેને આ દવાઓ આપી શકાતી નથી. જો બહુ મોટો ક્લોટ થાય અને malignant infarction થાય તો લાઈફ સેવિંગ પ્રોસિજર જેમ કે, ડીકોમ્પ્રેસિવ હેમીક્રેનિક્ટોમી (hemicraniectomy) પણ કરવામાં આવે છે.

ઘણાં કિસ્સામાં સીટી એન્જિયોનો ટેસ્ટ કરીને તેને ઈન્ટ્રા આર્ટેરિયલ થેરાપી (intra arterial therapy) આપી શકાય છે. જે દર્દીઓ આ સમયમાં પણ ન પહોંચી શક્યા હોય અને ક્લોટ બસ્ટર ડ્રગ આપી શક્યા ન હોય ત્યારે દર્દીને શાના કારણે સ્ટ્રોક આવ્યો છે તેનાં કારણો જાણવા માટે ઉપર પ્રમાણેના કે ડોક્ટર સૂચવે તે પ્રમાણેના ટેસ્ટ કરાવવા જોઈએ અને સારવાર લેવી જોઈએ. આ દર્દીઓએ હતાશ થયા વગર લકવા માટે ફિઝિયોથેરાપી અને દવાઓથી ઈલાજ કરાવવો જોઈએ.

જો સાડા ચાર કલાકમાં નિદાન થાય અને બ્લોક નળી ખૂલી જાય તો દર્દીને તે જ વખતે ઘણો ફાયદો થઈ જાય છે અને તે સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

નળી ફાટવાનાં કારણો અને ત્યારે શું કરી શકાય?

નળી ફાટવાનું સૌથી મુખ્ય કારણ હાઈ બ્લડપ્રેશર છે. બીજું કારણ નળીમાં એન્યુરિઝમ (ગઠ્ઠો થઈ જવો કે ફુગ્ગાની જેમ ફૂલી જવું) થાય જેને કારણે હેમરેજ થઈ શકે છે. એન્યોરિઝમનો ઈલાજ ઓપરેશનથી ક્લીપિંગ અથવા કોઇલિંગથી થઈ શકે છે. બહુ મોટું હેમરેજ હોય તો ડીકોમ્પ્રેસિવ હેમીક્રેનિક્ટોમી કરવી પડે છે.

જ્યારે કોઈને નળી બંધ થવાને કારણે કે હેમરેજને કારણે લકવો થાય તો તેણે હતાશ થવાને બદલે કારણો જાણીને યોગ્ય સારવાર અને ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ.

આટલું ધ્યાનમાં રાખો

નળી ટેમ્પરરી બ્લોક થઈ જાય એટલે કે ટીઆઈએ (ટ્રાન્ઝિઅન્ટ ઈશ્ચેમિક એટેક) જેમાં પાંચ મિનિટ માટે ઉપર જણાવેલાં લક્ષણો જોવા મળે તો પોતાને નસીબદાર સમજવાને બદલે નજીકની હોસ્પિટલ કે ન્યૂરોફિઝિશિયન અથવા સ્ટ્રોક સ્પેશ્યાલિસ્ટ પાસે જવું જોઈએ, કારણ કે તેમને ન બતાવવાને કારણે સ્ટ્રોક આવી શકે છે. આવા કિસ્સામાં સામાન્ય રીતે એક જ અઠવાડિયામાં ૩૩ ટકા લોકોને સ્ટ્રોક થઈ શકે છે.

તમારા પરિવારમાં કે ઓળખીતામાં ક્યારેય આવી રીતે કોઇને લકવો કે લકવાની અસર થઇ હોય અથવા તો બ્રેઇન સ્ટ્રોક થયો હોય તો અચૂક આ પોસ્ટ બીજાને પણ શેર કરો..  ધણી વખત આવા સામાન્ય લાગતા “લકવાની અસર”માં લોકો મોડુ કરી દેતા હોય છે અને સાડા-ચાર કલાકની અંદર હોસ્પીટલની મુલાકાત નથી લેતા.. આવા કેસમાં લાંબા ગાળાની કસરતો કરવી પડે છે અને ત્યારબાદ પણ સંપૂર્ણપણે સારું નથી થતું હોતું.. માટે જ આ પોસ્ટને બને એટલી વધુ ફેલાવો કારણ કે આ બાબતમં જાગૃતિ આવે એ બહુ જરુરી છે..

ટીપ્પણી